અર્જુન (1) : કુન્તીએ દુર્વાસાના ઇન્દ્રમંત્ર દ્વારા પ્રાપ્ત કરેલ ક્ષેત્રજ પુત્ર. હિમાલયના શતશૃંગ પર્વત ઉપર જન્મ. શ્રીકૃષ્ણના પ્રાણપ્રિય સખા અને શિષ્ય. નર ઋષિના અવતાર.

વિદ્યાર્જનમાં અત્યંત એકાગ્ર, દક્ષ, ખંતીલા અને તેજસ્વી. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા સદા ઉદ્યુક્ત. દ્રોણાચાર્યના શિષ્યોમાં સર્વોત્તમ. અર્જુનનો પરાભવ ન થાય તેથી દ્રોણે છળથી એકલવ્યનો અંગૂઠો માગી લીધેલો. ગુરુદક્ષિણા રૂપે દ્રુપદને જીવતો પકડી લાવવાનું કાર્ય દ્રોણે શિષ્યોને સોંપ્યું; પરંતુ અર્જુને જ આ કપરું કાર્ય પાર પાડીને ગુરુદક્ષિણા આપી.

અર્જુને કિશોર વયમાં અનેક રાજાઓને જીત્યા. દુર્યોધનના કપટને કારણે અર્જુન સહિત પાંડવોને લાક્ષાગૃહમાં રહેવું પડેલું. ત્યાંથી છુટકારો મેળવ્યા પછી દ્રૌપદી-સ્વયંવરમાં ભાગ લેવા જતાં માર્ગમાં અર્જુનને અંગારપર્ણ ગંધર્વ સાથે લડવું પડ્યું. અર્જુન જીત્યા. અંગારપર્ણે અર્જુનને સૂક્ષ્મપદાર્થદર્શક ચાક્ષુષી વિદ્યા આપી. અર્જુને અંગારપર્ણને અગ્ન્યસ્ત્ર આપ્યું.

દ્રૌપદી-સ્વયંવરમાં અર્જુને મત્સ્યયંત્ર ભેદ્યું-દ્રૌપદીએ અર્જુનનું વરણ કર્યું તેમ છતાં સંપ જાળવવાના વિરલ દૃષ્ટાંત તરીકે દ્રૌપદી પાંચ પાંડવોની રાણી થઈ.

ધૃતરાષ્ટ્રે મંત્રી વિદુરને મોકલી પાંડવોને હસ્તિનાપુર બોલાવ્યા. રાજ્યભાગ તરીકે ખાંડવપ્રસ્થ આપ્યું. ત્યાં શ્રીકૃષ્ણના માર્ગદર્શન નીચે પાંડવોએ ઇન્દ્રપ્રસ્થનગર બાંધ્યું. એક બ્રાહ્મણની ગાયો ચોરાઈ ગયેલી, તેની વહારે ચઢવા આયુધો લેવા અર્જુનને આયુધાગારમાં જવું પડ્યું, યુધિષ્ઠિર અને દ્રૌપદીને એકાંતમાં જોયાં તેથી નિયત શરત અનુસાર અર્જુન બાર વર્ષના દેશવટે નીકળ્યા.

દેશવટા દરમિયાન અર્જુન બાલવિધવા નાગકન્યા ઉલૂપીને પરણ્યા; તેનાથી પુત્ર ઇરાવાન જન્મ્યો. મણલૂરપુરની (મણિપુરની) રાજકુમારી ચિત્રાંગદા સાથે પરણ્યા; તેનાથી પુત્ર બભ્રુવાહન જન્મ્યો, જે મણલૂરપુરનો રાજા થયો. પંચતીર્થમાં શાપથી મગર બનેલી વર્ગા આદિ પાંચ અપ્સરાઓનો ઉદ્ધાર કર્યો. તીર્થાટન કરતાં દ્વારકા આવ્યા, ત્યાં વડીલ યુધિષ્ઠિરની સંમતિ મેળવી સુભદ્રાહરણ કર્યું. યાદવોએ અર્જુન અને સુભદ્રાનું લગ્ન કર્યું.

