અવિદ્યા : પદાર્થનું અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન. બુદ્ધિ (જ્ઞાન) બે પ્રકારની છે : વિદ્યા અને અવિદ્યા. પદાર્થનું જ્ઞાન તે વિદ્યા, અને અયથાર્થ અથવા દૂષિત જ્ઞાન તે અવિદ્યા છે (વૈશેષિક સૂ. 9-2, 13). અવિદ્યાના ચાર પ્રકાર છે : સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન.

(1) ભિન્ન ધર્મોવાળા પદાર્થોના સમાન ધર્મોને જ જોવાથી થતું દોલાયમાન જ્ઞાન તે ‘સંશય’ છે. (જેમ કે આ વૃક્ષ છે કે પુરુષ ?) સંશય બે પ્રકારનો છે : બહિર્વિષયક (બાહ્ય પદાર્થોમાં થતો) અને અંતર્વિષયક (જ્ઞાતાના ધર્મને લગતો વિચારવિષયક). (2) ઇન્દ્રિયો કે સંસ્કારોના દોષથી ઉત્પન્ન થતું વિપરીત જ્ઞાન તે ‘વિપર્યય’ છે. વિપરીત જ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન. દોરડામાં સર્પ માનવો તે ‘વિપર્યય’ છે. વિપર્યય પ્રત્યક્ષથી કે અનુમાનથી પણ થાય છે. ભ્રાન્ત શાસ્ત્રજ્ઞાન કે સમજણ પણ વિપર્યયને જન્માવે છે (જેમ કે દેહને આત્મા માનવો). (3) પદાર્થની બાબતમાં ‘આ કંઈક છે’  એવું અસ્પષ્ટ જ્ઞાન તે ‘અનધ્યવસાય’ છે. (4) ઇન્દ્રિયો સ્વવિષયથી છૂટી પડી શાંત થાય તે પછી આત્મા સાથે જોડાયેલું મન એકલું જ જે મિથ્યાદર્શન કરે તે સ્વપ્ન. ધાતુદોષ, સંસ્કારતીવ્રતા અને અદૃષ્ટ – એ સ્વપ્નનાં કારણો છે.

વસંત પરીખ