આદિવાસી સમાજ

– પ્રાસ્તાવિક – ધાર્મિક પ્રણાલિકાઓ
– ગુજરાતના આદિવાસીઓ – આદિવાસી રાજનૈતિક સંગઠન
– ભારતના આદિવાસીઓ – આદિવાસી અને રાજકારણ
– આફ્રિકાના આદિવાસીઓ – ભૂમિ-અધિકારો
– આદિવાસી સામાજિક સંગઠન – જમીન સંબંધી વિવાદો
– આદિવાસી સામાજિક સમાનતા – આદિવાસી બળવા અને સામાજિક ચળવળો
– પરંપરાગત કાયદો – આદિવાસી વિકાસયોજનાઓ
– આદિવાસી સ્ત્રીઓ – આદિવાસી કળા
– યુવાગૃહ – આદિવાસી નૃત્ય
– આદિવાસી લગ્નપ્રથા – આદિવાસી સંગીત
– આદિવાસી ખ્રિસ્તીકરણ – આદિવાસી ભાષા અને સંચારમાધ્યમો
– આદિવાસી લોકવાઙ્મય
– વિકસતા સમાજો

આદિવાસી સમાજો વૈવિધ્યસભર હોય છે. ધરતીના કયા ભાગમાં અને કુદરતની કેવી પરિસ્થિતિમાં તેઓ ઊછર્યા છે તેની ઉપર એમનાં શારીરિક દેખાવ – બંધારણ, રહેઠાણ, ખોરાક, વેશભૂષા, કલાકૌશલ્ય, સંગઠન, ધર્મ, રમતગમત વગેરે આધાર રાખે છે. જન્મ, લગ્ન, મરણ વગેરેને લગતા સામાજિક રીતિરિવાજો અને ધાર્મિક ક્રિયાકાંડમાં વપરાતી વસ્તુઓ પણ ભૌગોલિક સંપત્તિને અનુકૂળ હોય છે.

આદિવાસી જૂથના નાનામોટા કદના અપવાદ સિવાય વિશ્ર્વના બધા સમાજોને કુદરતનાં સર્જક અને વિનાશક પરિબળો સાથે સામંજસ્યમાં અથવા સંઘર્ષમાં જીવન ટકાવવું પડે છે. આધુનિક ઉદ્યોગીકરણથી પ્રભાવિત સમાજો કરતાં એમનું જીવન સૌથી વધુ કુદરતને અધીન હોય છે. જંગલમાં વસતાં હિંસક પશુઓ અને પક્ષીઓ સાથે પણ એમણે સહિષ્ણુતાના સંબંધો જાળવ્યા હોય છે. શિકાર કરીને પોષણ કરનારાઓ ઇષ્ટદેવનું નામ લઈને શિકારે જાય છે અને તેથી એક જાતનો સંયમ જળવાય છે. તેમની સૌથી અગત્યની લાક્ષણિકતા એ છે કે એમણે કુદરતનાં પરિબળો ઉપર પોતાનું વર્ચસ્ જમાવવાનો ઓછામાં ઓછો પ્રયત્ન કર્યો છે. આથી આદિવાસી પ્રદેશોમાં પર્યાવરણની સમતુલા જળવાઈ શકી છે. ધરતીની સંપત્તિ વેડફી નાખીને અવિચારીપણે જીવવાની ઘેલછા તેમનામાં જોવા મળતી નથી.

આદિવાસી સમાજોમાં કાળક્રમે પ્રજાતીય વૈવિધ્ય વધતું રહ્યું છે. જીવન વિશેની માન્યતાનું માળખું અને દુનિયા શું છે તે વિશે તેમની પરિકલ્પનાઓ આગવી હોવાથી દરેક સમાજમાં લોહીની વર્ણસંકરતા અને વિચારોના શંભુમેળાના બનાવો ઉપર અંકુશ રહે છે. આમ છતાં વેપારી લેવડદેવડ અને આવાગમનમાં ઉત્તરોત્તર વધારો થવાથી સ્થાનાંતરને કારણે સાંસ્કૃતિક અને પ્રજાતિની શુદ્ધતાની ર્દષ્ટિએ અગણિત જૂથો અને પેટા-જૂથો અસ્તિત્વમાં આવ્યાં છે. સાંપ્રદાયિક કે વ્યાવસાયિક વર્ગ અને જ્ઞાતિપ્રથાની ઉત્પત્તિ પાછળ આ પ્રકારનાં પરિવર્તનો રહેલાં હોય છે. સામાજિક સ્તરીકરણનો બિલકુલ અભાવ હોય એવો કોઈ આદિવાસી સમાજ ખૂણેખાંચરે પણ જોવા મળતો નથી.

ભૌતિક સુખની ઇચ્છા જેટલી પારલૌકિક સુખની આશામાં ઘણાખરા આદિવાસી સમાજો જીવતા હોય છે. આથી એમના જીવનનો સારો એવો ભાગ પૂર્વજોના આત્મા, ભૂત-પ્રેત વગેરેના પ્રભાવથી રંગાયેલો હોય છે. એમના કલાકારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાઓ પારલૌકિક સિદ્ધિ અને સુખની આશાથી બનાવાયા હોય છે. ઇષ્ટદેવની અને પૂર્વજોની આરાધના માટે તેઓ કલાના નમૂનાઓ અને માંસ-મંદિરાનો ઓછો-વત્તો ઉપયોગ કરતા હોય છે. કોઈ આદિવાસી સમાજ સંપૂર્ણપણે શાકાહારી હોતો નથી. ફળફળાદિ, વન્ય પેદાશો અને બરછટ અનાજ એમના ખોરાકની વિશિષ્ટતા છે. પશુપાલન અને ખેતીપ્રધાન જૂથો પણ તેમનામાં જોવા મળે છે.

બુદ્ધિમત્તાની ર્દષ્ટિએ આદિવાસી કોઈ પણ મનુષ્યની બરોબરી કરી શકે તેમ છે. સાનુકૂળ વાતાવરણ, શિક્ષણ અને તાલીમ મળતાની સાથે જ તેઓ ઘણા વિકસિત સમાજોના માનીતા સભ્ય બની શક્યા છે. માનવસંસ્કૃતિની ઉત્ક્રાંતિના અતિ આધુનિક સોપાન ઉપર આવી શકે એવી બૌદ્ધિક ક્ષમતા ઘણાખરા આદિવાસીઓ ધરાવે છે.

ભારત અને ગુજરાતના આદિવાસી સમાજો પાષાણયુગ, ધાતુયુગ, પશુપાલન અને કૃષિયુગ વગેરેના તબક્કાઓને વટાવીને આજે ઔદ્યોગિક અને અણુયુગના ઉંબરે આવીને ઊભા છે. ભારતના સંવિધાનની આરક્ષક જોગવાઈ અને વિકાસલક્ષી નીતિઓને કારણે તેમનામાં શિક્ષણ અને તાલીમ સાથે સામાજિક ચેતના અને રાજનૈતિક ર્દષ્ટિનો ઉદભવ થયો છે. ભારતના અન્ય વિકાસશીલ અને વિકસિત સમાજોના પ્રવાહમાં તેમની નવી પેઢી એકતા અને સમાનતા સાધી રહી છે.

હર્ષદ રા. ત્રિવેદી

ગુજરાતના આદિવાસીઓ : 1. વસ્તી વિશિષ્ટતા અને ફેલાવો : ગુજરાત, આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારાં રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી 1981ની વસ્તીગણતરી પ્રમાણે 48,48,586 છે, જે ગુજરાતની કુલ વસ્તીના 14.23% થાય છે. ભારતની કુલ વસ્તીમાં આદિવાસી વસ્તીના પ્રમાણ કરતાં તે બમણું છે. આમ ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી છે અને ભારતના દર દસ આદિવાસીએ એક આદિવાસી ગુજરાતનો છે.

ગુજરાતમાં છેક અંબાજીથી ઉંમરગામ સુધીના બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સૂરત, વલસાડ અને ડાંગ જિલ્લાના 32 તાલુકાઓ અને 18 લઘુ વિસ્તારોને આવરી લેતી, ‘આદિવાસી પેટા યોજના વિસ્તાર’ તરીકે ઓળખાતી 1,95,984 ચોકિમી.ની, રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 14.31% જેટલા વિસ્તારને આવરતી, પટ્ટીમાં આદિવાસી વસ્તીનો ઘણો મોટો ભાગ (80.45%) વસે છે.

આ જિલ્લાઓમાં રાજસ્થાનની સરહદ પરના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના અમીરગઢ-વીરમપુર વિસ્તારમાં તેમજ દાંતા તાલુકામાં અને સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, વિજયનગર, ભીલોડા અને મેઘરજ તાલુકામાં ડુંગરી ગરાસિયા જૂથ શબ્દ (blanket-term) હેઠળ આવરી લેવાતી અર્ધોએક ડઝન જેટલી આંતરલગ્નો (endogamous) ધરાવતી ગરાસિયા આદિવાસી જાતિઓ વસે છે. પંચમહાલમાં ભીલોની સૌથી વિશેષ વસ્તી છે. દાહોદ, લીમખેડા, લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં પટેલિયા આદિવાસીઓની મુખ્ય વસ્તી નોંધાયેલી છે. દેવગઢ બારિયા, લીમખેડા, હાલોલ, કાલોલ વિસ્તાર તેમજ સંતરામપુર તાલુકાનાં કેટલાંક ગામોમાં નાયક આદિવાસીઓની વસ્તી પથરાયેલી છે. આ ઉપરાંત વલસાડ જિલ્લાના પારડી, વલસાડ, નવસારી, ગણદેવી, ચીખલી, ધરમપુર તાલુકાઓમાં, સૂરતના મહુવા તાલુકામાં અને વડોદરા જિલ્લાના જંબુગામ અને છોટાઉદેપુર તાલુકાઓમાં આ જાતિની વસ્તી નોંધાઈ છે. સામાજિક-ધાર્મિક મહત્તા ધરાવતા ભીંતચિત્ર ‘પીઠોરા’ માટે તે વિશ્વવિખ્યાત થયેલા છે. રાઠવાઓની વસ્તી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા વિસ્તાર ઉપરાંત દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા વિસ્તારમાં તેમજ તેને અડીને આવેલા વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના ઝોઝ, દેવહાટ, મોટી સડલી, પાવી, જેતપુર અને ક્વાંટ વિસ્તારમાં જોવા મળે છે. છોટાઉદેપુર, નસવાડી, તિલકવાડાના પહાડી વિસ્તારની પટ્ટીમાં સ્થાનિક લોકો દ્વારા ‘ડુંગર’ યા ‘ડુંગરી ભીલ’ને નામે ઓળખાતી આદિવાસી જાતિ વસે છે, જે માથે મોરપિચ્છ, ખુલ્લા બદન પર સફેદ ગોળ કૃતિઓ અને કમરે ઘૂઘરાથી સોહતા થનગનતા જુવાનિયાઓના ચિત્તાકર્ષક નૃત્ય માટે ખૂબ પ્રસિદ્ધ છે. ધાનકા તડવી આદિવાસીઓની થોડી વસ્તી લીમખેડા અને હાલોલ વિસ્તારમાં નોંધાઈ છે. પણ તેનો ઘણો મોટો ભાગ વડોદરા જિલ્લાના સંખેડા,  જંબુગામ, તિલકવાડા, નસવાડી, છોટાઉદેપુર તાલુકાઓમાં તેમજ ભરૂચ જિલ્લાના નાંદોદ, સાગબારા તાલુકાઓમાં અને સૂરત જિલ્લાના ઉચ્છલ અને નિઝર વિસ્તારમાં જોવા મળે છે. વસાવા, વડોદરા અને ભરૂચ જિલ્લાની મુખ્ય આદિવાસી જાતિ હોવા ઉપરાંત સૂરત જિલ્લાના માંગરોળ, માંડવી, વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકામાં પણ તેની વસ્તી નોંધાઈ છે. આ ઉપરાંત ગામીત, ચૌધરી, હળપતિ અને ધોડિયા સૂરત જિલ્લાની મુખ્ય આદિવાસી જાતિઓ છે. ગામીતની વિશેષ વસ્તી અનુક્રમે સોનગઢ, વ્યારા, ઉચ્છલ, નિઝર, માંડવી, માંગરોળ અને વાલોડ તાલુકાઓમાં જોવા મળે છે. છેલ્લા અભ્યાસ પ્રમાણે ચૌધરી જાતિમાં ત્રણ આંતરલગ્ન કરનારાં સામાજિક પેટાજૂથો જોવા મળે છે : (1) નાની ચૌધરી અથવા ચોખ્ખી ચૌધરી અથવા ઊંચી ચૌધરી અથવા નલધારી ચૌધરી, (2) મોટી ચૌધરી, (3) વલવાઈ કે વલવડા ચૌધરી. તાપીની દક્ષિણના ચૌધરી વિસ્તારમાં વ્યારા, બારડોલી, વાલોડ અને મહુવા તાલુકાઓમાં નાની ચૌધરી, તાપની ઉત્તરે માંડવી અને માંગરોળ તાલુકામાં મુખ્યત્વે મોટી ચૌધરી અને તાપીની બંને બાજુના ચૌધરી વિસ્તારમાં ઓછાવત્તા પ્રમાણમાં વલવડા ચૌધરી જોવા મળે છે.

હળપતિઓની વસ્તી સૂરત જિલ્લાના ચોર્યાસી, બારડોલી, કામરેજ, ઓલપાડ, વાલોડ, માંડવી, માંગરોળ વગેરે તાલુકાઓ ઉપરાંત ભરૂચ જિલ્લામાં જંબુસર, વાગરા, હાંસોટ, આમોદ અને ભરૂચ તાલુકાઓમાં તેમજ વલસાડ જિલ્લાના નવસારી, ગણદેવી, પારડી, ઉંમરગામ, ચીખલી અને વલસાડ તાલુકાઓમાં મુખ્યત્વે જોવા મળે છે. તાપીથી વાપી વચ્ચેના વિસ્તારમાં જેની વસ્તી હોવાનું નોંધાયું છે, એવી ધોડિયા જાતિ વલસાડ જિલ્લામાં ચીખલી, પારડી, વલસાડ, ધરમપુર, ઉંમરગામ અને ગણદેવી તાલુકાઓ ઉપરાંત સૂરત જિલ્લામાં મહુવા અને ચોર્યાસી તાલુકામાં વસતી જોવા મળે છે. કોકણા અને વારલી આ જિલ્લાની બીજી મુખ્ય જાતિઓ છે. કોકણાની વસ્તી વલસાડ જિલ્લામાં ધરમપુર-વાંસદા ઉપરાંત સૂરત જિલ્લામાં વ્યારા-વાલોડ તાલુકામાં તેમજ ડાંગમાં પણ ‘કુનબી’ના નામે જોવા મળે છે. વારલી જાતિની વસ્તી મુખ્યત્વે વલસાડ જિલ્લાના ધરમપુર, ઉંમરગામ અને વાંસદા તાલુકા ઉપરાંત ડાંગમાં જોવા મળે છે. ભીલ, કુનબી અને વારલી એ ડાંગની મુખ્ય આદિવાસી જાતિઓ છે. એ ઉપરાંત ઉત્તર ડાંગમાં માવચી જાતિની વસ્તી જોવા મળે છે. જેમનો આદિમ જાતિજૂથ(primitive tribes)માં સમાવેશ કરવામાં આવે છે એવી કોટવાળિયા અને કાથોડી જાતિઓની વસ્તી પણ ડાંગમાં જોવા મળે છે. કોટવાળિયાની વસ્તી ડાંગ ઉપરાંત સૂરત જિલ્લાના  વ્યારા અને સોનગઢ તાલુકામાં તેમજ કાથોડીની વસ્તી ડાંગ ઉપરાંત સૂરત જિલ્લાના ઉચ્છલ અને માંગરોળ તાલુકામાં તેમજ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના અભાપુર વિસ્તારમાં જોવા મળે છે. કોલઘાની સૌથી વિશેષ વસ્તી વલસાડ જિલ્લામાં જોવા મળે છે. આ ત્રણે જાતિઓ ઉપરાંત જેની વસ્તી મુખ્યત્વે ગીરના તલાળા તાલુકાના જાંબુર વિસ્તારમાં જોવા મળે છે, એવી નીગ્રૉઇડ જાતિનાં તત્વો ધરાવતી સીદી જાતિનો તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં નળસરોવર વિસ્તારનાં ગામોમાં વસતી પઢાર જાતિનો પણ આદિવાસીઓના કેટલાક વિશિષ્ટ લાભો આપવાના ખ્યાલથી સરકારે આદિમ જાતિજૂથ(primitive tribes)માં સમાવેશ કર્યો છે.

સમગ્ર આદિવાસી પેટાયોજના વિસ્તારને આવરી લેતી અંબાજીથી ઉંમરગામ સુધીની આ સળંગ પટ્ટી ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય વિસ્તારોમાં પણ છૂટીછવાઈ આદિવાસી વસ્તી જોવા મળે છે. સૌરાષ્ટ્રના ગીર, બરડા અને આલેચના નેસ વિસ્તારમાં વસતા પશુપાલકો-રબારી, ચારણ અને ભરવાડ-નો તેમજ કચ્છ જિલ્લાના પૂરના કોળી, ભીલ, પારધી, વાઘરી અને ધોડિયાઓનો આદિવાસીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતની આદિવાસી જાતિઓમાંથી અર્ધાલાખથી જેની વસ્તી વિશેષ હોય એવી આદિવાસી જાતિઓમાં ભીલ, હળપતિ, ધોડિયા, ગામીત, ચૌધરી, નાયકા, રાઠવા, ધાનકા, વારલી, વસાવા, ડુંગરી ગરાસિયા અને પટેલિયા જાતિઓનો સમાવેશ થાય છે. 1971ની વસ્તીગણતરી પ્રમાણે જેના છેલ્લા જાતિવાર વસ્તીના આંકડા ઉપલબ્ધ છે એવી પચીસ હજારથી પચાસ હજાર વચ્ચેની વસ્તીમાં કોળી તેમજ કોલધાનો સમાવેશ થાય છે. કોટવાળિયા, ગીર, બરડા અને આલેચના નેસ વિસ્તારના રબારી અને ચારણ, સીદી, સુરેન્દ્રનગર જિલ્લાના પઢાર, કચ્છના વાઘરી, પારધી, બાવચા તેમજ ફોસે પારધી વગેરેની વસ્તી હજારથી તેર હજારની વચ્ચેની નોંધાઈ છે. આ જ વસ્તીગણતરી પ્રમાણે ગીર, બરડા અને આલેચના નેસવિસ્તારના ભરવાડ તેમજ ગોંડ, પોમલા અને બરડાની વસ્તી ગુજરાતમાં હજારથી પણ નીચેની છે.

રાજ્યમાં 28 જેટલાં આદિવાસી જૂથો છે, જેમાં મુખ્ય મુખ્ય જાતિજૂથો અને તેમની વસ્તી : (1) ભીલ (38.87%), (2) દૂબળા (10.41%), (3) ગામીત (7.41%), (4) ધોડિયા (6.61%), (5) નાયકડા (6.29%), (6) રાઠવા (5.16%), (7) ચૌધરી (5.04%), (8) કુકણા (4.86%), (9) ધાનકા (3.71%) (10) વારલી (3.32%), (11) પટેલિયા (1.31%), (12) કોટવાળિયા (0.34%) વગેરે છે. આર્થિક ર્દષ્ટિએ અત્યંત પછાત એવાં જૂથોનો પણ અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં નળકાંઠાના પઢાર, કચ્છના કોળી, સૌરાષ્ટ્રના સીદી તથા આલેચ અને બરડા અને ગીરના રબારીઓ મુખ્ય છે.

રાજ્યમાં આદિવાસીઓની મુખ્ય વસ્તી 8 જિલ્લાઓમાં છે. 1981ની આદિવાસી વસ્તી અને મુખ્ય આદિવાસી જાતિઓને ધ્યાનમાં લેતાં જિલ્લાવાર વસ્તી નીચે પ્રમાણે છે :

(1) બનાસકાંઠા ( 3.01%) – ભીલજાતિ, (2) સાબરકાંઠા (16.72%) – ભીલ અને કાથોડી જાતિઓ, (3) પંચમહાલ (41.76%) –  ભીલ, પટેલિયા, નાયકડા, રાઠવા જાતિઓ; (4) વડોદરા (25.35%) – રાઠવા, ભીલ જાતિઓ; (5) ભરૂચ (44.54%) – ભીલ, ચૌધરી, ગામીત; (6) સૂરત (41.64%) – ગામીત, ચૌધરી, ભીલ, દૂબળા, કોટવાળિયા; (7) વલસાડ (54.59%) – ચૌધરી, ધોડિયા, નાયકડા, વારલી; (8) ડાંગ (92.31%) – ભીલ, કુકણા, કુનબી, વારલી વગેરે.

ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ઑસ્ટ્રોલૉઇડ જાતિતત્વ રહેલું છે. અપવાદરૂપે સૌરાષ્ટ્રમાં વસતા સીદીઓ જેઓ મૂળ આફ્રિકાથી સ્થળાંતર કરીને આવેલા છે, તેમાં નીગ્રો જાતિનું તત્વ છે. અન્ય જાતિઓમાં બિનઆદિવાસીઓ સાથેના સંમિશ્રણને પરિણામે ભારતના આદિવાસીઓનાં જાતિ-તત્વોની સરખામણીમાં જાતિતત્વોનું પ્રમાણ અલ્પ છે. દરેક જાતિજૂથને પોતાની આગવી બોલી છે. આમાં ભીલ, ચૌધરી, ગામીત, ધોડિયા, કુકણી, વારલી, રાઠવી બોલી મહત્વની છે.

2. વંશગત જૂથ અને લગ્નવ્યવસ્થા : ગુજરાતના આદિવાસીઓમાં પિતૃસ્થાનીય, પિતૃવંશીય, પિતૃસત્તાક કુટુંબવ્યવસ્થા જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના ધોડિયા, કોકણા, વારલી, ચૌધરી, ગામીત, ભીલ, નાયક, હળપતિ, વગેરે આદિવાસીઓ વિવિધ કુળોમાં વહેંચાયેલા જોવા મળે છે. જ્યારે ઉત્તર ગુજરાતના તેમજ પંચમહાલના ભીલ, પટેલિયા, ગરાસિયા, રાઠવા વગેરે આદિવાસીઓમાં અલગ-અલગ અટક જોવા મળે છે. આ કુળ યા અટક ઘણી વાર સાચા યા કાલ્પનિક પૂર્વજના નામ યા કોઈક આકસ્મિક ઘટના પરથી પડેલાં હોય છે. સામાન્ય રીતે તેમનામાં કુળ યા ગોત્રબહિર્લગ્નપ્રથા જોવા મળે છે. કેટલાક સ્થળે ગ્રામબહિર્લગ્નપ્રથા પણ ખાસ કરીને વિધિસરના લગ્નમાં જોવા મળે છે. એટલે એ રીતે ભીલ, પટેલિયા, ડોઢિયા, ગરાસિયા વગેરે જાતિઓમાં લગ્નસંબંધોના – સગાઈસંબંધોના વિસ્તરણ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે, જ્યારે તેથી ઊલટું ડાંગના કુનબી, ભીલ, વારલી, ગામીત, કાથોડી વગેરે જાતિઓમાં, સૌરાષ્ટ્રના મેર, કાઠી, રબારી અને દક્ષિણ ભારતની સંખ્યાબંધ જ્ઞાતિઓમાં જોવા મળતાં મામાફોઈનાં સંતાનો વચ્ચેની લગ્નપ્રથાને આવકારતાં હોવાથી સગાઈસંબંધોની ગાંઠના ‘પુનરાવર્તન’ પર વિશેષ ભાર મુકાતો જોવા મળે છે. સ્વાભાવિક રીતે જ લગ્નસંબંધોના આ સ્વરૂપની અસર સગાઈ-સંબંધ શબ્દાવલિ, વિવિધ સગાં વચ્ચેના આંતરવ્યક્તિગત સંબંધો, વર્તન, ઢબ, લોકવાઙમય વગેરેમાં વ્યાપક પ્રમાણમાં પડતી જોવા મળે છે.

ગુજરાતના આદિવાસીઓમાં પ્રચલિત લગ્નપ્રકારોમાં માતાપિતા અને વરકન્યાની સંમતિથી થતાં લગ્નને સૌથી વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. માતાપિતાની સંમતિથી અથવા સંમતિ વિના માત્ર વરકન્યાની પસંદગીથી થતાં ‘પલાયન લગ્ન’ પણ ઘણીખરી આદિવાસી જાતિઓમાં જોવા મળે છે. કન્યાનાં માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ અને કેટલીક વાર કન્યાની ઇચ્છા વિરુદ્ધ પણ થતાં ‘અપહરણ લગ્ન’ સમાજમાન્ય લગ્નપ્રકાર તરીકે ભીલ, રાઠવા, નાયક, પટેલિયા, ગરાસિયા વગેરે જાતિઓમાં એક કાળે પ્રચલિત હતાં. તેના કેટલાક અંશો આજે પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે; વરનાં માતાપિતા અને કુટુંબીજનોના પ્રારંભના અનાદર છતાં, પુરુષના ઘરમાં રહેવાના ‘હઠલગ્ન’ નામે ઓળખાતા એક પ્રકારનાં ઉદાહરણો રાઠવા, ભીલ, પટેલિયા, વસાવા વગેરે આદિવાસી જાતિઓમાં તેમજ અખતરા લગ્ન(marriage by trial)ને મળતો આવતો એક લગ્નપ્રકાર વારલીઓમાં છે, જેમાં એવા લગ્નના કેટલાક અંશો જોવા મળે છે. એવો ખંધાડિયા અથવા ઘરજમાઈને નામે ઓળખાતો લગ્નપ્રકાર પણ ધોડિયા, ચૌધરી, હળપતિ, વારલી, ગામીત વગેરે આદિવાસી જાતિઓમાં જોવા મળે છે.

કેટલાક આદિવાસીઓમાં બહુપત્ની લગ્નપ્રથા પ્રચલિત છે. ખાસ કરીને ભીલો, ગામીત, વારલી, કુકણા વગેરે જાતિઓમાં તે જોવા મળે છે. પુનર્લગ્નની પુરુષ તેમજ સ્ત્રી બંનેને છૂટ હોય છે. દહેજ બધામાં લેવાય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ઘરજમાઈ, જેને ખંધાડ કહેવામાં આવે છે, તેનું આર્થિક-સામાજિક સ્થાન નીચું ગણાય છે. તેને કોઈ આર્થિક અધિકાર મળતા નથી. સ્ત્રીના પિતાને ત્યાં એક મજૂર જેવું જીવન બને છે. કન્યા લગ્ન કરીને પુરુષને પોતાના પિતાને ત્યાં લાવે છે.

આદિવાસીઓમાં પુરુષની બરોબરીમાં સ્ત્રીને ઘણા હક્કો હોય છે. ખાનગી મિલકત ઉપાર્જિત કરવાનો, રાખવાનો, વારસામાં જમીન, પશુ-પક્ષી મેળવવાનો હક્ક દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં હોય છે. તેને ‘ધામીનો’ કહે છે. પાત્રપસંદગીમાં સમાન અધિકાર સ્ત્રીને છે. લગ્ન પુખ્ત ઉંમરે જ થાય છે. જાતિપંચ આગળ સ્ત્રીને ફરિયાદ કરવાનો, છૂટાછેડા લેવાનો, પોતાના હક્ક માગવાનો અધિકાર માન્ય રખાય છે. આર્થિક-સામાજિક કાર્યમાં સ્ત્રી પુરુષની સહભાગી ગણાય છે. ધાર્મિક સ્થળોમાં અને કાર્યમાં તથા જાતિપંચમાં સ્ત્રીને સ્થાન આપવામાં આવતું નથી.

3. આર્થિક વ્યવસ્થા : ગુજરાતના આદિવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તે ઉપરાંત પૂરક વ્યવસાયો તરીકે ખેતમજૂરી, માછલાં પકડવાં, જંગલમજૂરી, શિકાર વગેરે કરે છે. આઝાદી પહેલાં ઊંડાણના ભાગોમાં ભીલો તથા ડાંગના ડાંગિયા ‘દાઝિયું’ એટલે કે ઝાડ-પાન બાળી રાખ કરી દાણા છાંટી પાક ઉગાડવા જેવી પ્રાથમિક ખેતી કરતા હતા. 1981 પ્રમાણે ખેતી કરનારા 45.94%, ખેતમજૂરી 40.11%, ગૃહઉદ્યોગ, કારખાનાં વગેરેમાં 0.82% અને કામ કરનારાં 13.13% છે.

ખેતમજૂરી કરનારામાં મુખ્યત્વે સૂરત – વલસાડની દૂબળા જાતિ છે. તેઓ ‘હાળી પ્રથા’ જેવી ગુલામીપ્રથાનો ભોગ બન્યા હતા. તે પ્રથા મુજબ પેઢી દર પેઢી સુધી વ્યક્તિ જમીનદારને ત્યાં ખેતમજૂર તરીકે રહે. લગ્ન, મરણ, જન્મપ્રસંગે ‘ધણીયામા’ નાણાં આપે જે દેવું પેઢી દર પેઢી ચાલે અને જિંદગીભર મજૂરી કરવી પડે. આજે સરકારે કાયદા દ્વારા આ પ્રથા નાબૂદ કરી છે. પણ જ્યાં સુધી તેમને બીજું ઉપયોગી કામ ન મળે ત્યાં સુધી તેમની સંપૂર્ણ મુક્તિ શક્ય બનતી નથી.

