આર્જુનાયન : પ્રાચીન સમયના આદિવાસી લોકો. તેઓ પાંડવોમાંના અર્જુન અથવા તે નામના હૈહય કુળના રાજામાંથી ઊતરી આવ્યાનો દાવો કરે છે. આગ્રા અને મથુરાની પશ્ચિમે રાજસ્થાનમાં ભરતપુર તથા અલવરની આસપાસ તેમનું ગણરાજ્ય હતું. તેમના ગણરાજ્યના સિક્કા ઈ. પૂ. પ્રથમ સદીનાં છેલ્લાં વર્ષોના બ્રાહ્મી લિપિના ‘आर्जुनायनानाम् जयः ।’ લખેલા મળ્યા છે. એમના સિક્કાની એક બાજુ વૃષભ અને બીજી બાજુ માનવ-આકૃતિ કંડારેલી જણાય છે. ઈ. પૂ.ની પ્રથમ સદીની મધ્યમાં ઇન્ડો-ગ્રીક સત્તાના ક્રમશ: પતન સાથે આર્જુનાયનો તથા યૌધેયોની સત્તા વિકસતી હતી; પરંતુ તે સદીના અંત સુધીમાં શકોએ તેમને હરાવ્યા. કુષાણોની સત્તાના પતન બાદ તેમણે તેમનું રાજકીય મહત્વ વધાર્યું; પરંતુ ચોથી સદીની મધ્યમાં ગુપ્ત વંશના સમ્રાટ સમુદ્રગુપ્તે કરેલા અનેક વિજયોની વિગતો નોંધતા અલ્લાહાબાદના સ્તંભલેખમાં આર્જુનાયન લોકોના ગણરાજ્યનો પણ ઉલ્લેખ થયો છે. છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતના મહત્વના લોકો તરીકે વરાહમિહિરે તેમનો ઉલ્લેખ કર્યો છે.

રસેશ જમીનદાર