અશોકના અભિલેખ : મૌર્ય સમ્રાટ અશોકે કોતરાવેલા શિલાલેખો. અભિલેખ (કોતરેલું લખાણ) ટકાઉ સાધન હોઈ દીર્ઘકાલીન અતીતની જાણકારી માટેય મહત્વનો સ્રોત બની રહે છે. આ હકીકત ભારતના પ્રાચીન ઇતિહાસમાં મૌર્ય રાજવી અશોકના સમયથી ચરિતાર્થ થાય છે. સમય જતાં લિપિના સ્વરૂપમાં ભારે પરિવર્તન આવતાં શતકો સુધી અવાચ્ય રહેલા અશોકના અભિલેખ જ્યારથી વાંચી શકાયા ત્યારથી એ રાજવી વિશે કેટલીક સંગીન જાણકારી પ્રાપ્ત થઈ છે. અશોકના સર્વવિધ અભિલેખો કોઈ ને કોઈ પ્રકારના પથ્થર પર કોતરાયા હોઈ એને ‘શિલાલેખ’ કહી શકાય.
પરંતુ આ અભિલેખો સામાન્યત: પથ્થરની તકતી પર કોતરેલા શિલાલેખો નથી. એમાંના કેટલાક લેખો પર્વતની મોટી મોટી શિલાઓ પર કોતરેલા છે, તેને ‘શૈલલેખ’ તરીકે ઓળખવામાં આવે છે. બીજા કેટલાક લેખો શિલાસ્તંભ પર કોતરેલા છે, તેને ‘સ્તંભલેખ’ કહે છે. ત્રણ લેખો ગુફાની દીવાલ પર કોતરેલા છે, તે ‘ગુહાલેખ’ કહેવાય છે. એક સ્તંભલેખમાં ‘શિલાફલક’નો નિર્દેશ આવે છે, તે એના એક નાના શૈલને લાગુ પાડી શકાય. મુખ્ય શૈલલેખ 14 છે; બીજા કેટલાક ગૌણ છે. એની નકલ અનેક સ્થળે કોતરાઈ છે. મુખ્ય સ્તંભલેખ 7 છે; બીજા કેટલાક ગૌણ છે. આમાંના ઘણાખરા લેખ એ કાલની બ્રાહ્મી લિપિમાં ને પેશાવર પાસેનાં બે સ્થળોએ કોતરેલા શૈલલેખ ખરોષ્ઠી નામે લિપિમાં કોતરાયા છે. આ સર્વ લેખો પ્રાકૃત ભાષામાં લખાયા છે ને એમાં પ્રાદેશિક ભેદ રહેલા છે. અશોકના અભિલેખ જેમ્સ પ્રિન્સેપ અને અન્ય યુરોપીય વિદ્વાનોના પુરુષાર્થ દ્વારા 19મી સદીના પૂર્વાર્ધમાં ઉકેલી શકાયા હતા. આ લેખોમાં અશોકનો નિર્દેશ ‘देवानां प्रिय પ્રિયદર્શી રાજા’ તરીકે કરાયો છે. હવે આપણે આ વિવિધ અભિલેખોના વિષયોની સમીક્ષા કરીએ.
(1) શૈલલેખો : (અ) 14 મુખ્ય શૈલલેખોની લેખમાલા ગિરનાર (ગુજરાત), કાલસી (ઉત્તરપ્રદેશ), ધૌલી (ઓરિસા), જૌગઢ (આન્ધ્રપ્રદેશ), એર્રગુડી (આન્ધ્રપ્રદેશ), સોપારા (મહારાષ્ટ્ર), માનસેહરા (જિ. હજારા, પાકિસ્તાન) અને શાહબાજગઢી (જિ. પેશાવર, પાકિસ્તાન)માં મળી છે. આ પૈકી લેખ નં. 3 અને 4નાં શાસન રાજાના અભિષેક વર્ષ 12માં અને લેખ નં. 5 વર્ષ 13માં ફરમાવેલ છે. ગિરનાર શૈલલેખ તરીકે જાણીતા લેખ જૂનાગઢ – ગિરનાર માર્ગ પર દામોદર કુંડ પાસે શૈલ પર કોતરેલા છે. આ શૈલ 3.65 મીટર (12 ફૂટ) ઊંચો છે ને નીચલા ભાગમાં એનો ઘેરાવો 22.86 મીટર (75 ફૂટ) જેટલો છે. અશોકના લેખ આ શૈલથી પૂર્વ બાજુ પર બે હરોળમાં કોતરેલા છે.