દક્ષિણ ગુજરાતના કોટવાળિયાઓ કેવળ વાંસકામ ઉપર ગુજરાન ચલાવે છે. કાથોડી લોકો કાથો પાડવાનું, કોલઘા લોકો જંગલમાં કોલસા પાડવાનું કામ કરે છે. અતુલ, બારડોલી, મઢી, વ્યારા વગેરેમાં કારખાનાં થતાં તેમાં મજૂરી કરવા માટે પણ હવે આદિવાસીઓ જાય છે. આ ઉપરાંત ઋતુ પ્રમાણે છૂટક મજૂરી, રસ્તામજૂરી, રેલવેકામની મજૂરી, બાંધકામના કાર્ય વગેરેમાં પણ તેઓ જોડાય છે. શિક્ષિત થયા છે તેઓ બાલમંદિર, પ્રાથમિક, માધ્યમિક શાળામાં અને સરકારી નોકરીઓમાં પણ જોડાયેલા છે.

4. પહેરવેશ અને સાધનસંપત્તિ : વસ્ત્રપરિધાનની બાબતમાં નર્મદા નદીથી ઉત્તરની આદિવાસી જાતિઓમાં સ્ત્રીઓમાં ચણિયો મુખ્ય વસ્ત્ર છે, જ્યારે તેથી દક્ષિણની જાતિઓમાં ચણિયો નથી, માત્ર સાડી જ મુખ્ય વસ્ત્ર છે. ઉત્તરપૂર્વ ગુજરાતના ભીલો, રાઠવા, પટેલિયા, નાયકડા વગેરેમાં સ્ત્રીઓ ઘણી મોટી ઘેરનો ચણિયો પહેરે છે. ઉત્તર ગુજરાતમાં ઉપરના ભાગમાં ઝૂલરી પહેરે છે. પરણેલી સ્ત્રીઓ લૂગડું ઓઢે. પંચમહાલની સ્ત્રી કચ્છો મારીને પહેરે છે, ઉપર રંગીન કબજો પહેરે, પરણેલી લૂગડું ઓઢે છે. ઉત્તર ગુજરાતના ભીલો ધોતિયું, ખમીસ, ફાળિયું પહેરે છે. પંચમહાલમાં કાળી બંડી અને લુંગી જેવા જાડા કપડાંનો ઊંચો પોતડો પહેરે છે. વડોદરાના રાઠવા પુરુષો લંગોટી પહેરે છે, ઉપર ખમીસ અને માથે હજૂરિયો પહેરે છે. સ્ત્રીઓ મોટી ઘેરનો રંગીન ચણિયો કચ્છો મારીને પહેરે છે, ઉપર રંગીન કબજો અને ઓઢણી ઓઢે છે. જૂની ઉત્તર ગુજરાતની ભીલ સ્ત્રીઓ હાથ ઉપર કાંડાથી માંડીને બાવડા સુધી બલૈયાં અને પગમાં પિત્તળનાં પીંજણિયાં પહેરતી હતી. હવે ધીરે ધીરે તે અર્દશ્ય થતાં જાય છે. પંચમહાલમાં સ્ત્રીઓ કાંડાથી બાવડા સુધી કાંસા, ચાંદી કે રૂપાનાં કડાં, બંગડી અને બલૈયાં તથા પગમાં ઢીંચણ સુધી પિત્તળનાં કે રૂપાનાં ઘરેણાં પહેરે છે. તેનું વજન આશરે ચાર-પાંચ કિગ્રા. થઈ જતું હશે.

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં ચૌધરી, ગામીત, ધોડિયા, કુકણા પુરુષો ધોતિયું કે ચડ્ડી કે લેંઘો, ઉપર ખમીસ, માથે ફેંટો કે ટોપી પહેરે છે. સ્ત્રીઓ રાખોડી કે રંગીન મોટી સાડી કચ્છો મારીને પહેરે છે. ઉપર કબજો પહેરે છે. ગામીત સ્ત્રીઓ ગળામાં પથ્થરનાં ઘરેણાં પહેરે છે. ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ જેવું વસ્ત્રપરિધાન કે વજનદાર ઘરેણાં આ વિસ્તારમાં નથી.

ઉત્તર-પૂર્વ ગુજરાતના ભીલો હાથમાં તીરકામઠું કે બંદૂક કે ધારિયું-પાળિયું હમેશાં પોતાની સાથે હથિયાર તરીકે રાખે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના પુરુષોને તેવું કોઈ હથિયાર નથી. તેઓ સ્વભાવે ઉત્તર ગુજરાતના પુરુષો કરતાં નરમ હોય છે.

ઉત્તર-પૂર્વ ગુજરાતના આદિવાસીઓ મુખ્યત્વે મકાઈ, અડદ, તુવેર, મગ ખાય છે. દક્ષિણ ગુજરાતમાં ચોખા, જુવાર, તુવેર, વાલ, માછલી વગેરે મુખ્ય ખોરાક છે.

5. રહેઠાણ અને જૂથવ્યવસ્થા : બધાં આદિવાસી જાતિજૂથોનાં પોતાનાં આગવાં જાતિપંચો છે. આ જાતિપંચો તેમના સમાજના સંચાલન અને નિયમનનું કાર્ય કરે છે. રિવાજો, પ્રથાઓ, લગ્ન, છૂટાછેડા, પુનર્લગ્ન, દહેજ વગેરે વિશે સમયે સમયે ફેરફાર કરવાનું કે સુધારા કરવાનું પણ તે કરે છે. સાબરકાંઠાના ભીલો, પંચમહાલના ભીલો તથા પટેલિયાઓ, દક્ષિણ ગુજરાતના ચૌધરી, દૂબળા, ધોડિયા, નાયકડા, કુકણા, કુનબી વગેરે જાતિઓનાં જાતિબંધારણો આજે છાપેલા સ્વરૂપે છે. જાતિપંચોની વ્યવસ્થા ફળિયા, ગ્રામવિસ્તાર (પટ્ટા કે ચોરાપંચ) અને સમગ્ર જાતિપંચ એમ વિવિધ તબક્કા રૂપે પણ દેખાય છે. ડાંગના વિસ્તારમાં આઝાદી પહેલાં 14 ભીલ રાજાઓ રાજ્ય કરતા હતા. આઝાદી પછી લોકશાહી રાજ્ય આવતાં પંચાયતી રાજ્ય, પક્ષીય રાજકારણ, ચૂંટણીઓ વગેરેને પરિણામે તે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે. પરંપરાગત જાતિપંચોનું કાર્ય મર્યાદિત બન્યું છે અને તે નબળાં પડ્યાં છે. સ્થાનિક નેતૃત્વ તૂટ્યું છે. પક્ષીય નેતૃત્વનું મહત્વ વધ્યું છે. નવું રાજકીયીકરણ અનામત જગ્યાઓને કારણે ધારાસભાઓ તથા લોકસભામાં વિકસ્યું છે. રાજ્યમાં આદિવાસી ધારાસભ્યો તથા મંત્રીઓ છે. 1989માં ગુજરાતના મુખ્યમંત્રી પણ આદિવાસી હતા. મધ્ય અને ઉત્તર ગુજરાતના ભીલ, પટેલિયા, ગરાસિયા, રાઠવા, તડવી, વસાવા વગેરે આદિવાસીઓનાં ખેતરે ખેતરે વેરવિખેર વિખરાયેલી ઝૂંપડીઓવાળાં ગામો જોવા મળે છે. દક્ષિણ ગુજરાતનાં બિનઆદિવાસી ગામોની જેમ ફળિયામાં ફેલાયેલાં ગામો પણ જોવા મળે છે.

વિવિધ આદિવાસી જાતિઓમાં તેમના સામાજિક-આર્થિક વિવાદોનો નિકાલ મુખ્યત્વે પરંપરાગત પંચ મારફતે કરવામાં આવે છે. આવું પંચ સામાન્ય રીતે ફળિયા કે ગ્રામસ્તર પર, વિસ્તારનાં કેટલાંક ગામોના બનેલા પ્રાદેશિક વિસ્તારના સ્તર પર અને સમગ્ર જાતિના વસવાટ વિસ્તારના, જિલ્લાના અથવા તેના કરતાં પણ બૃહદ્ સ્તર પર કામ કરતું જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં ધોડિયા, ચૌધરી, ગામીત, કોકણા વગેરે જાતિઓમાં ‘ચૌરાપંચ’ને નામે પ્રાદેશિક પંચ ઓળખાય છે, જે ઉત્તર ગુજરાતમાં ગરાસિયા વગેરે આદિવાસી જાતિઓમાં ‘પેટાપંચ’ અથવા ‘પટાપંચ’ને નામે ઓળખાય છે.

પ્રાદેશિક ર્દષ્ટિએ કેટલીક જાતિઓમાં જૂથવ્યવસ્થામાં વૈવિધ્ય જોવા મળે છે. ભીલ, રાઠવા, ગામીત, કુકણા અને વારલીમાં ગોત્રવ્યવસ્થા જોવા મળે છે. ભીલોમાં – ભીલ, સાંગલા, ગરાસિયા, ડુંગરી ગરાસિયા, ભીલ ગરાસિયા, રાવળભીલ, તડવી, પાવરાભીલ, વસાવાભીલ વગેરે પેટાજાતિજૂથો જે તે પ્રદેશવાર છે. ચૌધરી જાતિમાં નાનાંમોટાં અને વલવી ચૌધરી પેટાજૂથો છે. ગામીતમાં માવચી, વળવી પેટાવિભાગો છે. દૂબળામાં વોરા, ખરચા, પારસી, રાઠોડ એવા ભેદ છે. નાયકડામાં પણ ચાર ભેદ છે. દરેક જાતિમાં જોવા મળતાં પેટાજૂથો વચ્ચે ઊંચનીચનો ભાવ સ્પષ્ટ દેખાય છે. દક્ષિણ ગુજરાતમાં કોટવાળિયા જાતિજૂથ ઢોરનું માંસ ખાતું હોવાથી અસ્પૃશ્ય ગણાય છે.

દરેક આદિવાસી જૂથમાં પોતાના મૂળ જાતિજૂથ બહાર લગ્નનો નિષેધ છે. આંતરપેટાજૂથો વચ્ચે પણ નિષેધ છે. સગોત્ર લગ્નોનો પણ નિષેધ છે. ઉત્તર ગુજરાતના ગરાસિયાઓમાં ગામમાં ને ગામમાં લગ્નનો નિષેધ છે, ત્યાં ગ્રામબંધુતાનો ખ્યાલ જોવા મળે છે. આ સંદર્ભમાં ‘અમલાં જવાનો’ રિવાજ ખૂબ વિશિષ્ટ છે, જ્યાં ધાર્મિક સંપ્રદાયોની અસર થઈ છે ત્યાં તે ધર્મવાળાં કુટુંબો પોતાના ધર્મનાં કુટુંબોમાં જ કન્યા આપવાનું વલણ ધરાવે છે. ખ્રિસ્તી થયેલા ખ્રિસ્તીમાં, ભગત થયેલા ભગતમાં વગેરે.

6. બોલી અને ભાષા : ગુજરાતના વનવિસ્તારોમાં વસતી આદિવાસી જાતિઓની, મહદ્અંશે જે તે જાતિના નામ પરથી ઓળખાતી એવી પોતપોતાની આગવી ભાષાઓ છે; જેમ કે ભીલોની ભીલી ભાષા, ધોડિયાઓની ધોડિયા ભાષા, ચૌધરીઓની ચૌધરી ભાષા, ગામીતોની ગામીત ભાષા, ગરાસિયાઓની ગરાસિયા ભાષા વગેરે. જેમ ગુજરાતી ભાષાની સૂરતી, કાઠિયાવાડી, ચરોતરી, ઉત્તર ગુજરાતી વગેરે બોલીઓ છે તે જ રીતે આદિવાસી ભાષાઓની પણ મહદંશે જે તે જાતિ અને વિસ્તારના નામ પરથી ઓળખાતી એવી વિવિધ બોલીઓ હોય છે. દા.ત., ધોડિયા ભાષકોની ર્દષ્ટિએ ધોડિયા ભાષાની, મહુવા વિસ્તારની, ધરમપુર વિસ્તારની અને પારડીઉંમરગામ વિસ્તારની એવી ત્રણ જુદી ધોડિયા બોલીઓ છે.

7. શિક્ષણ અને સંસ્કૃતિ : આદિવાસી જાતિઓમાં આઝાદી પહેલાં શિક્ષણનું પ્રમાણ પાંચ ટકા કે તે કરતાં પણ ઓછું હતું. સ્ત્રીઓમાં એક ટકા કરતાં પણ ઓછું-લગભગ શૂન્યસ્તરની નજીક. તદ્દન નહિવત્ અક્ષરજ્ઞાનનું પ્રમાણ હોય એવી જાતિઓમાં છોટાઉદેપુરના રાઠવા, કચ્છના કોળી, ગીરના બરડા અને આલેચના રબારી, ચારણ અને ભરવાડ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પઢારનો સમાવેશ થાય છે.

ગુજરાતના આદિવાસીઓમાં શિક્ષણ અંગેની કોઈ નિશ્ચિત વ્યવસ્થા ન હતી. છતાં વડોદરા રાજ્યના તાબામાં આઝાદી પહેલાં સોનગઢમાં એક ‘ધોડિયા છાત્રાલય’ ખૂલ્યું હતું, જેમાં રહીને કેટલાક આદિવાસીઓએે શિક્ષણ લીધું હતું. આ ઉપરાંત ડાંગમાં આહવામાં રાજકુમાર છાત્રાલય છે, જે ડાંગના રાજાઓનાં સંતાનોના શિક્ષણના હેતુથી ચાલતું હતું. આ સિવાય આદિવાસીઓના શિક્ષણ વિશે કશું જ થયું ન હતું. આઝાદી પહેલાં ગાંધીવિચારથી પ્રેરાઈને ઠક્કરબાપાએ પંચમહાલમાં આદિવાસીઓનું કાર્ય કરવાના હેતુથી દાહોદમાં ‘ભીલ સેવા મંડળ’ દ્વારા અને જુગતરામભાઈ દવેએ સૂરત જિલ્લામાં વેડછીમાં ‘રાનીપરજ સેવાસભા’ દ્વારા શિક્ષણને આધારે 1920-21માં સમાજસેવાનું કામ શરૂ કરેલું. તેની પાછળથી અનેક શાખાઓ આશ્રમશાળાઓ રૂપે વિકસી અને તેમાં અનેક સ્વાયત્ત સંસ્થાઓમાં આદિવાસી બાળકોએ શિક્ષણ મેળવ્યું. 1981ના અહેવાલ પ્રમાણે રાજ્યમાં આદિવાસીઓમાં સાક્ષરતાનું કુલ પ્રમાણ 21.15% છે, જેમાં પુરુષોમાં 30.41% છે અને સ્ત્રીઓમાં 11.64% છે. જાતિવાર શિક્ષણપ્રમાણમાં 1971 અનુસાર ધોડિયા 31.19%, ચૌધરીઓ 22.04%, ધાનકા 17.05%, પટેલિયા 18.94%, ગામીત 14.26%, દૂબળા 13.74%, કુનબી 13.31% છે. રાઠવા, વારલી, કોટવાડિયા, નાયકડા વગેરેમાં પ્રમાણ આજે પણ ઘણું ઓછું છે.

આદિવાસીઓ લોકસંગીત, લોકનૃત્યો, લોકકળા અને લોકસાહિત્યના ભવ્ય વારસાના પ્રહરીઓ છે. એક પણ અપવાદ સિવાય સર્વ આદિવાસી જાતિઓમાં આ પરંપરા સચવાઈને પડી છે. ડાંગની આદિવાસી જાતિઓના થાળીવાદ્યે, ચૌધરીઓના તાડપુએ, રાઠવાના પાવાએ કે ઉત્તર ગુજરાતના ગરાસિયાઓના પરંપરાગત વાદ્ય ઉપરાંત સંદેશવાહકનું બેવડું કાર્ય કરતા ઢોલે અનેક તજજ્ઞોનું ધ્યાન ખેંચ્યું છે. ઉત્તર ગુજરાતના ગરાસિયાઓની ગોત્રજ કે રાઠવાઓનો પીઠોરો કે દક્ષિણ ગુજરાતના વારલીઓનાં ભીંતચિત્રો જેવી સંખ્યાબંધ બાબતોમાં આદિવાસી કલાનાં કેટલાંક અંગો છુપાયેલાં પડ્યાં છે.

ગુજરાતના આદિવાસીઓ ભારતનાં અન્ય રાજ્યોના આદિવાસીઓની સરખામણીમાં અતિઊંડાણવાળા વિસ્તારોમાં કે સંપર્કવિહોણા રહ્યા નથી. અંગ્રેજ અમલ પહેલાંથી દાંતા, ઈડર, વિજયનગર, સંતરામપુર, લુણાવાડા, બારિયા, છોટાઉદેપુર, રાજપીપળા અને સાગબારામાં આદિવાસી રાજા; માંડવીમાં મહિલાઓ; સોનગઢમાં આદિવાસી રાજા; વાંસદા, ધરમપુર અને ડાંગમાં ભીલ રાજાઓ રાજ્ય કરતાં હતાં તેથી અન્ય સમુદાયો સાથે વત્તોઓછો સંપર્ક હતો જ. આઝાદીની ચળવળનો પ્રસાર પણ ઉત્તર, પૂર્વ તથા દક્ષિણ વિસ્તારના આદિવાસી વિસ્તારમાં થતાં તેની અસર થયેલી હતી. તેથી ખાદી પહેરવી અને રેંટિયો કાંતવો ત્યાં પ્રચલિત થયાં હતાં. સ્વાતંત્ર્યચળવળમાં પણ કેટલાયે આદિવાસીઓ જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સંપ્રદાયોના પ્રસારે ધાર્મિક માન્યતાઓ, ખાનપાન વગેરેમાં પણ પરિવર્તન આણ્યું છે. તેમનો આર્થિક-શૈક્ષણિક વિકાસ વિકાસયોજનાઓને પરિણામે થયો છે. રાજકીય પક્ષો દ્વારા થતા ચૂંટણીપ્રચારને પરિણામે જાગૃતિ પણ ઘણી આવી છે. આ રીતે ગુજરાતના આદિવાસીઓમાં આર્થિક-સામાજિક, ધાર્મિક તેમજ રાજકીય રીતે ઝડપી પરિવર્તન આવેલું દેખાય છે.

8. ધર્મ અને પારલૌકિક માન્યતાઓ : ગુજરાતના આદિવાસીઓ વન્યધર્મી છે. પરંપરાગત રીતે તેઓ પહાડ, ઝાડ, ગુફા, નદી, ઝરણાં વગેરેને પૂજે છે. તેમનાં દેવસ્થાનો ખુલ્લી જગ્યાઓએ હોય છે. બાંધેલાં મંદિરો હોતાં નથી. તેમનું ધાર્મિક જીવન વિવિધ દેવ-દેવીઓ, ભૂત-પ્રેત, પિતૃપૂજા, ભગત-ભૂવા તથા કેટલીક ધાર્મિક માન્યતાઓ ઉપર આધારિત હોય છે. મૃતાત્માનો ભય તેમને સતત સતાવે છે. પિતૃઓમાં તેઓ ગૂઢ શક્તિઓનું આરોપણ કરે છે અને રોગ, આફત, મુશ્કેલી વગેરે તેની નાખુશીને કારણે છે તેમ માને છે, તેથી વારતહેવારે, પ્રસંગે તેમની પૂજા કરી ભોગ-બલિ દ્વારા તેમને ખુશ રાખવાનો પ્રયત્ન થાય છે. દેવસ્થાનોએ માટીના ઘોડા, હાથી, ઊંટ, વાઘ વગેરે પણ પ્રતીકો તરીકે મૂકે છે. આમ, આદિવાસીઓનાં પરંપરાગત દેવ-દેવીઓમાં ગોત્ર યા કુળના દેવો ઉપરાંત વન, વનસ્પતિ, પ્રકૃતિ અને પ્રાણીસૃષ્ટિસંબંધિત દેવોને ખાસ સ્થાન હોય છે. તે રીતે ‘વાઘદેવ’, ‘ડુંગરદેવ’ યા ‘થૂર’ જેવી ગોત્રદેવીને પરંપરાગત આદિવાસી ધાર્મિક માન્યતાઓમાં ખાસ સ્થાન મળેલું છે. મોટાભાગના આદિવાસીઓમાં પિતૃઓના પાળિયા-ખતરાં મૂકવામાં આવે છે.

તેમના ધાર્મિક જગતમાં ભગત-ભૂવાનું ઘણું મહત્વ છે. ભૂવો લોક અને પરલોકના સંબંધો જોડનારો, જીવનની તમામ બાબતોમાં માર્ગદર્શન આપનારો, માંદગીમાં ચિકિત્સક અને દવા આપનારો, દેવપૂજા, ધાર્મિક તહેવારો અને તેમની પૂજાનું આયોજન કરનારો, લોકોની વાતો દેવ-દેવીઓ આગળ મૂકનાર અને દેવદેવીઓની વાત લોકો આગળ રજૂ કરનારો પ્રતિનિધિ હોય છે. તે મંત્રતંત્ર જાણનારો હોઈ સાપ, વીંછી, ભૂત-પ્રેત, પશુરોગ વગેરેના નિવારણમાં મદદરૂપ થનારો હોય છે. આથી તે અત્યંત આદરણીય, વિશ્વાસપાત્ર અને અસરકારક પ્રભુત્વવાળો નિ:સ્વાર્થ સેવક મનાય છે.

મૃતદેહને અગ્નિદાહ અપાય છે અથવા ભૂમિદાહ-દફન પણ થાય છે. સમગ્ર કુળના મૃતાત્માઓની સામૂહિક તર્પણવિધિની ‘સમૂહશ્રાદ્ધ’, ‘પરજણ’ જેવા નામે ઓળખાતી વિધિ પણ દક્ષિણ ગુજરાતના ધોડિયાઓ તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ગરાસિયા આદિવાસી જૂથોમાં જોવા મળે છે.

ગુજરાતની વિવિધ આદિવાસી જાતિઓ હિંદુ ધર્મની પ્રબળ અસર હેઠળ આવેલી જોવા મળે છે; તેમના સંસ્કૃતીકરણ(sanskritization)ની પ્રક્રિયા ચાલુ થયેલી છે. સાબરકાંઠા જિલ્લાના ભીલોડા, વિજયનગર અને મેઘરજના બનેલા શામળાજીના ગરાસિયા આદિવાસી વિસ્તારમાં, પંચમહાલના ઝાલોદ તાલુકાના અને ભરૂચના ડેડિયાપાડા વિસ્તારમાં, સૂરત જિલ્લાના અને ડાંગના ગામીતોમાં છેલ્લા થોડાક દાયકાઓમાં અને 1855થી ઉત્તર ગુજરાતમાં, મિશનરીનો પ્રવેશ થયો હોઈ બધા જ જિલ્લાઓમાં ખ્રિસ્તીકરણ થયું છે ને ખ્રિસ્તી ધર્મની અસર વિસ્તરતી જાય છે. તેમાં પહેલાં મુખ્યત્વે પ્રૉટેસ્ટંટપંથી હતા, અત્યારે કૅથલિક સંપ્રદાયનું અનુસરણ કરનારની સંખ્યા વધતી જણાય છે. આ ઉપરાંત સીદીઓમાં મુસ્લિમ ધર્મનું અનુસરણ જોવા મળે છે. પરંપરાગત આદિવાસી ધર્મ – animism તેમજ અપવાદરૂપે થોડા પારસી અને જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા પણ ગુજરાતના આદિવાસીઓમાં નોંધાઈ છે. ઉત્તર ગુજરાતમાં ‘ભક્તિ ચળવળ’; પંચમહાલમાં ગુરુ ગોવિંદસિંહ, દાદગુરુ, પ્રણામી ધર્મ; દક્ષિણ ગુજરાતમાં સત્કેવળ, સદાફાલ, મોક્ષમાર્ગી, સતીપતિપંથ વગેરે સંપ્રદાય વિકસ્યા છે. પરિણામે દારૂ-માંસ બંનેનો સંપૂર્ણપણે ત્યાગ કરનારી ભક્તિપ્રથાની અથવા ‘દેવીનો વા’ જેવી કેટલીક ચળવળો પણ વીસમી સદીના પ્રારંભકાળમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. ભૂત-ભૂવા, મંત્રતંત્ર વગેરેનો પ્રચાર પણ બધા આદિવાસી વિસ્તારોમાં ઓછાવત્તા પ્રમાણમાં છે. અલબત્ત, શિક્ષણના પ્રચાર-પ્રસાર સાથે તેની પકડ ઢીલી પડતી જાય છે. ગુજરાતની સંખ્યાબંધ આદિવાસી જાતિઓ ધોડિયા, ચૌધરી, રાઠવા, ભીલ, પટેલિયા, ગરાસિયા, વારલી વગેરેમાં પૂર્વજપૂજા પ્રચલિત છે.

આમ છતાં, પરંપરાગત ધાર્મિક માન્યતાઓમાં એક જાતનું સ્પષ્ટ પરિવર્તન આવતું જાય છે.

સિદ્ધરાજ સોલંકી

અરવિંદ ભટ્ટ

ભારતના આદિવાસીઓ : આદિવાસીઓ દેશની સંસ્કૃતિના એક ભાગરૂપ છે. દેશના મૂળ વતનીઓ તરીકે તેઓ મુખ્યત્વે પહાડો અને જંગલોમાં વસતા આવ્યા છે; તેથી તેમને ગિરિજનો, વનવાસી, વનફૂલ, આદિ-વાસી, ‘પ્રિમિટિવ્ઝ’ વગેરે નામે ઓળખવામાં આવ્યા છે. સરકારે વિકાસની જે યાદી તૈયાર કરી હતી તેમાં તેમને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તેથી તે ‘અનુસૂચિત જનજાતિ’ (scheduled tribes) કહેવાયા. દેશમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબ સિવાય બધાં રાજ્યોમાં તેમની વત્તીઓછી વસ્તી છે. દેશમાં આજે તેમની 414 જેટલી જાતિઓ છે. 1991 પ્રમાણે આજે તેમની વસ્તી 6,77,58,380 એટલે 8.08 ટકા છે. દરેક રાજ્યની વસ્તીની ર્દષ્ટિએ અનુક્રમે મધ્યપ્રદેશ 1,53,99,034 (23.27%), ઓરિસા 70,32,214 (22.21%), બિહાર 66,16,914 (7.66%), મહારાષ્ટ્ર 73,18,281 (9.27%), ગુજરાત 61,61,775 (14.92%), આંધ્રપ્રદેશ 41,99,481 (6.31%), પ. બંગાળ 38,08,760 (5.59%) એ રાજ્યો મહત્વનાં છે. રાજ્યવાર મુખ્યજાતિઓ નીચે પ્રમાણે છે.

1. આંધ્રપ્રદેશ : ચેન્યુ, યેનડી, કોયા, કૉન્ડાકાપુસ, યેરૂલા, લંબાડી, કોલર, કોંડા રેડ્ડી, જટાયુ, ગડાબા.

2. આસામ : ગારો, ખાસી, મીકીર, ફુકી, મિશ્મી, કચારી, નાગા, એબોર, અકા, આપાતાની, જાયંતિયા, ડફલા.

3. ઓરિસા : ભૂમિજ, બિરહોર, સંથાલ, મુન્ડા, ઉરાંવ, ગડાબા, હો, બોંડો, બાથુડી, જૂઆંગ, સવર, કંધ, ભૂયાં, કોયા.

4. મધ્યપ્રદેશ : ગોન્ડ, મુરિયા, મારિયા, બૈગા, સવર, અગરિયા, ભીલ, ભીલાલા, કોરકુ, પરધાન, ઓઝા, સહરિયા.

5. બિહાર : આસુર, હો, સાંથાલ, ખરિયા, કિસાન, ભૂમિજ, સવર, માલપહરિયા, ચેરો.

6. ગુજરાત : ભીલ, દૂબળા, ધોડિયા, ગામીત, ચૌધરી, રાઠવા, પટેલિયા, કોટવાળિયા, કુકણા, નાયકડા, વારલી.

7. મહારાષ્ટ્ર : વારલી, કુકણા, કુનબી, ઢોરકોળી, કમાર, ગોન્ડ, ખરિયા,

8. રાજસ્થાન : ભીલ, ડામોર, મીણા, ગરાસિયા, સહરિયા.

9. પ. બંગાળ : આસુર, કંધ, સાંથાલ, કિસાન, લેપચા, લોધા, ચકમા, હો, સાવરા, કારવા, ભૂમિજ, મુંડા.

10. કેરળ : કાદર, ઇરૂલા, મધુવન.

11. મૈસૂર : ટોડા, કોટા, લંબાડી, કુરુંબા, પનીયન, પુલિયન, અરનાદન.

12. ઉત્તર પ્રદેશ : થારૂ, ભોટિયા, કોલટા, બોટા.

13. હિમાચલ પ્રદેશ : ગેર્દી, કિન્નર, ગુજ્જર, લાહુલા, ઓઢ.

14. નેફા : વાન્ચો, સંગફો, તાંગ્સા, મિશ્મી, આકા, ડફલા, શરદુકપેન, ખામાટી, એબોર, આપાતાની, ગેલોંગ, મેન્પા.

