અરાળુ-બરાળુ (1973) : કન્નડ કાવ્યકૃતિ. કન્નડના ખ્યાતનામ કવિ સીતારામૈયાકૃત અને 1973નો શ્રેષ્ઠ કન્નડ પુસ્તકનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પામેલા આ કાવ્યસંગ્રહમાં 51 રચનાઓ છે. તેમાં વિષય અને કાવ્યરીતિનું પ્રચુર વૈવિધ્ય છે. સીતારામૈયાનું કન્નડ કાવ્યસાહિત્યમાં સૌંદર્યના ગાયક તરીકે અનન્ય સ્થાન છે. તેમના પ્રથમ કાવ્યમાં જ એમણે કહ્યું છે : ‘‘જગતની ગરીબી ખોરાક કે કપડાંની અછતને કારણે નથી, પણ ભાવો, આકાંક્ષાઓ અને વિચારની અછતને કારણે છે.’’ વ્યક્તિગત સુખ કે શાંતિમાં સૌંદર્ય નથી, પણ સર્વના સુખમાં પોતાના સુખને જોવું અને બધાંની શાંતિમાંથી શાંતિની પ્રેરણા પામવી એ જ સાચી સૌંદર્યપ્રીતિ છે એમ તેમનું કહેવું છે. તેમની આ દૃષ્ટિને કેટલાકે અશક્ય આદર્શો કહીને તેમની કવિતાને વાસ્તવિકતાથી દૂર જનારી કહી છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં થઈ રહેલા મૂલ્યોના હ્રાસ તરફ એમનો આક્રોશ અનેક કાવ્યોમાં જોશીલી વાણીમાં વ્યક્ત થયેલો છે.

એચ. એસ. પાર્વતી