આબે, પિયર (5 ઑગસ્ટ 1912, ફ્રાન્સ; અ. 22 જાન્યુઆરી 2007, પૅરિસ, ફ્રાન્સ) : લોકોમાં અનેકવિધ સેવાકાર્યોથી અને યુદ્ધમોરચે પરાક્રમોથી જાણીતા થયેલા ફ્રાન્સના પાદરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના લશ્કરના આક્રમણનો સામનો કરવામાં તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો અને આલ્સેસ તથા આલ્પ્સના મોરચે અપૂર્વ પરાક્રમ દાખવ્યું હતું. 1944માં તેમણે કાસાબ્લેન્કામાં નૌકાસૈન્યમાં પાદરીનું સ્થાન લીધું હતું અને 1945માં ફ્રાન્સના સમગ્ર નૌકાકાફલાના પાદરી તરીકે તેઓ નિમાયા હતા. ફ્રાન્સ ઉપર કબજો જમાવીને બેઠેલા જર્મનીના લશ્કર સામે પ્રતિકાર કરીને તેમણે જે પરાક્રમ દાખવ્યું તે માટે તેમને ‘ક્રૉસ’ એનાયત કરવામાં આવ્યો હતો.

યુદ્ધ પછી મળેલી ફ્રાન્સની બંધારણસભાના તેઓ સભ્ય હતા, જેમાંથી 1951માં તેમણે રાજીનામું આપ્યું હતું. યુદ્ધને કારણે બેઘર બનેલા લોકો માટે ઘર મેળવવાં દુષ્કર છતાંએ માનવીય કાર્યમાં તેઓ જોડાયા હતા અને એ માટે ફ્રાન્સની સરકારની મોટી સહાય મેળવવામાં સફળ થયા હતા. ગરીબો માટે તેમણે કરેલા કાર્યની વિશેષતા એ હતી કે પસ્તી અને ચીંથરાં જેવી તદ્દન નકામી ગણાતી વસ્તુઓ ભેગી કરીને તેમાંથી માત્ર ધન એકત્ર કરીને જ નહિ; પરંતુ સ્વાશ્રય અને એકતાની ભાવના જાગ્રત કરીને ગરીબ લોકોને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય તેમણે કરી બતાવ્યું હતું.

તેમને ‘લીજિયન ઑવ્ ઑનર’ તથા ‘આલ્બર્ટ શ્વાઇટ્ઝર ચંદ્રક’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

દેવવ્રત  પાઠક