દેશવટો પૂરો કરી અર્જુન ઇન્દ્રપ્રસ્થ આવ્યા. અર્જુનને સુભદ્રાથી અભિમન્યુ, અને તે પછી દ્રૌપદીથી શ્રુતકીર્તિ, એમ બે પુત્ર પ્રાપ્ત થયા. અભિમન્યુ, ઇરાવાન અને શ્રુતકીર્તિ મહાભારત યુદ્ધમાં હણાયા.

અર્જુને શ્રીકૃષ્ણની સાથે ખાંડવદહન કર્યું. તે સમયે અગ્નિએ અર્જુનને ગાંડીવ ધનુષ્ય, બે અક્ષય ભાથાં, શ્વેત ઘોડાવાળો કપિધ્વજ રથ અને યુદ્ધસામગ્રી આપ્યાં. ખાંડવદહન સમયે ઇન્દ્રપુત્ર અર્જુન સામે ઇન્દ્રને પીછેહઠ કરવી પડેલી. આગળ ઉપર ઇન્દ્રે અર્જુનને અભેદ્ય કવચ, સુવર્ણમાળા, દિવ્ય કિરીટ અને દિવ્ય વસ્ત્રાભરણ આપેલાં. મયદાનવે અર્જુનને દેવદત્ત શંખ આપેલો. દેવોએ અર્જુનને દેવદત્ત શંખ આપેલો એવો ઉલ્લેખ પણ છે.

યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ સમયે અર્જુને ઉત્તર દિશાનો દિગ્વિજય કરેલો.

યુધિષ્ઠિર દ્યૂતમાં હાર્યા તે પછી અર્જુન સહિત પાંડવો વનવાસે ગયા. વનવાસમાં કિરાતવેશધારી શંકરને પ્રસન્ન કરી અર્જુને પાશુપતાસ્ત્ર મેળવ્યું. સ્વર્ગમાં દિવ્યાસ્ત્રો લેવા ગયા. સ્વર્ગમાં પાંચ વર્ષ રહી પંદર પ્રકારનાં દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કર્યાં. ત્યાં ગાયન, વાદન અને નૃત્યકળામાં નિપુણ થયા. દેવોથી અવધ્ય નિવાતકવચ, પૌલોમ અને કાલખંજ નામના અસુરોનો તેમણે વધ કર્યો.

અજ્ઞાતવાસ દરમિયાન સંયમી અર્જુને બ્રહ્મચર્યવ્રત ધરી નપુંસકત્વ સ્વીકાર્યું. બૃહન્નલા નામ રાખ્યું. રાજા વિરાટે તેમના નપુંસકત્વની પૂર્ણ પરીક્ષા કરીને, રાજકન્યા ઉત્તરાને ગાયન, વાદન, નૃત્ય શીખવવા રાખ્યા. દુર્યોધને વિરાટના ગોધનનું હરણ કર્યું ત્યારે, અર્જુને સંકુલ યુદ્ધમાં કૌરવોને હરાવ્યા. ઉપકૃત વિરાટે અર્જુનને ઉત્તરા પરણાવવાનો પ્રસ્તાવ કર્યો. આચાર્યના સર્વગુણોથી સંપન્ન, જિતેન્દ્રિય અર્જુને પોતા માટે નહિ, પરંતુ પુત્ર અભિમન્યુ માટે ઉત્તરા સ્વીકારી.

મહાભારત યુદ્ધની તૈયારી વખતે અર્જુન અને દુર્યોધન બંને શ્રીકૃષ્ણની સહાય પ્રાપ્ત કરવા દ્વારકા ગયા. નમ્ર અર્જુન નિદ્રાધીન શ્રીકૃષ્ણનાં ચરણ સમીપે બેઠા. શ્રીકૃષ્ણ જાગ્રત થતાં એમણે અર્જુનને પ્રથમ દીઠા તેમજ અર્જુન દુર્યોધન કરતાં ઉંમરમાં નાના હતા, તેથી શ્રીકૃષ્ણે અર્જુનને પ્રથમ સહાય માગવા કહ્યું. શ્રીકૃષ્ણે એક તરફ દશ કરોડ ગોપ સૈનિકોની નારાયણ સેના અને બીજી તરફ યુદ્ધમાં નહિ લડનાર સ્વયં, એવા વિભાગ કરી પસંદગી કરવા સૂચવ્યું. નમ્ર છતાં આત્મસામર્થ્યના ભાનવાળા અર્જુને યુદ્ધમાં નહિ લડનાર શ્રીકૃષ્ણને પસંદ કર્યા. અર્જુનનો કાયમી સારથિ પુરુ હતો, પરંતુ મહાભારત યુદ્ધમાં સારથિ થવા એમણે શ્રીકૃષ્ણને વીનવ્યા. શ્રીકૃષ્ણે સારથિ થવા સ્વીકાર્યું.

