અર્લાન્ગર, જોસેફ (જ. 5 જાન્યુઆરી 1874, સાનફ્રાન્સિસ્કો; અ. 5 ડિસેમ્બર 1965, સેન્ટ લુઈ, મોન્ટાના) : 1944ના શરીરક્રિયાવિદ્યા તથા આયુર્વિજ્ઞાનના નોબેલ પારિતોષિકના એક વિજેતા. સંશોધનનો વિષય એક જ ચેતાના વિવિધ તંતુઓ જુદાં જુદાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, તે હતો. 1910માં ગૅસર તેમની સાથે સેન્ટ લૂઈ યુનિ.માં જોડાયા. શરીરક્રિયાવિદ્યા(physiology)ના સંશોધનમાં ઇલેક્ટ્રૉનિક ક્ષેત્રનો ઉપયોગ થઈ શકે તે આ બંને વિજ્ઞાનીઓએ સિદ્ધ કરી આપ્યું છે. 1922માં કૅથોડ–રે બિંબલોલનદર્શક (oscilloscope) દ્વારા તેઓએ, ચેતાતંતુના એકમમાં વહેતા વીજઆવેગોનું વિવર્ધન કરી બતાવ્યું. તેમણે વીજઆવેગોને પડદા પર બતાવીને ચેતાતંતુના તરંગ-આવેગ(wave-impulse)માં વિવિધ પાસાં હોય છે તે સમજાવ્યું. 1932માં અર્લાન્ગર અને ગૅસર બંનેએ ચેતાતંતુમાં આવેગો વિવિધ ગતિએ આગળ ધપે છે તે અને તેનો આધાર ચેતાતંતુની જાડાઈ પર છે, તે સિદ્ધ કર્યું. દરેકનો ઉત્તેજના–આંક જુદો હોય છે, વિવિધ પ્રકારના ચેતાતંતુઓને તેના નિશ્ચિત આવેગો હોય છે તથા વિવિધ પ્રકારના તરંગો દ્વારા તે આગળ વધે છે, એમ તેમણે સાબિત કર્યું છે.

હરિત દેરાસરી