અહિર્બુધ્ન્ય સંહિતા

January, 2001

અહિર્બુધ્ન્ય સંહિતા : અહિર્બુધ્ન્ય અને નારદના સંવાદરૂપે પૌરાણિક પદ્ધતિએ રજૂ થયેલી સંહિતા વૈદિક યજ્ઞયાગાદિની પરંપરામાં જ્યારે પશુહિંસાએ માઝા મૂકી દીધી ત્યારે એ સામે વૈદિક પ્રણાલીમાંથી વિકસેલા ‘પાંચરાત્ર-સંપ્રદાય’ – ‘સાત્વત સંપ્રદાય’ – ‘ભાગવતમાર્ગ’ – એવાં વૈકલ્પિક નામોએ અસ્તિત્વમાં આવી ને નારાયણની વૈદિક પરિપાટીની ઉપાસનાપદ્ધતિનો સ્વતંત્ર રીતે વિકાસ દર્શાવ્યો. આ માટે સમયના વ્યાપમાં અનેક વિદ્વાનોએ સંસ્કૃત ભાષામાં 21૦ જેટલી પદ્યાત્મક સંહિતાઓ રચી છે, જેમાંની માત્ર બારતેર જ છપાઈ છે. અહીં જે વિશેષ પ્રાપ્ત થાય છે તે તો એ કે ગીતામાં શ્રીકૃષ્ણ પરાત્પર તત્વ તરીકે મળે છે; તો અહીં હવે ‘નારાયણ’ એ પરમ તત્વ છે : એ નારાયણનાં જ ‘વાસુદેવ’, ‘કૃષ્ણ’, ‘હરિ’ એવાં નામ છે. ગીતામાં શ્રીકૃષ્ણનું વિશેષણ ‘વાસુદેવ’ છે તે પિતા ‘વસુદેવ’ને કારણે. શાંતિપર્વના નારાયણીય ઉપાખ્યાનમાંનો કૃષ્ણ ‘વાસુદેવ’ એ કૃષ્ણાવતારનો દ્યોતક સર્વથા નથી. સૌપ્રથમ નારાયણીય ઉપાખ્યાનમાં જ ‘વાસુદેવ’, ‘સંકર્ષણ’, ‘પ્રદ્યુમ્ન’ અને ‘અનિરુદ્ધ’ એ ચતુર્મૂર્તિનો પછીથી ચતુર્વ્યૂહો તરીકેનો ઉલ્લેખ થાય છે. આ ચારેય વ્યૂહોની સંજ્ઞા તો શ્રીકૃષ્ણાવતાર વખતની જ છે. આ સંપ્રદાય સાત્વત યાદવોએ શરૂ કરેલો હોઈ એને ‘સાત્વત સંપ્રદાય’ પણ કહેવામાં આવે છે. ‘નારાયણ’ એ પરવાસુદેવ છે. નારાયણ-વિષ્ણુના દસ અવતારોની માંડણી પણ આ માર્ગમાં થઈ છે અને ભગવાનની ઉપાસનાનો આ માર્ગ હોઈ ‘ભાગવત માર્ગ’ છે. ઉપાસક ‘ભાગવત’ કહેવાયા અને પછીથી ‘વિષ્ણુ’ના ઉપાસક હોવાથી ‘વૈષ્ણવ’ કહેવાયા. ‘નારાયણ’માંથી ‘કૃષ્ણ’, જીવાત્મક ‘સંકર્ષણ’, મન:સ્વરૂપ ‘પ્રદ્યુમ્ન’ અને અહંકારસ્વરૂપ ‘અનિરુદ્ધ’ – એ ચતુર્વ્યૂહોનો વિકાસ છે. સમગ્ર સૃષ્ટિનો વિકાસ ‘અનિરુદ્ધ’માંથી થયેલો છે. આ સંપ્રદાયમાં મોક્ષ એ જીવને માટે અંતિમ સાધ્ય વસ્તુ છે. આમાં સાત્વતવિધિ પ્રમાણે અનુષ્ઠાનાદિ કરીને નારાયણની ભક્તિથી મોક્ષ સુલભ થાય છે.