મહાયુદ્ધનો આરંભ થયો તે પહેલાં યુધિષ્ઠિરને વિષાદ થયો. અર્જુને તે દૂર કર્યો. ત્યાર પછી અર્જુનને ગુરુજનો – સ્વજનો સાથે લડવાના વિચારથી વિષાદ અને મોહ થયા. તેઓ શિષ્યભાવે ભગવાન શ્રીકૃષ્ણને શરણે ગયા. શ્રીકૃષ્ણે અર્જુનને કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અને પ્રપત્તિયોગ સમજાવ્યા. સર્વત્ર અનાસક્તિ – વૈરાગ્ય અને ભગવાનમાં આસક્તિ–રાગ રાખી, ભગવાનને જ શરણાગત થઈ કર્તવ્યપરાયણ થવાનો બોધ આપ્યો. અર્જુનના શોક–મોહ દૂર થયા.

મહાભારત યુદ્ધમાં પિતામહ ભીષ્મ કેમેય પરાજિત થતા નહોતા. છેવટે ભીષ્મના પરાભવ માટે તેમની જ સલાહથી, પૂર્વે જે સ્ત્રી હતો તે શિખંડીની આડમાં રહીને અર્જુને ભીષ્મને શરશય્યા પર પોઢાડ્યા. ભીષ્મે ઓશીકું માગતાં વીરશય્યાને ઉચિત ત્રણ તીક્ષ્ણ બાણોનું ઉપધાન-ઓશીકું આપ્યું. ભીષ્મે પાણી માગતાં સૌ શીતળ પાણી લાવ્યા, પરંતુ ભીષ્મે અસ્વીકાર કર્યો. અર્જુને ભૂમિને પર્જન્યાસ્ત્રથી વીંધીને નિર્મળ જળધારાથી ભીષ્મને તૃપ્ત કર્યા.

યુદ્ધમાં અર્જુને ‘કરેંગે યા મરેંગે’ પ્રતિજ્ઞાધારી સંશપ્તકો અને નારાયણો, લાલિત્ય, માલવ, માચેલ્લક, ત્રિગર્ત, યૌધય વગેરે સૈનિકોનો સંહાર કર્યો. પ્રાગ્જ્યોતિષના રાજા ભગદત્તે અર્જુન ઉપર અમોઘ વૈષ્ણવાસ્ત્રથી અભિમંત્રિત અંકુશ ફેંક્યું. શ્રીકૃષ્ણે તે વક્ષ:સ્થળ પર ઝીલી અર્જુનને બચાવ્યા. અર્જુને ભગદત્તનો વધ કર્યો.

નવયુવાન અભિમન્યુને કૌરવોએ અધર્મયુદ્ધથી રેંસી નાખ્યો, તેથી અર્જુન રોષે ભરાયા. અભિમન્યુના વધમાં મુખ્ય નિમિત્ત બનેલા જયદ્રથને બીજા દિવસના સૂર્યાસ્ત પહેલાં મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. રાતે સ્વપ્નમાં અર્જુને શંકર પાસેથી પાશુપતાસ્ત્રનું જ્ઞાન પુન: તાજું કર્યું. બીજા દિવસે શ્રીકૃષ્ણના અપ્રતિમ સારથ્યકર્મની સહાયથી અને અદભુત પરાક્રમથી અર્જુને સૂર્યાસ્ત પહેલાં જ જયદ્રથનો શિરચ્છેદ કર્યો.