આ લેખોનો સાર નીચે પ્રમાણે છે : (1) હોમ માટે જીવની હત્યા કરવી નહિ. સદોષ મેળાવડા ભરવા નહિ. ભોજન માટે પ્રાણીઓની હત્યા ઘણી મર્યાદિત સંખ્યામાં જ કરવી. (2) પ્રિયદર્શીના સમસ્ત રાજ્યમાં તેમજ સરહદી રાજ્યોમાં રાજાએ મનુષ્યચિકિત્સા તથા પશુચિકિત્સાનો પ્રબંધ કર્યો છે. માર્ગો પર કૂવા ખોદાવ્યા છે ને વૃક્ષ રોપાવ્યાં છે. (3) મારા સમસ્ત રાજ્યમાં યુક્તો, રજ્જુકો અને પ્રાદેશિકો દર પાંચ વર્ષે ધર્માનુશાસન માટે પ્રદેશમાં ફરતા રહે. (4) રાજાના ધર્માચરણથી પ્રાણીઓની અહિંસા, ભૂતોની બિનઈજા, બ્રાહ્મણો અને શ્રમણો તરફ સારો વર્તાવ, માતા-પિતાની સેવા ઇત્યાદિમાં વૃદ્ધિ થઈ છે. (5) મેં બહુ કલ્યાણ કર્યું છે; મારા પુત્રો, પૌત્રો વગેરે એને અનુસરતા રહેશે. સર્વ સંપ્રદાયોમાં ધર્માચરણ અને ધર્મવૃદ્ધિ કરાવવા માટે મેં ધર્મ મહામાત્ર નીમ્યા છે. (6) હું સર્વ સમયે અને સર્વત્ર પ્રજાનું કાર્ય કરું છું. સર્વ લોકના હિતને મેં કર્તવ્ય માન્યું છે, જેથી હું પ્રાણીઓના ઋણમાંથી મુક્ત થાઉં. (7) સર્વ સંપ્રદાયો સર્વત્ર વસે, કેમ કે તે સર્વ સંયમ અને ભાવશુદ્ધિ ઇચ્છે છે. (8) રાજા હવે વિહારયાત્રાને બદલે ધર્મયાત્રા કરે છે. (9) માંગલિક ક્રિયાઓ અલ્પફળ આપે છે, જ્યારે ધર્મમંગલ મહાફળદાયી છે. (10) લોકો ધર્મોપદેશ સાંભળે ને એને અનુસરે એ સિવાય બીજા કશામાં રાજા યશ કે કીર્તિ ઇચ્છતો નથી. (11) ધર્મદાન જેવું દાન નથી. ધર્મદાન કરવાથી આ લોકનું સુખ તેમજ પરલોકનું પુણ્ય પ્રાપ્ત થાય છે. (12) રાજા સર્વ સંપ્રદાયોને સંમાને છે. સંપ્રદાયોની સારવૃદ્ધિનું મૂળ છે : વાક્સંયમ, સર્વ સંપ્રદાયોની સારવૃદ્ધિ માટે ધર્મમહામાત્રો વગેરેને નીમવામાં આવ્યા છે. (13) કલિંગનો વિજય મેળવતાં જે વધ કે દુ:ખ થયાં તે માટે રાજાને ભારે સંતાપ ને પશ્ચાત્તાપ થાય છે હવે એ ધર્મવિજયને જ મુખ્ય વિજય માને છે. (14) બધું બધે લખાયું નથી, કોઈમાં પુનરુક્તિ થઈ છે, તો કંઈ અપૂર્ણ રખાયું છે.
(આ) ગૌણ શૈલલેખોમાં બે લેખ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં થયા છે. એમાંના લેખ નં. 1માં રાજા ધર્મપ્રસાર માટે પોતે કરેલા સક્રિય પુરુષાર્થની સમીક્ષા કરે છે. લેખ નં. 2માં ધર્મનાં મુખ્ય તત્વોનો પ્રસાર કરવાનું નીચલા અધિકારીઓને તથા બ્રાહ્મણોને જણાવ્યું છે. ધૌલી અને જૌગઢ લેખોમાં ઉપર્યુક્ત લેખ નં. 11-13ને બદલે બીજા બે લેખ આપવામાં આવ્યા છે. એને ‘કલિંગના અલગ શૈલલેખ’ કહે છે.
અફઘાનિસ્તાનમાં એક સ્થળે ગ્રીક અને આરામાઈ ભાષામાં એક ધર્મલેખ કોતરેલો છે. ને એક બીજા સ્થળે આરામાઈ ભાષામાં એવો બીજો ધર્મલેખ કોતરાયો હતો. બંને લેખોમાં અહિંસાધર્મનો ઉપદેશ દીધો છે.
(2) સ્તંભલેખો : (અ) સાત સ્તંભલેખો : ટોપરા (જિ. અંબાલા) અને મેરઠ(ઉ. પ્ર)માં અનુક્રમે સાત અને છ સ્તંભલેખો કોતરેલા છે. હાલ એ બંને સ્તંભો દિલ્હીમાં છે. કોસામ(કૌશાંબી)નો સ્તંભ હાલ અલ્લાહાબાદમાં છે, તેના પર પણ સ્તંભલેખ નં. 1–6 કોતરાવ્યા છે. બિહારના ચંપારણ જિલ્લામાં ત્રણ સ્થળોએ પણ આ છ સ્તંભલેખ કોતરાયા છે. આ સાત સ્તંભલેખો પૈકી લેખ નં. 1, 4, 5 અને 6 અભિષેક વર્ષ 26માં અને લેખ નં. 7 અભિષેક વર્ષ 27માં લખાયેલ છે.