21૦ સંહિતાઓમાંની જૂની તો પૌષ્કર, વારાહ, બ્રાહ્મ, સાત્વત, જય અહિર્બુધ્ન્ય, પારમેશ્વર, સનત્કુમાર, પરમ પદ્મોદભવ, માહેન્દ્ર, કાણ્વ, પાદ્મ અને ઈશ્વર છે. આમાં પણ પૌષ્કર, સાત્વત અને જય અહિર્બુધ્ન્ય – એ ત્રણ સંહિતાઓ પ્રમાણ-સંહિતાઓ તરીકે ધ્યાન ખેંચે છે. આ સંપ્રદાયે (1) તત્વજ્ઞાન, (2) મંત્રશાસ્ત્ર, (3) યંત્રશાસ્ત્ર, (4) માયાયોગ, (5) યોગ, (6) મંદિરનિર્માણ, (7) પ્રતિષ્ઠાવિધિ, (8) સંસ્કાર (આહનિક), (9) વર્ણાશ્રમધર્મ અને (1૦) ઉત્સવો આપીને દસેય ક્ષેત્રોમાં ભારે પ્રબળ વિકાસ કરી આપ્યો છે. આ બધાં અંગોનો ચોક્કસ ખ્યાલ તો ‘જયાખ્યસંહિતા’માં મળે છે. ‘અહિર્બુધ્ન્ય સંહિતા’માં તત્વજ્ઞાન અને ઉપાસના – એ બે વિષયમાં સબળ રીતે કહેવામાં આવ્યું છે. 6૦ અધ્યાયોમાં આપેલી આ સંહિતા પૌરાણિક પદ્ધતિએ ‘અહિર્બુધ્ન્ય (= મહાદેવ રુદ્ર)’ અને ‘નારદ’ના સંવાદમાં રજૂ થાય છે. ‘ષાડ્ગુણ્યબ્રહ્મવિવેક’, ‘શુદ્ધસૃષ્ટિવર્ણન’, ‘શુદ્ધેતરસૃષ્ટિવર્ણન’, ‘જગદાધારનિરૂપણ’, ‘અશુદ્ધજગદાધારનિરૂપણ’, ‘અર્થાત્મકપ્રમાણ-નિરૂપણ – શબ્દાત્મક પ્રમાણનિરૂપણ – પ્રમાણાર્થનિરૂપણ’, ‘જીવના સંસારહેતુ અને એમાંથી ઉદ્ધારનું નિરૂપણ’, ‘અધિકારિ-નિરૂપણ’, ‘મંત્રગ્રહણદીક્ષા-નિરૂપણ’, વિવિધ પ્રકારનાં ‘મંત્રો અને યંત્રોનું નિરૂપણ’, ‘ભગવદારાધનક્રમ’, ‘યોગાંગભૂત યમ-નિયમ અને આસનનું નિરૂપણ’, ‘બ્રહ્માસ્ત્રાદિમંત્ર અને ઉપસંહારાસ્ત્રનું નિરૂપણ’, ‘જ્વર વગેરે રોગો દૂર કરવાની વિધિનું નિરૂપણ’, ‘તારાદિબીજાક્ષરનિરૂપણ’ વગેરે અનેક વિષયોનો વિસ્તૃત ખ્યાલ આપવામાં આ સંપ્રદાય વૈદિક પરંપરાને સાચવી રાખે છે એ વાત ‘પંચહોતૃમંત્રાર્થનિરૂપણ’ અને ‘પુરુષસૂક્તશ્રીસૂક્ત-વારાહમંત્રાર્થના નિરૂપણ’થી સમજાય છે.

ઈ. પૂ. છઠ્ઠી સદીથી પણ પૂર્વે અસ્તિત્વમાં આવેલ આ સંપ્રદાયે મૂર્તિપૂજા અને મંદિરવિધાનની સાથોસાથ તત્વજ્ઞાનમૂલક ઉપાસનાપદ્ધતિનો વિકાસ સાધ્યો. એનો જ સમકાલીન સર્જક ‘વૈખાનસ સંપ્રદાય’ પણ હતો. આ બંનેની પરંપરામાં પછી વિષ્ણુસ્વામી, રામાનુજાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, મધ્વાચાર્ય અને વલ્લભાચાર્યના વિવિધ ભક્તિમાર્ગોનો વિકાસ થયો છે, જે સમગ્ર પ્રાચીનતમ વૈદિક સાહિત્યને, ગીતાને અને બાદરાયણ વ્યાસનાં સૂત્રોને શાબ્દ પ્રમાણ તરીકે સ્વીકારી પોતાની તત્વજ્ઞાનની અને ભક્તિમાર્ગની પ્રણાલીઓ સ્થાપિત કરે છે. ‘અહિર્બુધ્ન્ય સંહિતા’ અદ્યાર(ચેન્નઈ)થી પ્રકાશિત થયેલ છે.

કે. કા. શાસ્ત્રી