અર્જુનની ગુપ્ત પ્રતિજ્ઞા હતી : ‘‘જે કોઈ મને ગાંડીવ બીજાને આપી દે તેમ કહે તેનો વધ કરવો.’’ યુદ્ધમાં કર્ણથી પરાજિત અને અત્યંત ઘાયલ ધર્મરાજે કર્ણનો વધ ન કરવા બદલ અર્જુનને ધુત્કારી, ‘ગાંડીવ શ્રીકૃષ્ણને આપ્યું હોત તો સારું’ એમ કહ્યું. અર્જુને પૂર્વપ્રતિજ્ઞા અનુસાર યુધિષ્ઠિરનો વધ કરવા તલવાર તાણી, ત્યારે શ્રીકૃષ્ણે ધર્માધર્મનો વિવેક બતાવ્યો. ગુરુજનનું અપમાન તેમના વધતુલ્ય છે તે સમજાવ્યું. ધર્મરાજને ‘આપ’ કહેવાના બદલે ‘તું’કારા કરી અપમાન કરવા કહ્યું. અર્જુને તેમ કર્યું, ત્યારપછી યુધિષ્ઠિરની ક્ષમા માગી, આશીર્વાદ લીધા. સુસજ્જ થઈ કર્ણ પર આક્રમણ કર્યું. તુમુલ સંગ્રામમાં કર્ણવધ કર્યો.

દુર્યોધનના પતન પછી યુદ્ધ સમાપ્ત થયું. સૌ કૌરવોની છાવણીમાં ગયા. ત્યાં શ્રીકૃષ્ણની આજ્ઞાથી અર્જુન ગાંડીવ અને બંને અક્ષય્ય ભાથાં લઈને પ્રથમ રથમાંથી ઊતર્યા. શ્રીકૃષ્ણ પછી ઊતર્યા. ત્યારે બહુવિધ અસ્ત્રોથી બળી ગયેલો, પરંતુ શ્રીકૃષ્ણના સામર્થ્યથી સુરક્ષિત રહેલો રથ, યુદ્ધવિજયનું કાર્ય પાર પડ્યું એટલે શ્રીકૃષ્ણે છોડી દેતાં બળીને ભસ્મ થઈ ગયો.

પાંડવોની છાવણીને રાતે બાળીને ભાગતા અશ્વત્થામાનો અર્જુને પીછો પકડ્યો. ગભરાયેલા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. શિવસંકલ્પી અર્જુને સામે બ્રહ્માસ્ત્ર મૂક્યું. પણ નિર્દોષ લોકોને દુ:ખ થશે એમ જોઈ ઋષિઓની આજ્ઞાથી બ્રહ્માસ્ત્ર પાછું ખેંચ્યું.

મહાભારત યુદ્ધ પછી યુધિષ્ઠિરને સ્વજનવધનો ભારે શોક થયો, ત્યારે અર્જુને પણ તેમને આશ્ર્વાસેલા તે છતાં અર્જુનને પણ સ્વજનવધનો ભારે શોક થયેલો. શ્રીકૃષ્ણે તેમને સાન્ત્વન આપેલું.

યુદ્ધમાં અનેક પ્રકારના ઉપસર્ગો આવવાના કારણે અર્જુન ભગવદગીતાનું જ્ઞાન ભૂલી ગયેલા. અર્જુનની વિનંતીથી શ્રીકૃષ્ણે સખા અર્જુનને સ્નેહથી ઠપકો આપી, ‘અનુગીતા’ સંભળાવી. અર્જુન પુન: સ્થિર પ્રસન્નચિત્ત થયા.

યુધિષ્ઠિરના પ્રધાનમંડળમાં અર્જુન સંરક્ષણનું અને અપરાધીઓને શિક્ષા કરવાનું ખાતું સંભાળતા.