સાત મુખ્ય સ્તંભલેખોનો સાર આ પ્રમાણે છે : (1) ધર્માનુરાગ તથા ઉત્સાહ વડે મારા અધિકારીઓમાં પરમાર્થ વધ્યો છે. (2) ધર્મ એટલે અલ્પ આસિનવ (યામ કરવાની વૃત્તિ) અને બહુ કલ્યાણ. મેં ચક્ષુદાન તથા પુણ્યદાન પણ કર્યાં છે. (3) પાપવૃત્તિ માત્ર ઐહિક સુખ અપાવે છે, પારલૌકિક સુખ નહિ. (4) મેં જાનપદોના હિતસુખ માટે રજ્જુકોને નીમ્યા છે. (5) મેં અનેક પ્રાણીઓને અવધ્ય કર્યાં છે. જીવને જીવથી પોષવો નહિ. પવિત્ર દિવસોએ મત્સ્યનો વધ કે તેનું વેચાણ કરવું નહિ. ખસી કરવી નહિ ને ડામ દેવો નહિ. (6) મારા ધર્મલેખો વાંચી લોકો તેને અનુસરે અને ધર્મવૃદ્ધિ પામે, હું સર્વ સંપ્રદાયોને સંમાનું છું. (7) ધર્મની ઘોષણાઓ તથા ધર્મનાં અનુશાસનો વડે લોકોમાં ધર્મવૃદ્ધિ થાય તે માટે મેં ધર્મસ્તંભો ઊભા કરાવ્યા છે ને ધર્મ મહામાત્રો નીમ્યા છે.
(આ) ગૌણ સ્તંભલેખો : એ પૈકી એક લેખની પ્રત કોસામ, સારનાથ અને સાંચીના સ્તંભ પર કોતરેલી છે. એમાં સંઘને અખંડિત રાખવા પર ભાર મૂકી સંઘમાં ભેદ કરનારને સજા ફરમાવી છે.
અલ્લાહાબાદ – કોસામ પર કોતરેલા એક બીજા લેખમાં જણાવ્યું છે કે મારી બીજી રાણી કારુવાકી જે કાંઈ દાન કરે તે એના નામે ગણવું.
નેપાળની તળેટીમાં નિગ્લીવા ગામ પાસે આવેલ સ્તંભ પરના લેખમાં લખ્યું છે કે અભિષેકને 20 વર્ષ થયાં ત્યારે રાજાએ અહીં જાતે આવીને પૂજન કર્યું છે.
નેપાળની તળેટીમાં રુમ્મિનદેઈ મંદિરનો સ્તંભલેખ જણાવે છે કે અહીં બુદ્ધ શાક્યમુનિ જન્મ્યા હતા. તેેથી અભિષેકને 20 વર્ષ થતાં મેં અહીં જાતે આવી પૂજન કર્યું છે.
રાજા અશોકે ધર્મપ્રસાર માટે આવા શિલાસ્તંભો ઘડાવી શિલ્પકલામાં ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. એક શિલામય ઊંચો દંડ અને અલગ શિરાવટીનો બનેલો શિલાસ્તંભ દર્શનીય છે. સ્તંભનો દંડ 10થી 13 મી. જેટલો ઊંચો હોય છે. એને અલગ બેસણી હોતી નથી; આથી એનો અઢીથી ત્રણ મીટર જેટલો નીચલો ભાગ જમીનની અંદર દાટવામાં આવતો. દંડ સાદો અને વૃત્તાકાર હોય છે. ઉપર જતાં એ સહેજ-સહેજ નાનો થતો જાય છે. શિરાવટી કલાત્મક હોય છે. એમાં નીચે પદ્માકાર અંગ ને વચ્ચે ગોળ કે ચોરસ ફલક હોય છે. એની ઉપર પ્રાણી કે પ્રાણીઓની દર્શનીય આકૃતિઓ કોતરાતી. ધર્મચક્રપ્રવર્તનનું સ્થળ સૂચવતા સારનાથ સ્તંભની શિરાવટીના ફલક પર ચાર દિશામાં ચાર પશુઓ દેખા દે છે. એમાં ગજ એ પૂર્વ દિશાનું, અશ્વ એ દક્ષિણ દિશાનું, વૃષભ એ પશ્ચિમ દિશાનું અને સિંહ એ ઉત્તર દિશાનું પ્રતીક છે. આઝાદ ભારતે રાષ્ટ્રપ્રતીક તરીકે સારનાથ સ્તંભની શિરાવટી પસંદ કરી છે.
(3) ગુહાલેખો : બિહારના ગયા જિલ્લાના બરાબર નામે ડુંગરમાં ત્રણ ગુફાઓમાં એક એક લેખો કોતરેલા છે. રાજા પ્રિયદર્શીએ અભિષેકને 12 વર્ષ થયે આમાંની બે ગુફાઓ અને 19 વર્ષ થયે ત્રીજી ગુફા આજીવિકોને આપી હોવાનું જણાવ્યું છે.
આમ, અશોકના અભિલેખો-શિલાલેખો એના જીવનની જાણકારી માટે મહત્વની વિગતો પૂરી પાડે છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી