અવિધિસરનું શિક્ષણ

January, 2001

અવિધિસરનું (nonformal) શિક્ષણ : વિધિસરનું નહિ એવું શિક્ષણ. અધ્યયન કે સ્વયંશિક્ષણની પરિસ્થિતિમાં સહાયરૂપ થવાની ક્રિયાને શિક્ષણ અથવા અધ્યાપન કહી શકાય. શિક્ષણને અનૌપચારિક (informal), ઔપચારિક કે વિધિસરનું (formal) તથા અવિધિસરનું (nonformal) એમ ત્રણ પ્રકારના પ્રભાવ રૂપે ઓળખવામાં આવે છે.  કુટુંબ, શેરીમિત્રો અને ચલચિત્રોનો પ્રભાવ અનૌપચારિક ગણાય. શાળા કે કૉલેજ જેવી સ્પષ્ટ માળખાવાળી સંસ્થામાં અપાતું શિક્ષણ ઔપચારિક ગણાય. ઔપચારિકમાં સ્થળ, સમય, સામગ્રી, પરીક્ષા, પ્રમાણપત્રો તથા પ્રવેશપાત્રતા અંગેના નિયમો ચુસ્તપણે પાળવાના હોય છે. ઔપચારિક શિક્ષણની માળખાગત જડતાને લીધે નાપાસ થવું, ઊઠી જવું, બેકાર રહેવું, સમાજવિમુખ બનવું જેવાં વિઘાતક પરિણામો પણ જોવા મળે છે. શિક્ષણથી વંચિત રહેલા કે નિરુપયોગી શિક્ષણ મેળવેલા તમામ લોકો માટે અવિધિસરની ઢબનું પણ ઉપયોગી એવું શિક્ષણવ્યવસ્થાનું માળખું ગોઠવાય તે જરૂરી બન્યું છે.

વિધિસરના શિક્ષણની અપરિવર્તનશીલતા, નોકરશાહી દ્વારા તેનું સંચાલન, સત્તાનું કેન્દ્રીકરણ, ભદ્ર સમાજ તરફનો તેનો ઝોક, દ્રવ્યવ્યય વગેરે ત્રુટિઓના ઉપચાર જેવી બાબતો અનૌપચારિક શિક્ષણની લાક્ષણિકતાઓ ગણાય તેમ છે. એ ત્રણેય ખાસિયતો ઔપચારિક શિક્ષણપ્રથામાં પણ દાખલ કરાય તો શિક્ષણની સમસ્યાઓ વધતી અટકાવવાની આશા રહે છે. એ લાક્ષણિકતાઓ છે : સુસંગતતા, સુનમ્યતા અને સહકારમૂલક વ્યવસ્થા.

(1) સુસંગતતા : અવિધિસરની ઢબનું શિક્ષણ ભણનારના જીવનની વાસ્તવિક પરિસ્થિતિ સાથે સુસંગત (relevant) હોય તે માટે તેમાં ભણવાના વિષયો, વિષયવસ્તુની વિગતો, ભણવાની પદ્ધતિ અને સામગ્રી વગેરે અસરકારક કે પરિણામદાયી બને તેવાં હોવાં જોઈએ. રણ, વન કે સાગર વિસ્તારના લોકોની પ્રાકૃતિક પરિસ્થિતિ જુદી જુદી હોવાથી પાયાનું પ્રાથમિક જ્ઞાન પણ તેમના પર્યાવરણને અનુરૂપ એવા અનુભવો દ્વારા મળે. બસ, રેલવે, પોસ્ટ, બૅંક કે પંચાયતના રોજબરોજના વ્યવહારમાં ‘અભણ’ ગણાય તેવા શિક્ષિતો ઔપચારિક શિક્ષણમાં પણ લાખોની સંખ્યામાં તૈયાર થયા છે. આથી જીવનના વ્યવહારો સાથેની સુસંગતતા કે ઉપયોગિતા એ સાચા શિક્ષણનું મુખ્ય લક્ષણ ગણવું ઘટે.

(2) સુનમ્યતા : શિક્ષણ માટે પ્રવેશપાત્ર ઉંમર, પૂર્વલાયકાત, અભ્યાસ પૂરો કરવાની સમયમર્યાદા, વર્ગો માટેનો સમય, વર્ગોમાં હાજરી બાબતે છૂટછાટ અને હાજરી આપ્યા વગર જાતે પોતાને સ્થળે રહીને અધ્યયનની સગવડ (distance-education)  એ અવિધિસર શિક્ષણની સુનમ્યતા (flexibility) છે. અધ્યયનની સામગ્રીમાં સ્વઅધ્યયન-સામગ્રી (module), ટેપરેકૉર્ડ, વીડિયો-કૅસેટ્સ, સાધનસામગ્રી-કેન્દ્રો, સંપર્કશિબિરો જેવી સવલતોને કારણે અવિધિસરના શિક્ષણનું માળખું કાર્યસાધક બની શકે છે.

(3) સહકારમૂલક વ્યવસ્થાતંત્ર : ભણનાર, ભણાવનાર, સામગ્રી તૈયાર કરનાર, વ્યવસ્થા કરનાર, તાલીમ આપનાર, મુલવણી કરનાર, એવી તમામ ભૂમિકાવાળી વ્યક્તિઓની સક્રિય ભાગીદારી અને પરસ્પર સહકારથી અનૌપચારિક શિક્ષણપ્રથાની સફળતાની ખાતરી મેળવી શકાય છે. શાળાશિક્ષણથી વંચિત રહેલાં બાળકો અને યુવાવર્ગ ઉપરાંત શિક્ષિત હોવા છતાં વ્યાવસાયિક પ્રગતિ માટે કે ટકી રહેવા માટેની ઇચ્છા ધરાવનારાં તથા ઉચ્ચ ગુણવત્તાવાળા જીવનની ઝંખના સેવતાં સ્ત્રી-પુરુષો માટે અનૌપચારિક શિક્ષણપ્રથામાં અનેક તકો ઊભી થઈ શકે તેમ છે.

અવિધિસરના શિક્ષણક્ષેત્રે 1970 પછી વિશ્વબૅંક, ‘યુનેસ્કો’ અને ‘યુનિસેફ’ દ્વારા કરાયેલાં કેટલાંક સંશોધનોનાં તારણોમાં ગરીબ, નિરક્ષર પ્રજાઓમાં આવેલી રાજકીય જાગૃતિ અને સમાજનો આર્થિક વિકાસ ગણાવી શકાય; છતાં ઘણા દેશોમાં પછાત વર્ગો, શોષિતો, ગરીબો  તથા સ્ત્રીઓએ અવિધિસરના શિક્ષણનો ઝાઝો લાભ લીધો નથી, એ પણ નોંધાયું છે.

અવિધિસર શિક્ષણને વધુ વ્યાપક, પ્રભાવશાળી તથા ઉપયોગી બનાવવા તેને સ્થાનિક સમાજની સમસ્યાઓ સાથે જોડવાની જરૂર છે, એમ પણ સંશોધનો પરથી માલૂમ પડ્યું છે.

દાઉદભાઈ ઘાંચી

રિખવભાઈ શાહ