યુધિષ્ઠિરે અશ્વમેધનો યજ્ઞીય અશ્વ છૂટો મૂક્યો, ત્યારે અર્જુન તેના સંરક્ષણ માટે સાથે ગયા. બૃહદ્ ભારતના વિવિધ પ્રદેશોનો દિગ્વિજય કરી અર્જુન મણિપુર આવ્યા. ચિત્રાંગદાનો પુત્ર બભ્રુવાહન સ્વાગત કરવા આવ્યો, પરંતુ ક્ષત્રિયોચિત વર્તન ન કરવા માટે અર્જુને બભ્રુવાહનને ધિક્કાર્યો. પિતાપુત્ર વચ્ચે યુદ્ધ થયું. અર્જુન ગાઢ મૂર્ચ્છાવશ થયા. અર્જુનની એક પત્ની નાગકન્યા ઉલૂપીએ નાગલોકના દિવ્ય મણિથી અર્જુનને સચેતન કર્યા. અર્જુને સૌને યજ્ઞમાં આવવા આમંત્રણ આપ્યું.

દિગ્વિજયી અર્જુને યુધિષ્ઠિરના આદેશ અનુસાર લડવા ઇચ્છુક રાજાઓનો નાશ કરવાની નહિ, પણ હરાવવાની સૌમ્ય નીતિ અપનાવેલી. સૌને એમણે વૈર ભૂલીને ચૈત્રી પૂનમે મહાયજ્ઞમાં આવવા આમંત્રેલા.

અશ્વ સહિત અર્જુન હસ્તિનાપુર પાછા ફર્યા.

યુધિષ્ઠિર અર્જુનનાં પરાક્રમોની વિજયગાથા સાંભળી સુપ્રસન્ન થયા. એમણે અર્જુનના સ્વાસ્થ્ય અંગે શ્રીકૃષ્ણ સાથે ખાસ ચર્ચા કરી.

યાદવાસ્થળીમાં સર્વ યાદવોનો સંહાર થઈ ગયો અને શ્રીકૃષ્ણ- બલરામ પણ દેહમુક્ત થઈ ગયા. આ સમાચાર મળતાં. ‘આ બધું મિથ્યા છે’, એમ બોલતાં બોલતાં શોકાતુર અર્જુન દ્વારકા આવ્યા. શ્રીકૃષ્ણની રાણીઓ અને વૃદ્ધ મામા વસુદેવને આશ્વાસ્યા. દ્વારકા સમુદ્રમાં ગરક થઈ જવાની હોઈ રાજ્ય, સ્ત્રીઓ અને રત્નોની અર્જુનને સોંપણી કરી વસુદેવે દેહત્યાગ કર્યો.

અર્જુને બલરામ, શ્રીકૃષ્ણનો દાહસંસ્કાર કર્યો. તેમની અને સૌ યાદવોની વિધિવત્ ઉત્તરક્રિયા કરી. શ્રીકૃષ્ણની રાણીઓ અને ચાતુર્વર્ણ્ય પ્રજા સાથે દ્વારકામાંથી નીકળ્યા. સૌ દ્વારકામાંથી નીકળતાવેંત સમુદ્રે દ્વારકાને જળબંબાકાર કરી દીધી.

અર્જુનને માર્ગમાં આભીરોએ લૂંટી લીધા. અર્જુનનું ભુજબળ ક્ષીણ થઈ ગયું. એમનાં અક્ષય્ય ગણાતાં બાણ ખૂટી ગયાં. અર્જુનને આઘાત લાગ્યો. લૂંટાતાં બચેલાં રત્નો, સ્ત્રીઓ અને વૃદ્ધોને લઈ ઇન્દ્રપ્રસ્થ આવ્યા. એમણે શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય સોંપ્યું. અન્ય સૌને યથાયોગ્ય સ્થાને વસાવ્યાં. ત્યારપછી શોકાતુર અર્જુન વ્યાસાશ્રમે આવ્યા. વેદવ્યાસે આશ્વાસન આપી શોક ન કરવા કહ્યું. પરમગતિ પામવાની વેળા આવી ગઈ છે, તે યથોચિત સમજાવ્યું.

