અર્જન હાસિદ (જ. 1930, કંદિયારો, સિંધ–હાલ પાકિસ્તાનમાં) : સિંધીના નામી ગઝલકાર. તેમને ‘મેરો સિજુ’ નામક તેમના ગઝલસંગ્રહ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમના વાચકવર્ગમાં તેઓ ‘ગઝલગો’ નામથી લોકપ્રિય બન્યા છે. 1966માં તેમણે પ્રથમ કાવ્યસંગ્રહ ‘સુવાસો–જી સુરહો’ પ્રગટ કર્યો. 1974માં તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘પાથર-પાથર કપડા-કપડા’ પ્રગટ થવાની સાથે જ તેઓ ઘણી ખ્યાતિ પામ્યા.

તેઓ અનેક સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે. ભારત તથા પાકિસ્તાનથી પ્રગટ થતાં સિંધી સામયિકોમાં તેમની ગઝલો પુષ્કળ પ્રમાણમાં છપાતી રહી છે.

પુરસ્કૃત કૃતિમાં 60 ગઝલો છે. ઊર્મિમયતાની તીવ્ર પ્રભાવકતા, આત્મીયતાની ઊંડી અનુભૂતિ, નવા વિષય-વસ્તુની ખોજ તેમજ ગઝલ-સામગ્રીનું વૈવિધ્ય જેવી વિશેષતાઓને કારણે આ ગઝલસંગ્રહ સિંધી સાહિત્યમાં અભિનવ ઉમેરણ લેખાય છે.

મહેશ ચોકસી