15. મણિપુર : ગંગટે, મીઝો, સાલ્ટે, ઝો, રાઓ, સેમાનાગા, અંગામી, પુરુમ.

16. ત્રિપુરા : ભીલ, ભૂતિયા, ગારો, ખાસી, ફુકી, લુશાઈ, રીઆંગ, હલમ, ઓરંગ, જાયંતિયા.

17. આંદામાન : આંદામાની, નિકોબારી, આંગે, જારવા, નિકોબાર – શોનપેન્સ.

જાતિતત્વની ર્દષ્ટિએ (1) ઉત્તર-પૂર્વ ભારતના આદિવાસીઓમાં મૉંગોલૉઇડ જાતિતત્વનું, (2) મધ્ય-ભારતમાં આદિ-ઑસ્ટ્રોલૉઇડ જાતિતત્વ અને (3) દક્ષિણ ભારતમાં નીગ્રો જાતિતત્વનું પ્રાધાન્ય છે.

ભાષાની ર્દષ્ટિએ ઉત્તરપૂર્વ સરહદી વિસ્તારમાંના આદિવાસીઓની બોલી તિબેટો-ચાઇનીઝ અથવા સિનો-તિબેટન ભાષાકુળમાં સમાયેલી છે. મધ્ય અને પૂર્વ ભારતમાં આદિવાસીઓની બોલી ઑસ્ટ્રિક ભાષાકુળની છે તથા દક્ષિણ ભારતના આદિવાસીઓ દ્રવિડિયન ભાષાકુળમાં સમાય છે.

સામાજિક વ્યવસ્થા : દેશના મોટાભાગના આદિવાસીઓ પિતૃસત્તાક, પિતૃવંશીય અને પિતૃસ્થાની કુટુંબવ્યવસ્થા ધરાવે છે. પરંતુ આસામની ખાસી, ગારો આદિવાસી જાતિઓ માતૃસત્તાક, માતૃવંશીય અને માતૃસ્થાની કુટુંબવ્યવસ્થા ધરાવે છે. તેમાં સામાજિક, આર્થિક, ધાર્મિક ર્દષ્ટિએ સ્ત્રીનો દરજ્જો ઊંચો અને વર્ચસ્વી છે. વંશ અને મિલકતના વારસાની ર્દષ્ટિએ ખાસી જાતિમાં નાની પુત્રી ‘કાખદ્દ્હુ’ અને ગારો જાતિમાં ‘નોકના’નું મહત્વ ઘણું છે. ખ્રિસ્તી સંપ્રદાયની અસરને લીધે તેમાં ધીમે ધીમે પિતૃસત્તાક વ્યવસ્થા તરફનું પરિવર્તન આવવાનું શરૂ થયું છે.

મોટાભાગના આદિવાસીઓ ગોત્રવ્યવસ્થા ધરાવે છે. દરેક ગોત્રને તેનાં દેવ-દેવીઓ તથા પ્રતીકો હોય છે. ગોત્રો લગ્ન, જાતિસંબંધો અને જાતિસંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મોટાભાગની જાતિઓમાં એક કરતાં વધુ પત્ની કરવાનો રિવાજ હોય છે; ખાસ કરીને ભીલ, ગોન્ડ, બૌગા, નાગા, હોડા, ગામીત વગેરેમાં. બધી જાતિઓમાં સગોત્ર લગ્ન તથા જાતિબાહ્ય લગ્નનો નિષેધ છે. ટોડા, કોટાઓમાં ભ્રાતૃબહુપતિપ્રથા જોવા મળે છે. દિયરવટું, છૂટાછેડા, પુનર્લગ્નની સૌ જાતિઓમાં છૂટ હોય છે. કન્યાશુલ્ક લેવાય છે. જીવનસાથી મેળવવાની રીતોમાં અપહરણ, સાટાં, હઠ, સેવા, હંગામી કન્યાવિક્રય વગેરે પ્રચલિત છે. ગોન્ડ, ધોડિયા, ભીલ, ચૌધરી, વારલી વગેરેમાં સેવાલગ્ન  ઘરજમાઈ  ખંધાડ પ્રથા પ્રચલિત છે. ભીલો, બૈગા, નાગા, ગોન્ડ વગેરેમાં અપહરણપ્રથા વધુ પ્રચલિત છે. લગ્ન મોટેભાગે પુખ્તવયે જ થાય છે. લગ્નની બાબતમાં, છૂટાછેડા કે પુનર્લગ્નમાં તેમજ ખાનગી મિલકતમાં સ્ત્રીઓ સમાન અધિકાર ધરાવે છે. પરંતુ ધાર્મિક અને જાતિપંચમાં તેમને સ્થાન મળતું નથી. યુવાગૃહ તેમની એક મહત્વની સામાજિક સંસ્થા છે, જેમાં અપરિણીત છોકરા-છોકરીઓ રાત્રે નાચે-કૂદે, સહશયન, જાતીય જ્ઞાન તેમજ સામાજિક-આર્થિક કાર્યોની તાલીમ મેળવે છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, બિહાર ઓરિસા, આસામ અને આંધ્ર પ્રદેશના આદિવાસીઓમાં તે સંસ્થા સવિશેષ સક્રિય છે.

આર્થિક વ્યવસ્થા : આર્થિક જીવનની ર્દષ્ટિએ તેમને ચાર ભાગમાં વહેંચી શકાય છે : (1) જેઓ મુખ્યત્વે ખોરાક એકઠો કરવાનું કામ કરે છે, શિકાર પર જીવે છે. તેમાં જંગલમાંથી, ફળ, કંદ-મૂળ, મધ, પાંદડાં વગેરે ભેગાં કરે છે તથા શિકાર ઉપર જીવે છે. ચેન્ચુ, કાદર, મન્નાન, યેરૂલા, યેનડી આંદામાનીઝ વગેરે જાતિઓનો તેમાં સમાવેશ થાય છે. (2) પશુપાલન – માત્ર પશુપાલન પર આધાર રાખનારા દૂધ, ઘી વગેરે બનાવટો વેચીને ગુજરાન ચલાવે છે. મુખ્યત્વે મૈસૂરની ટોડા, કોટા જાતિઓ ભેંસો પાળે છે. ઉપરાંત ગુજરાતના આલેચ, ગીર, બરડાના રબારીઓનો પણ તેમાં સમાવેશ થાય છે.

(3) ખેતી : ખેતીના સંદર્ભમાં ત્રણ વિભાગ પડે છે :

(ક) ફરતી ખેતી : જે પ્રાથમિક પ્રકારની ખેતીનું સ્વરૂપ છે. તેમાં જંગલ કાપી, બાળી, તેની રાખ પાથરી તેમાં દાણા છાંટી દેવામાં આવે છે. ઊગે તે લઈ લેવામાં આવે છે. આવી ખેતી મોટેભાગે સામૂહિક ધોરણે થાય છે. તેમાં હળ વાપરવાનો ધર્મની ર્દષ્ટિએ નિષેધ હોય છે. કુહાડી અને દાતરડું મુખ્ય ઓજારો છે. આ પ્રકારની ખેતી મધ્યપ્રદેશમાં બૈગા, ગોન્ડ, પરધાન, મુરિયા હલબી; ઓરિસામાં કંધ, ભૂઈઆ, જુઆંગ, કોયા, પોરોજા; આસામમાં ગારો, ખાસી, સોમાનાગા, અંગામીનાગા, કોન્યાકનાગા; નેફામાં ડફલા, તાન્ગ્સા, ગેલોંગ, મિશ્મી, આપાતાની, આકા વગેરે. આંધ્રપ્રદેશમાં રેડ્ડી કોયા વગેરે જાતિઓ ખેતી કરે છે. વિવિધ વિસ્તારોમાં આ ખેતી પરકા, પેન્ડા, એરકા, બેવર, પોડુ, ઝુમખેતી વગેરે નામોથી ઓળખાય છે.

(ખ) સ્થાયી ખેતી : મોટાભાગના આદિવાસીઓ સ્થાયી ખેતી કરે છે. હળ અને કેટલીક જગ્યાએ ટ્રૅક્ટરનો ઉપયોગ પણ થાય છે. પહાડી વિસ્તારોમાં ઢોળાવ ઉપર – પગથિયાં ખેતી કરવામાં આવે છે. વિકાસ-યોજનાઓને પરિણામે સુધરેલું ખાતર, દવાઓ તથા બિયારણનો પ્રચાર વધ્યો છે.

(ગ) ખેતમજૂરી : સંપર્કને પરિણામે ઘણા આદિવાસીઓ પાસેથી જમીનો જતી રહી છે. તેથી તેઓ ખેતમજૂર તરીકે બિનઆદિવાસીઓને ત્યાં અને જમીનદાર આદિવાસીઓને ત્યાં કામ કરે છે. આઝાદી પહેલાં ખેતમજૂરી વેટ્ટી, મુત્તાદારી કે હાળી પ્રથા નામે ઓળખાતી હતી, જે પેઢીદરપેઢી ગુલામી જેવી હતી. આજે કાયદાથી તે પ્રથા નાબૂદ કરવામાં આવી છે.

ઉદ્યોગ : કેટલાક આદિવાસીઓ હસ્તઉદ્યોગો પર આધાર રાખે છે. મધ્યપ્રદેશના અગરિયા લોખંડ ખોદે છે; ઉત્તર પ્રદેશના થારૂ, ભોટિયા જાતિઓ વાજિંત્રો બનાવે છે, ગુજરાતમાં કાથોડી કાથો પાડે છે, કોલધા કોલસા પાડે છે; દક્ષિણ ગુજરાતના કોટવાળિયા જાતિ ટોપલા-ટોપલી બનાવે છે. ઓરિસાના બિરહોર દોરડાં વણે છે.

નવા ઉદ્યોગો સ્થપાતાં કારખાનામાં કામ કરવાનું પણ બન્યું છે. ટાટા, ચિત્તરંજન અને રાંચીનાં ઔદ્યોગિક કારખાનાં, ગુજરાતમાં અતુલમાં રંગનું કારખાનું; મઢી, વ્યારામાંનાં ખાંડનાં કારખાનાં વગેરેમાં તથા હીરા ઘસવાની મજૂરી કરતા થયા છે. શિક્ષણનો પ્રસાર થતાં અનામત જોગવાઈઓ અનુસાર સરકારી નોકરીઓમાં તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકો તરીકેની નોકરી કરનારનું પ્રમાણ પણ વિકસ્યું છે.

ભારતના 1991ના વર્ષના આદિવાસીઓનું વ્યવસાયાનુસાર વર્ગીકરણ નીચે પ્રમાણે જણાય છે :

ક્રમ વ્યવસાય વસ્તી (ટકા)
 1. ખેતી 54.50
 2. ખેતમજૂરી 32.70
 3. પશુપાલન, મત્સ્ય-ઉદ્યોગસંલગ્ન સેવાઓ 2.70
 4. ખાણમજૂરો 0.80
 5. ગૃહઉદ્યોગો 1.00
 6. કારખાનાંમાં (રિપેરિંગ કામ વગેરે) 2.00
 7. બાંધકામ 0.80
 8. પરિવહન અને સંદેશાવ્યવહાર 1.20
 9. વેપાર-વાણિજ્ય 0.90
10. અન્ય સેવાઓ 4.10

પારલૌકિક માન્યતાઓ અને ધર્મ : ભારતના આદિવાસીઓને પોતાનો ધર્મ છે, જેને ‘વન્ય ધર્મ’ કહી શકાય. પ્રકૃતિપૂજા, ગોત્રચિહન, ગૂઢ આત્મવાદ, જાદુ, માનતા, મંત્ર-તંત્ર, ભગત-ભૂવા, ભૂત-પ્રેત, પિતૃપૂજા વગેરે પર તે આધારિત છે. પ્રકૃતિપૂજામાં-ધરતી, પહાડ, ઝાડ, સૂર્ય, ચંદ્ર, વરસાદ વગેરે કુદરતી તત્વોમાં તે ગૂઢ શક્તિનું આરોપણ કરે છે. દુ:ખ, આફત, ભય, દુષ્કાળ, પૂર, વિનાશ, રોગચાળો, મરણ વગેરે તેમના નાખુશ થવાથી થાય છે. માટે બલિ, ભોગ વગેરે દ્વારા તેમને ખુશ રાખવા માટે પૂજા વગેરે થાય છે. બિહારના આદિવાસીઓમાં બોંગાવાદની માન્યતા આ પ્રકારની છે, જેમાં નવાં વૈજ્ઞાનિક ઉપકરણો – સાઇકલ, મોટર, વિમાન, ટ્રેન વગેરેને પણ ગૂઢ શક્તિ તરીકે – ‘બોંગા’ તરીકે – માનવામાં આવે છે.

મોટાભાગના આદિવાસીઓમાં ગોત્રવ્યવસ્થા હોઈ ગોત્ર-દેવ-દેવીઓની પૂજા, તેનાં પ્રતીકોની માન્યતા છે. આ પ્રતીકો ઝાડ, પર્વત, માછલી, પક્ષી, જીવજંતુ વગેરે હોઈ શકે. તે તેમના સમૂહને ડર, ભય, દુ:ખ, આફતમાં રક્ષણ આપે છે તેમ તેઓ માને છે. તેમનામાં મૃત વ્યક્તિનો ભય ઘણો હોય છે. તેથી મરનાર પિતૃઓના પાળિયા અને ખતરો મૂકે છે. તેઓ અતૃપ્ત હોય તો ભૂત, ડાકણ વગેરે મેલાં તત્વો બનીને કુટુંબીજનોને રંજાડે છે તેમ તે માને છે. આ માટે મંત્રતંત્ર, ભોગ, ભગત બલિ-પિતૃપૂજા કરે છે. જાદુ દ્વારા અમુક શક્તિઓ પર ‘કાબૂ’ જમાવી શકાય છે તેમ પણ તે માને છે. વરસાદ લાવવો, માછલાં પકડવાં, શિકાર કરવો, દુશ્મન પર વેર લેવું વગેરે બાબતોમાં તેનાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થઈ શકે છે. શારીરિક માંદગી કે તકલીફમાં ભગતનો આશ્રય લેવામાં આવે છે. ભગત તેમના ધાર્મિક જીવનનો સૂત્રધાર જેવો હોય છે. તે લોક-પરલોકને જાણનારો અને સંબંધ જોડનારો છે. તેની ઉપર તેમને અતૂટ શ્રદ્ધા હોય છે. સંપર્કને પરિણામે આસામ, બિહાર, મધ્યપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખ્રિસ્તી મિશનરીઓેએ ખ્રિસ્તીકરણ દ્વારા ધાર્મિક સુધારનું ઘણું કાર્ય કર્યું છે. બિહાર અને ઓેરિસામાં ચૈતન્ય સંપ્રદાયની ભક્તિ-ચળવળ ઊંડાણના આદિવાસીઓમાં પ્રસરેલી છે. આ ઉપરાંત શૈવ પંથ અને વૈષ્ણવ પંથની અસરો પણ કેટલાક વિસ્તારોમાં થઈ છે. ગુજરાતમાં રામાનંદી ભક્તિસંપ્રદાય, મોક્ષમાર્ગી સંપ્રદાય, સતીપતિ, સદ્દાફાલ વગેરે જેવા સંપ્રદાયોની અસરો આદિવાસી ધર્મ પર થઈ છે. ખ્રિસ્તી ધર્મના સંપર્કને પરિણામે ઈશુની માન્યતા, હિન્દુ દેવ-દેવીઓની માન્યતાઓ, પૂજાવિધિ વગેરેમાં તેની અસર દેખાય છે.

શિક્ષણ :

શિક્ષણદર (આદિવાસીઓમાં)

વર્ષ શિક્ષણ
1961 18.53
1971 11.30
1981 18.35
1991 29.30

રાજકીય અને સાંસ્કૃતિક પરિવર્તન : મોટાભાગના આદિવાસીઓને તેમના સમુદાયના સંચાલન અને નિયંત્રણ માટે તેમનાં પોતાનાં પરંપરાગત જાતિપંચો છે, જે આચાર-વ્યવહાર, લગ્ન વગેરે સામાજિક બાબતો પર નિયંત્રણ મૂકવા ઉપરાંત આર્થિક, સામાજિક ઝઘડાઓના નિકાલનું પણ કાર્ય કરે છે. આઝાદી પછી પંચાયતી રાજ અને પક્ષીય રાજકારણના પ્રવેશને પરિણામે તેમનાં પરંપરાગત જાતિપંચો ઉપર માઠી અસરો થઈ છે. આવાં સંગઠનો ગામ, પ્રદેશ કે જાતિસમગ્રને આવરી લેતાં હોય છે. રાજકીય પક્ષો તથા ચૂંટણીઓ વગેરેના પરિણામે રાજકીય સભાનતા – હક્કોની સભાનતા – ઘણી વધી છે.

બિનઆદિવાસીના સંપર્કને પરિણામે તેમજ શિક્ષિત આદિવાસીઓને કારણે તેમનું સામાજિક-આર્થિક શોષણ ક્યાંક વધ્યું છે તો ક્યાંક ઘટ્યું છે. અનામત જોગવાઈઓ, રાજકીય જાગૃતિ અને વિકાસયોજનાઓને કારણે આર્થિક વિકાસ થયો છે. હક્કોની સભાનતા વધેલી દેખાય છે. શિક્ષણનો પ્રસાર વધ્યો છે. સરકારી નોકરીઓમાં તેમનું પ્રમાણ વધ્યું છે. યુવાગૃહ જેવી સામાજિક સંસ્થા મૃતપ્રાય થઈ ગઈ છે. મિશનરીઓના સંપર્કને કારણે ખ્રિસ્તીકરણ વધ્યું છે અને પરંપરાગત ધાર્મિક માન્યતાઓ અને શ્રદ્ધા-વિશ્વાસ તૂટતાં નિરાશા અને અસહાય સ્થિતિમાં વધારો થયેલો દેખાય છે. રાજકીય ચૂંટણીઓની અસર પરંપરાગત જાતિપંચો પર માઠી થઈ છે. પક્ષીય રાજકારણથી આંતરિક સંઘર્ષો વધ્યા છે.

અરવિંદ ભટ્ટ

આફ્રિકાના આદિવાસીઓ : આફ્રિકા ખંડમાં અનેક સદીઓથી વિવિધ જાતિઓના લોકોનું સ્થળાંતર થતું રહ્યું હોવાને કારણે ત્યાં હાલમાં સ્થાયી વસતા આદિવાસીઓનું વર્ગીકરણ કરવું મુશ્કેલ છે. માનવશાસ્ત્રીઓએ કરેલું વર્ગીકરણ મોટાભાગે વંશ (દા.ત., બાન્ટુ), ભાષા (હેમિટિક) અને સંસ્કૃતિ (દા.ત., નીગ્રો) એ ત્રણ માપદંડ પર આધારિત છે પરંતુ આ ત્રણેની ઘણી ભેળસેળ થયેલી જોવા મળે છે.

(1) હેમિટિક ભાષાકુળની બોલીઓ ઈશાનમાં ઇજિપ્ત અને સુદાન, મધ્યમાં ચાડ અને નાઇજર તથા વાયવ્યમાં માલી અને મોરિટેનિયા વિસ્તારમાં રહેતી જાતિઓ બોલે છે. (2) સેમિટિક ભાષાકુળની બોલીઓ ઉત્તર આફ્રિકામાં સેનેગલથી માંડી લિબિયા અને ઇજિપ્ત સુધી રહેતી જાતિઓ વાપરે છે. (3) પશ્ચિમ આફ્રિકાની જાતિઓમાં સુદાની નીગ્રો, હૌસા, ઇવ અને યોરૂબા બોલીઓનો વપરાશ થાય છે. (4) બાન્ટુ ભાષાનો વપરાશ વિષુવવૃત્તની દક્ષિણે ગૅબન, કોંગો, રવાન્ડા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, કેન્યા, અન્ગોલા, ઝામ્બિયા, મોઝામ્બિક તથા બોટ્સ્વાનામાં રહેતા આદિવાસીઓ કરે છે. (5) નામીબિયામાં રહેતી બુશમૅન તથા હોટેન્ટોટ જાતિઓ પોતાની અલગ અલગ બોલીઓ બોલે છે.

સંસ્કૃતિની ર્દષ્ટિએ આફ્રિકાના આદિવાસીઓને પાંચ ભાગમાં વહેંચી શકાય : (1) પશ્ચિમનો વનપ્રદેશ, જેમાં વિષુવવૃત્તીય અને મોસમી જંગલોવાળો કાંઠાગાળાનો તથા મધ્ય આફ્રિકાનો બાન્ટુ વિસ્તારનો ઊંચા ઘાસનાં બીડવાળો કેટલોક પ્રદેશ સમાઈ જાય છે. (2) પશ્ચિમનો ચરાણ જમીન અને અર્ધરણનો પ્રદેશ, જેમાં પશ્ચિમ આફ્રિકામાં દક્ષિણના ઊંચા ઘાસના બીડવાળા વનવિસ્તારથી શરૂ થતો અને ઉત્તરે છેક સહરાના રણ સુધીનો પટ્ટો આવી જાય છે. અહીં રહેતા આદિવાસીઓ પશુપાલન અને ઊંટઊછેર દ્વારા જીવનનિર્વાહ કરે છે. (3) સહરાનું રણ અને તેની અડોઅડનો પ્રદેશ, જેમાં ઊંટના ઉછેર પર નભનારી અને ઊંટની વણજાર દ્વારા વેપાર કરનારી જાતિઓ છૂટક છૂટક રણદ્વીપોમાં વસવાટ કરે છે. (4) ઇજિપ્ત અને સુદાનનો પ્રદેશ, જેમાં મુખ્યત્વે નાઇલ નદીના બે કાંઠે વસતી જાતિઓ ઘઉં અને કપાસની ખેતી તથા પશુપાલન પર નભે છે. (5) બાંટુ પ્રદેશ, જેમાં પોતાની આગવી સંસ્કૃતિ ધરાવતી બુશમૅન અને હોટેન્ટોટ જાતિને બાદ કરતાં, સમગ્ર દક્ષિણ ખંડમાં બાંટુ બોલી બોલતા અને પશુપાલન અને/અથવા ખેતી પર નભતા આદિવાસીઓનો વિસ્તાર સમાઈ જાય છે.

દક્ષિણ આફ્રિકાના કલહરી રણમાં વસતા બુશમૅન અને કૉંગોના જંગલમાં રહેતા વેંતિયા (pigmies) અને ઇજિપ્ત-સુદાનની કોરોબા જાતિના લોકો આજે પણ નાનાં પશુ-પંખીનો શિકાર કરી, ફળફૂલ અને કંદમૂળ વીણી ખોરાકસંકલન દ્વારા જીવનનિર્વાહ કરે છે. મધ્ય તથા પશ્ર્ચિમ આફ્રિકાના કાંઠાગાળાના અને પૂર્વના કેટલાક ભાગમાં ત્સેત્સે માખીનો ઉપદ્રવ હોવાથી ઢોરોને ઊંઘની બીમારી થતી હોવાને કારણે તથા સહરાનું રણ અને તેની લગોલગના વિસ્તાર ઉજ્જડ હોવાને લીધે પશુપાલન લગભગ અશક્ય જણાય છે. આ સિવાય ઉત્તરે લિબિયા  સુદાનથી માંડીને દક્ષિણે કેપ ઑવ્ ગુડ હોપ સુધીની તમામ જાતિઓ ઊંચા અને ટૂંકા ઘાસનાં બીડ તથા ચરાઉ જંગલને કારણે કેવળ પશુપાલન પર નભે છે. પશુઓનું મૂલ્ય તેમના સામાજિક જીવનમાં લગ્ન વખતે વરપક્ષ તરફથી કન્યાપક્ષને કન્યાશુલ્કરૂપે અમુક સંખ્યામાં ઢોર આપવાની ‘લોબોલા’ નામની દહેજપ્રથામાં પ્રતિબિંબિત થાય છે. નૈર્ઋત્ય દિશામાં અંગોલામાં વસતી હેહેરો જાતિમાં મુખીઓને આપવાની ખંડણી અને ગુનાખોરોને થયેલા દંડની ચુકવણી પશુઓના રૂપમાં થાય છે. ઈશાન પ્રદેશના પશુપાલક આદિવાસીઓને ખેતી પ્રત્યે કંઈક અંશે તિરસ્કાર અને ઉપેક્ષા છે.

દક્ષિણ સુદાનના ન્યુબા, ન્યુઅર તથા અઝાન્ડે જાતિના લોકો થોડીઘણી ખેતી કરે છે, પણ મોટાભાગે દુધાળાં પશુઓ પર તેમનો જીવનનિર્વાહ થાય છે. કેન્યાની મસાઈ જાતિમાં સામાજિક સંબંધ ર્દઢ કરવા પશુનું લોહી અને દૂધ ભેગું કરેલું પીણું એકબીજા સાથે પીવાનો રિવાજ છે. ટાન્ઝાનિયાના ન્યાકુસી અને હેહે, યુગાન્ડાના ગાન્ડા, ઝામ્બિયાના બેંબે અને કેન્યાના ચાગ આદિવાસીઓમાં જીવનનિર્વાહનાં સાધનોમાં પશુપાલન મુખ્ય અને ખેતી ગૌણ છે. દક્ષિણ આફ્રિકાનાં ખરાઉ જંગલોમાં રહેતા પોંડો જાતિના લોકો ફરતી ખેતી કરે છે. હોટેન્ટોટ જાતિ ઘેટાં-બકરાં પાળે છે અને થોડા પ્રમાણમાં શિકાર કરે છે. સહરાના રણમાં વસતા મોં પર બુકાની બાંધેલા ટ્યૂરેગ જાતિના લોકોમાં ખેતી કરવી શરમજનક ગણાય છે. ઊંટ, ઘેટાં તથા બકરાંનાં દૂધ તથા માંસ પર તેઓ નિર્વાહ કરે છે, જોકે એમના વતી નીગ્રો ગુલામો ખેતી કરે છે. ટ્યૂરેગ આદિવાસીઓ 300 માઈલના વિસ્તારમાં ઊંટની વણજાર દ્વારા ઉત્તરના કુબાની આદિવાસીઓ સાથે મીઠાનો વેપાર કરે છે. તેમની પાસેથી મીઠાના બદલામાં પશુઓ ખરીદે છે. ગિનીના મેંદી, આઇવરી કોસ્ટ, માલી, ડોહોમી અને ટોગોના ટેલેન્સી આદિવાસીઓ ખેતી અને પશુપાલન ઉપરાંત શિકાર પણ કરે છે. નાઇજીરિયાના ન્યુપે અને કામેરૂનના યાકો જાતિના લોકો કૉફીના બગીચાઓ અને ખાણખોદકામમાં મજૂરી કરી નિર્વાહ કરે છે. ત્સેત્સે માખીના ઉપદ્રવવાળા વિસ્તારના આદિવાસીઓ વિવિધ પ્રકારનાં અનાજ, બટેટા, સૂરણ, રતાળુ જેવાં કંદમૂળ અને શાકભાજી તથા મગફળી અને બિલાડીના ટોપ ઉગાડીને નિર્વાહ કરે છે. પૂર્વ આફ્રિકાની બેંબા અને કેન્યા તથા ટાન્ઝાનિયાની હેટ, ન્યાકુસી અને ચાગ જાતિઓના લોકો ફરતી ખેતી કરતા જણાય છે. ન્યુબા, બાહિમા, બેરે વગેરે જાતિઓના લોકો ખેતમજૂરી ઉપરાંત શિકાર, ખોરાકસંકલન અને ઢોરના માંસ દ્વારા પેટગુજારો કરે છે.

1950 પછી સમગ્ર આફ્રિકામાં લોકશાહી અને રાષ્ટ્રવાદની નવચેતના જાગવાને કારણે ઘણા દેશો સ્વતંત્ર બન્યા છે, પરંતુ ત્યાંના દુર્ગમ અને ભીતરના પ્રદેશોમાં વસતા આદિવાસીઓની આર્થિક પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર ફરક પડ્યો નથી. મોટાભાગના લોકો હજીયે પરંપરાગત સામાજિક જીવન વિતાવે છે.

રમેશ શ્રોફ

આદિવાસી સામાજિક સંગઠન : સામાજિક સંગઠનનો પાયાનો એકમ કુટુંબ છે અને તેનું સૌથી અગત્યનું કાર્ય પ્રજોત્પત્તિ છે. આદિવાસીઓમાં અનેક જાતનાં કૌટુંબિક સંગઠનો હોય છે. જુદી જુદી જાતિઓમાં કુટુંબરચનાની વિવિધતા જોવા મળે છે. રૂઢિ પ્રમાણે લગ્ન કરેલાં પતિ-પત્ની ફક્ત પોતાનાં બાળકો સાથે રહે તે વિભક્ત કુટુંબ છે. એક વંશમાંથી ઊતરેલાં આવાં પ્રાથમિક કુટુંબો બાપ-દાદાની છત્રછાયા નીચે રહે તેને સંયુક્ત કુટુંબ ગણવામાં આવે છે. મિશ્ર વ્યવસ્થાવાળાં કુટુંબો પણ આદિવાસીઓમાં હોય છે. પતિ કે પત્નીનાં માતૃપક્ષનાં સગાંઓ વગેરે મિશ્ર કુટુંબોમાં જોવા મળે છે. પુત્રવિહીન બાપ પુત્રીના પતિને ઘરજમાઈ તરીકે પોતાને ત્યાં રાખે છે. આદિવાસીઓમાં પિતૃમૂલક અને માતૃમૂલક કુટુંબવ્યવસ્થા (જેમાં પિતા અથવા માતા કર્તાહર્તા હોય તેવી) પણ જોવા મળે છે. બાળકોના ઉછેરમાં અને સામાજિકીકરણ(socialisation)માં માતા-પિતા અને દાદા-દાદી અગત્યનો ભાગ ભજવે છે.

