આમટે, બાબા (જ. 26 ડિસેમ્બર 1914; અ. 9 ફેબ્રુઆરી 2008, આનંદવન, વરોરા, જિલ્લો ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ભારતના પ્રતિભાસંપન્ન સમાજસેવક, ચિંતક, કવિ. રક્તપિત્તના રોગીઓ, અપંગો અને આદિવાસીઓ સ્વમાનથી જીવી શકે એ માટે તેમણે અથાગ પરિશ્રમથી સ્થાપેલી સંસ્થાઓ જગતભરમાં વિખ્યાત છે. બાળપણથી જ તેઓ કંઈક કરી છૂટવા માટે સતત અજંપો અનુભવતા હતા. બાર વર્ષની ઉંમરે તેઓ મહારાષ્ટ્રમાં ચંદ્રપુર જિલ્લાના આદિવાસીઓ સાથે રહેવા નીકળી પડ્યા હતા. અનેકવિધ અનુભવ લેતાં લેતાં તેઓ નાગપુરમાંથી બી.એ. અને એલએલ.બી.ની ઉપાધિઓ મેળવીને વકીલ બન્યા. વર્ધા પાસેના વરોરા ગામમાં તેમણે વકીલાત શરૂ કરી. વાઘનો શિકાર, કુસ્તી, ચિત્રપટ-વિવેચન જેવા શોખ પણ તેમને હતા. વરોરા ગામના ઉકરડા પાસે પડેલા એક રક્તપિત્તના રોગીને જોઈને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. મનુષ્યદેહની થતી આવી દુર્દશા જોઈને તેમણે રક્તપિત્તના રોગ સામે ઝઝૂમવાનું નક્કી કર્યું. 1948માં કૉલકાતા સ્કૂલ ઑવ્ ટ્રૉપિકલ મેડિસિનમાં આ રોગના ઉપચારની તાલીમ મેળવવા માટે દાખલ થયા. તે વખતે આ રોગ અસાધ્ય ગણાતો હતો. રક્તપિત્ત ફક્ત માનવપ્રાણીને જ થતો રોગ હોવાથી અન્ય પ્રાણીઓ પર પ્રયોગ કરવાનું શક્ય નહોતું. આ વાત જાણ્યા પછી બાબા આમટેએ પોતાના શરીર પર પ્રયોગો કરવાની હિંમત દાખવી. તેમના શરીરમાં આ રોગનાં જંતુઓ દાખલ કરવામાં આવ્યાં, પણ તેમને એ રોગ થયો નહિ. આ અરસામાં ડી. ડી. એસ. નામે ઓળખાતી દવા શોધાઈ અને સુલભ બની. બાબા આમટેએ પ્રયોગો બંધ કર્યા અને રોગીઓના ઇલાજ અને પુનર્વસવાટનું કામ હાથ ધર્યું.

1950માં વરોરા પાછા આવીને તે ગામની બહાર એક ઉજ્જડ જમીન સરકાર પાસેથી મેળવી અને ચૌદ રૂપિયા, એક લંગડી ગાય અને છ રક્તપિત્તિયાં સાથે તેમનાં પત્ની સાધનાતાઇના સહકારથી ખેતી કરવાનું શરૂ કર્યું. 1949માં બાબાએ મહારોગી સેવાસમિતિની સ્થાપના કરી હતી. 1951માં વિનોબા ભાવેના હસ્તે ત્યાં જ ‘આનંદવન’ સંસ્થાનું વિધિવત્ ઉદઘાટન થયું. આજે આનંદવનમાં બે હજારથી વધારે રક્તપિત્તિયાં અને અપંગો ખેતી, દુગ્ધવ્યવસાય અને નાનામોટા અનેક ઉદ્યોગો દ્વારા રોજી મેળવીને સ્વમાનભેર જીવે છે.

1974માં બાબા આમટેએ ચંદ્રપુરના દંડકારણ્યમાં આદિવાસી લોકોની સેવા માટે ‘લોકબિરાદરી’ નામની સંસ્થા સ્થાપી. મહારાષ્ટ્ર અને આંધ્રની સરહદ પર આવેલા આદિવાસીઓ અનેક કુદરતી આફતોથી પીડાતા હતા. તેઓ અંધશ્રદ્ધાળુ હતા. આદિવાસી સંસ્કૃતિનું હાર્દ જાળવી રાખીને બાબા આમટેએ અહીં નિશાળો, દવાખાનાં, ઉદ્યોગકેન્દ્રો સ્થાપ્યાં. ખેતીની યોગ્ય પદ્ધતિઓથી ઉત્તમ ખેતી વિકસાવી. સમય જતાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજની સ્થાપના થઈ. પછી વૃદ્ધાશ્રમ, સામૂહિક વિવાહકેન્દ્ર અને અનાથાલય શરૂ થયાં. તેમના બે પુત્રો વિકાસ અને પ્રકાશ અને પુત્રવધૂઓ ભારતી અને મંદા ડૉક્ટર છે. આ ચારેય ડૉક્ટરો રક્તપિત્તના દર્દીઓ અને આદિવાસીઓની સેવામાં રત છે.

બાબા આમટે કવિ પણ હતા. તેમના બે કાવ્યસંગ્રહો ‘જ્વાલા આણિ ફૂલે’ (1965) અને ‘કરુણેચા કલામ’ (1984) ખૂબ લોકપ્રિય બન્યા છે. કાવ્યોમાં તેમણે માનવસમાજ સામે પડેલા અનેકવિધ પડકારોને ઓજસ્વી અને સંવેદનશીલ વાણીમાં વ્યક્ત કર્યા છે.

બાબાઆમટે

પંજાબમાં ત્રાસવાદીઓની હિંસક ઘટનાઓથી વ્યથિત થઈને બાબા આમટેએ ડિસેમ્બર, 1985માં ભારતભરનાં 110 યુવક-યુવતીઓ સાથે એકતાનો સંદેશો ફેલાવવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો’ સાઇકલયાત્રાની રાહબરી કરી હતી. પંજાબની સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેમણે બિનસરકારી સ્તર પર સક્રિય પ્રયાસ કર્યા હતા. શીખ યુવાપેઢીને વિશ્વાસમાં લઈને પંજાબની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ કરી શકાય તેવી તેમને શ્રદ્ધા છે.

બાબા આમટેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. તેમાં ‘રાષ્ટ્રભૂષણ’ (1978), જમનાલાલ બજાજ પુરસ્કાર (1979), ડૅનિયન ડટ્ટન પુરસ્કાર (1983), મૅગ્સેસે પુરસ્કાર (1985) અને રાષ્ટ્રસંઘ શાંતિ પુરસ્કાર(1988)નો સમાવેશ થાય છે. 1985માં તેમને ભારત સરકારના ‘પદ્મવિભૂષણ’ અલંકરણથી સન્માનવામાં આવ્યા હતા. તેમની રક્તપિત્તિયાંની સારવાર અંગેની કામગીરી બદલ 1999નો પ્રતિષ્ઠિત ગાંધી શાન્તિ પુરસ્કાર તેમને એનાયત થયેલો છે. નર્મદા યોજનાને અંગે પર્યાવરણને અનુલક્ષીને તેમણે નર્મદાવિરોધી આંદોલનને સમર્થન આપ્યું હતું.

જયંત ર. જોશી