અર્લ, ગરહાર્ડ (Ertl, Gerhard) (જ. 10 ઑક્ટોબર 1936, સ્ટટગાર્ટ, જર્મની) : જર્મન ભૌતિકવિદ અને 2007ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. અર્લે 1955થી 1957 દરમિયાન ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ સ્ટટગાર્ટ, 1957–58 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ પૅરિસ અને 1958–59 દરમિયાન લુડવિગ મૅક્સિમિલિયન્સ યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિક ખાતે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. 1961માં તેમણે ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ સ્ટટગાર્ટમાંથી ભૌતિકશાસ્ત્રમાં ડિપ્લોમા (અનુસ્નાતક પદવીને સમતુલ્ય) મેળવ્યો. તે પછી હીન્ઝ ગેરિશર(Heinz Gerischer)ના હાથ નીચે સંશોધન કરી 1965માં તેમણે ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ સ્ટટગાર્ટમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

પીએચ.ડી. પદવી મેળવ્યા બાદ તેઓ 1965થી 1968 સુધી ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ સ્ટટગાર્ટમાં સહાયક (assistant) અને વ્યાખ્યાતા (lecturer) બન્યા. 1968થી 1973 સુધી તેઓ ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ હેનોવરમાં પ્રાધ્યાપક અને નિયામક રહ્યા હતા. ત્યાર બાદ તેમણે 1973થી 1986 સુધી લુડવિગ મૅક્સિમિલિયન્સ યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિકના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. 1970 અને 1980ના દાયકાઓમાં તેઓ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી યુનિવર્સિટી ઑવ્ વિસ્કોન્સિન-મિલવૉકી અને યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાં મુલાકાતી પ્રાધ્યાપક પણ હતા. 1986માં તેઓ ફ્રી યુનિવર્સિટી ઑવ્ બર્લિન અને ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં પ્રાધ્યાપક બન્યા હતા. 1986થી 2004માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે ફ્રિટ્ઝ-હેબર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ એમપીજી (Max Planck–Gesselschaft), બર્લિનના નિયામક તરીકે સેવાઓ આપી હતી. આ દરમિયાન 1996માં તેઓ હમ્બોલ્ટ યુનિવર્સિટીમાં પણ પ્રાધ્યાપક બન્યા હતા. હાલ તેઓ ફ્રિટ્ઝ-હેબર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ એમપીજીના ભૌતિક રસાયણશાસ્ત્ર વિભાગમાં માનાર્હ પ્રાધ્યાપક (professor emeritus) છે.

Prof Ertl-Portrait

ગરહાર્ડ અર્લ

સૌ. "Prof Ertl-Portrait" | CC BY-SA 2.0

અર્લના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર પૃષ્ઠ-રસાયણ (surface chemistry) છે. અર્ધવાહક (semiconductor) ઉદ્યોગના વિકાસને કારણે 1960થી પૃષ્ઠ-રસાયણને લગતા આધુનિક વિજ્ઞાનનો વિકાસ શરૂ થયો. રસાયણવિજ્ઞાનની આ શાખા ખાતર તેમજ અન્ય રાસાયણિક ઉદ્યોગો, અર્ધવાહક ઉદ્યોગ વગેરે માટે ખૂબ અગત્યની હોવા ઉપરાંત તે લોખંડને કાટ લાગવાની (rusting), ઇંધનકોષોની, ઉદ્દીપકોની કાર્યવિધિની તેમજ ઓઝોન-સ્તરના નાશ પામવા જેવી પ્રક્રિયાઓની સ્પષ્ટ સમજ પૂરી પાડે છે. અર્લે આવી પૃષ્ઠ-પ્રક્રિયાઓ(surface reactions)ના અભ્યાસ માટેની કાર્યપદ્ધતિ વિકસાવી છે.

અર્લે સૌપ્રથમ ધાત્વિક પૃષ્ઠો પર હાઇડ્રોજનની વર્તણૂકનો અભ્યાસ શરૂ કર્યો, જેનો ઉપયોગ ઇંધનકોષોમાં કરી શકાય છે. તે પછી તેમણે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયાના સંશ્લેષણ માટેની હેબર-બોશ (Haber-Bosch) પ્રવિધિનો તેમજ પ્લૅટિનમ ઉદ્દીપક કાર્બન મૉનૉક્સાઇડના ઉપચયન (oxidation)  ઉદ્દીપકીય રૂપાંતરક(catalytic converter)ની ક્રિયાવિધિનો અભ્યાસ કરી તેની સમજૂતી આપી. તેમના સંશોધન દરમિયાન તેમણે પ્લૅટિનમની સપાટી પર થતી દોલનશીલ (oscillatory) પ્રક્રિયાઓની ઘટના શોધી અને ફોટો-ઇલેક્ટ્રૉન સૂક્ષ્મદર્શિકી(photoelectron microscopy)નો ઉપયોગ કરી પૃષ્ઠ-સંરચનામાં થતા દોલાયમાન (oscillatory) ફેરફારો અને પ્રક્રિયા દરમિયાન જોવા મળતા પૃષ્ઠીય આચ્છાદનક્ષેત્ર(coverage)નું પહેલી વખત પ્રતિબિંબ મેળવ્યું.

તેમની કારકિર્દી દરમિયાન તેઓએ નિરીક્ષણ માટેની નવી નવી ટૅકનિકોનો ઉપયોગ કરી મહત્વનાં પરિણામો મેળવ્યાં; જેમ કે, શરૂઆતમાં તેમણે નિમ્ન-ઊર્જા ઇલેક્ટ્રૉન પ્રકીર્ણન (low energy electron diffraction, LEED), તે પછી પારજાંબલી ફોટો-ઇલેક્ટ્રૉન સ્પેક્ટ્રમિકી (ultraviolet photoelectron spectroscopy, UPS) અને સ્કૅનિંગ ટનેલિંગ સૂક્ષ્મદર્શિકી(scanning tunneling microscopy, STM)નો ઉપયોગ કર્યો હતો.

1998માં તેમને અને યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા(બર્કલી)ના ગેબર એ. સોમોર્જાઈ(Gabor A. Somorjai)ને પૃષ્ઠવિજ્ઞાન(surface science)માં ઉત્કૃષ્ટ યોગદાન, ખાસ કરીને એકલ (single) સ્ફટિકની સપાટી ઉપર થતા વિષમાંગ (heterogeneous) ઉદ્દીપનની મૂળભૂત કાર્યવિધિની સમજણ આપવા બદલ રસાયણશાસ્ત્ર માટેનો વુલ્ફ (Wolf) પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઘન પૃષ્ઠો પર થતી રાસાયણિક પ્રવિધિઓના તલસ્પર્શી અભ્યાસ બદલ અર્લને 2007ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર તેમના 71મા જન્મદિવસે જાહેર કરવામાં આવ્યો હતો.

તેઓ ‘હૅન્ડબુક ઑવ્ હેટેરોજિનિયસ કેટાલિસિસ’ નામના સામયિકના તંત્રી પણ છે.

અર્લને તેમની પત્ની બાર્બરાથી બે પુત્રો છે.

જ. દા. તલાટી