વ્યાસાશ્રમથી અર્જુન હસ્તિનાપુર આવ્યા. ધર્મરાજને સમાચાર આપ્યા. સર્વસ્વ ત્યાગીને પાંડવો મહાયાત્રાએ નીકળ્યા. આમ છતાં હજુ અર્જુનની આસક્તિ ગાંડીવ ધનુષ્ય અને અક્ષય્ય ભાથાંઓમાં ભરાઈ રહી હતી, તેથી તેમણે એ ત્યાગ્યાં નહોતાં. અગ્નિદેવે આવી આ વસ્તુઓ ત્યજી દેવા જણાવતાં અર્જુને ગાંડીવ અને ભાથાં જળમાં ત્યજી દીધાં. હિન્દુસ્તાનની યાત્રા કરીને પાંડવો હિમાલયમાં જઈ રહ્યા હતા, ત્યાં દ્રૌપદી, સહદેવ અને નકુલની પછી અર્જુન પતન પામ્યા – મૃત્યુ પામ્યા.

યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા, ત્યારે તેમણે જોયું કે અત્યંત તેજસ્વી વીર અર્જુન શ્રીકૃષ્ણની ઉપાસના કરી રહ્યા હતા.

મહાભારત અનુસાર નારાયણ અને નર, શ્રીકૃષ્ણ અને અર્જુન, એક જ સત્વ બે રૂપે થયેલ છે. જે અર્જુનનો દ્વેષ કરે તે શ્રીકૃષ્ણનો દ્વેષી અને જે અર્જુનનો અનુયાયી તે શ્રીકૃષ્ણનો અનુયાયી. પાણિનીય સૂત્રો અનુસાર પ્રાચીન સમયમાં શ્રીકૃષ્ણ અને અર્જુનની ઉપાસના એકસાથે થતી હતી.

મહાભારતમાં અર્જુનનાં અનેક નામ અને સંબોધન છે. તેમાં મુખ્ય દસ : ધનંજય (સ્થૂળ અને સૂક્ષ્મ ધનસંપત્તિના વિજેતા), વિજય (સંગ્રામમાં સદૈવ વિજયી), શ્વેતવાહન (સફેદ ઘોડા જોડેલા રથવાળા), ફાલ્ગુન (ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સહિત પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ફાગણ માસમાં જન્મ થયેલો), કિરીટી (ઇન્દ્રે દિવ્ય કિરીટ મસ્ત કે મૂકેલો તેથી), બીભત્સુ (1. યુદ્ધમાં કદી નિંદ્ય કર્મ ન કરે; 2. યુદ્ધમાં શત્રુહરોળોને ભેદવાની ઇચ્છા રાખનાર), સવ્યસાચી (ડાબા હાથથી પણ ગાંડીવ ચલાવી શકનાર), અર્જુન (1. દુર્લભ દીપ્તિવાળો વર્ણ ધરાવનાર; 2. સર્વત્ર સમભાવી; 3. શુદ્ધ કર્મ કરનાર), કૃષ્ણ (ચિત્તાકર્ષક કૃષ્ણ વર્ણ હોઈ પિતા પાંડુએ આ નામ આપેલું), જિષ્ણુ (વિજેતા વીર).

આ ઉપરાંત મહત્વનાં કેટલાંક નામ : ગુડાકેશ (1. નિદ્રાજિત; 2. વાંકડિયા વાળવાળા), કૃષ્ણસારથિ (જેના સારથિ શ્રીકૃષ્ણ છે તે), કૃષ્ણનેત્ર (જેના નેતા કૃષ્ણ છે તે), પ્રભંજનસુતાનુજ (વાયુપુત્ર ભીમના નાના ભાઈ), તાપત્ય (સૂર્યપુત્રી તપતીના વંશજ).

ઉપર્યુક્ત નામો સિવાય ઐન્દ્રી, ભારત, ભીમસેનાનુજ, બૃહન્નલા, કે બૃહન્નડા, શાખામૃગધ્વજ, કપિધ્વજ, શક્રનન્દન, ગાંડીવભૃત્, ગાંડીવધન્વા, કૌન્તેય, પાર્થ, કૌરવ, કૌરવશ્રેષ્ઠ, પાંડવ, પાંડુનંદન, પૌરવ, સુરસૂનુ, ત્રિદશેશ્વરાત્મજ, વાનરધ્વજ અને બીજાં અનેક નામ અને સંબોધન મહાભારતમાં મળે છે.

અર્જુનના રથનું નામ ‘ગરુડપુરાણ’માં નંદિઘોષ આપેલું છે.

ઉ. જ. સાંડેસરા