કુટુંબવ્યવસ્થા લગ્નવ્યવસ્થા સાથે જોડાયેલી હોય છે. લગ્નનું નિયંત્રણ આદિવાસીઓનાં વંશ, કુળ, શાખા અથવા ગોત્રનાં વળાંને ધ્યાનમાં રાખીને થાય છે. એક જ વંશમાં જન્મેલાં સ્ત્રી-પુરુષ ભાઈ-બહેન ગણાય છે. સામાન્ય રીતે માબાપ કે સગાંવહાલાં દ્વારા લગ્ન ગોઠવાય છે. લગ્ન પહેલાં સગાઈ કરવાનો રિવાજ બધે હોતો નથી. ઉંમરલાયક છોકરા-છોકરી મનમેળ થતાં પલાયન લગ્ન કરે છે. કોઈ વાર છોકરો પસંદગીની કન્યા સાથે અપહરણ લગ્ન કરે છે. આખરે પતિ-પત્ની તરીકે બાળકો થયા પછી પણ લગ્નવિધિ પતાવે છે. કન્યાપક્ષનું મનદુ:ખ નિવારવા પતિ રિવાજ પ્રમાણે દંડ પણ આપે છે. એક ભાઈ-બહેનનાં લગ્ન અદલાબદલીથી બીજાં બહેન-ભાઈ સાથે થઈ શકે છે. આમાં મામા-ફોઈનાં છોકરાંના લગ્નનો સમાવેશ થાય છે.

એક કુળમાં જન્મેલાં લોહીનાં સગાંઓને વંશપરંપરાના આધારે પેઢી-દર-પેઢી માન્યતા આપી જૂથની રચના સંગઠિત રાખે છે. લોહીનાં સગાંઓનાં જૂથ ચાર કે પાંચ પેઢી જેટલાં નાનાં હોય છે. પેઢી એ વંશનો નાનો ભાગ હોય છે જ્યારે વંશ ગોત્રનો પેટાભાગ હોય છે. ગોત્રમાં એક જ લોહીના દૂરના પૂર્વજોનાં સંતાનોનો સમાવેશ થાય છે. જૂથની જાતિ-પંચાયત વ્યક્તિના વર્તન ઉપર નિયમન લાદીને સામાજિક સંગઠન અને કાયદાને જાળવી રાખે છે. કાયદાનો અમલ અનુભવજન્ય હોય છે. કાયદા-કાનૂનને લખાણમાં લાવવા અને સુધારવા માટે શિક્ષિત આદિવાસીઓ સમાજ-સુધારણાની ચળવળો ચલાવે છે.

સામાજિક, આર્થિક કે ધાર્મિક ક્ષેત્રે ગુનો કરનાર પોતાની શાખા અને કુળની આબરૂને ધક્કો પહોંચાડે છે. સામાજિક સંગઠનને નબળું પાડનાર વ્યક્તિનો દંડ કરવામાં આવે છે. તેની પૂરતી અસર ન થાય તો સમાજમાં તેનો બહિષ્કાર થાય છે. તેને આંગણે કે ખેતરમાં કોઈ જતું નથી. પાણી-રોટીનો વહેવાર બંધ થાય છે. જન્મ, લગ્ન, મરણ વખતે કોઈ સાથ આપતું નથી. છોકરાના લગ્ન વખતે તેના ગુનાની અને તેના વર્તનની નોંધ લેવાય છે. બીજી તરફ સારું વર્તન દાખવનાર કોઈ વ્યક્તિ અણધારી આફતમાં આવી હોય અને ખૂન, ચોરી વગેરેનો આરોપ હોય તો પણ સંગઠિત થઈ તેનો પક્ષ લે છે. તેને બચાવવા વકીલ પણ કરે છે. વળી તેને સલાહ પણ આપે કે ભવિષ્યમાં આવું દુષ્કૃત્ય ન કરે. ખરાબ કૃત્ય કરનારને દેવ-દેવીઓ પણ માંદગી કે મૃત્યુ લાવીને સજા કરે છે તેવું સમજાવાય છે.

આઝાદી પછી સ્વતંત્ર ભારતના બંધારણમાં અનુસૂચિત જનજાતિને ખાસ હક્કો અને રક્ષણ આપવામાં આવેલાં છે. વિકાસની ખાસ યોજનાઓનો લાભ લેવા માટે આગેવાનોમાં ઈર્ષ્યા અને હરીફાઈ ચાલે છે. ચૂંટણીના સમયે વ્યક્તિગત લાભ લેનારા આગેવાનોનાં જૂથ રચાય છે, જે આદિવાસી સામાજિક સંગઠનને નબળું બનાવે છે. ઘણી વાર સંગઠનને હાનિકર્તા રાજનૈતિક પરિબળોનો સામનો ગોત્રની પવિત્રતા અને એકતાના નામે કરવામાં આવે છે. આમ છતાં જૂના ઢાંચામાં આદિવાસી સંગઠનો બનાવવાં કે ચાલુ રાખવાં મુશ્કેલ છે.

હર્ષદ રા. ત્રિવેદી

આદિવાસી સામાજિક સમાનતા : આદિવાસી સમાજોમાં સ્તરીકરણનો અભાવ હોય છે એવી એક માન્યતા પ્રવર્તે છે. પરંતુ માનવશાસ્ત્રના ઊંડા અભ્યાસીઓ આને સમર્થન આપતા નથી. જુદા જુદા તફાવતો વ્યક્તિની ફરજો અને હક્કો સાથે સંકળાયેલા હોય છે. આદિવાસીઓમાં લગ્ન કરવામાં પસંદગી અને લગ્નસંબંધોમાં સ્ત્રી અને પુરુષ સમાન હોય છે. અણબનાવ થાય તો બાળક હોવા છતાં કોઈ એક છૂટાછેડા લેવામાં પહેલ કરે છે. પતિ-પત્નીની વયમાં મોટો તફાવત હોય તો પણ સામાજિક માન્યતા મળે છે. કોઈ વાર મૃત્યુ પામેલા પુરુષને નામે નાનો ભાઈ ખૂબ મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન પણ કરે છે.

આદિવાસી સમાજમાં શક્તિશાળી અથવા બુદ્ધિશાળી વ્યક્તિઓને ઊંચો મોભો અપાય છે. જોકે સામાજિક વ્યવહારમાં તેઓ બીજાઓની સમાન ગણાય છે. દુશ્મનો સામે લડવાની કુનેહ અને તાકાત ધરાવનારને મુખિયાપણું કે આગેવાની અપાય છે. રાજા, સામંત, ધર્મગુરુ, ભૂવા, ભગત વગેરેને સમાજમાં ઊંચું સ્થાન મળે છે. પરંતુ દૈનિક વ્યવહારમાં અન્ય સભ્યો સાથેના એમના સંબંધોમાં સમાનતાના અંશો જોવા મળે છે. સમાજની ભૌતિક અને માનવસંપત્તિને સહિયારી ગણવામાં આવે છે, જોકે આગેવાનો સામાજિક સંપત્તિનો ઉપભોગ બીજાના કરતાં વધારે માત્રામાં કરી શકે છે. દરેક કુળ અથવા કુટુંબને વંશવારસામાં સંપત્તિ મળે તેમાં સ્ત્રી કે પુરુષના ભેદ વગર બધા સભ્યોનો વારસાનો હક્ક સમાન ગણવામાં આવે છે.

આદિવાસી સમાજમાં હિંદુઓ જેવું જટિલ સ્તરીકરણ જોવા મળતું નથી. વર્ણ, જ્ઞાતિ અને અસંખ્ય પેટાજ્ઞાતિઓ હોતી નથી. પરંતુ વંશ અને કુળ તથા ગોત્રના વાડાઓ હોય છે અને તેમાં હિંદુ  સમાજવ્યવસ્થાના અંશો જોવા મળે છે. સગાઈવ્યવસ્થામાં બંને પક્ષો સમાન ગણાય છે અને તેથી લગ્નવહેવાર, ખાવાપીવાની રીત અને અન્ય સંબંધોમાં સમાનતા હોય છે.

રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓના વિનિમય માટે નાણાંનો ઉપયોગ પહેલાં થતો નહિ. જંગલની ગૌણ પેદાશો, અનાજ વગેરેના બદલામાં વાસણ, કપડાં, મોજશોખની બીજી વસ્તુઓ મેળવવામાં આવતી. કોઈ વસ્તુ કે કાર્યનું મૂલ્યાંકન પૈસામાં થતું નહિ. વસ્તુવિનિમયની આ પ્રથામાં સમાનતાની ભાવના હતી. વસ્તુઓ કે વ્યક્તિગત મદદનાં મૂલ્યો નિશ્ચિત ન હોવાથી લેનાર અને દેનાર વચ્ચે એટલી હદે સમાનતા આવી જતી હતી કે કોણ ગરીબ કે કોણ સંપત્તિવાન તેવા ભેદ સહેલાઈથી પારખી શકાતા ન હતા. કુદરત અને ઇષ્ટદેવો પાસે સમાજની બધી વ્યક્તિઓ સમાન છે એવી ભાવના બધા આદિવાસીઓમાં થોડેઘણે અંશે જોવા મળે છે.

હર્ષદ રા. ત્રિવેદી

પરંપરાગત કાયદો : આદિવાસીઓના સામાજિક-સાંસ્કૃતિક જીવનમાં પરંપરાગત કાનૂન અગત્યનું સ્થાન ધરાવે છે. આદિવાસી સમાજની દીવાની અને ફોજદારી બાબતો અંગેની માન્ય પ્રણાલિકાઓ, રીતિરિવાજો, ધારાધોરણો, ભૌતિક અને આધિભૌતિક બાબતોને લગતા આચારો, નીતિનિયમો, ન્યાયપદ્ધતિ, સંબંધિત પક્ષો વગેરે પરંપરાગત કાનૂનનાં અગત્યનાં અંગો છે. પરંપરાગત કાનૂનનું ફલક વિશાળ છે અને તે સમગ્ર આદિવાસી જીવનને આવરી લે છે. આદિવાસી જાતિ જેનો આદર કરતી હોય, માન આપતી હોય એવાં મૂલ્યોનું પ્રતિબિંબ તેમાં ઝિલાય છે. પરંપરાગત કાનૂન અનુસાર અપાતા ઘણાખરા નિર્ણયોમાં જે તે જાતિનાં પ્રવર્તમાન ધોરણો અને વલણોને અનુસરીને ન્યાય અપાય છે.

અદ્યતન માનવશાસ્ત્ર સર્વ સમાજોની સંસ્કૃતિનો એક સમગ્ર એકમ તરીકે અભ્યાસ કરતું હોવાથી, આદિવાસી કાનૂનનો અભ્યાસ, આદિવાસી સંસ્કૃતિના એક ભાગરૂપે કરવામાં આવતો હોવાથી, જે તે સમાજનું સમગ્ર ચિત્ર પામવામાં અને તેની સંસ્કૃતિને એક સુગ્રથિત કાર્યરત સંકુલ તરીકે નિહાળવામાં મદદરૂપ થાય છે. વળી માનવશાસ્ત્ર તુલનાત્મક વિજ્ઞાન તરીકે, તેના અભ્યાસની વિગતો અદ્યતન અને આદિવાસી વર્તમાન અને ભૂતકાલીન સમાજ પાસેથી અને પૃથ્વીના સર્વભાગોમાંથી મેળવતું હોવાથી, પરંપરાગત કાનૂનના વૈજ્ઞાનિક અભ્યાસમાં તે મદદરૂપ થાય છે. સમાજના કાનૂન અને સમાજના સંબંધોને સમજવામાં પણ તે ઉપયોગી છે. પરંપરાગત આદિવાસી ન્યાયકચેરી મારફતે અપાતો ન્યાય, વર્તમાન કૉર્ટકચેરીની ન્યાયપદ્ધતિની તુલનામાં સંખ્યાબંધ બાબતોમાં સવિશેષ માનવીય, ઓછો ખર્ચાળ, વધુ અસરકારક, ત્વરિત, સ્વભાષાના માધ્યમમાં અને પરિચિત વાતાવરણમાં અપાતો હોવાથી, સંખ્યાબંધ અભ્યાસીઓએ આદિવાસીઓ માટે તેને પ્રથમ પસંદગી આપી છે.

સિદ્ધરાજ સોલંકી

આદિવાસી સ્ત્રીઓ : પ્રત્યેક સમાજમાં સ્ત્રીઓ અને પુરુષોનો સામાજિક દરજ્જો તેમના સંબંધિત આદર્શો અને કાર્યો પ્રમાણે નિશ્ચિત થાય છે, પણ તેનું ધોરણ દરેક સમાજમાં એકસરખું હોતું નથી. સ્ત્રીનો સામાજિક દરજ્જો પણ તેનું સમાજમાં સ્થાન અને તેની ભૂમિકા ઉપર આધારિત હોય છે. તેને મળેલા વિભિન્ન હક્કો અને તેણે પાળવી પડતી ફરજોને આધારે તેનો દરજ્જો સમજાય છે. આદિવાસી સ્ત્રીનો દરજ્જો પણ દરેક આદિવાસી સમાજમાં સરખો હોતો નથી, કારણ કે દરેક આદિવાસી સમાજમાં સાંસ્કૃતિક પરિબળો પોતાની આગવી રીતે પ્રભાવ ઊભો કરે છે. વિવિધ અભ્યાસીઓ આદિવાસી સ્ત્રીઓના સામાજિક દરજ્જા વિશે ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવે છે.

ભારતમાં બ્રિટિશ યુગ પહેલાં આદિવાસી લોકો જંગલના વિસ્તારોમાં પોતપોતાનાં સંગઠનોમાં રહેતા હતા. શિકાર, પશુપાલન કે ફરતી ખેતી કરી તેઓ જીવનનિર્વાહ ચલાવતા. તે સમયે આદિવાસી સ્ત્રી પુરુષની સમોવડી હતી, અથવા કદાચ પુરુષથી ચડિયાતી હતી. તેમના પ્રણાલીગત રિવાજો પ્રમાણે મિલકત સ્ત્રીની ગણાતી. જીવનસાથી મેળવવાની જુદી જુદી પ્રચલિત રીતો જોતાં જણાય છે કે સ્ત્રીને પુરુષ કરતાં વધુ સ્વતંત્રતા હતી. કન્યાની કિંમત ચૂકવીને અથવા કન્યાના પિતાની સેવા કરીને યુવકે જીવનસંગિની મેળવવી પડતી. યુવાગૃહ જેવી સંસ્થાઓને લીધે તથા તેમના પ્રણાલિકાગત કૌટુંબિક રીતરિવાજોને કારણે તે સમયમાં સ્ત્રી જાતીય સંબંધોમાં ખૂબ સ્વતંત્રતા ભોગવતી હતી. માતૃવંશીય કુટુંબવ્યવસ્થા તેમનામાં વધુ પ્રચલિત હોવાને કારણે અમુક કિસ્સામાં પતિ સ્ત્રીને ત્યાં રહેવા જતો. બાળકો માતાને નામે ઓળખાતાં. માતા ઘરમાં સર્વસ્વ હોવાથી મિલકત અંગેના તથા બીજા નિર્ણયો પોતે જ લઈ શકતી. મિલકત ઉપર અધિકાર પુત્રીનો રહેતો.

બ્રિટિશ અમલ દરમિયાન અને સ્વાતંત્ર્ય મળ્યા બાદ આદિવાસી સમાજના વિકાસ માટે જે રસ્તાઓ અપનાવાયા તેમાં આદિવાસી સ્ત્રીઓના સામાજિક સ્થાનને ઘણી અસર પહોંચી. આદિવાસીઓ માટે ઘડવામાં આવેલા કાયદા અનુસાર કે સમાજસુધારાની ચળવળને લીધે જેમ તેમની આર્થિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિ ઉપર અસર થઈ તેમ સામાજિક પરિસ્થિતિ ઉપર પણ ખૂબ અસર થઈ. બિનઆદિવાસી સમાજમાં હળવા-મળવાની આકાંક્ષાએ તે સ્ત્રીઓએ માત્ર પોતાનાં પહેરવેશ, રહેણીકરણી કે ભાષા જ ન બદલ્યાં, પણ ભણતરનું પ્રમાણ અને નોકરીની તકો વધવાની સાથે સાથે વિચારો અને મૂલ્યો પણ બદલાયાં. પરિણામે તેમના રીતિરિવાજ મુજબ મળતી સાપેક્ષ સ્વતંત્રતા ગુમાવીને બિનઆદિવાસી સમાજમાં મધ્યમ વર્ગમાં સ્ત્રીનું જે સ્થાન છે તેનું સ્થાન તેમણે સ્વીકાર્યું. મિલકતનો હક્ક સ્થાયી ખેતી થયા પછી પુરુષને મળ્યો. વંશ પુરુષના નામે ઓળખાયો. દહેજપ્રથામાં ફેરફાર થયો અને સ્ત્રીના પિતાએ યુવકના પિતાને દહેજ આપવાની પ્રથા પ્રચલિત બની. કામનું વિભાજન કરવામાં કે નિર્ણયો લેવામાં પણ આ સ્ત્રીઓએ બિનઆદિવાસી સ્ત્રીને નમૂના તરીકે સ્વીકારી. આમ ભણતર, રોજગારીની તકો, વાહન-વ્યવહારની સગવડો વગેરેથી નિરપેક્ષ રીતે સ્ત્રીઓનો દરજ્જો પહેલાં હતો તેના કરતાં ઊંચો આવ્યો. પરંતુ જ્યારે આ જ તકો, યોજનાઓ વગેરેને સ્ત્રી-પુરુષ બંનેના સંદર્ભમાં સાપેક્ષ રીતે જાણીએ કે મૂલવીએ તો તેમનો દરજ્જો ઊંચો આવ્યો કે કેમ એ એક પ્રશ્ન છે.

કીર્તિદા સૂરતી

યુવાગૃહ : યુવાગૃહ એ આદિવાસી સમાજની રાત્રિ ક્લબ જેવી એક વિશિષ્ટ સામાજિક સંસ્થા છે, જેમાં મહદ્અંશે અપરિણીત છોકરા-છોકરીઓ ભોજન પછી રાત્રે ભેગાં થાય છે, તથા નાચ-ગાન, યુદ્ધની તાલીમ, જાતીય જ્ઞાન, ગામના મહેમાનોની સરભરા, ખેતીવાડી કે લગ્ન-મરણના પ્રસંગોએ મદદરૂપ થવાની તાલીમ પ્રાપ્ત કરે છે. વિશ્વના મોટાભાગના આદિવાસીઓમાં યુવાગૃહ કોઈ ને કોઈ સ્વરૂપે આ પ્રમાણે ઓળખાય છે :

પ્રદેશ અને જાતિવાર યુવાગૃહનાં રચના, પ્રકાર અને ઉદ્દેશ જુદાં જુદાં હોય છે. કાર્ય અનુસાર તેના ત્રણ પ્રકારો પાડી શકાય : (1) સંરક્ષણ : કેટલાંક યુવાગૃહો અર્ધ‘મિલિટરી બૅરેક્સ’ જેવાં દેખાય છે, જેમાં યુદ્ધ, વ્યાયામ, શિકાર, ગામનું સંરક્ષણ વગેરેની તાલીમ અપાય છે. આસામ તથા ન્યૂગિયાના પ્રદેશોમાં આ કાર્ય મુખ્યત્વે દેખાય છે. (2) સામાજિક સેવા : કેટલાંક યુવાગૃહો સામાજિક સેવાઓ, સાંસ્કૃતિક વારસાની જાળવણી વગેરેને વધુ મહત્વ આપે છે. તેમાં વાવણી, લણણી, લગ્ન કે મરણ જેવા પ્રસંગોએ ગામનાં કુટુંબોને ઉપયોગી થવા, ગામના મહેમાનોની સરભરા કરવા તથા નૃત્યોનું આયોજન કરી ગામમાં મનોરંજન પૂરું પાડવાની તાલીમ અપાય છે. ભારતની મુરિયા, ગોન્ડ, સાંથાલ, બોન્ડો વગેરે આદિવાસી જાતિઓમાં નૃત્ય, લોકગીતો વગેરેની સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવાનું મહત્વ આપવામાં આવે છે. ઓરિસામાં ‘દરબાર’ યુવાગૃહ તો પહેલાં મહેસૂલ ઉઘરાવવાનું કાર્ય પણ કરતું હતું. જ્યારે ન્યૂગિયાનાના આદિવાસીઓ પરંપરાગત કાંતણવણાટની તાલીમને અત્યંત મહત્વ આપે છે. (3) જાતીય જ્ઞાન : કેટલાંક યુવાગૃહો આરોગ્ય, જાતીય સંબંધોનું જ્ઞાન, બાળજન્મ, યોગ્ય લગ્નસાથીની પસંદગીની ભૂમિકા વગેરેનું કાર્ય કરે છે. ઈગોરોટો જાતિમાં તો પૂરા જાતીય જ્ઞાન વિના લગ્નની છૂટ મળતી નથી. વેરિયર એલ્વિન જણાવે છે તેમ બાળકોમાં યુવાવસ્થા આવતાં શારીરિક-માનસિક ફેરફારો થતાં જે જાતીય કુતૂહલ પેદા થાય છે તેને યોગ્ય વળાંક આપવાનું, યોગ્ય જીવનસાથી મેળવી આપવાનું અને દામ્પત્યજીવનની ભૂમિકા પૂરી પાડવાનું કાર્ય યુવાગૃહ કરે છે. મુખ્યત્વે આ પ્રકારનું કાર્ય મુરિયા, મારિયા, સાંથાલ, બોન્ડો, ઇગોરોટો જાતિમાં પ્રચલિત છે.

રચના : યુવાગૃહ ગામદીઠ એક અથવા ક્યારેક મોટું ગામ હોય તો બે કે ત્રણ પણ હોય છે. ગામની વસ્તીથી થોડે દૂર એક મોટા છાપરાવાળો સુશોભિત ખંડ હોય છે. તેમાં પાંચછ વર્ષની ઉંમરનાંથી માંડીને મોટાં અપરિણીત છોકરા-છોકરીઓ નિયમિત જાય તેવો મુરિયા જાતિમાં નિયમ છે. અનિયમિત રહેનાર કે ન જનારને દંડ થાય છે. યુવાગૃહની આંતરિક વ્યવસ્થા ગામનો વડો એક સમિતિ દ્વારા સંભાળે છે. સમિતિના સભ્યોને કેટલાક વિશેષાધિકારો અને ફરજ હોય છે. યુવાગૃહની સર્વ બાબતો ગુપ્ત રાખવામાં આવે છે. અશિસ્ત કે નિયમભંગ માટે સજા થાય છે. યુવાગૃહમાં સફાઈ કરવી, પાણી ભરવું, તાપણી માટે લાકડાં ભેગાં કરવાં, સભ્યોને માલિશ કરવા માટે તેલ, તેમજ બીડી પીવા માટે તમાકુ અને દરેક સભ્યને સૂવા માટે સ્ત્રીસાથીદારની વ્યવસ્થા વગેરે કાર્યો હોય છે. નાના મોટાને માલિશ કરે છે. છોકરીઓ તમાકુ તૈયાર કરે છે. છોકરાઓ છોકરીઓ માટે કાંસકી બનાવે છે. યુવાગૃહનાં સભ્યોનાં નામ પણ બદલી આપવામાં આવે છે. ભારતના મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસાનાં યુવાગૃહોમાં ખૂબ વ્યવસ્થિત વહીવટ ચાલે છે.

ડૉ. વેરિયર એલ્વિન તેમના પુસ્તક ‘The Muria and their Ghotul’માં ઝીણવટપૂર્વક આ સંસ્થા વિશે નોંધે છે અને મધ્યપ્રદેશની મુરિયા જાતિના યુવાગૃહની વહીવટી વ્યવસ્થાનું સુંદર વર્ણન આ પ્રમાણે દર્શાવે છે :

આ યુવાગૃહના પુરુષ સભ્યો ‘ચેલિક’ તરીકે અને સ્ત્રી સભ્યો ‘મોટિયારી’ તરીકે ઓળખાય છે. આ દરેકને વહીવટી જવાબદારી સોંપાય છે, જે જુદા જુદા હોદ્દાઓ દ્વારા દર્શાવાય છે.

ચેલિકના હોદ્દા કાર્યો
1. દીવાન, સરદાર મુખવાન આ ત્રણે જણની સર્વોચ્ચ સમિતિ હોય છે, જે યુવાગૃહનાં સૌ સભ્યો પર દેખરેખ રાખે છે.
2. કોટવાળ અને ચાલન તેઓ મોટિયારીઓની વર્તણૂક, હાજરી વગેરે
પર ધ્યાન રાખે છે.
3. મુનશી હિસાબ રાખે છે.
4. જમાદાર ચેલિકના વાળ ઓળવા માટે મોટિયારીઓ પાસે પૂરતી કાંસકીના જથ્થાનું ધ્યાન રાખે છે.
5. દફેદાર, બાઈદાર યુવાગૃહના મકાનની સાચવણી તથા તેની
સફાઈનું ધ્યાન રાખે છે.
6. કાન્દકી અન્ય ગોતુલમાંથી કે બહારની કોઈ વ્યક્તિ
મહેમાનોની દેખરેખ રાખે છે.
7. કાજન્ટી, ચાલકી ચેલિકને પીવા માટે તમાકુ પૂરતી છે કે નહિ
તેનું ધ્યાન રાખે છે.
8. બરાપહાદાર-
નાની પહાદાર
સૌ સભ્યોને સૂવા માટે સાદડી આપવાની
વ્યવસ્થા સંભાળે છે.
9. કામદાર-ચોકીદાર
બેલદાર-બિખહેન
ઉચ્ચ કે ઉપરી અધિકારીઓની આજ્ઞાનું
પાલન કરે છે.
મોટિયારીના હોદ્દા કાર્યો
(1) બેલોસા-દુલોસા સૌ છોકરીઓ શું કરે છે તથા કોણ કોની સાથે સૂશે તે નક્કી કરે છે.
(2) તિલોકા-નિરોસા પાંદડાંમાંથી પડિયા-પત્રાવળાં બનાવે તથા યુવાગૃહની સફાઈની દેખરેખ રાખે
 (3) પિયોસા, જાનકો, મોનકો, જૂનકી એલોસા બધા ચેલિકના વાળ ઓળવાનું કાર્ય કરે, તેમને શરીરે માલિસ કરે તથા અન્ય વધારાની કામગીરી પણ કરે.

આમ લિંગ પ્રમાણે તેની કાર્યવ્યવસ્થા ગોઠવાયેલી છે. અંદાજે 40 પ્રકારનાં કાર્યો છે. વ્યક્તિ લગ્ન કરે એટલે યુવાગૃહનું સભ્યપદ ગુમાવે છે. યુવાગૃહ છોડનારે સૌ સભ્યોને મિજલસ આપીને દારૂ પિવડાવવો પડે છે.

આદિવાસી લગ્નપ્રથા : એક જ વંશ કે ગોત્રથી ઓળખાતાં આદિવાસી જૂથોમાં અનેક પ્રકારનાં નાનાંમોટાં પેટાજૂથોનો સમાવેશ થતો હોય છે. જુદા જુદા પ્રકારનાં જંગલો, ડુંગરાળ પ્રદેશો અથવા મેદાનોમાં વસતાં જૂથોની રહેણીકરણી, કુટુંબવ્યવસ્થા અને જાતીય સંબંધોમાં વિવિધતા જોવા મળે છે. જીવનનિર્વાહ માટે શિકાર, વન્ય પેદાશોનો ઉપયોગ, કંદમૂળ અને ફળફળાદિ ઉપર જીવવાની પદ્ધતિ તેમજ તેની અસર તેમના સંગઠન ઉપર થતી હોય છે. આ રીતે ભૌગોલિક પરિસ્થિતિ આદિવાસીનાં સંગઠન અને કુટુંબવ્યવસ્થા ઉપર ખાસ અસર કરે છે. જન્મ, લગ્ન અને મરણના પ્રસંગોને કુટુંબ અને જૂથના સંગઠન સાથે ઘણો સંબંધ હોય છે. આદિવાસીઓ વંશવૃદ્ધિ માટે અને જાતીય સુખ માટે સ્ત્રીપુરુષના સંબંધને અનેક રીતે માન્યતા આપે છે. કુટુંબની સાધનસંપત્તિ અને સમાજમાં વ્યક્તિના ઊંચા અથવા નીચા સ્થાનને અનુરૂપ લગ્નપ્રથાના ઘણા પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. આદિવાસી સમુદાયોમાં લગ્નનો હેતુ રતિસુખ અને સંતાનપ્રાપ્તિનો છે. ત્યાં લગ્નનો પાયો સંસ્કાર નહિ, પણ કરાર પર આધારિત છે. તેથી છૂટાછેડા, પુનર્લગ્ન તેમાં સ્વીકારાયેલાં છે. પુરુષ બીજી પત્ની કે સ્ત્રી બીજો પતિ કરી શકે છે. તેમનામાં લગ્ન પહેલાં કરતાં લગ્ન પછીના જાતીય સંબંધોમાં નિયંત્રણો છે. મોટાભાગના આદિવાસીઓ ગોત્ર-વ્યવસ્થા ધરાવતા હોઈ સગોત્રી લગ્નનો અથવા નજીકનાં લોહીનાં સગાં વચ્ચેના લગ્નનો નિષેધ ધરાવે છે. તેમનામાં, એક-સાથી લગ્ન, બહુપતિ-પત્ની લગ્ન, મામા-ફોઈનાં સંતાનો વચ્ચેનાં લગ્નો, દિયરવટું, સાળીવટું ‘ખંધાડ’ પ્રથા જેવાં વિવિધ લગ્નસ્વરૂપો જીવનજરૂરિયાતમાંથી વિકસેલાં છે. કન્યાશુલ્ક લેવાય છે. બાળલગ્નનો અભાવ છે. મહદ્અંશે લગ્નો પુખ્ત ઉંમરે જ થાય છે. નેફાની ડફલા જાતિમાં પુત્રને પોતાની મા સિવાયની પિતાની વિધવાઓ આર્થિક કારણોને લીધે વારસામાં પત્નીઓ તરીકે મળે છે.

