અર્લી બર્ડ (Early Bird) : અંતરીક્ષયાનો અને ઉપગ્રહોના પ્રારંભિક તબક્કાઓમાં અમેરિકા દ્વારા 1965 અને 1966 દરમિયાન સફળતાપૂર્વક છોડવામાં આવેલા દૂરસંચાર માટેના ઉપગ્રહ. દૂરસંચાર માટે ઇકો (Echo–1) જેવા અક્રિય પરાવર્તક (passive reflector) ઉપગ્રહ પછી 1962 અને 1963 દરમિયાન ટેલસ્ટાર(Telstar)–1 અને 2 જેવા સક્રિય ઉપગ્રહો દીર્ઘવૃત્તીય (eliptical) ભ્રમણકક્ષામાં તરતા મુકાયા હતા. તેમાં મૂકવામાં આવેલું પ્રેષાનુકર (transponder) કોઈ ભૂમિકેન્દ્ર ઉપરથી પ્રસારિત માહિતીયુક્ત રેડિયો-સંકેતોને ગ્રહણ કરીને મૂળ વાહક રેડિયો-આવૃત્તિ કરતાં જુદી જ વાહક રેડિયો-આવૃત્તિઓનું પુન: પ્રસારણ કરીને પૃથ્વી ઉપરના મોટા વિસ્તારો સુધી સંદેશા પહોંચાડતું હતું. પણ આ ક્રિયામાં કોઈ પણ સમયે ફક્ત એક જ દ્વિ-તરફી (two-way) સંદેશાની આપ-લે થઈ શકતી. તેની બીજી ખામી એ હતી કે તેની સેવા રોજના કેવળ બે-ત્રણ કલાક પૂરતી જ પ્રાપ્ત થતી, અને તેમાંથી પ્રેષિત થતા સંદેશા ઝીલવા માટે અત્યંત દિક્-સૂચક ઍન્ટેના(antenna)ની જરૂર પડતી. ટેલસ્ટાર ઉપગ્રહથી પહેલી જ વાર જીવંત દૂરદર્શન કાર્યક્રમો દૂર દૂર સુધી પ્રસારિત થઈ શક્યા. આની સફળતાથી પ્રોત્સાહન મળતાં બહુસંપર્કી (multichannel) ઉપગ્રહનું આયોજન થયું.

EARLY BIRD SATELLITE

અર્લી બર્ડ ઉપગ્રહ

સૌ. "EARLY BIRD SATELLITE" | CC BY 2.0

6 એપ્રિલ 1965ના રોજ અમેરિકાના કેનેડી મથકેથી અર્લી બર્ડ–I નામનો દૂરસંચાર ઉપગ્રહ ભૂ-સ્થિર (geostationary geosynchronous) કક્ષામાં ભ્રમણ કરતો મૂકવામાં આવ્યો. તેમાં મુકાયેલાં ઉપકરણો અને પ્રસાધનોનું કુલ વજન 4૦ કિગ્રા. હતું અને 24 કલાકે તે ભ્રમણ પૂરું કરતો. 240 દ્વિતરફી ધ્વનિ-જોડાણો(two-way voice channels)વાળા આ ઉપગ્રહની મદદથી બ્રાઝિલ અને આફ્રિકા વચ્ચે તથા યુરોપ અને અમેરિકાના કેટલાક વિસ્તારો વચ્ચે રેડિયોસંચાર-વ્યવસ્થા સાધી શકાઈ હતી.

1966ની 26 ઑક્ટોબરે બહુસંપર્કી વ્યવસ્થાને બદલે બે ટ્રાન્સપોન્ડરવાળો અર્લી બર્ડ–II ભૂસ્થિર કક્ષામાં ભ્રમણ કરતો મૂકવામાં આવ્યો. આની મદદથી પશ્ચિમથી પૂર્વ દિશાના માર્ગે અમેરિકા અને છેડાના (terminal) ભૂમિમથક એન્ડોવર માઇની વચ્ચે તથા પૂર્વ-પશ્ચિમ દિશામાર્ગે ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, જર્મની અને ઇટાલીનાં મથકોને છેડાના મથક સાથે અઠવાડિક ધોરણે સંચાર-સેવા ઉપલબ્ધ થઈ હતી. આ ઉપગ્રહોની સફળતાથી પ્રેરાઈને આંતરરાષ્ટ્રિય સંચાર-સેવા ઉપગ્રહ-(Intelsat)ની વ્યાપારી ધોરણે શરૂઆત થઈ, જે એકસાથે 4,૦૦૦ દૂરવાણી તથા દૂરદર્શન ચૅનલોનું સંચાર કરતો હતો.

12,૦૦૦ ધ્વનિ-ચૅનલો ઉપરાંત દૂરદર્શનના કાર્યક્રમો માટેની સગવડો ધરાવતો ઇન્ટલસેટ-5 ઉપગ્રહ 1980માં ભ્રમણકક્ષામાં મુકાયો હતો

કાંતિલાલ મોતીલાલ કોટડિયા