અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ. શંકર અને પાર્વતીના એકત્ર રૂપની આ મૂર્તિ છે.

અર્ધનારીશ્વર (ચેન્નાઈ)

આ સ્વરૂપ સંબંધી કથા છે કે બ્રહ્માએ સૃષ્ટિ રચવાની ઇચ્છા કરી. કેવળ પુરુષ ભાવથી તેમને તેમ કરવામાં સફળતા મળી નહિ, ત્યારે એમણે શિવની આરાધના કરી. શિવે તેમને અર્ધનારીશ્વર રૂપમાં દર્શન આપ્યાં, ત્યારે જ બ્રહ્મા સૃષ્ટિ નિર્માણ કરી શક્યા. વૈદિક સાહિત્ય અનુસાર શિવ અને પાર્વતી જ રુદ્ર અને અંબિકા છે. સૃષ્ટિના સર્જન માટે પુરુષતત્વ અને સ્ત્રીતત્વ બંનેના મૈથુનધર્મની આવશ્યકતા છે. પુષ્પ, કીટ, પશુ, પક્ષી, મનુષ્ય વગેરેમાં પ્રજાની ઉત્પત્તિ પિતા દ્વારા માતાના ગર્ભધારણ કરવાથી થાય છે. સૃષ્ટિના આ આદિભૂત માતૃતત્વ અને પિતૃતત્વને પુરાણોની પ્રતીકાત્મક ભાષામાં પાર્વતી–પરમેશ્વર કહેવાય છે. મત્સ્ય પુરાણમાં અર્ધનારીશ્વરનું વર્ણન આપ્યું છે : માથાના જમણા ભાગ પર જટાભાર, કપાળ પર ચંદ્રની કોર, ડાબી બાજુએ કુમકુમનું તિલક, જમણા કાનમાં વાસુકિનું કુંડલ અને ડાબા કાનમાં વાળી વગેરે સ્ત્રીઓના અલંકાર, જમણા હાથમાં નરકપાલ, ત્રિશૂળ વગેરે અને ડાબામાં કમળ, જમણે હાથે સર્પભૂષણ જ્યારે ડાબે હાથે રત્નકંકણો, જમણો પગ કમળ ઉપર, જ્યારે ડાબો નૂપુર પહેરેલો અળતાથી રંગેલો તથા જમણા પગથી સહેજ ઊંચો રાખેલો છે. દક્ષિણમાં શૈવધર્મ પ્રબળ હોવાથી ત્યાં આવી અનેક મૂર્તિઓ જોવા મળે છે. મદ્રાસ મ્યૂઝિયમમાં આવી એક સુંદર મૂર્તિ સુરક્ષિત છે. ઇલોરાના કૈલાસમંદિરમાં અર્ધનારીશ્વર શિવની પ્રભાવશાળી મૂર્તિ છે. પરંતુ આ બધામાં મથુરાની કુષાણકાલીન કલામાં પ્રથમ સદીમાં નિર્મિત થયેલી મૂર્તિ પ્રાચીનતમ છે. આ મૂર્તિનો જમણો ભાગ પુરુષનો છે અને ડાબો ભાગ સ્ત્રીનો છે.

ગીતા મહેતા