આમ : જૈન પ્રબંધોમાં નિર્દિષ્ટ એક રાજા. તે કયો એ બાબતમાં મતભેદ છે. કેટલાક તેને કનોજનો પ્રતીહાર રાજા નાગભટ્ટ પહેલો માને છે, જ્યારે અન્ય વિદ્વાનો તેને એ વંશનો વત્સરાજ માને છે. આઠમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ રાજાએ, જૈન અનુશ્રુતિ મુજબ, કનોજમાં 100 હાથ ઊંચું મંદિર બંધાવેલું ને એમાં મહાવીરસ્વામીની સોનાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી; ગ્વાલિયરમાં એણે મહાવીરસ્વામીની 23 હાથ ઊંચી મૂર્તિ કરાવી હતી. તેણે કનોજ, મથુરા, અણહિલવાડ, મોઢેરા વગેરે સ્થળોએ પણ જૈન મંદિરો બંધાવેલાં હતાં.

પ્રવીણચંદ્ર પરીખ