ભારતમાં મોટાભાગના આદિવાસીઓમાં એકપતિ-પત્ની લગ્નપ્રથા છે.

યુવાગૃહનું નામ પ્રકાર
કર્વાડ
કૉડ્રીન’ગૅટાન છોકરા
બુરે સંયુક્ત
સોપો સંયુક્ત
પાણકુનાન છોકરા
ઓલાગ છોકરી
બાહિટો છોકરા
કાલયુલી છોકરી
માન્યાટ્ટા છોકરા
મોરુંગ છોકરા
યો છોકરી
ચમ્પો છોકરા
ઇખુઇચી છોકરી
રંગબંગ સંયુક્ત
ધુમકુરિયા   ’’
ધાનગર   ’’
ગિતિઓરા   ’’
દરબાર કે મંડાગઢ (અલગ- અલગ)
ધો સંયુક્ત
ગોતુલ
થાનાગુડી સંયુક્ત
ક્રિષ્નાઆયર છોકરા

પરણેલા પુરુષને પુત્ર ન હોય તો તે એક કરતાં વધારે પત્નીઓ કરે છે. સત્તાવાન અને સંપત્તિવાન વ્યક્તિ પણ પોતાના મોભાને અગત્ય આપીને એકથી વધારે પત્ની કરે છે. આવા લોકોમાં ઇનામદારો, સરદારો, ધર્મના વડાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રથા ભીલ, ગોન્ડ, નાગા, ડફલા, ટોડા, બૈગા, થારુ તથા ગુજરાતમાં ભીલો, વારલી, નાયકડા વગેરેમાં છે.

આદિવાસીઓમાં બીજી વિશિષ્ટ લગ્નપ્રથા જે થોડે અંશે પ્રચલિત હોય છે તે બહુપતિની પ્રથા છે. રૂઢિગત રીતિરિવાજો અથવા જૂથમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હોય તેના કારણે જે સ્ત્રી મોટાભાઈની પત્ની થાય છે તે બાકીના બધા નાનાભાઈઓની પત્ની પણ ગણાય છે. કેટલીક વાર વારસાગત મિલકતના નાના ભાગ પડે અને પરિણામે કુટુંબમાં થનાર કુસંપને રોકવા માટે પણ બહુપતિત્વની પ્રથા અપનાવવામાં આવે છે. ખાસ કરીને જ્યારે યુવાન વિધવા બીજે લગ્ન કરીને કુટુંબની જમીન જેવી મિલકતનું વિભાગીકરણ ન થાય તેથી પોતાની પાસે રાખે છે. બીજા ભાઈઓ તેને પતિનું સુખ અને બાળકો આપીને પોતાની સાથે રાખે છે. આવી બહુપતિપ્રથા નીલગિરિના ટોડા, કોટા જાતિઓમાં તથા જોન્સરબાવર વિસ્તારના રજપૂતોમાં પણ પ્રચલિત છે. આ ઉપરાંત આદિવાસી સમુદાયોમાં મામા-ફોઈનાં સંતાનો વચ્ચેનાં ક્રૉસ કઝિન-લગ્નો પણ જોવા મળે છે, જેમાં ખરિયા, ઉરૉવ, ખાસી, કાદર, મિકીર, કુકી, ગોન્ડ તથા ગુજરાતમાં ગામીત જાતિમાં છે. મોટાભાગના આદિવાસીઓમાં સ્વપસંદગી અપહરણ ને માબાપની પસંદગીનાં લગ્નો પ્રચલિત છે. ઉપરાંત આર્થિક નબળી સ્થિતિમાં પુરુષ સ્ત્રીને ત્યાં સેવા-મજૂરી કરીને રહે છે તેવી પ્રથા ગુજરાતમાં ખંધાડ પ્રથા તરીકે ચૌધરી, ગામીત, ધોડિયા, વારલી, કુકણા, કુનબી, ડાંગના ભીલો વગેરેમાં પ્રચલિત છે. ગોન્ડમાં લામબાઈ તરીકે તે ઓળખાય છે. આ ઉપરાંત સ્ત્રી સામેથી હઠ કરીને પત્ની તરીકે ઘરમાં આવે છે. તેવી સ્થિતિ હો, કાદર, રાઠવા, ભીલોમાં જોવા મળે છે.

માણેકલાલ પટેલ

આદિવાસી ખ્રિસ્તીકરણ : પશ્ચિમી સંસ્કૃતિના વાહકો તરીકે જર્મની, બ્રિટન, અમેરિકા અને બેલ્જિયમના ખ્રિસ્તી મિશનરીઓ અંગ્રેજ સરકારના નિમંત્રણથી દેશમાં પછાત વિસ્તારોમાં ખ્રિસ્તીકરણ દ્વારા સેવાકાર્યના ઉદ્દેશથી ભારતમાં છેક ઈસુની પહેલી સદીથી આવેલા જોવા મળે છે. સૌપ્રથમ મલબાર કિનારે કાગજુર બંદરે ખ્રિસ્તી શિષ્ય ઊતર્યા હતા. ત્યાંના રાજાના પુત્રને પ્રથમ ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપ્યું હતું. ત્યારથી ‘થૉમસ ખ્રિશ્ચન’ તરીકે તેઓ ઓળખાયા. 19મી સદીના મધ્યભાગમાં આસામના આદિવાસીઓ – ખાસીમાં 1812-13માં, જાયન્તિયા પર્વતીય વિસ્તારોમાં 1838માં, નાગાજાતિમાં 1840-41માં, ગારોજાતિમાં 1863માં, મિઝોરમમાં 1894-95માં, મધ્ય પ્રદેશના ઉશવમાં 1850માં મુંડાજાતિમાં 1863માં અને ભીલોમાં 1880માં ખેરવાડામાં થાણાં સ્થાપ્યાં. આ પછી ધીરે ધીરે અન્ય આદિવાસી વિસ્તારોમાં તેમનું કાર્યક્ષેત્ર વિસ્તરતું ગયું. તેને પરિણામે દેશમાં આજે કુલ આદિવાસીઓમાંથી લગભગ 15 ટકા જેટલા ખ્રિસ્તી થયેલા છે.

મિશનરીઓએ આદિવાસી વિસ્તારોમાં ધર્મપરિવર્તન, આરોગ્યની સેવાઓ તથા શિક્ષણની પ્રવૃત્તિઓ દ્વારા એક પ્રભાવી એવા પશ્ચિમી સંસ્કૃતિના વાહકો તરીકે પરિવર્તનની ભૂમિકા સર્જી છે જે પ્રક્રિયાને પરસંસ્કૃતીકરણ અથવા ‘આદિવાસીઓનું ખ્રિસ્તીકરણ’ તરીકે ઓળખાવી શકાય. આને પરિણામે તેમની પરંપરાગત ધાર્મિક માન્યતાઓ, આચારો, વિચારો, મૂલ્યો, સામાજિક રિવાજો, આરોગ્યના ખ્યાલો, નૃત્યો, જાદુ, બલિપ્રથા, પરંપરાગત દેવદેવીઓ, પહેરવેશ વગેરે સમગ્ર જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું. પશ્ચિમી સમાજનું અને સંસ્કૃતિનું અનુકરણ કરવાનું બન્યું. ઈસુ ખ્રિસ્તને જીવન-તારણહાર માનવાની ભૂમિકા પેદા થઈ. પરંપરાગત ભગતના સ્થાને પાદરી તથા ચર્ચ(દેવળ)નું સ્થાન કાયમ થયું. આસામની ખાસી તથા ગારો આદિવાસી જાતિઓ જે માતૃસત્તાક કુટુંબસ્વરૂપ ધરાવતી હતી તેમાં પિતૃસત્તાક સ્વરૂપની ભૂમિકા પેદા થઈ. માનવબલિપ્રથા નાબૂદ થઈ. મેલાં તત્વો, જાદુ વગેરેને બદલે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા વિકસી તથા ચર્ચમાં જવાનું વલણ વિકસ્યું. પરંપરાગત ઉત્સવોને બદલે નાતાલ અને ઈસ્ટરની ઉજવણી શરૂ થઈ. ખ્રિસ્તીધર્મીઓમાં જ લગ્ન કરવાને ઉત્તેજન અપાયું.

ખ્રિસ્તીકરણને પરિણામે પશ્ચિમી સંસ્કૃતિના શિક્ષણનું અને ત્યાંની જીવનશૈલીનું અનુકરણ થયું. જેમણે પૂર્ણપણે તે જીવનશૈલી અપનાવી તેમણે પોતાની પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ છોડી દીધી. તેઓ આજે પોતાની આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે ઘૃણા, તિરસ્કાર કે પછાતપણાની ભાવનાથી જુએ છે. પોતાની પરંપરાગત સંસ્કૃતિથી આ લોકો અલગ થઈ ગયા છે. આમ પરંપરાગત પોતાના આદિવાસી ધર્મ તરફ અશ્રદ્ધા પેદા થઈ, લઘુતાગ્રંથિ જન્મી, નફરત અને તેમાંથી માનસિક સંઘર્ષની સ્થિતિ પણ સર્જાઈ છે. બીજો વર્ગ એવો છે જેણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા છતાં પોતાની સંસ્કૃતિ સાવ છોડી નથી. તે અર્ધદગ્ધ સ્થિતિમાં છે. પોતાનું કેટલુંક છૂટી ગયું, પણ નવાનો સ્વીકાર થયો નથી. ધાર્મિક માન્યતાઓ, પૂજા, શ્રદ્ધા પોતાની મૂળ સંસ્કૃતિમાંથી છૂટી ગઈ, પણ નવી જીવનશૈલી, મૂલ્યો, માન્યતાઓ વગેરેને અપનાવી શકાયાં નથી. ડૉ. વેરિયર એલ્વિન જેવાઓ તેને ઉલ્લાસશૂન્ય સ્થિતિ (loss of nerve) તરીકે દર્શાવે છે. એસ. સી. રૉય બિરહૉર અને કૉરવા જાતિની સ્થિતિને ‘જીવનમાં રસહીનતાની સ્થિતિ’ તરીકે વર્ણવે છે. નાગાલૅન્ડ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, બિહાર, મધ્યપ્રદેશ વગેરેમાં ખ્રિસ્તીપ્રચાર વિરોધી બિરસા મુંડા, સાંથાલ બળો, ભૂઈઆ બળવો, ઝારખંડ ચળવળ વગેરે થયાં અને અલગ રાજ્યો વિકસ્યાં. તેની પાછળ અમુક અંશે આદિવાસીઓમાં જુદાપણા કે અલગતાનો અનુભવ કારણભૂત છે, એમ સમાજમાનવશાસ્ત્રીઓનું માનવું છે.

ગુજરાતમાં ધર્માંતર ચળવળ 1830 પછી કચ્છ અને ખેડા જિલ્લામાં શરૂ થઈ. 1841માં આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશને સૌરાષ્ટ્ર, ઘોઘા, રાજકોટ અને પોરબંદર વિસ્તારોમાં પ્રવૃત્તિ વિસ્તારી. 1880માં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજસ્થાનની સરહદે ખેરવાડામાં રેવ. સી. એસ. થોમસન દ્વારા શરૂ થઈ અને સાબરકાંઠામાં ત્યાંથી 1887માં વિસ્તરી. 1889માં ફાધર વિલિયમ મુલિગન દ્વારા પંચમહાલ અને રેવાકાંઠાના વિસ્તારોમાં તે વિસ્તરી. 1901માં ઝાલોદ, સંતરામપુર, દાહોદ વિસ્તારમાં ફેલાઈ અને છપ્પનિયા દુષ્કાળમાં 1900માં રેવ. વિલબર સ્ટોવ દ્વારા અંકલેશ્વર, ઝઘડિયા, રાજપારડી, નવસારી, અભેટી, ઉમલ્લા વગેરેમાં વિસ્તરી. પછીનાં વર્ષોમાં ડાંગ, સાબરકાંઠાના મેઘરજ, વડોદરાના છોટાઉદેપુર અને સૂરતમાં ઝંખવાવ, વ્યારા, ભરૂચમાં ડેડિયાપાડા વિસ્તારમાં મિશનો શિક્ષણ, આરોગ્ય તથા આર્થિક વિકાસનું કામ કરતાં પણ થયાં છે. છેલ્લા દસકામાં 8 પ્રાથમિક શાળાઓ, 8 માધ્યમિક શાળાઓ આદિવાસી વિસ્તારોમાં ચાલે છે.

અરવિંદ ભટ્ટ

ધાર્મિક પ્રણાલિકાઓ : માનવોની જીવનચર્યાના વિવિધ અંશોમાં તેમની ધાર્મિક માન્યતાઓનો પણ સમાવેશ થાય છે. તેના પુરાવાઓમાં પ્રાગૈતિહાસિક ચિત્રો, છૂટાછવાયા અવશેષો અને ઉત્ખનનથી પ્રાપ્ત સામગ્રી છે. ખ્રિસ્તી મતનો પ્રચાર થયો તે પૂર્વેની વિશ્વના જુદા જુદા સમાજોની ધાર્મિક માન્યતાઓને આદિવાસી કહેવાનો રિવાજ છે. આવી અનેક માન્યતાઓને બળે વ્યક્તિ અને સમાજનું જીવન વ્યતીત થતું હોય છે.

સમગ્ર વિશ્વની ચેતનામાં આ ધાર્મિક માન્યતાઓની પડખે સજીવારોપણ, ભય તથા પ્રીતિનું સંમિશ્રણ અને મિત્રતા-શત્રુતાના ભાવો જેવા વિચારોનું દર્શન થાય છે. ઉપરાંત મૃત્યુભયને લીધે વિવિધ વિચારસરણીઓ અને અંત્યેષ્ટિક્રિયાનો વિકાસ થયેલો દેખાય છે.

સજીવારોપણની પ્રક્રિયા દ્વારા મનુષ્યબાહ્ય વિશ્વનાં દ્રવ્યો અને તેની પ્રક્રિયાઓમાં માનવસ્વભાવસહજ વિચારધારાઓ અસ્તિત્વ ધરાવે છે. એ વિચારથી જુદાં જુદાં પ્રાકૃતિક તત્વોની પાર્શ્વભૂમિકામાં સજીવશક્તિનું સંચાલક બળ રહ્યું હોવાની માન્યતા વિકસાવે છે. આ માન્યતાને લીધે બાહ્ય વિશ્વના સજીવ અને નિર્જીવ પદાર્થોમાં દેવત્વની ભાવના દ્વારા સ્થળદેવતા, ગ્રામદેવતા, વિશ્વદેવતા, પદાર્થોના દેવતા અને પ્રાણીઓમાં વિવિધ દેવત્વનું આરોપણ થયું છે. આ દૈવતોનાં સ્થળોની માન્યતા ર્દઢ થતાં તે સ્થળોએ વિવિધ પદાર્થો ખુલ્લામાં ઝાડ નીચે કે ઇમારતોમાં રાખીને તેમાંથી ધાર્મિક સ્થાપત્ય ઊભું થાય છે, જેને પરિણામે સૂર્ય, ચંદ્ર, તારા, પર્વત, નદી, પથ્થર, પૃથ્વી અને વૃક્ષ, વેલ ઇત્યાદિ વનસ્પતિ તથા વિવિધ જાતનાં પ્રાણીઓમાં દૈવી તત્વ આરોપાય છે. ઉપરાંત પોતાના સમાજના શક્તિશાળી પુરુષો, વડવાઓ અને પ્રેતાત્માઓની મોટી વિચારસૃષ્ટિ આ સમાજોમાં જોવા મળે છે.

આ સૃષ્ટિ માનવજીવન ઉપર નિયંત્રણ રાખીને તેની સાથે શત્રુ, મિત્ર કે ઉદાસીન ભાવથી પ્રવૃત્ત રહે છે. આ માન્યતાને લીધે મિત્રોને પ્રાર્થના-પ્રસાદાદિથી તુષ્ટ રાખવા, પીડાકારક શત્રુદેવને સામદામથી પ્રસન્ન રાખવો અને પોતાનું તથા પોતાના કુટુંબ અને જાતિનું યોગક્ષેમ ચલાવવાની વૃત્તિ તમામ સમાજોમાં જોવા મળે છે. આ વૃત્તિને લીધે દરેક સમાજની દાનપરંપરામાં વિવિધ પ્રકારના અહિંસક અને હિંસક બલિઓથી દેવને તુષ્ટ કરવા તથા કેટલાંક દ્રવ્યોથી કાર્યકારણભાવ સમજાવવાના પ્રયત્નો થતા જોવાય છે. આવા પ્રસંગોમાં સામાજિક ઉત્સવોનું મહત્વનું સ્થાન રહેલું છે. આ કાર્યકારણમાં કેટલાંક વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક હોય છે, જ્યારે કેટલાંક કાલ્પનિક હોય છે. આ કાલ્પનિક વિચારોની વેશભૂષા-આભૂષણોમાં તથા જીવન-વ્યવહારમાં વિશેષ અભિવ્યક્તિ થાય છે. સારો કાર્યકારણભાવ જાણનાર લોકો વહેમ અને રૂઢિ ગણીને અમુક માન્યતાઓને હસી કાઢે છે, પરંતુ જે સમાજમાં આ માન્યતાઓ ર્દઢ હોય તેમાં લાંબા વખત સુધી તે માન્યતાઓ સચવાયેલી હોય છે. દા.ત., તેરનો અંક અપશુકનિયાળ હોવા બાબત ખ્રિસ્તી સમાજનો વહેમ.

આ ધાર્મિક પ્રણાલિકાઓ દ્વારા કાર્યકારણભાવ સમજીને જીવન વિતાવવાના પ્રયત્નોમાંથી અન્ત્યેષ્ટિક્રિયાઓ અને તે અંગેની માન્યતાઓ વિકસી છે, તેનાં એંધાણ પણ સર્વત્ર જોવામાં આવે છે.

રસેશ જમીનદાર

આદિવાસી રાજનૈતિક સંગઠન : અનાદિ કાળથી આદિવાસીઓમાં પ્રશાસનની વ્યવસ્થાઓ હતી. તેમાં ગર્ભિત રાજાશાહી અને સામંતશાહી મુખ્ય હતાં. રાજકર્તાનાં સગાંવહાલાંઓને રાજનૈતિક વ્યવસ્થામાં વિવિધ હોદ્દાઓ આપવામાં આવતા. ઘણા સમાજોમાં લોકશાહી આવ્યા પછી પણ આદિવાસી કુળ, ગામ અને પ્રદેશના વંશવપરંપરાથી મનાતા આગેવાનોનું રાજકીય વર્ચસ્ ચાલતું હોય છે. પડોશી સમાજ કે જૂથ સાથેના સંઘર્ષમાં રાજા, મુખિયા કે સામંતની આગેવાનીને માન અપાય છે. હિન્દુસ્તાનમાં આદિવાસીઓનાં આગવાં રાજનૈતિક સંગઠનો ઉપર અંગ્રેજ રાજકર્તાઓએ 1765 પછી નિયંત્રણો મૂકવાની શરૂઆત કરી. જોકે, સમાજના આંતરિક નિયંત્રણ અને વહીવટમાં આદિવાસી રાજા, સામંત વગેરેને સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી. પરંતુ બહારનાં રાજકીય પરિબળો સાથેના સંબંધોમાં અંગ્રેજી હકૂમતનું નિયંત્રણ આવ્યું. આ રીતે તેમનાં બૃહત્ પ્રાદેશિક સંગઠનો બનાવવાની શક્યતાને નકારવામાં આવી. આ ઉપરાંત હિંદુસ્તાનના અન્ય સમાજો સાથે આદિવાસીઓનાં ગઠબંધન સ્થાપવા ઉપર અંકુશ મુકાયા. અંગ્રેજી હકૂમતે આ રીતે આદિવાસીઓનાં સંગઠનોને મર્યાદિત અને અટૂલાં બનાવ્યાં.

જ્યારે ઈસાઈ પાદરીઓ ધર્મપ્રચાર માટે આદિવાસીઓમાં આવ્યા ત્યારે શિક્ષણના માધ્યમ સાથે આદિવાસીઓમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ આથી પરંપરાગત આગેવાનોની પ્રતિષ્ઠાને નુકસાન થયું. અંગ્રેજો સામેની આઝાદીની ચળવળથી આદિવાસીઓને દૂર રાખવાના પ્રયત્નો થયા. આઝાદી આવ્યા પછી લોકશાહી સમાજની રચનાને અનુરૂપ અનેક રાજકીય પક્ષો રચાયા. લોકસભા અને વિધાનસભા તથા અન્ય સંસ્થાઓમાં બેઠકોની ચૂંટણીના પ્રચારથી આદિવાસી સમાજોમાં નવી રાજનૈતિક જાગૃતિ આવી. આદિવાસી વિસ્તારોમાં તેમની બહુમતીને આધારે અનામત બેઠકો રાખવામાં આવી. સામાજિક અને આર્થિક ક્ષેત્રે તેમના ઉત્કર્ષની અને વિકાસની યોજનાઓ અમલમાં આવી. પરંપરાગત ગ્રામપંચાયતોને સ્થાને કાયદેસર પંચાયતો આવતાની સાથે નવા આગેવાનો ચૂંટાઈ આવ્યા. મતદાન, નવી વિકાસલક્ષી યોજનાઓ, કાયદા અને રાજનૈતિક પક્ષોના પ્રચારથી આદિવાસીઓમાં તડજોડ અને સંગઠનની નવી પ્રક્રિયા શરૂ થઈ. આઝાદીની ચળવળમાં અગ્રસ્થાને રહેનાર કૉંગ્રેસ પક્ષની અસર આદિવાસી સમાજો ઉપર હતી તેમાં ફેરફાર થયા. જમીનસુધારણાને નવી રાજનીતિમાં અગત્યનું સ્થાન અપાયું છે. ગણોતિયા ધારો અને જમીન ટોચમર્યાદાના અમલથી ઘણા આદિવાસીઓને ફાયદા થયા છે. પરંતુ તેમાં સંપૂર્ણ સફળતા ન મળવાથી આ મુદ્દાને ચૂંટણીપ્રચારમાં લાવીને રાજકીય પક્ષો આદિવાસી સંગઠનોમાં ભંગાણ પડાવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. કેટલાંક રાજ્યોમાં આદિવાસીઓએ સંગઠિત થઈને રાજનૈતિક પક્ષ બનાવવાના પ્રયત્નો કર્યા. તેમાં થોડીઘણી સફળતા મળી પણ ખરી. પરંતુ આવાં સંગઠનો રાષ્ટ્રવ્યાપી પક્ષની કક્ષાએ હજુ આવી શક્યાં નથી.

હર્ષદ રા. ત્રિવેદી

આદિવાસી અને રાજકારણ : સંસદીય લોકશાહી દાખલ થઈ તે પહેલાં ઘણી આદિવાસી જાતિઓનું પોતાનું રાજકીય માળખું હતું, જેનો વડો ‘રાજા’ કે ‘નાયક’ કહેવાતો. કેટલીક જગ્યાએ રાજા વારસાગત નક્કી થતો તો કેટલીક જગ્યાએ લોકો તેની પસંદગી કરતા. આ રાજા પાસે સામાજિક અને આર્થિક વ્યવસ્થા માટેની સત્તાઓ રહેતી. સંસદીય લોકશાહી પ્રથા, રાષ્ટ્રીય વહીવટી માળખાં, પંચાયતી રાજની સંસ્થાઓ અને મૂડીવાદી આર્થિક પરિબળોને કારણે આદિવાસી રાજકીય માળખું તૂટ્યું અને તેઓ દેશના વિશાળ રાજકીય પ્રવાહના ભાગરૂપ બન્યા છે.

રાજકારણની ર્દષ્ટિએ ઐતિહાસિક પરિબળોને કારણે આદિવાસીઓના બે ભાગ પાડી શકાય : (1) સરહદી વિસ્તારના આદિવાસીઓ અને (2) બિન-સરહદી વિસ્તારના આદિવાસીઓ. દેશના આદિવાસીઓમાં સાંસ્કૃતિક અને આર્થિક ભિન્નતાઓ એવી છે કે બધા જ આદિવાસીઓને અપીલ કરી શકે એવો કોઈ અખિલ ભારત કક્ષાનો આદિવાસી પક્ષ પણ ઉપસ્થિત થયો નથી. માત્ર પ્રાદેશિક પક્ષો છે. જેમ કે, બિહારમાં ઝારખંડ પક્ષ, ઓરિસામાં ગણતંત્ર પરિષદ, સરહદી રાજ્યોમાં ઑલ પાર્ટી હિલ લીડર્સ કાઉન્સિલ, મિઝોરમમાં મિઝો યુનિયન અને મિઝો પાર્લમેન્ટરી પાર્ટી વગેરે. સરહદી રાજ્યોમાં આદિવાસીઓનો પસંદગીનો કળશ મહદ્અંશે પ્રાદેશિક પક્ષો પર ઢળે છે, જ્યારે બિનસરહદી રાજ્યોના આદિવાસીઓ કૉંગ્રેસ તરફ વલણ ધરાવે છે. જોકે જે તે રાજ્યમાં બિનઆદિવાસીઓ પણ તેમ કરતા જોવા મળે છે. એટલે કે જે તે રાજ્યના ગ્રામવિસ્તારના મતદારો જેવું જ ઘણુંખરું આદિવાસી મતદારોનું વલણ હોય છે.

સ્થાનિક સત્તાધીશો કે રાજ્યસત્તા સામે બીજા સમૂહોની માફક આદિવાસીઓ પણ જુદી-જુદી ચળવળ લાવે છે. એક સર્વેક્ષણ મુજબ 1976ના વર્ષમાં દેશના વિવિધ ભાગોમાં 36 જેટલી આદિવાસી ચળવળો ચાલી હતી. એમાંની કેટલીક પુનરુત્થાનવાદી ચળવળો હતી, જે આદિવાસી સંસ્કૃતિને સજીવન કરવાનો અને આદિવાસી અસ્મિતા જાળવવાનો હેતુ ધરાવતી હતી. પણ મોટાભાગની ચળવળો આર્થિક હિતો સાચવવા અને રાજકીય હિતો – અલગ જિલ્લા કે રાજ્યની માંગણી – અંગેની હતી.

સરહદી વિસ્તારના આદિવાસીઓ, ખાસ કરીને નાગા અને મિઝો જાતિના લોકો, પોતાના અલગ સાર્વભૌમ રાજ્ય માટે ચળવળ ચલાવતા હતા, જે હમણાં ઠંડી પડી છે. બિહારના આદિવાસીઓએ ભારતના ભાગરૂપે તેમનું અલગ રાજ્ય થાય તે માટે વર્ષો સુધી ચળવળ ચલાવી હતી, જેને ઝારખંડ ચળવળ કહે છે. હવે નવા ઝારખંડ રાજ્યની રચના થઈ છે.

ઘનશ્યામ શાહ

ભૂમિઅધિકારો : ખેતી આદિવાસીઓના જીવનમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. પરાપૂર્વથી ચાલી આવતી તેમની માન્યતા મુજબ તો ધરતી માતા જ તેમનું પોષણ કરે છે. જમીન તેમને સલામતીની ભાવના બક્ષે છે અને સાથે સાથે આજીવિકાનું સાધન પણ પૂરું પાડે છે. પહેલાં આદિવાસી વિસ્તારમાં જમીન સમગ્ર જાતિની ગણવામાં આવતી હતી અને સમગ્ર સમાજની સાથે વ્યક્તિ સામૂહિક ધોરણે ભોગવટાહક્ક ધરાવતી અને વ્યક્તિનો વિશિષ્ટ હક્ક બાજુ પર રહેતો. પરંતુ મૂડીવાદી અર્થતંત્રમાં જમીનને ઉત્પાદનનું સાધન ગણવામાં આવે છે અને મૂડીવાદી પ્રક્રિયાઓને કારણે જમીન પર વ્યક્તિનો હક્ક પ્રતિપાદિત થતો ગયો. આદિવાસી પંચશીલનો એક સિદ્ધાંત ભારપૂર્વક જણાવે છે કે જમીનની માલિકી તથા જંગલના ઉપયોગ અંગે આદિવાસીઓના અધિકારો અબાધિતપણે માન્ય રાખવા જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ‘સોશ્યલ ઍન્ડ રેસિયલ ડિસ્ક્રિમિનેશન’ના જાહેરનામા(1978)માં આદિવાસીઓના પરંપરાગત આર્થિક અને સાંસ્કૃતિક હક્કોને માન્ય રાખવામાં આવ્યા છે. તેમની જમીન, જમીન પરના હક્કો અને કુદરતી સાધનો નહિ આંચકી લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

આદિવાસી વિસ્તારોમાં સરકારી કાયદાકાનૂન અમલી બન્યાથી આદિવાસીઓના જમીન પરના હક્કો ક્રમશ: નાબૂદ થયા છે. કેટલાક આદિવાસીઓ પેટાગણોતિયાની સ્થિતિમાં મુકાયા છે, જ્યારે બીજાઓને સ્વેચ્છાએ જમીનનો કબજો છોડી દીધાના બહાના હેઠળ એમની પોતાની જમીન પરથી હડસેલી મૂકવામાં આવ્યા છે. વધારે પ્રમાણમાં આદિવાસી વસ્તી ધરાવતાં ઘણાં રાજ્યોમાં જમીનને લગતા ધારાઓ સાચેસાચ અસરકારક નીવડ્યા નથી. સ્થાનિક શોષણખોરોએ તેમજ શાહુકારોએ કાયદેસરની છટકબારીઓ શોધી આ કાયદાઓને નિરુપયોગી બનાવી મૂક્યા છે. આદિવાસીઓ માટે જમીન પ્રત્યેની લાગણી માલિકીહક્ક કરતાં કંઈક વિશેષ છે. એમની જમીન એમની જ રહેશે એવી પ્રતીતિ એમને સાચી હૈયાધારણ આપી શકે. વિકાસ-યોજનાઓમાં, જળ-યોજનાઓમાં, રસ્તા કે નહેરમાં આદિવાસીઓની જમીનો ડૂબમાં જવાનાં ઉદાહરણો છે. પરંતુ સરકારે પુનર્વાસમાં ઘરને બદલે ઘર, જમીનને બદલે જમીન આપવાનું વલણ અપનાવીને તેમની જમીનને રક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાતમાં 73AAના કાયદા દ્વારા આદિવાસીઓની જમીન કોઈ પણ સંજોગોમાં કોઈ વેચાણ ન લઈ લે તે માટે નિયંત્રણ મૂકીને તેને સંપૂર્ણ રક્ષણ આપવામાં આવ્યું છે. જમીન આર્થિક ઉત્પાદનનું એક મહત્વનું સાધન છે. તેથી તેમની આર્થિક સ્થિતિ સુધરે તે માટે તેમના ભૂમિ પરના અધિકારો જાળવવા તે રાષ્ટ્રની જવાબદારી છે.

મુસ્તાઅલી મસવી

જમીન સંબંધી વિવાદો : આદિવાસીઓનો મુખ્ય ધંધો ખેતી અને ખેતમજૂરીનો છે. આદિવાસી વિસ્તારમાં વસ્તી વધુ હોવાને કારણે જમીન પરનું દબાણ વધતું જાય છે. છેલ્લા દાયકાઓમાં ભૂમિહીન ખેતમજૂરોની સંખ્યા વધવા પાછળનું કારણ આદિવાસીઓની જમીનનું અપહરણ અને તેમની જમીન બિનઆદિવાસીઓના હાથમાં જતી રહી તે છે. પરંતુ જમીન-અપહરણની વાત નવી નથી. આ સિવાય કોઈ મોટા જળવિદ્યુત પ્રકલ્પ, કારખાનું, નહેર અથવા નદી ઉપર બંધ થવાને લીધે પણ આદિવાસીઓને જમીન ગુમાવવી પડી છે. ગુજરાતમાં નર્મદા યોજનાને કારણે 3,50,000 હેક્ટર જંગલની જમીન તથા 2,00,000 હેક્ટર ખેડાણલાયક જમીન ડુબાણમાં જવાની છે અને 67,000 આદિવાસીઓ જમીનવિહોણા થવાના છે એવા અંદાજ છે. જેમના જમીનના હક્કો પાણી-પત્રકમાં કાયમી છે તેમને વળતર ચૂકવવામાં આવશે, બ્રિટિશ સરકારની જંગલનીતિમાં ખેડાણ માટે જંગલની જમીન લેવાની છૂટ અપાતી હતી, જ્યારે 1952થી નવી જંગલનીતિમાં આ છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. આ કારણે જંગલખાતું અને આદિવાસી પરસ્પર દુશ્મનો બન્યાની સ્થિતિ સર્જાઈ છે. આમ જંગલની જમીન બાબત પણ આદિવાસીઓનો પ્રશ્ન છે. આ બધાં કારણોને લીધે આદિવાસી વરસોથી જમીનને લગતી અનેક યાતનાઓ સહન કરતો આવ્યો છે.

બ્રિટિશ સરકારે આદિવાસીઓ શોષણના ભોગ ન બને તે માટે ‘શિડ્યૂલ્ડ ડિસ્ટ્રિક્ટ ઍક્ટ 1874’ દાખલ કર્યો અને ‘શિડ્યૂલ્ડ’ જિલ્લાઓને આદિવાસી વિસ્તારનો વહીવટ સોંપાયો. સ્વતંત્રતા પછી આદિવાસીઓના જમીનના હક્કોની જાળવણી માટે બે પ્રકારના ધારાઓ ઘડવામાં આવ્યા છે :

(1) આદિવાસીની જમીન બિનઆદિવાસીના હાથમાં જતી રોકવા માટે સંરક્ષણાત્મક ધારાઓ, અને

(2) જમીનમાલિકી આપવા અંગેના ધારાઓ.

આમાં કાયદાની છટકબારીઓ વધુ હોવાથી અને આદિવાસી નિરક્ષર હોવાને કારણે આ ધારાઓ બિનઅસરકારક રહ્યા છે.

ગુજરાત રાજ્યમાં આદિવાસીઓના જમીનહક્કની જાળવણી અંગે વખતોવખત જુદા જુદા ધારાઓ ઘડવામાં આવ્યા છે. 1લી એપ્રિલ 1957થી ‘ખેડે તેની જમીન’નો કાયદો થયા પછી અનુસૂચિત જનજાતિના ઘણા લોકો જમીનમાલિક બન્યા છે. પરંતુ વાસ્તવમાં જમીન એક યા બીજી રીતે બિનઆદિવાસી લોકોના હાથમાં જતી રહી હોય એવું બન્યું છે. ગુજરાત રાજ્યના દરેક વિસ્તારમાં જ્યાં મુંબઈ રાજ્યનો ગણોતધારો અને ખેતીવિષયક ધારો લાગુ પડે છે તેવા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ખેતીવિષયક જમીનની બિનખેડૂતોને નામે ફેરબદલી કરી શકાય નહિ એવી જોગવાઈ છે. રાજ્યના 1961ના કાયદા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આપવામાં આવેલી ફાજલ સરકારી જમીનની કલેક્ટરની પૂર્વમંજૂરી સિવાય બીજાના નામે ફેરબદલી કરી શકાય નહિ એવું વિધાન છે.

આદિવાસીઓની જમીનની ફેરબદલી રોકવા માટે રાજ્ય સરકારે 1961માં અનુસૂચિત વિસ્તાર માટે મુંબઈ જમીન મહેસુલ કાયદા (1897) હેઠળ એક જુદી નિવેદિકા બહાર પાડેલી તે અનુસાર અનુસૂચિત વિસ્તારમાં સમાતાં ગામોમાં અનુસૂચિત જાતિના લોકો તેમની ખેતીલાયક જમીન બિનઆદિવાસી લોકોને સીધી રીતે વેચાણ, ગીરો કે બક્ષિસ આપી શકતા નથી અને તેમ કરતા પહેલાં કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવવાની શરત છે. આ ધારાઓની છટકબારીઓ હેઠળ શાહુકાર, વેપારી તેમજ જેમને વિકાસયોજનાઓનો પૂરતો લાભ મળ્યો છે તેવા સંપન્ન આદિવાસીઓએ અબૂધ આદિવાસીઓની જમીન પચાવી પાડી છે. આ કારણે જમીન અંગેના અનેક વિવાદો ઊભા થયા છે.

મુસ્તાઅલી મસવી

આદિવાસી બળવા તથા સામાજિક ચળવળો : આઝાદી પહેલાંની અંગ્રેજ સરકારની વિકાસની તકોમાંથી બાકાત રાખવાની નીતિને કારણે તેમનું સરકારી અધિકારીઓ, જંગલ કોન્ટ્રૅક્ટરો, વેપારીઓ, શાહુકારો, ખ્રિસ્તી વટાળપ્રવૃત્તિ તથા સંસ્થાનવાદીઓ દ્વારા ભારે શોષણ થયું છે. તે બધા સામે પોતાના હક્કો માટે – જમીન, જંગલના માટે, તથા વેઠ મુત્તાદારી, બેગાર જેવી ગુલામીપ્રથાનો વિરોધ કરવા, શોષણમાંથી છૂટવા તેમણે સામૂહિક રીતે વિવિધ સમયે વિવિધ વિસ્તારોમાં વિરોધ બળવા રૂપે કર્યો છે. 1729, 1801, 1807, 1808માં મુન્ડા અને ઉરાંવ જાતિએ; 1855માં સાંથાલોની 1803, 1832 અને 1879માં આંધ્રમાં; 1870 તથા 1887, 1896માં સરદારી ચળવળરૂપે; 1895માં બિરસામુંડાની ચળવળ; 1911માં બસ્તરનો બળવો વગેરે થયાં હતાં, જે વિશે કોઈ વ્યવસ્થિત નોંધો જોવા મળતી નથી. આમ ભારતના જુદા જુદા વિસ્તારોમાં આદિવાસીઓએ કરેલા સશસ્ત્ર બળવાઓ સંસ્થાનવાદ દ્વારા તેમના પર ગુજારવામાં આવેલા અત્યાચારો તથા શોષણનીતિ સામેની તીવ્ર પ્રતિક્રિયારૂપે અને વ્યવસ્થાતંત્ર સામેના રોષમાંથી ઉદભવેલા વિદેશી શાસકો સામેના વિરોધ રૂપે હતા.

આદિવાસી બળવાઓના ત્રણ મુખ્ય તબક્કાઓ છે. દેશમાં બ્રિટિશ સામ્રાજ્યના વિસ્તરણકાળ દરમિયાન થયેલા બળવાઓ પ્રથમ તબક્કામાં (1795-1860) આવે છે. તેમાં બિહાર પ્રાંતમાં વ્યૂઆરનો બળવો (1795-1800), કોલ તથા ભૂમજીનો સશસ્ત્ર બળવો, 1819 અને 1842માં ગોંડ પ્રદેશના આદિવાસી મુખિયાઓએ કરેલો બળવો તથા 1830માં મેરિયા બલિની પ્રથાની નાબૂદીની બાબતને લઈને ખોંડ આદિવાસી પ્રજાએ કરેલા બળવાનો સમાવેશ થાય છે. 1857નો વિપ્લવ તે પહેલાંના છૂટાછવાયા બળવાઓની પરાકાષ્ઠા ગણાય.

ભારતમાં સંસ્થાનવાદના વિસ્તરણના તબક્કાની સાથોસાથ થયેલા આદિવાસી બળવાનો બીજો તબક્કો (1860-1920) એટલે ભૂમિ તથા  જંગલો સાથે સંકળાયેલી સમસ્યાઓ અને સામાજિક સુધારણા માટેની તેમની ઝંખનામાંથી સર્જાયેલા બળવાઓ. પૂર્વ ભારતની સૌથી મોટું સંખ્યાબળ ધરાવતી તથા સૌથી વધારે નરમ ગણાતી સાંથાલ પ્રજાએ આ અરસામાં જ બળવો કર્યો હતો, જેને ભારતના ઇતિહાસમાં સૌથી પહેલું કિસાન આંદોલન ગણવામાં આવે છે. ‘હુલ’ નામથી ઓળખાતો આ બળવો દબાવી દેવામાં આવ્યો ખરો, પરંતુ તેના બોધપાઠરૂપે સાંથાલ પરગણાનો અલાયદો જિલ્લો રચીને તેને સામાન્ય કાયદાઓના અમલમાંથી મુક્ત રાખવામાં આવ્યો. 1875-1895ના ગાળામાં સામાજિક તથા સાંસ્કૃતિક ઉત્થાન માટે સાંથાલ આદિવાસીઓએ કરેલ બળવો ખારવાર ચળવળ તરીકે જાણીતો છે.

ભારતમાં સંસ્થાનવાદના ગાળા દરમિયાન સામાજિક અને રાજકીય ઉત્થાન માટે થયેલી ચળવળોમાં છોટાનાગપુર વિસ્તારના મુંડાઓરાઓનું આંદોલન વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બિરસા મુંડા આ ચળવળનો નેતા હતો જેનો મુખ્ય ઉદ્દેશ સ્વતંત્ર મુંડા રાજ્યની સ્થાપના કરવાનો હતો. બળવાખોરોએ પોલીસ મથકો તથા તેમના અધિકારીઓ, ખ્રિસ્તી દેવળો તથા પાદરીઓ પર હુમલા કર્યા હતા. આ બળવો પણ દાબી દેવામાં આવ્યો. પરંતુ તે પછી મુંડા તથા ઓરાઓ પ્રજાની ભૂમિવ્યવસ્થા(land system)ને કાયદા દ્વારા માન્યતા આપવામાં આવી. તે આ બળવાની ફલશ્રુતિ ગણાય.

1881માં મેવાડના ભીલ આદિવાસીઓએ કરેલા બળવાને પરિણામે મેવાડ દરબારને તેમની સાથે એકવીસ મુદ્દાનો કરાર કરવો પડ્યો હતો તે આદિવાસી પ્રજાની મોટી સિદ્ધિ હતી. આ સફળતાને પગલે પગલે મેવાડની જોડેના મહીકાંઠા પ્રદેશની ભીલ જાતિએ બળવો કર્યો હતો અને તે અલિરાજપુર તથા ગુજરાતનાં દેશી રજવાડાંમાં ફેલાયો હતો. આ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈને સરકારે ભીલ કમિશનની નિમણૂક કરી હતી. આ કમિશને પોતાના અહેવાલમાં ભીલ પ્રજાને જ તેમનાં દુ:ખદર્દો તથા સમસ્યાઓ માટે જવાબદાર ઠરાવેલ. 1912-13માં સંત રાજ્યના શાસકો સામે થયેલા આદિવાસી બળવાને દબાવી દેવા માટે બ્રિટિશ સરકારે લશ્કરનો ઉપયોગ કર્યો હતો. બળવાખોરોમાં માત્ર ભય ઉત્પન્ન કરવા માટે લશ્કરે શરૂઆતમાં ખાલી ગોળીબાર કરેલા. તેને લીધે કોઈને ઈજા થઈ નહિ તે જોઈને ગુજરાતમાં પંચમહાલના ભીલોને બળવો કરવા પ્રેરણા આપનાર ગુરુ ગોવિંદગિરિની દૈવી શક્તિની જાદુઈ અસરને લીધે જ આમ બન્યું છે તેવી માન્યતા બળવાખોરોમાં પ્રસરી. તેનાથી ઉત્તેજિત થઈને ભીલોએ મોટી સંખ્યામાં લશ્કર પર સશસ્ત્ર હુમલો કર્યો, જેના જવાબમાં લશ્કરે માનગઢના ડુંગરોમાં ભરાયેલા ભીલો પર ગોળીબાર કરતાં ઘણી મોટી સંખ્યામાં ભીલોની ખુવારી થઈ. તેમના ગુરુ ગોવિંદગિરિ તથા 900 જેટલા ભીલોની ધરપકડ કરવામાં આવી. તેમ છતાં ભીલોની લૂંટફાટની પ્રવૃત્તિ ચાલુ રહી. 1907માં ડાંગ વિસ્તારના આહવા ગામે સરકારી અમલદારોને મારી નાખી સરકારી તિજોરી લૂંટવાના ઇરાદાથી ભીલ આદિવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થયા. 1920માં સંત તથા લુણાવાડાની રિયાસતો સામે ભીલોએ કરેલો બળવો બંને રિયાસતોના લશ્કર દ્વારા અલિરાજપુર તથા બારિયા રિયાસતોના સૈનિકોની મદદથી દબાવી દેવામાં આવ્યો હતો.

1922માં રાજસ્થાનમાં ઉદેપુરના રજપૂત રાજાના જમીન મહેસૂલના સંદર્ભમાં ભીલોને અમલદારોનો ત્રાસ વધ્યો તેથી મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ ઉત્તર ગુજરાત તથા રાજસ્થાનના ભીલોએ કરેલ બળવો દબાવી દેવા માટે ખોરવાડાનાં લશ્કરો મોકલવામાં આવ્યાં ત્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના દઢવાવ આગળ થયેલી સામસામી અથડામણમાં ઘણા ભીલોની ખુવારી થઈ.

બળવાનો ઉપદ્રવ મોટી આદિવાસી જાતિઓ ઉપરાંત વિઝાગાપટ્ટનની કોન્ડા ડોરા, પંચમહાલની નાયકડા, ઓરિસાની ખોંડ, સવરસ જુઆંગ અને ભૂઈયા, બસ્તરની મારિયા અને ભત્રા, ગોદાવરી જિલ્લાની કોયા તથા મણિપુરની કુકી જાતિ વગેરે નાની જાતિઓમાં પણ ફેલાયો હતો.

પછીના ગાળામાં આદિવાસી ચળવળોએ ધાર્મિક અને રાજકીય સ્વરૂપ લીધું. તેને પરિણામે તેમાં નવો પ્રાણ પુરાતાં કરિશ્મા ધરાવતા તથા દૈવી પ્રેરણાવાળા ગણાતા નેતાઓ આગળ આવ્યા. દા.ત., મુંડાના બિરસા મુંડા, સાંથાલના સીધુ કાન્હુ, ભગીરથ, ડુબુ ગોંસાઈ, ઓરાઓમાં જત્રા ઓરાઓ, પંચમહાલના ભીલોમાં ગોવિંદગિરિ તથા મોતીલાલ તેજાવત, ઉત્તર ગુજરાતના ભીલોમાં કોંડા ડોરાના કોરા માલય્યા, નાઈકદાસ તથા ભૂઈયાના રત્ના નાયક વગેરે નેતાઓ આગળ આવ્યા.

ત્રીજા તબક્કામાં (1920-47) નાના પાયા ઉપર જૂની ચળવળો ચાલુ રહેવા છતાં રાજકીય તથા ધર્મનિરપેક્ષ સ્વરૂપની નવી ચળવળોનો ઉદય થયો. રાજકીય સ્વરૂપની આ ચળવળોમાં બે બાબતો વિશેષ નોંધપાત્ર છે : (1) રાષ્ટ્રીય તથા કૃષિક્ષેત્રને લગતી ચળવળોમાં આદિવાસીઓએ ઝંપલાવ્યું હતું. (2) છોટાનાગપુરમાં આદિવાસી સ્વાયત્તતા માટેની ઝારખંડ ચળવળ ફૂટી નીકળી હતી.

વીસમી સદીની શરૂઆતમાં હિન્દુઓની ધર્મવ્યવસ્થામાં વણાઈ ગયેલા ભક્તિસંપ્રદાયોનો જુવાળ આદિવાસી પ્રદેશોમાં ફરી વળ્યો હતો. ગુજરાતના આદિવાસીઓમાં સતકૈવલ્ય, વલ્લભધર્મ, આરતી સમાજ, સનાતન ધર્મ, કલવાડિયા પંથ તથા સ્વામિનારાયણ સંપ્રદાયને ઉપક્રમે સામાજિક-ધાર્મિક ચળવળો શરૂ થઈ હતી. તે પહેલાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સુધારણા માટેની લહર પ્રસરી હતી. દૈવી ચળવળના નામે જાણીતી થયેલી આ ચળવળે આદિવાસીઓ પર સારો પ્રભાવ પાડ્યો હતો. 1953માં દક્ષિણ ગુજરાતના હળપતિઓએ બિનઆદિવાસી જમીનદારોની સામે સતીપતિ(આરતી સમાજ)ના પ્રભાવ હેઠળ ચળવળ શરૂ કરી હતી. તેને આખરે દબાવી દેવામાં આવી હતી.

વીસમી સદીના ત્રીજા દાયકામાં ઘણા આદિવાસી વિસ્તારોમાં ગાંધીવાદી ચળવળના પ્રભાવથી આદિવાસીઓએ શરૂ કરેલ સામાજિક સુધારણાની ચળવળોને જરૂરી ઉત્તેજન મળ્યું. તેનાથી આદિવાસી ચળવળોની વિશ્વસનીયતા ર્દઢ બની. આદિવાસી જૂથોમાં ગાંધીજીના અનુયાયીઓ ઊભા થયા. ગાંધીજીના નેતૃત્વ હેઠળ ચાલતા સ્વતંત્રતા આંદોલનમાં ભીલ ભગત, તાના ભગત, સાંથાલના સપલા હૉર્સ તથા હરિબાબા ચળવળ ભળી ગયેલી. તેનાથી એમના અગાઉ ગુમાવેલ રાજ્ય તથા કૃષિવિષયક અધિકારો પાછા મેળવવાની આશા જાગી. સાથે સાથે દારૂનિષેધ, સામાજિક ઉન્નતિ, શિક્ષણનો પ્રસાર અને ચારિત્ર્યઘડતર માટેના સુધારાઓ અમલમાં મૂકવાની તેમની આંકાક્ષા પણ બળવાન થઈ.

રાસબિહારી લાલ

આદિવાસી વિકાસયોજનાઓ : ભારતમાં આદિવાસીઓના વિકાસના વ્યવસ્થિત પ્રયત્નો તો આઝાદી પછી જ થયા છે. અંગ્રેજ અમલ દરમિયાન તે વિસ્તારોને ‘બાકાત વિસ્તારો’ તરીકે ગણી તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી. પરિણામે તેમનું ભારે શોષણ થયું, ભારે અન્યાય થયો. ડૉ. જે. એચ. હટન અને ડૉ. જી. એસ. ઘુર્યે જેવા સમાજશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે તેમના પ્રદેશમાં બહારના લોકોએ પ્રવેશી તેમનું ભારે આર્થિક-સામાજિક નુકસાન કર્યું છે. તેઓ લાગણીહીન, ઉદાસ બની ગયા છે. તેમનું નૈતિક અધ:પતન થયું છે. હાલાકી, શોષણ અને ધર્માંતર સામે પોતાના હક્કો મેળવવા, શોષણ અટકાવવા, ધર્માંતર અટકાવવા વિવિધ સમયે ચળવળો, આંદોલનો, બળવા પણ વિવિધ જાતિઓએ કર્યા હતા. પણ તેને કડક હાથે દાબી દેવામાં આવ્યા હતા.

આઝાદી પહેલાં શરતચંદ્ર રોય, ગ્રીઅર્સન, હટન, બી. એસ. ગુહા, ડી. એન. મજમુદાર, વેરિયર એલ્વિન વગેરેએ તેમની જીવનસંસ્કૃતિનો અભ્યાસ કરીને ઘણું સાહિત્ય આપ્યું છે. ગાંધીજી તથા ઠક્કરબાપાએ તેમના વિકાસનો માર્ગ ચીંધ્યો. આ વિચારોમાંથી તેમના વિકાસ અંગે કેટલાક અભ્યાસીઓએ તેમને અલગ રાખવા સૂચવ્યું તો કેટલાક સુધારકોએ તેમનામાં એકદમ ફેરફાર લાવી દેવાનું સૂચવ્યું. આ બંને વિચારો આત્યંતિક હતા. કોઈ સમુદાયનો વિકાસ ન થવા દેવો એ અમાનવીય કૃત્ય ગણાય. એકદમ પરિવર્તન લાવી દેવાથી ટસ્માનિયાના આદિવાસીઓ, સિલોનના વેડાઓ તેમજ રેડ ઇંડિયનોની સંસ્કૃતિ સાવ નામશેષ થઈ ગઈ અને તેમને ભારે નુકસાન થયું છે. આથી સમન્વયકારી અભિગમ સ્વીકારવામાં આવ્યો. પંડિત નહેરુએ આ અંગે ‘આદિવાસી પંચશીલ’ દ્વારા વિકાસની માર્ગદર્શિકા પૂરી પાડી છે.

આદિવાસી પંચશીલ : (1) આદિવાસી લોકોને તેમની સૂઝ પ્રમાણે વિકાસ કરવા દેવા જોઈએ, અને તેમના ઉપર કશું લાદવાનો પ્રયત્ન નહિ કરવો જોઈએ. તેમની વંશપરંપરાગત કળા, કારીગરી તથા સંસ્કૃતિને શક્ય તેટલી બધી રીતે ઉત્તેજન આપવું જોઈએ. (2) આદિવાસી પ્રજાના જમીન તથા જંગલ અંગેના હક્કોને માન્ય રાખવા જોઈએ. (3) વહીવટ તથા વિકાસનું કામ કરવા તેમના જ લોકોને તાલીમ આપી તૈયાર કરવા જોઈએ. નિષ્ણાત માણસોને શરૂઆતમાં બહારથી લાવવા પડશે. પરંતુ આદિવાસી વિસ્તારોને બહારના માણસોથી ભરી દેવાની વૃત્તિ આપણે રોકવી પડશે. (4) આદિવાસી વિસ્તારોમાં ભારે મોટું વહીવટી માળખું ગોઠવવું નહિ જોઈએ તથા એકસામટી ઘણીબધી યોજનાઓ દાખલ નહિ કરવી જોઈએ. બને ત્યાં સુધી તેમનાં પોતાનાં સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો મારફતે કામ કરાવવાનું રાખવું જોઈએ. (5) આદિવાસી પ્રજામાં કામનું મૂલ્યાંકન લક્ષ્યાંકો કેટલા પૂરા થયા કે કેટલા પૈસા ખર્ચાયા તેના ઉપરથી નહિ, પણ આદિવાસી વ્યક્તિનો કેટલો વિકાસ થયો તેના આધારે કરવું જોઈએ.

આ માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આઝાદ ભારતના બંધારણમાં કલમ15(4), 16(4) અને 335, 46, 47, 275, 330, 322 અને 334, 335 અનુસાર તેમના હક્કો, યોજનાઓનો વહીવટ, અનામત જગ્યાઓ તથા કલમ 244(1) અને 244 દ્વારા રાષ્ટ્રપતિ તથા ગવર્નરને તેની દેખરેખની સત્તા અંગે જોગવાઈ કરવામાં આવી છે. આ અનુસાર બીજી પંચવર્ષીય યોજના અન્વયે ‘ખાસ વિવિધલક્ષી વિકાસ ઘટક’ યોજનાનું આયોજન સૌપ્રથમ થયું, જે અન્વયે આંધ્રપ્રદેશમાં 4, મધ્યપ્રદેશમાં 10, ઓરિસામાં 4, બિહારમાં 8, મહારાષ્ટ્રમાં 4, ગુજરાતમાં 3, રાજસ્થાનમાં 1, આસામમાં 7, ત્રિપુરામાં 1 મળી સમગ્ર દેશમાં 43 ઘટકો શરૂ થયાં. આમાં ગુજરાતમાં ખેડબ્રહ્મા (સાબરકાંઠા), સુખસર (પંચમહાલ) અને ધરમપુર(વલસાડ)માં આ ઘટકો સૌપ્રથમ ખૂલ્યા હતા. તેમાં 23,54,018 ચોમી. વિસ્તાર અને 16.85 ટકા આદિવાસીઓને આવરી લેવામાં આવ્યાં છે. ઘટકમાં 66% વસ્તી આદિવાસીની હોય તેમ ગોઠવ્યું. બજેટમાં આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસની ઉપર ભાર મૂકવામાં આવ્યો તથા સબસિડીનું ધોરણ વધારે રાખવામાં આવ્યું. આ યોજના 1960 61માં પૂરી થઈ. તે પછી સુધારાવધારા પ્રમાણે 50% આદિવાસી વસ્તીનું ધોરણ રાખી વધુ આદિવાસીઓને આવરી લેવાનું ગોઠવાયું અને તે અનુસાર સમગ્ર દેશમાં 1966 સુધીમાં 415 ઘટકો ખૂલ્યાં. તે પછી બીજા 31 ઘટકો ખોલવામાં આવ્યા. બંધારણે દર 10 વર્ષે વિકાસની સમીક્ષા કરવાનું ગોઠવ્યું હતું. તેથી પ્રથમ યોજનાનું મૂલ્યાંકન ડૉ. વેરિયર એલ્વિન સમિતિએ કર્યું. બીજી યોજનાનું મૂલ્યાંકન ઢેબરભાઈ સમિતિએ કર્યું અને ત્રીજી યોજનામાં થયેલા કાર્યનું મૂલ્યાંકન શિલુઆઓ સમિતિએ કર્યું. આ અહેવાલોમાં તેમના વિકાસ માટે તબક્કે તબક્કે શું થયું તથા શું શું બાકી છે તેની વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી છે. તે પછી પાંચમી પંચવર્ષીય યોજના વખતે આદિવાસી વિકાસનું કાર્ય ઘણું બાકી છે માટે ‘આદિવાસી પેટાવિસ્તાર વિકાસ યોજના’ હેઠળ વધુ સઘન વિકાસનું માળખું ગોઠવાયું છે. ત્યારબાદ 6ઠ્ઠી અને 7મી પંચવર્ષીય યોજનામાં આદિવાસી વિકાસકાર્યને સર્વાંગીણ ઉત્કર્ષના હેતુથી પાંચ વિભાગમાં : (1) આદિવાસી વિસ્તાર પેટાયોજના, (2) લઘુવિકાસનાં ગામો, (3) સર્વાંગીણ વિકાસનાં ગામો, (4) છૂટાછવાયા આદિવાસીઓ, (5) આદિમ જૂથો એમ વિભાજિત કરીને સઘન વિકાસના પ્રયત્નો ચાલુ છે.

અરવિંદ ભટ્ટ

આદિવાસી કળા : આદિવાસીઓ જે કામ કરે છે એ સહજ હોય છે. કળાને સૌંદર્યનિર્માણનું સાધન તે સમજતા નથી. એમને માટે તો એ જીવનનો અવિશ્લેષ્ય ભાગ છે. પોશીના વિસ્તારમાં માટીના ઘોડાઓ ભીલ-ગરાસિયા દેવને ચઢાવે છે. તેઓ એ ઘોડાને જીવંત ઘોડા જેટલું જ માન આપે છે. એને બનાવનાર કુંભાર કહે છે, ‘ભાઈ, અમે તો આઠ વસ્તુનો એક ‘જીવ’ કરીએ. જીવતું બકરું કાપી એના મોઢાને જ્યારે આ માટીના ઘોડા ઉપર મૂકે એટલે કે લોહી એના પર ટપકે ત્યારે એ ઘોડા જીવંત જ બને ને ?’ ગુજરાતમાં ઠેરઠેર આવા માટીનાં ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી અને એમના અવયવો ચૌધરી, ગામીત, ઢોડિકા, ભીલ, ભીલગરાસિયા, રાઠવા સૌ બનાવે છે અને તે આકૃતિઓ દેવને ચઢાવે છે. કળાની ર્દષ્ટિએ મૂલવો તો એમાં માટીને જે રીતે બહેલાવી અનેક સ્વરૂપો કંડારાયાં છે એ અજોડ છે. શાંતિનિકેતનના પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોઝ જ્યારે હરિપુરા કૉંગ્રેસમાં આવેલા, ત્યારે માંડવીનો માટીનો ઘોડો જોઈને ખુશ થઈ ગયેલા. આ લોકોનો આંગળી અને અંગૂઠાનો ઉપ્રયોગ પણ અદભુત હોય છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી સ્ત્રીઓ આવાં સ્વરૂપો હજારોની સંખ્યામાં બનાવે છે.

એ જ રીતે ચિત્રો. રાઠવાઓના પીઠોરાનાં ચિત્રો, ચૌધરીઓનાં નવા દહાડાનાં ચિત્ર, કુકણીઓના પચવી, ભીલોનાં ભારાડીનાં, ભીલગરાસિયાનાં ગોત્રજનાં ચિત્રો એમ અનેકાનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકળાની ભેટરૂપે સહજ મળે છે. રાઠવા લોકોનાં ઘરની દીવાલ પર જે ચિત્ર થાય છે, જે દેવ પીઠોરો ચીતરાય છે, તેની સાથે તે જીવન ગુજારે છે. એ ચિત્રે રોકેલી જગા ઘરનો ઓછામાં ઓછો, કદમાં છઠ્ઠો ભાગ તો હોય જ છે. દુનિયામાં એવાં કેટલાં કુટુંબ હશે, જે ચિત્રને દેવ તરીકે માનીને એની સાથે આટલી ઘનિષ્ઠ રીતે જીવતાં હશે ? આદિવાસીઓ માટે ચિત્ર સમૂહમાં સર્જાતી કળા છે. બધાં ભેગાં મળીને ચીતરે, ચિત્ર કરે ત્યારે ઉપવાસ કરે, વળી ચિત્ર કરતા પહેલાં સાત લીંપણ કુંવારી કન્યાઓ કરે, વળી સંગીત, નૃત્ય, નાટ્ય, ઉજાણી, સિવાય ચિત્ર થોડું બને ? એટલે ચિત્ર એ ચિત્ર નથી, પણ આ બધાંનું સમૂહજીવનનું ઉત્સવરૂપ પવિત્ર તત્વ છે. એ ચિત્રમાં દેવ આવે, રાજા આવે, ખેડૂત હળપતિ રાજા આવે, ઝાડપાન, સૂરજ, ચંદ્ર, જીવડાં, પશુ, પક્ષી સૌ આવે અને એમાં રંગો તો એવા ભભકદાર પૂરે કે કોઈ મહાન ચિત્રકાર એ કરતાં ડરે. ચિત્રને દાતણ કરાવે, ચિત્રને  જમાડે, ચિત્રને પ્રસન્ન કરવા નાચે પણ ! આદિવાસીને મન કળા એ કાંઈ ખિસ્સામાંનો રૂપિયો નથી. પણ જીવનનું એક અભિન્ન જીવતુંજાગતું તત્વ છે. એ ચાલે, બોલે, ગાય, નાચે એમાંય કળા. પોતાની કળાનાં સાધનો (tools) પોતે ઊભાં કરે. એક રાઠવા આદિવાસીને ચમચો જોઈતો હતો. તરત એક લાકડું લીધું અને અડધા કલાકમાં ચમચો તૈયાર. એને કાંઈ ‘પ્રૉડક્ટ ડિઝાઇન’ના વર્ગો ભરવા નથી જવું પડતું. બાળક કહે, ‘મા મારે ઘર ઘર રમવું છે.’ માએ ખાખરાનાં બે પાન લીધાં અને ઘર બનાવ્યાં.

આદિવાસી કળાકૃતિઓ

લાડો ને લાડી. બાળક પછી ખીલી ખીલીને લાડાલાડીનાં લગ્ન કરે, ગાય, હારતોરણ બનાવે, એ બધું જ કળા. બાળકો ‘ગાલ્લી’, ‘ગીહલું’ બનાવે અને એને શણગારે, પછી એ ગીહલું કે ગાલ્લીનાં રમકડાં બાળકોના પ્રવાસનું સાધન બને અને સાથે ઘર માટે નાનોમોટો સામાન લાવવાનું સાધન પણ બને, દા.ત., લાકડાં લાવવાં, કરસાંઠી લાવવી વગેરે.

આદિવાસી કળાનાં મૂળ લક્ષણો આ પ્રમાણે ગણાવી શકાય :

(1) તે માધ્યમ(material)ને માન આપે છે.

(2) સાધનો (tools) પોતે પેદા કરી લે છે. સામાન્ય રીતે કલાસર્જન માટે તેઓ પથ્થર, લાકડું, વાંસ તથા ધાતુઓનો ઉપયોગ કરે છે. આદિવાસીઓ ઓછામાં ઓછાં ઓજારો વાપરે છે અને તે મોટે ભાગે પોતે બનાવેલાં હોય છે.

(3) પ્રક્રિયા (technique) : માધ્યમ સાથે જોડાયેલી હોય ને એમાં સહજસ્ફૂર્ત કસબ આવે છે.

(4) ઉપયોગ (function) : દેવ પ્રત્યેની ભક્તિથી પ્રેરિત હોય છે એટલે બધું લગભગ વિધિસર થાય.

(5) શિક્ષણ (learning) : માના પેટમાંથી અથવા તો કહો કે વારસામાં ઊતરે છે. એટલે ‘કરતાં કરતાં’, ‘દેખાદેખીથી’, ‘સહજ’ શિક્ષણના પાઠો મળે છે. આકાર ઉપસાવવા તેને કારીગરીની તાલીમ કે મહેનતની જરૂર પડતી નથી. વન્ય સંદર્ભમાં આકૃતિ અને વસ્તુ એકબીજાંનાં પૂરક બને છે. ખરું જોતાં વસ્તુ જ આકૃતિ નક્કી કરે છે.

(6) જીવનતત્વ (live) : કળા જીવંત છે એમ તે જાણે છે. એમાં જીવ છે એમ જુએ છે. પછી ભલે એ મૃતાત્માનો ખાંભો હોય કે મરેલા માટે માટીનું ઘર હોય કે રમકડાનાં ‘લાડોલાડી’ હોય. આદિવાસી કળાની ખૂબી એ છે કે સમાજમાં રોજના વપરાશનાં સાધનોમાં તેમજ તેની રીતભાતમાં જોવા મળે છે. આ પ્રજાની જીવવાની રીતો પ્રતીકો દ્વારા પ્રગટ થાય છે.

(7) સાતત્ય (permanency) : આ કળા પેઢીદરપેઢી ચાલ્યા કરે. કેટલુંક ક્ષણમાં નાશ પામે એવું પણ હોય. એમ બે જાતના નમૂના આદિવાસી કળામાં બનતા જોવા મળે છે.

(8) સહભાગી (togetherness) : આદિવાસીઓ કળાના નિર્માણમાં સહભાગી બને છે. બે-પાંચ-દસ કે આખી જાતિ એ કળા જાણતી હોય  તેનું સર્જન વ્યક્તિગત કરતાં સમૂહગત વિશેષ હોય છે.

(9) વિજ્ઞાન (science) : એમના સર્જનમાં વિજ્ઞાન ભારોભાર હોય છે. પણ એ અંદરથી ઊગેલું, અનુભવથી ભરેલું હોય છે. એને પૂરતા પ્રમાણમાં જોઈએ એટલે આપણને એમ લાગે કે આમાં તો કાંઈ નથી. દા.ત., સાદડી ગૂંથવી કે ગોફણ ગૂંથવી કે વગાડવાનો પાવો બનાવવો.

વિશિષ્ટ આદિવાસી કળાકૃતિ

કયો વાંસ સારો (ક્યારે ઊગેલો) એ પણ જાણે. કહે, ‘વાંહડા મહોરાય ને વોંહળી વાગે !’ વાંસથી માંડીને વાંસળીનાં કાણાં, એનું પોલાણ, એની લંબાઈ, જાડી…. એનો સૂર, એની ચાલ, એનો નાચ, એ સૌ સાથે આવે, ને નખશિખ સંપૂર્ણ નમૂનો બને. એ ર્દષ્ટિએ જોઈએ તો તેમના કસબમાં એનું આગવું વિજ્ઞાન હોય છે.

(10) બધી જ કળા આંતરપ્રેરણાથી સહજ સ્ફૂર્ત હોવાથી એના નમૂનામાં હૃદયની ભીનાશ આવે છે.

(11) બધું જ સરખું અગત્યનું (equal stress) : તેમને મતે કળામાં કશું નીચું, ઊંચું કે ઓછા કામનું, વધારે કામનું એવું નહિ. લાકડાનો ચમચો હોય કે ઘર બનાવવાનું હોય, બંને તેમને મન સરખા માનનાં અધિકારી.

(12) જીવનના એક ભાગરૂપ હોવાથી આદિવાસી કલામાં કશું ઉપર-ઉપરના શણગાર જેવું નહિ મળે. તેમાં ઉપયોગ અને સૌન્દર્ય દૂધ અને સાકરની જેમ એકરૂપ હોય છે.

આમ, એકંદરે આદિવાસી પોતે કળાનો નમૂનો બનાવે, એની સાથે જીવે અને ક્યારેક પોતે દેવને અર્પણ કરે એમાં આદિવાસી કળાનું હાર્દ રહેલું હોય છે.

આદિવાસીઓની કળા એ રીતે અનેક સ્વરૂપે પ્રગટ થાય છે, જે પ્રાગટ્યમાં અજોડ અને મોહક હોય છે. આ કળામાં તેનો સમાજ, તેનાં મૂલ્યો અને તેની બુદ્ધિપ્રતિભા વ્યક્ત થાય છે. તેની કળામાં આકૃતિ અને વસ્તુ એકમેકનાં પૂરક બની રહે છે, જાણે કે, કલા દ્વારા તે તેના સમાજને એકતા અને સમગ્રતા અર્પે છે. આદિવાસી કલા ચિત્રશિલ્પ અને ગૃહસુશોભન તથા અલંકરણમાં પ્રવર્તે છે. સંગીત, નૃત્ય અને મહોરાંઓમાં પણ તેમની કલા ઉત્સવ પ્રસંગે વ્યક્ત થતી જોવા મળે છે.

આદિવાસી કળાનો સુસમૃદ્ધ વારસો ગુજરાત પાસે છે. જોમ અને ઉત્સાહ દર્શાવતાં વાર્લી, કુંકણ, રાઠવા અને ડાંગીનાં ભીંતચિત્રો ગુજરાતમાં સચવાયેલાં છે. નવાં પરિબળોને કારણે તે ભૂંસાઈ જાય કે પરિવર્તન પામે તે પહેલાં તેને મૂળ સ્વરૂપમાં બચાવી લેવાના પ્રયત્નો સવેળા થવા જોઈએ. ભારતમાં આદિવાસી કળાનો વાતાવરણ સાથે અતૂટ સંબંધ છે. આદિવાસી કળાને સમજવા તથા સાચવવા માટે ઉભયના સંબંધનો વિગતે અભ્યાસ થવો જોઈએ.

હકુભાઈ શાહ

ધીરેન્દ્ર કોપર

આદિવાસી નૃત્ય : ભારતના આદિવાસી લેખાતા પ્રજાસમૂહની વૈવિધ્યપૂર્ણ નૃત્યપરંપરા.

ભારતનાં વિવિધ રાજ્યોમાં પથરાયેલા આદિવાસીઓની વસ્તીની સંખ્યાનો વિચાર કરીએ ત્યારે પ્રથમ ક્રમે મધ્યપ્રદેશ, બીજા ક્રમે ઓરિસા, ત્રીજા ક્રમે બિહાર અને ચોથા ક્રમે ગુજરાત આવે છે. ગુજરાતમાં ભીલ, દુબળા, ઘોડિયા, કાથોડી, ગામીત, કોટવાળિયા વગેરે 29 જેટલા સમુદાયો વસવાટ કરે છે.

પ્રકૃતિની ગોદમાં પાંગરેલી આદિવાસી કલાઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી કોઈ કલા હોય તો તે તેમની નૃત્યકલા છે. દિવસભરનો થાક ભૂલવા નિજાનંદ માટે રાતબધી ચાલતાં તેમનાં નૃત્યોમાંથી સાદગી, તાજગી અને પ્રસન્નસૌંદર્ય જાણે કે સાદ પાડી ઊઠે છે. પ્રત્યેક આદિવાસી યુવક-યુવતીને ‘નાચવાનો’ વારસો ગળથૂથીમાંથી જ મળે છે. ગળતી રાતના તમે કોઈ આદિવાસી ગામમાં જાવ તો વાજિંત્રોના મધુર અવાજ વચ્ચે ચાલતાં લોકનૃત્યો તમને જોવા મળવાનાં જ. કોઈ પણ જાતની તાલીમ વગર એમનાં એકસરખાં તાલ, લય અને ગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. આવાં કેટલાંક ભારતીય આદિવાસી નૃત્યો પર ઊડતી નજર કરીએ :

મધ્યપ્રદેશમાં ગોંડ અને બૈગા આદિવાસીઓનું ‘કરમાનૃત્ય’ ખૂબ જાણીતું છે. આ નૃત્ય માટે કહેવાય છે કે કરમ નામના રાજાને માથે આપત્તિ આવી. એણે દેવીની માનતા રાખી. એનું દુ:ખ દૂર થયું. માનતાની ઉજવણી વખતે નૃત્યનું આયોજન કર્યું જે ‘કરમા’ના નામે જાણીતું થયું. એક ઢોલી નાચનાર ટોળીની વચ્ચે ઊભો રહી ઢોલ વગાડે છે. ધીમા લયે આરંભાતા આ નૃત્યમાં યુવક-યુવતીઓ વચ્ચે હરીફાઈ થતાં નૃત્ય રંગ જમાવે છે, ત્યારે જાણે કે જંગલનાં વૃક્ષો પણ ઝૂમી ઊઠે છે. ગોંડ આદિવાસીનાં બીજાં 2 નૃત્યો ‘શૈલા’ અને ‘રીના’ના નામે જાણીતાં છે. ‘શૈલા’ પુરુષોનું અને ‘રીના’ સ્ત્રીઓનું નૃત્ય છે.

‘પરજા’ એ બસ્તરના આદિવાસીઓનું પરંપરિત અને પ્રાચીન નૃત્ય છે. તેમાં માડિયા પુરુષો પોતાના માથા પર ભેંસોનાં શિંગડાં અને શરીરે જંગલી જનાવરોની પાંખો પહેરીને ઢોલના તાલે નૃત્ય શરૂ કરે છે. ખાસ પોશાક પહેરીને યુવતીઓ પણ આ નૃત્યમાં જોડાય છે.

મધ્યપ્રદેશમાં વસતા મુંડા આદિવાસીઓનાં ‘જતરા’ અને ‘કરમા’ મહત્વનાં નૃત્યો ગણાય છે. ‘જતરા’ને મેળો કે નૃત્યસંમેલન એવું નામ આપી શકાય. વાર, તહેવાર કે પર્વ પ્રસંગે ગામોગામ ‘જતરા’નું આયોજન થાય છે તેમાં અનેક મંડળીઓ એકઠી થાય છે અને તાલની તન્મયતામાં ખોવાઈ જાય છે. વસંતઋતુમાં હોળીના અવસરે મુંડા આદિવાસી શિકારનૃત્યની મોજ માણે છે. આ નૃત્ય ‘જાપી’ના નામે જાણીતું છે. વસંતોત્સવ પછી મુંડાની કરમા-નૃત્યની મોસમ શરૂ થાય છે જે આસો માસ સુધી ચાલે છે.

નાગાલૅન્ડના નાગા આદિવાસીઓ મેદાનમાં અગ્નિ પ્રગટાવીને નૃત્ય કરે છે. મોટાભાગનાં તેમનાં યુદ્ધનૃત્યો હોય છે. તેમની વેશભૂષા પણ ભયાનક હોય છે. અંગામી નાગાઓનું ‘કેદોહોઇ’ નૃત્ય ખૂબ જાણીતું છે. આ નૃત્યમાં ઢાલ, તરવાર અને ભાલા લઈને એકબીજાને લલકારતા, છલાંગો મારીને ઊછળકૂદ કરતા નૃત્ય કરે છે. કોહીમા નાગા વાંસ અને કાગળના પોશાકો પહેરીને નૃત્ય કરે છે.

ખાસી આદિવાસીઓનું તાંડવનૃત્ય ખૂબ જાણીતું છે. આ નૃત્ય ભગવાન શંકરની દેણગી મનાય છે. નૃત્ય ચરમસીમા પર પહોંચે છે ત્યારે નાચનારના શરીરની ધ્રુજારી જ દેખાય છે. કુંવારી યુવતીઓ માથે ચમકતા મુગટ પહેરીને આ નૃત્યમાં જોડાય છે.

બિહાર, બંગાળ, ઓરિસા, મયૂરભંજ અને નીલગિરિમાં સંથાલ આદિવાસીઓ વસે છે. એમની પાસે લોકનૃત્યની આગવી શૈલી છે. ધાર્મિક ઉત્સવો, મેળા અને ખાસ મોસમમાં સ્ત્રીપુરુષોનાં સંયુક્ત અને અલગ અલગ નૃત્યો થાય છે. નૃત્યો ગમે ત્યારે થાય છે પણ ચાંદની રાત તેઓ વધુ પસંદ કરે છે. આકાશમાં ચંદ્ર ઊગે એટલે છોકરા-છોકરીઓને બોલાવવાનો ઢોલ અને ‘મડલ’ વગાડવામાં આવતાં આદિવાસી યુવાવર્ગ એકઠો થઈ ‘લાગ્રેન’ નામનું ઉત્તેજક નૃત્ય  આરંભે છે. નૃત્યના તાલથી યુવાન હૈયાંને સંવનન કરવાની તકો મળે છે. નૃત્યમાં પ્રણયગીતો ગવાય છે. નૃત્ય પૂર્ણ થયે પ્રણયી જોડાં જંગલોમાં ચાલ્યા જાય છે.

સંથાલ ખેડૂતને ખેતીકામમાં કોઈ મદદ કરવા આવે ત્યારે કામ પૂર્ણ થયે ખેડૂત, આવનારને ‘હાંડિયા’ દારૂ પિવરાવીને ‘ડોન’ નૃત્યનું આયોજન કરે છે. ‘ઝીકા’ નૃત્યથી એ પૂર્ણ થાય છે. ‘સોહરી’ અર્થાત્ લણણી ઉત્સવ વખતે અને ‘બહા’ ફૂલના ઉત્સવ વખતે ‘જાતુર એનેક’ નામનું ભક્તિનૃત્ય કરે છે. ‘ગમહપૂર્ણિમા’ના દિવસ ‘રિન્જા એનેક’ નામનું નૃત્ય 8 પ્રકારની ગતિમાં છોકરા-છોકરીઓ અલગ અલગ વર્તુળમાં કરે છે. આ નૃત્ય દેવદેવીઓને પ્રસન્ન કરવા માટે થાય છે. ‘બહા એનેક’ પણ સ્ત્રીઓ દ્વારા યોજાતું ભક્તિનૃત્ય છે. સંથાલોનું ‘દંતા એનેક’ સોહરી ઉત્સવ દરમિયાન થાય છે. પ્રેમી હૈયાંનું આ પ્રિય અને થાક ઉતારી નાખનારું નૃત્ય છે. એમાં શરીરનાં અંગોના પરસ્પર સ્પર્શનો આનંદ મળે છે.

દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારના ડુંગરાળ પ્રદેશમાં વસતા વનવાસીઓ પ્રકૃતિને દેવ માની એને પ્રસન્ન કરવા અને આનંદ મેળવવા નૃત્ય કરે છે. એને ‘દેવકામના નાચ’ તરીકે ઓળખવામાં આવે છે. આ નૃત્યોમાં ‘ડુંગરદેવનો ભાયા નાચ’ અને ‘ઠાકર્યા નાચ’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદિવાસીઓ નિજાનંદ માટે જે નૃત્યો કરે છે તેમાં ઢોલકું, ડબ્બા, પાવરી, ઢોલકી, માદળ, શરણાઈ અને ઢાંક જેવાં નવરાત્રી અને લગ્ન પ્રસંગે વગાડાતાં વાદ્યોનો ઉપયોગ કરે છે.

‘કહાડિયા’ એ ડાંગી લોકોનું પ્રમુખ નૃત્ય છે. અવિરત જુસ્સા અને અતૂટ તાલ સાથે થતા આ નૃત્યમાં 6 પ્રક્રિયાઓ જોવા મળે છે. પાંચમી પ્રક્રિયા દરમિયાન નાચનાર પુરુષોના ખભા પર ચડીને માંડવા-પિરામિડ રચી આખું વૃંદ રોમાંચક નૃત્ય કરે છે. ડાંગી નૃત્ય ‘મોહન્યા’ ‘સિપાઈ’ ‘મોર’ ‘કમર’ ‘ભજનિયો’ ‘પાયમોડિયો’ જેવા 27 આળામાં રજૂ થાય છે. આદિવાસી વાજિંત્રોમાં જુદી જુદી ગતો વગાડવામાં આવે છે. જેને પંચમહાલ તરફ ‘વાનો’ કહે છે. વાજિંત્રોની ગતો મુજબ આળા અર્થાત્ નૃત્યની ચાલ બદલાય છે.

જગતભરની અન્ય જાતિઓની જેમ પંચમહાલના દુબળા આદિવાસીઓ નૃત્યના ખૂબ શોખીન ગણાય છે. તેઓ સીમંત, જન્મ, લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ, ‘ખતરી’ જેવા ધાર્મિક પ્રસંગે કે મૃત્યુ જેવા શોકના પ્રસંગેય નાચે છે. નવરાત્રી, દિવાસો અને હોલી પ્રસંગે પણ નૃત્યો કરીને આનંદ માણે છે. તુર અને થાળી એમના નૃત્યનાં 2 મુખ્ય વાજિંત્રો છે. દુબળાનાં વિવિધ નૃત્યો ‘ચાળો’ શબ્દ પરથી ઓળખાય છે. ચાળો એટલે અનુકરણ. દા.ત., મરઘી ચાળો, ખિસકોલી (ખલ્લી) ચાળો, ઘો ચાળો, શેરડી ચાળો, માંડવા ચાળો, પટેલિયા ચાળો. એમનાં બેલડીનૃત્યમાં બેઠી બેલડી, પંજેટિયો ચાળો અને લાંબી ફાળ; જ્યારે સમૂહનૃત્યમાં નાની અલક, મોટી અલક, કાછિયો-પીછિયો, ગોધન અને થાબડા ચાળો મુખ્ય છે. નવરાત્રી પ્રસંગે દુબળાઓની ઘેરિયા મંડળીઓ 10 દિવસ સુધી ઘેર ઘેર ફરે છે અને નાચગાન કરી જે કંઈ પૈસા મળે એમાંથી ઉજાણી કરે છે.

વડોદરા જિલ્લાના સંખેડા, નસવાડી, તિલકવાડા, જંબુગામ, ડભોઈ વગેરે વિસ્તારોમાં વસવાટ કરતા તડવી આદિવાસીઓમાં લગ્ન પ્રસંગે ટીંબલી, માટલી, આડી માટલી, આંબલી ગોધો, આલેણી, કૂદણિયું ઇત્યાદિ નૃત્યો થાય છે. હોળી પ્રસંગે શરીરે સફેદ ટપકાં કરી, માથે મોરપીંછના મુગટ ધારણ કરી, કેડે ઘૂઘરા બાંધીને નૃત્યો કરે છે. તડવી નારીઓ રાતના ભેગી થઈ એકબીજીની કેડે હાથના કંદોરા ભીડી નાચતી નાચતી ‘રોળા’ નૃત્યગીતો ગાય છે.

પંચમહાલ જિલ્લાના દાહોદ વિસ્તારના આદિવાસી પુરુષો માથે ધોળો ફેંટો, શરીરે કાળા કબજા પહેરી, મોઢે બુકાની બાંધી, હાથમાં તલવારો લઈને નૃત્ય કરે છે. સૌરાષ્ટ્રના શૂરવીરોના રાસને મળતું આ નૃત્ય છે. લગ્ન પ્રસંગે આખી રાત નૃત્યોની રમઝટ ચાલે છે. પુરુષોના નૃત્યપ્રકારોમાં ઘાસ્યો, મટકી ચાળો, ગટૂલી, ઘડૂલિયો, ત્રણ ડગલિયો, વાનો અને કેડધોળિયો મુખ્ય છે. જ્યારે સ્ત્રીઓના નૃત્યપ્રકારોમાં ઘારવો, ‘ઘોર રમવો’ મુખ્ય છે.

દક્ષિણ ગુજરાતના હળપતિયોમાં લગ્ન અને હોળી જેવા પ્રસંગોમાં સમૂહનૃત્ય થાય છે. તેઓ તુર સાથે લાકડીના ડંડિકા વડે કાંસાની થાળી વગાડી તુર-થાળીના અવાજ સાથે એકબીજાની કમરે હાથ ભીડી ગોળ ગોળ ફરીને વિવિધ ચાળાઓમાં નૃત્ય કરે છે.

વનમાં અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ ઉપરાંત સૌરાષ્ટ્રના જાફરાબાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ વગેરે પંથકોમાં વસતા, મૂળ આફ્રિકાથી આવેલા સીદી લોકોનું ધમાલ નૃત્ય ખૂબ જાણીતું છે. જૂના વખતમાં રાજામહારાજાઓ સીદીઓને તેડાવી આ નૃત્ય કરાવતા. સીદીઓ આજેય પીરના વારતહેવારે, દર મહિનાની સુદ બીજ અને અગિયારસે ‘મુસીરા’ ઢોલ અને ‘માયમીસરા’ વગાડી ગોળ ગોળ ફરતા તાલબદ્ધ નૃત્ય કરે છે.

નળસરોવરના કાંઠે શિયાળ, વેજી, નાની કઠેચી અને રાણાગઢમાં વસતા મૂળ આદિવાસી પઢારોનું મજિસ નૃત્ય અને એમના રાસમાં સાગર-સંસ્કૃતિનું દર્શન થાય છે. આમ આદિવાસી નૃત્યોમાં અપાર વૈવિધ્ય ભર્યું પડ્યું છે.

જોરાવરસિંહ જાદવ

આદિવાસી સંગીત : આદિવાસીને અને ‘નાદ’ને બહુ મીઠો સંબંધ છે. આદિવાસી એ નાદની સાથે મન ભરીને મહાલે છે અને ઊજવે છે. ચૌધરી આદિવાસીઓ કાંઈ કેટલાંય વાજિંત્રો વગાડે છે. પણ એ વાજિંત્ર વગર એનું હૂબહૂ અનુકરણ સૂરત જિલ્લાના માંડવી પાસેના એક ગામમાં સાંભળ્યું. શું અવાજની રમત હતી એની પાછળ ! જ્યારે કોઈ વાજિંત્ર પાસે ના હોય ત્યારે ગણગણાટ(humming)થી એ જંગલ-ઝાડીનો રસ્તો કાપે. આદિવાસીને અવાજની મધુરતા સાથે નાતો જન્મથી મરણ સુધી હોય છે. મૃત્યુમાં પણ એ લોકોનું વાજિંત્ર વગાડે.

