અહિચ્છત્રા : મહાભારત પ્રમાણે અહિચ્છત્રા ઉત્તર પાંચાલની રાજધાની હતી. હાલ આ સ્થળ બરેલી જિલ્લામાં રામનગરની પાસે આવેલું છે. શિલાલેખમાં એને અધિચ્છત્ર તરીકે ઓળખાવેલ છે. એનું અહિકક્ષેત્ર એવું નામ પણ મળે છે. જૈન સાહિત્યમાં એને જાંગલ દેશના મુખ્ય શહેર તરીકે વર્ણવ્યું છે. સૌપ્રથમ કનિંગહામે અહીં ખોદકામ કરાવ્યું ત્યારે અશોકકાલીન એક સ્તૂપના અવશેષો ઉપલબ્ધ થયા હતા. 194૦-44 દરમિયાન આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા દ્વારા કે. એન. દીક્ષિત અને એ. ઘોષે અહીં મોટા પાયા પર ખોદકામ કરાવ્યું ત્યારે ઈ. પૂ. ૩૦૦થી આશરે ઈ. સ. 11૦૦ સુધીનો અહિચ્છત્રાનો ઇતિહાસ જાણી શકાયો અને એ સમયગાળાને આવરી લેતા વસાહતોના નવ સ્તર નોંધાયા, જેની વિગતો નીચે મુજબ છે :

પ્રથમ સ્તર : ઈ. પૂ. 3૦૦, જેમાં કોઈ બાંધકામ મળ્યાં નથી.

દ્વિતીય સ્તર : ઈ. પૂ. ૩૦૦થી ઈ. પૂ. 2૦૦. આ સમયમાં કાચી ભડદા ઈંટોનાં બાંધકામ તથા ઉત્તર ભારતના ચળકતા કાળા પાત્રખંડો નોંધાયા છે.

ત્રીજો સ્તર : ઈ. પૂ. 2૦૦થી ઈ. પૂ. 1૦૦. આ સમયે ભઠ્ઠામાં પકાવેલી ઈંટોનો બાંધકામમાં ઉપયોગ થયેલો જોવા મળે છે.

ચોથો સ્તર : ઈ. પૂ. 1૦૦થી ઈ. સ. 1૦૦. આ સમયમાં 5.5 કિમી. લાંબી કિલ્લાની સંરક્ષણાત્મક દીવાલ જણાઈ છે, જે અગાઉની ધૂળિયા (માટીની) દીવાલ ઉપર છે. દીવાલ ઉપરાંત પાંચાળોના સિક્કા પણ મળ્યા છે.

પાંચમો સ્તર : ઈ. સ. 1૦૦ સુધી. કુશાણ સિક્કા મળ્યા છે.

છઠ્ઠો સ્તર : ઈ. સ. 1૦૦થી 35૦.

સાતમો સ્તર : ઈ. સ. 35૦થી 75૦.

આઠમો સ્તર : ઈ. સ. 75૦થી 85૦.

નવમો સ્તર : ઈ. સ. 85૦થી 11૦૦. છેલ્લા ચારેય સમય દરમિયાનનાં પાકાં બાંધેલાં મંદિરો, માટીની પ્રતિમાઓ અને અચ્યુત રાજાના સિક્કા મળ્યા છે.

ત્યારપછીનાં બાંધકામો પ્રમાણમાં હલકી કક્ષાનાં છે. શિલ્પોમાં આદિવરાહ અને વ્યાઘ્રની પ્રતિમાઓ મળે છે. અહિચ્છત્રમાંથી શુંગ-કુશાણકાળના પકવેલી માટીના સુંદર નમૂના મળ્યા છે, જે તે સમયની ચરમસીમાએ પહોંચેલી કલાના સર્વોત્તમ નમૂના છે. તેમાં મૈથુન-શિલ્પ, પાર્વતી, માતૃકા વગેરે જાણીતા છે.

આ નવ થરમાંથી જે અવશેષો મળ્યા તેમાં ઉપર દર્શાવેલી વસ્તુઓ ઉપરાંત કાચી ઈંટોની ઇમારતો, ભૂખરા રંગનાં માટીનાં ચિત્રિત વાસણો, પાંચાલના સિક્કા, કુશાણોના સિક્કા, કિલ્લેબંધી વગેરે નોંધપાત્ર છે. નગરને ફરતો કોટ બાંધવામાં આવ્યો હતો, જેનો ૫.૫ કિમી. લાંબો ભાગ પ્રાપ્ત થયો છે. અહિચ્છત્રા માટીનાં શિલ્પો માટે પ્રસિદ્ધ હતું.

થૉમસ પરમાર

સુમનબહેન પંડ્યા