આબેલ, કયેલ્દ

January, 2002

આબેલ, કયેલ્દ (જ. 1901 જટલૅન્ડ, રીબે, ડેન્માર્ક; અ. 1961, કોપનહેગન) : ડેનિશ નાટ્યકાર. 1927માં રાજ્યશાસ્ત્ર વિષય લઈને સ્નાતક થયેલા. તેમણે રંગભૂમિની કલામાં નૈપુણ્ય પ્રાપ્ત કરેલું. લંડન અને પૅરિસમાં (1927-30) અભિનય કરીને રંગભૂમિનું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું. તેમણે લખેલાં નાટકોમાં ‘મેલોડિએન ડેર બ્લેવાયેક’ (‘ધ મેલડી ધૅટ ગૉટ લૉસ્ટ’) (1935) તેમનું પ્રથમ યશસ્વી નાટક. તે ઘણું જ લોકપ્રિય થયેલું. ‘ઈવ સર્વ્ઝ હર ચાઇલ્ડહૂડ ડ્યૂટી’ (1936) તેમનું એવું જ બીજું નાટક. ‘એના સૉફી હૅડ વિંગ’ (1939) ગંભીર સમસ્યાપ્રધાન નાટક છે. સ્પેનના યુદ્ધ અંગે તટસ્થ રહેનાર નાગરિકોની ઉદાસીનતાને તેમણે આ નાટકોમાં ગૂંથી છે. તેમનાં અન્ય નાટકોમાં મૂડીવાદી મનોવૃત્તિ, બુદ્ધિવાદી અને વ્યક્તિવાદીઓની નિષ્ક્રિયતા ઉપર કટાક્ષ સહિત પ્રેમ અને બંધુત્વ વિશે શ્રદ્ધા વ્યક્ત થયેલી દેખાય છે. રંગભૂમિની નેપથ્યકલા તથા પ્રકાશ-આયોજન જેવાં કાર્યોમાં તેઓ નિષ્ણાત હતા. ‘થૅંક્સ ફૉર કમિંગ’ અને ‘ધ રેન સ્ટૉપ્ડ’ જેવી પટકથાઓ પણ તેમણે લખેલી.

નલિન પંડ્યા