અશોકકુમાર (2) (જ. 1  જૂન 1950, મેરઠ, ઉત્તરપ્રદેશ) : ભારતના જાણીતા હૉકીવીર. પિતા ધ્યાનચંદની હૉકીથી જાદુઈ લાકડીની જેમ દડાને ખેલાવીને હરીફને હંફાવનાર; રાઇટ-ઇન અને લેફ્ટ-ઇન બંને સ્થાન પર કુશળતાથી તેઓ રમતા. વર્લ્ડ કપ સ્પર્ધા માટે પર્થ રમવા જનાર ભારતીય હૉકી ટુકડીના કૅપ્ટન તરીકે 1978માં તેઓ નિયુક્ત થયા હતા. ઝાંસીમાં શાળાનો અભ્યાસ પૂરો કરી જયપુરમાં રાજસ્થાન યુનિવર્સિટીની હૉકી ટુકડીમાં કૉલેજમાં રમતાં પસંદગી પામ્યા; યુનિવર્સિટીની હૉકી ટુકડીના કૅપ્ટન તરીકે અને સંયુક્ત વિશ્વવિદ્યાલયની હૉકી ટુકડીના કૅપ્ટન તરીકે 17 વર્ષની વયે 1969માં નિમાયેલા. જવાહરલાલ નેહરુ હૉકી ટુર્નામેન્ટમાં ભાગ લઈને નામના મેળવી. આને લીધે કલકત્તાની મોહન બગાનની હૉકી ટીમ તરફથી રમવાનું એમના ભાઈ રાજકુમાર દ્વારા આમંત્રણ મળ્યું, જેમાં ભારતના બીજા અગ્રગણ્ય ખેલાડીઓ પણ રમતા હતા. સાથે જ ઇન્ડિયન ઍર લાઇન્સમાં નોકરીમાં જોડાતાં તેના તરફથી રમવા માંડ્યું અને તરત જ 1971માં સ્પેનના બારસેલોના શહેરમાં રમાનાર પ્રથમ વર્લ્ડ હૉકી કપ ટુર્નામેન્ટમાં કૅપ્ટન તરીકે નિયુક્ત થયા અને તે જ વર્ષે બૅંગકૉકમાં યોજાયેલ એશિયાડ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો. 1978ના અંતભાગમાં હૉકીમાંથી નિવૃત્તિ લીધી. તે સાથે સુંદર ડિબ્લિંગની રમતનો યુગ (era), ભારતમાં અને વિશ્વમાં જે એમના પિતા ધ્યાનચંદથી શરૂ થયેલ, તેનો અંત આવ્યો. ભારત સરકારનો અર્જુન ઍવૉર્ડ પણ તેમને પ્રાપ્ત થયો હતો.

ಅಶೋಕ್ ಕುಮಾರ್

અશોકકુમાર (હૉકીવીર)

સૌ. "ಅಶೋಕ್ ಕುಮಾರ್" | CC BY-SA 4.0

વાસુદેવ મહેતા