આદિવાસીનું જીવન ચોખ્ખું, નીતર્યું હોય છે. એની હવા, એનો ખોરાક, એનું ખોરડું બધાયમાં એના ચોખ્ખા હોવાની ચાડી હોય. એથી જ તો એના અવાજમાં પણ એ નીતર્યાંપણું આવે. અવાજનો રણકો અને એનું સૂરીલાપણું એ બંને આદિવાસીને જન્મજાત મળે છે અને વરસો સુધી પછી એ ઘડાય છે; રિયાઝ સૂરીલાપણું બક્ષે, અવાજ માટે કોઈ તાલીમ કે ઉપચારની અને સૂર માટે કોઈ શાળા-મહાશાળામાં દાખલ થવાની એમને જરૂર હોતી નથી. એ બોલે ઓછું, પણ મૌલિક; ઉછીનું પાછીનું કે ચોપડિયા નહિ; એવું જ એના ગીત-સંગીતનું. એ ગીત વારસામાં લે કે જાતે બનાવે. જીવનની પ્રત્યેક ઘડી એ એને મન ગીત છે એ ઘડીને નવાજવી એનું નામ સંગીત. ટૂંકમાં, એમનું જીવન જ સંગીતમય હોય છે. કપડાંના રંગ, ચૂલો, રસોઈ, ખેતર, ઘર બધુંય સંગીતમય; એની ચાલ, એની દોડ, એની કામ કરવાની પદ્ધતિ, એની ગોષ્ઠિ એ બધાંમાં એક પ્રકારનો તાલ દેખા દે.

આદિવાસી બધુંય ‘પોતે’ કરે, ‘પોતાના વાતાવરણ’માંથી કરે. પછી એ ખોરાક હોય, ઘર હોય, કોઈ તૂમડીનો ચમચો હોય, કે પછી એ જ તૂમડીનું વાજિંત્ર હોય ! એને તૂમડી સાથે જીવનભરનો નાતો હોય; એ એની સાથે જીવે. એને ઉગાડે અને દરરોજ એની સાથે વાતો કરે. સૂરજ કે તારાને જોઈ એની આંખ ઠરે, એમ તૂમડીને જોઈને એનું મન કોળે. પછી એ તૂમડી સુંદર વાજિંત્ર બને જ ને ! એના સૂરમાં મીઠાશ હોય જ ને ! અને એનું સંગીત પોતાને, પોતાના ગામને કે પોતાના દેવને આનંદ આપે જ ને ! કાંઈ કેટલાંય વાજિંત્રો એ બનાવે. એકાદ વાંસની ચીપમાંથી સુંદર કાંગરી બનાવે કે વાંસનો ટુકડો-એનો પીહવો કે વાંસળી બનાવે. તૂમડી-એની દેવડોવ્ડી કે ડોબરું બનાવે. દરેક જણ પોતે પોતાનું વાજિંત્ર બનાવે. એક નાનો આદિવાસી રાઠવા છોકરો નાની વાંસળી સાથે રંગીન લંગોટી ને રંગીન ફેંટા સાથે જંગલમાં ઢોરો સાથે વાંસળીના સૂર રેલાવતો હોય ત્યારે આખું વાતાવરણ જાણે કે દેવતત્વની સુગંધથી મઘમઘી ઊઠે ! તાર, તાંતના તંત્રનાં વાદ્યોમાં ગાંગલી, રાવણહથ્થો, સારંગી; સુષિર વાદ્યોમાં ડોબરું, તાડપું, દેવડોવ્ડી, શહનાઈ; ઘનમાં કીરચો અથવા ખપાટ, મંજીરાં, દાંડિયા, ખોખડી અને અવનધ્ધામાં અનેક પ્રકારના ઢોલ, ડાકલાં, માંદળ એમ યાદી લાંબી થાય. દરેકનો પીહવો જુદો, કેવી રીતે બનાવવો, કયા વાંસનો બનાવવો બધું દરેક આદિવાસી જાણે. દિલ્હીમાં એક વાર એક આદિવાસીને ત્યાંનો વાંસ આપીને પીહવો બનાવવા કહ્યું, એણે બનાવ્યો તો ખરો, પણ કહે આ તો ગાંડો વાંસ છે ! બરાબર વાગતું નથી. આદિવાસીને જેમ વગાડવાની કુદરતી આવડત હોય છે એમ માધ્યમને પારખવાની પણ કુદરતી સૂઝ હોય છે. તાર, તૂમડી, વાંસ, માટલું, ખરું, દોરો, વાળ આમ અનેક વસ્તુઓના એકબીજા સાથેના સંબંધો પણ જાણે. એ જ્યારે કોઈ ‘ચાળો’ વગાડે ત્યારે પોતાનો સૂર જાણે, સૌના સૂર સાથે એ સૂર મિલાવે અને તેય પ્રસંગને ઉચિત. એવું જ ગાવામાં પણ. સૌ સાથે ઉપાડે. બેસતાં, ઊઠતાં, ચાલતાં, દોડતાં ગાય. એમનું બધું જ ‘એમ ને એમ જ’ કુદરતી રીતે થઈ જાય અને છતાં વસ્તુની ગહનતા જુઓ તો પામી ના શકાય. ડોબડું છ ફૂટનું વાજિંત્ર, માણસ કરતાં મોટું. છતાં એની સાથે નાચે, રાતની રાત એમાં ‘ચાળા’ વગાડે, લોકો એ વાતને સમજે, દોડતા આવે, અને એ સૂરની સાથે નાચે. ડોબડું પણ કેવું ! એક મોર જેવું ! મોરનાં પીંછાં, તૂમડી, વાંસ, તાડનાં પાનાં, ભમરાની પાંખ, ઘાસનાં ઘરીગાં આ બધાંમાંથી બનાવેલું હોય; અરે, ઊડી ગયેલા બલ્બને પણ ડોબડામાં શણગાર રૂપે, ડોબડાના એક ભાગરૂપે જીવતા કરે. આખી રાત વગાડે. બીજી સવારે હોઠ સૂજી ગયેલા હોય, પણ કહે, મઝા આવી ! એવું જ દેવડોવડીનું. એકધારી વાગે, માણસને ડોલતો કરે ત્યારે રહે. ખાસ્સો સમય એ  વાગે, ત્યારે એનું નૂર સમજાય, આપણને ટેલિવિઝન માટે ત્રણ મિનિટ માટે જોઈએ તે કાંઈ ચાલે ? એ દેવડોવડી વાગે ત્યારે એે કોઈ અદુન્યવી તત્વની સાથે લીન છે, દેવ સાથે તાલ મિલાવે છે એમ લાગે. એની સાથે એકધ્યાન હોય તે બધા પણ તેમાં હોય. દેવ હાજર છે એની સમક્ષ દેવડોવડી વાગે છે. દેવ, લોકોની ઇચ્છા પરિપૂર્ણ કરવા આવ્યા છે, દેવ મૃતાત્માને શાંતિ આપવા આવ્યા છે. દેવ ગામની સુખાકારી માટે આવ્યા છે. વગાડનાર ડોવડીઓ દેવડોવડીના સૂર પોતાના હૃદયમાંથી છેડે છે અને દેવને અર્પણ થાય છે.

આદિવાસી લોકવાદ્ય દેવડોવડી

કેટલાંય વાજિંત્રો સાથે ગાયણું પણ ગવાય છે. એ પણ એકધારું ચાલ્યા જ કરે. લોકો એકધ્યાનથી સાંભળે. આદિવાસી જીવનમાં ગીત એ તંબૂરના તાર જેવું છે, જેમ તંબૂરાના તાર સતત રાગને સાથ આપે એમ ગીત આદિવાસીના જીવનને સાથ આપે છે. કહેવાય છે કે થોડા જ સ્વરોમાં એ ગીત ફરતાં હોય છે, પણ એમાં કોઈ વખત બેસૂરાપણું જોવા મળતું નથી. એ પછી લગ્નગીત હોય, દેવગીત હોય કે હાલરડાં હોય. નિશ્ર્ચિત સ્વરો અને નિશ્ર્ચિત તાલોમાં એ ગુંજતાં હોય છે. બહુ જ સામાન્ય કહેવાય એવી વાતને પણ આબાદ રીતે ગીતોમાં ગૂંથે છે. દા.ત., નાનાં-નાનાં ચૌધરી ભૂલકાંઓ ગાય :

ડીલ્લી જાત્રા ભોજા

ડીલ્લી જાત્રા જાહવાનાં,

પાકલો આંબો ખાહવા ભોજા

પાકલો આંબો ખાહવાના.

(ભાભી, હું દિલ્હી જાત્રાએ જઈશ અને પાકેલી કેરી ખાઈશ)

એથી જ તો રાવજીભાઈ પટેલ આદિવાસી લોકસંગીત પુસ્તકની પ્રસ્તાવનામાં કહે છે કે : ‘ગીત ગાનારા સમુદાયને કોઈ પણ પ્રકારની તાલીમ નથી તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. બિનતાલીમી સમુદાય એકધારા લયમાં અને સ્વરતાલમાં ગાઈ શકે છે તે મોટી સિદ્ધિ ગણાય.’ આવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેવા ભાન વગર આ સમુદાય સુંદર રીતે ગીતો ગાઈ શકે છે, તે આશ્ચર્યજનક છે. કુદરતના સાન્નિધ્યે વસીને તેમણે અવાજ ઉપર એટલો કાબૂ મેળવ્યો છે કે વર્ષોની મહેનત-તપશ્ચર્યા કરીને સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગાયક કલાકારને પણ શરમ આવે. નથી તેમને સંગીતશાસ્ત્રનું જ્ઞાન કે નથી રાગોના નિયમ-ઉપનિયમોની કંઈ સૂઝબૂઝ, છતાં પણ પેઢી દરપેઢીથી ઊતરી આવેલા સંસ્કારબળને કારણે નિશ્ચિત સ્વરો અને નિશ્ચિત તાલમાં સંપૂર્ણ લયબદ્ધ રજૂઆત આ ગીતોમાં આ સમુદાયે કરી છે.’ આમ આદિવાસી સંગીત જોઈએ તો જીવનના એક ભાગરૂપે જીવંત છે. તેમને માટે જીવનની હરઘડી એ ઉત્સવ છે; સંગીત એનો આત્મા છે. કીરચો અથવા ખપાટ નામનું વાજિંત્ર એ વગાડે છે. એની સાથે નાચે છે અને છેવટે દેવને અર્પણ કરી ચાલ્યા જાય છે. એવું જ દૂબળા લોકો ડાંડિયારાસ રમી માતાને એ ડાંડિયા અર્પણ કરીને ચાલ્યા જાય છે. વાજિંત્ર જાતે બનાવવું, વગાડવું અને દેવને અર્પણ કરવું એ એમના જીવનનો ક્રમ છે, આદર્શ છે.

આદિવાસી સંગીતમાં એના ગળાની મીઠાશ, ‘નાદ’નું નીતરાપણું, સૂર અને તાલની વારસાગત સમજણ અને માનવ, સમાજ તથા દેવ સાથેનો સંબંધ અવિરત નીતર્યા કરે છે.

હકુભાઈ શાહ

આદિવાસી ભાષા અને સંચારમાધ્યમો : આદિવાસીઓ જે ભાષાઓ વાપરે છે તે દરેકની પોતાની આગવી લાક્ષણિકતાઓ હોય છે. આમ તો આદિવાસીઓની ભાષાઓ લખાતી નથી, કેળવણી કે સંચારસાધનોના માધ્યમ તરીકે વપરાતી નથી તેથી તેમને બોલીઓ કહેવી એમ પણ મનાય છે. ખરેખર તો આ બોલીઓ અવગમન(communication)ના માધ્યમ તરીકે વપરાય છે. એટલું જ નહિ, ઘણું લોકસાહિત્ય પણ આ બોલીઓમાં ઉપલબ્ધ છે.

ગુજરાતની જ વાત કરીએ તો લાખો આદિવાસીઓ એવા છે, જે માત્ર તેમની પોતાની બોલી જ બોલી શકે છે. અને સમજી શકે છે. આવી પ્રજા પોતાની બોલી મારફતે અંદર-અંદરનો વ્યવહાર સરસ રીતે ચલાવે છે. એમની બોલીઓમાં રચાયેલાં ગીતોને મુક્તકંઠે ગાય છે અને એ જ બોલીઓમાં એમણે સાંભળેલી અનેક કથાઓ તેઓ પોતાનાં સંતાનોને કહે છે.

દરેક પ્રજાની જેમ આ પ્રજા પણ પોતાની રહેણીકરણી, પોતાનાં રીત-રિવાજ, પોતાનો પોશાક અને ખાણીપીણીની આદતો જલદીથી બદલવા તૈયાર નથી. એ જ રીતે પોતાની ભાષા અથવા બોલીઓને બદલે બીજી ભાષા સ્વીકારવા જલદી તૈયાર થતા નથી. આમ બનવું સ્વાભાવિક છે. આ બધી બાબતો તેમને પ્રજા તરીકે એક અલગ વ્યક્તિત્વ આપે છે. એમની એક વિશિષ્ટ ઓળખાણનો આધાર આ બધી બાબતો બની રહે છે.

આ કારણે ગુજરાતમાં અનેક આદિવાસી બોલીઓ બોલાય છે. ભીલી, ડાંગી, ચૌધરી, ભિલોડી, કુકણી, ગાંવીત, ઘોડિયા, વરલી, માવચી, કોલ્છી, વસાવા, નાઇકડી, કઠોડી, વાળવી, કતકરી વગેરે અનેક બોલીઓ બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ભરૂચ, સૂરત, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં સાંભળવા મળે છે. આ આખો ગુજરાતનો સરહદી વિસ્તાર ગરીબીની રેખા હેઠળ જીવતા પટ્ટા તરીકે ઓળખાય છે. એનાં કારણોમાં શિક્ષણનો અભાવ મુખ્ય છે.

આદિવાસી બાળકોને ગુજરાતી ભાષા દ્વારા શિક્ષણ આપવાના પ્રયત્નો પૂરતા સફળ થયા નથી તેનું કારણ તેમનું આ ભાષા વિશેનું અજ્ઞાન તેમજ તેમની પોતાની બોલી દ્વારા અરસપરસનો વ્યવહાર ચલાવવાની તેમની પરંપરા. તેમને શિક્ષણ આપવા શરૂઆતમાં તેમની જ બોલી વપરાય અને ઉત્તરોત્તર ગુજરાતી શીખવાય – એેટલે કે દ્વિબોલીક પદ્ધતિ અપનાવાય – તો આદિવાસી સમાજમાં ગુજરાતી ભાષા સંચારમાધ્યમ તરીકે સ્થાન લઈ શકે.

આ રીતે આદિવાસીઓને દેશની સંચારવ્યવસ્થામાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતી પ્રાંતિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ભાષા શીખવવામાં આવે તો સંચારવ્યવસ્થા દ્વારા આદિવાસીઓ સહજ સરળતાથી પ્રજાજીવનના મુખ્ય પ્રવાહમાં ભળી શકે.

યોગેન્દ્ર વ્યાસ

આદિવાસી લોકવાઙમય : પૂર્વશિક્ષિત આદિવાસી સમુદાયોની પરંપરાગત સંસ્કૃતિમાં લોકવાઙમય આગવું મહત્વ ધરાવે છે. આદિવાસી સંસ્કૃતિનો તે વણલખ્યો, મૌખિક દસ્તાવેજ, તેનો વારસો છે. લોકવાઙમય જે તે આદિવાસી સમાજનાં આદર્શો, સ્વપ્નો, તરંગો, વાસ્તવિકતા, વ્યવહારુતા, વાકચાતુર્ય, રસરંજનપોત વગેરેનું પ્રતિબિંબ ઝીલે છે. સ્વ ઉપરાંત પર સંસ્કૃતિ યા પડોશી સંસ્કૃતિને નીરખવાના ‘નિહારકોણ’નાં વિવિધ પાસાંનો પરિચય પણ તેમાંથી મળે છે. આદિવાસી લોકવાઙમય આદિવાસી કળાની એક મહત્વની આધારશિલા છે.

આદિવાસી લોકવાઙમયમાં આદિવાસી જીવનનું વૈવિધ્યમય ચિત્રણ હોય છે. પ્રકૃતિ અને આદિવાસીઓ પરસ્પર અજબ તાણાવાણામાં ગૂંથાયેલાં હોવાથી સ્વાભાવિક રીતે જ આદિવાસી લોકવાઙમયમાં વન્ય પ્રાણીઓનો નિર્દેશ વિશેષ પ્રમાણમાં આવે છે. આદિવાસી લોકવાઙમયનાં વિવિધ સ્વરૂપો તેમના સૌંદર્યલક્ષી ર્દષ્ટિકોણને વાચા આપે છે.

ગુજરાતમાં આદિવાસી લોકવાઙ્મય આદિવાસી લોકકથાઓ, દંતકથાઓ, પૌરાણિક કથાઓ, વાર્તાઓ, ટુચકાઓ, લોકગીતો, ઉખાણાં, કહેવતો, લોકનાટ્યો અને અન્ય કેટલાંક, આદિવાસી જાતિવાર ગદ્યપદ્યમિશ્રિત યા ઉપરનાંમાંથી એક યા બીજા સ્વરૂપના બાહુલ્ય યા સંમિશ્રણના સ્વરૂપે જોવા મળે છે.

આ લોકવાઙમય સ્વભાષામાં યા કોઈક બોલીમાં અથવા અન્ય પડોશી ભાષાની છાંટ સાથે પણ જોવા મળે છે, જે લોકગીતોમાં વિશેષ સરળતાથી ઝિલાતી જોઈ શકાય છે.

આદિવાસી લોકવાઙમયનો સંચય વર્ષોથી થતો આવ્યો છે; તેનું વિશ્લેષણાત્મક સંશોધન કેટલાક લોકવાઙમય-સંચયકારો દ્વારા તાજેતરનાં વર્ષોમાં થવા લાગ્યું છે.

સિદ્ધરાજ સોલંકી

વિકસતા સમાજો : એક રીતે જોઈએ તો સમગ્ર ભારત એક રાષ્ટ્ર તરીકે વિકસતો સમુદાય છે. પરંતુ તેમાં અનુસૂચિત જાતિઓ (અસ્પૃશ્યો, અનુસૂચિત જનજાતિઓ),  આદિવાસીઓ, વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિઓને વિકાસની સૌપ્રથમ અને તાતી જરૂર છે.

વિચરતી જાતિઓમાં બજાણિયા, ભાંડ, ગારુડી, કાથોડી, નાથ, કોટવાલિયા, તુરી, વાદી, વાંસફોડા, ભવાયા, ગરો, ઓડ, પારધી, સરાણિયા, વણજારા, જોગી, ચારણ, સાલટ જેવી લગભગ 28 જાતોનો સમાવેશ થાય છે. વિમુક્ત જાતિઓમાં બાદૂણ, છારા, ડફેર, હીંગોરા, મિયાણા, સંધી, વાઘેર અને વાઘરી જેવી 12 જાતિઓનો સમાવેશ થાય છે. બંનેમાં અન્ય પેટાજ્ઞાતિઓ, જૂથો અને પ્રાદેશિક સમુદાયો જોવા મળે છે. તેમની વસ્તી ત્રણ-ચાર લાખથી વધુ નથી. વિચરતી જાતિઓ : વિચરતી જાતિઓના લોકો કાયમી એક સ્થળ કે એક ગામમાં વસવાટ કરતા નથી. ગાડામાં, ઊંટ પર, ગધેડાં કે ઘોડા પર પોતાની ઘરવખરી લાદીને નાનકડા સમૂહમાં એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. તેમની પાસે તેમનો નાનકડો હુન્નર હોય છે, જેમ કે ટોપલા-ટોપલી બનાવવાં, દોરડાં વણવાં, ખલ-ઘંટી વગેરે બનાવવાં, છરી-ચપ્પુ ઘસવાં, ખેલ કરવા વગેરે. ગામડાંના લોકોને પોતાની સેવાઓ આપીને તે પેટિયું રળી ખાય છે. તેમના હુન્નર તદ્દન પ્રાથમિક કક્ષાના હોવાથી ઝાઝું મળતર રહેતું નથી. માંડ રોટલો ખાય છે. તેથી અત્યંત ગરીબાઈમાં ખૂબ મર્યાદિત જરૂરિયાતો, નજીવી સાધનસામગ્રી સાથે વ્યવહાર ચલાવે છે. અસ્થિર જીવન હોવાને કારણે આર્થિક કે સાંસ્કૃતિક વિકાસ ઝાઝો થઈ શકતો નથી. તેમજ શિક્ષણ મેળવી શકતા નથી.

તેમની આગવી બોલી, રહેણીકરણી, રીતરિવાજો, નીતિનિયમો, આગવી સંસ્કૃતિ અને આગવી ધાર્મિક માન્યતાઓ હોય છે. વહેમ, અંધશ્રદ્ધા, ભૂતપ્રેત અને ભૂવાઓની પકડ ઘણી મોટી રહે છે. ભટકતું જીવન જીવતા હોવાથી ગામના લોકો તેમના પર અવિશ્વાસની નજરે જુએ છે. કેટલીક વાર રખડતા લોકો પેટ ભરવા નાની ચીજવસ્તુઓ ઉપાડી લેતા – ચોરી કરતા જોવા મળે છે. અથવા તો પોતાના વ્યવસાયના બહાને ચોરી, છેતરપિંડી કે બનાવટનો ધંધો ચાલતો હોય છે.

આ કોમને લગતો પહેલો સવાલ તેમને સ્થિર વસવાટ પૂરો પાડવાનો છે. મોટા સમુદાય હોય તો વસાહતો ઊભી કરીને ત્યાં તેમને નવા વ્યવસાયો પૂરા પાડવા, તે માટે જરૂરી તાલીમ, પ્રોત્સાહનો અને આર્થિક સહાયની યોજનાઓ કરવી ઘટે, જેથી નવા ધંધાને તેઓ અપનાવી શકે. આ સાથે શિક્ષણ, આરોગ્યની જાળવણી તેમજ અન્ય સવલતો પણ પૂરી પાડવી જોઈએ. વિચરતી જાતિઓના વિકાસની કામગીરી મુશ્કેલ છે. અસ્થિર વસવાટના કારણે પરસ્પર વિશ્વાસ ઊભો કરવાનું કપરું બની જાય છે.

વળી આ લોકો પાસે જે હુન્નરો હોય તેની સમાજોપયોગિતા ખ્યાલમાં રાખીને તેને વિકસાવવા અને પોષણક્ષમ બનાવવાનો ઘણો અવકાશ છે. ઘણી વખત તેમની લાચારીનો લાભ લઈ લોકો તેમની વસ્તુઓ સસ્તી પડાવી લેતા હોય છે. તેમની સેવાઓનું શોષણ થાય છે.

વિમુક્ત જાતિઓ : આ જાતિઓ એક જગાએ સ્થિર વસવાટ કરે છે. પરંતુ વંશપરંપરાગત રીતે ચોરી, લૂંટ, ડકાયતી, દારૂ ગાળવો અને વેચવો વગેરે ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે. ઢોરઉછેર, ખેતી, મજૂરી, કલાકારીગરી, છૂટક વેપાર જેવા વ્યવસાયો સાથે તેઓ પ્રામાણિકપણે જીવવા માગે તો પણ તેમને માટે તે મુશ્કેલ છે. કારણ કે તેમના પર બીજા લોકો વિશ્વાસ રાખતા નથી. તેમને બીજા હુન્નરઉદ્યોગો આવડતા હોતા નથી. મહેનત કરીને પ્રામાણિકપણે કમાવાની વૃત્તિ એમનામાં વિકસી નથી. વળી આવા ગેરકાનૂની ધંધા કરવા એ તેમના સમાજમાં ગૌરવપ્રદ ગણાય છે. નાનપણથી જ આવાં કામો કરવાની તેમને તાલીમ મળેલી હોય છે. તેવાં કામો કરવાથી તેમના સમાજમાં સામાજિક પ્રતિષ્ઠા વધે છે. ગુનો કરતાં ડરનાર નબળો ગણાય છે. તેમ છતાં તેમને હમેશાં પોલીસનો ડર રહે છે. તેમની સતામણી થાય છે. અન્ય લોકોનો બહિષ્કાર અને અપમાન સહેવાં પડે છે, જેલોમાં સબડવું પડે છે. અંદરોઅંદર પણ અવિશ્વાસ, દ્વેષ, ઈર્ષ્યા, ઝઘડા અને કંકાસનું વાતાવરણ જોવા મળે છે. પરિણામે જીવનની સલામતીનો સવાલ ઊભો થાય છે. ગરીબાઈ, બેકારી, અજ્ઞાન વગેરે પ્રશ્નો તો ખરા જ. બાળકોને શિક્ષણની તક મળતી નથી. ઊલટું નાનપણથી જ જૂઠાણું, ગાળાગાળી અને ચોરી કરતા તે થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં પહેલાંના વખતમાં દેશી રાજ્યોમાં દરબારો આ કોમોનો ઉપયોગ કરી પ્રજામાં અને અન્ય સમુદાયો પર પોતાનું વર્ચસ્ જમાવી રાખતા. પરિણામે તે સમયે તેમનું જોર ઘણું હતું. તેથી તેઓ માથાભારે બની ગયા હતા.

વિમુક્ત જાતિઓને ગુનાઇત વ્યવસાયોના ગેરકાનૂનીપણા અંગે અને તેનાં જોખમો અંગે જાગ્રત કરવા જોઈએ, તેની સાથે સ્થિર નવા વ્યવસાયોની તાલીમ આપીને તેમાં જોડાવાનું પ્રોત્સાહન આપવું જોઈએ. આર્થિક સ્થિરતા અને સલામતી તેમના ચારિત્ર્યઘડતર અને સાંસ્કૃતિક વિકાસની પૂર્વભૂમિકા બની શકે તે માટે શિક્ષણ અનિવાર્ય રીતે જરૂરી છે. તેમના જીવનમાં પરિવર્તન આવતાં તેમની વિશ્વસનીયતા પણ ઊભી થશે. જોકે આ બધું કામ જેટલું દેખાય છે એટલું સરળ નથી. ફક્ત વસવાટ, સાધનો, ધંધાની સવલતો જેવી ભૌતિક જોગવાઈઓથી પ્રશ્નો ઊકલતા નથી. તેમનાં વંશપરંપરાગત દૂષણો દૂર કરવા માટે સમાજસેવકોએ રવિશંકર મહારાજ કે ઠક્કરબાપાની માફક તેમનામાંના એક બનીને ઓતપ્રોત થઈ જવું પડે. તે માટે સમાજસેવાને વરેલી સ્વૈચ્છિક સંસ્થાઓને કામગીરી સોંપવી જોઈએ.

પછાતવર્ગ કમિશન કે પછાતવર્ગ કમિશનર તેમના વિકાસ માટે નિમાયેલા હોવા છતાં હરિજનો અને આદિવાસીઓના વિશાળ જનસમુદાયોમાં જ તેઓ અટવાઈ ગયેલા દેખાય. વસ્તીની ટકાવારીની ર્દષ્ટિએ તેમની સંખ્યા જૂજ હોવાથી કોઈએ તેમની ગણના કરી નથી. વળી તેઓ ‘વોટ બક’ બની શકે તેમ નથી. ગામેગામ ફરતા હોવાથી અથવા અલગ વસાહતોમાં રહેતા હોવાથી મતદારયાદીમાં તેઓ મતદાર તરીકે મોટેભાગે નોંધાયેલા હોતા નથી, એટલે તેમની રાજકીય ગણના પણ ઊભી થઈ નથી. રાજકીય પક્ષો માટે તેઓ બિનજરૂરી તત્વો રહ્યાં છે. પરિણામે તેમનામાં કોઈને રસ નથી, કે તેમના કોઈ હિતચિંતક નથી, વિમુક્ત જાતિઓ પર થોડુંઘણું ધ્યાન અપાયું છે. તેમને આડવ્યવસાયો તરફ વાળવા પ્રયત્નો થયા છે. પરંતુ તેમની ગેરકાનૂની પ્રવૃત્તિઓથી સમાજના અન્ય વર્ગોને કનડગત થતી હોવાથી સમાજ તેમને અળગા જ રાખે છે, હડધૂત કરે છે. તેઓ પણ તેમના ગેરકાનૂની ધંધાઓના કારણે અળગા રહેવાનું પસંદ કરે છે. તેથી તેમનો વિકાસ થતો નથી.

ટૂંકમાં આ બંને સમુદાયો વિકસતા નહિ પણ વીસરાયેલા સમુદાયો જેવા છે. તેઓ તરફ સરકાર, સમાજ તેમજ સામાજિક સેવાઓ આપનારી સંસ્થાઓએ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અસ્પૃશ્યો અને આદિવાસીઓ કરતાં તેમના પ્રશ્નો તદ્દન ભિન્ન છે. એટલે સમાજકલ્યાણ ખાતામાં તેમજ સમાજસુરક્ષા ખાતામાં તેમને માટે અલગ વિભાગ ઊભો કરીને તેમના વિકાસ માટે અલગ યોજનાઓ થઈ નથી, અને અલગ ફંડ ફાળવેલાં નથી. આ કામ અસરકારક રીતે થઈ શકે તે માટે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે અલગ કમિશનની રચના કરીને તે દ્વારા કામગીરી થાય તો તેમનો વિકાસ ઝડપી બને. તેમને તેમની આગવી સંસ્કૃતિ, લોકકળાઓ, લોકગીતો, આગવા હુન્નરો અને અન્ય વિશેષતાઓ છે, તે જાળવવા અને વિકસાવવાનો પણ પ્રયત્ન થવો જોઈએ, જેથી તેમનું સ્વત્વ (identity) જળવાઈ રહે.

ઊર્મિલાબહેન પટેલ