અભયદેવસૂરિ (પ્રથમ) (ઈ. 10મી સદી) : રાજગચ્છના પ્રસિદ્ધ વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી વંશના સ્થાપક રાજવી મૂળરાજ(942-997)ના સમકાલીન હતા. તેમણે સિદ્ધસેન દિવાકરે રચેલા ‘સન્મતિપ્રકરણ’ ઉપર ‘તત્વબોધવિધાયિની’ નામની ટીકા રચી હતી. (આ ટીકા ‘વાદમહાર્ણવ’ નામથી પણ પ્રસિદ્ધ છે.) આ દાર્શનિક સાહિત્યકૃતિથી તેઓ ‘તર્કપંચાનન’ અને ‘ન્યાયવનસિંહ’ જેવાં બિરુદો પામ્યા હતા. માલવપતિ મુંજની સભામાં તેમના શિષ્ય ધનેશ્વરસૂરિ માન્ય વિદ્વાન હતા.

અભયદેવસૂરિ (બીજા) (1016-1079) : આચાર્ય જિનેશ્વરસૂરિના શિષ્ય અને જૈન આગમોના નવાંગી વૃત્તિકાર વિદ્વાન. આચાર્ય જિનેશ્વરસૂરિએ ધારાનગરીમાં ત્યાંના શેઠ ધનદેવના પુત્ર અભયકુમારને દીક્ષા આપી તેને ‘અભયદેવમુનિ’ નામ આપ્યા પછી યોગ્યતા પ્રાપ્ત થતાં તેમને આચાર્યપદ મળ્યું, અને તેઓ ‘અભયદેવસૂરિ’ના નામથી ઓળખાયા. તેઓ 11મી સદીમાં સોલંકી રાજવી ભીમદેવ 1લાના સમકાલીન હતા. તેમણે નવ અંગઆગમો ઉપર ટીકાઓ રચી, તેથી તેઓ ‘નવાંગીવૃત્તિકાર’ તરીકે ઓળખાયા. તેમના આ કાર્યમાં તેમના અનેક વિદ્વાન શિષ્યો-પ્રશિષ્યોએ મદદ કરી હતી. તેમણે એ બધાનાં નામોનો ઉલ્લેખ ગ્રંથને અંતે આવતી પ્રશસ્તિઓમાં કર્યો છે. એવી એક કથા છે કે, તેઓ આ વૃત્તિઓના રચનાકાલ દરમિયાન આયંબિલ વગેરે તપ કરતા, રાત્રે ઉજાગરા વેઠતા અને ખૂબ મહેનત કરતા. તેમને કોઢ થયો હતો. તે દૂર કરવા માટે તેમણે સેઢી નદીના કિનારે થાંમણા ગામના એક વૃક્ષ નીચે જિનેશ્વરની મૂર્તિ હતી તેને ‘જ્યતિહુઅણસ્તોત્ર’ની રચના કરીને પ્રગટ કરી હતી તથા થાંમણામાં સ્તંભન પાર્શ્વનાથનું મંદિર બંધાવી એ મૂર્તિને ત્યાં સ્થાપિત કરી હતી.

તેમનું ટીકાસાહિત્ય વિપુલ છે. કેટલીક ટીકાઓમાં તેમણે સમાપનકાલનો સંકેત પણ કર્યો છે. સ્થાનાંગની વૃત્તિના 14,250 શ્લોક છે. તેનું સમાપન અજિતસિંહસૂરિના શિષ્ય યશોદેવગણિની મદદથી 1064માં પાટણમાં થયું; સમવાયાંગની વૃત્તિ 3,575 શ્લોકમાં, આનું સમાપન પણ 1064માં થયું; વ્યાખ્યાપ્રજ્ઞપ્તિવૃત્તિ, 18,616 શ્લોક, સમાપ્તિકાળ 1072; જ્ઞાતાધર્મકથાવૃત્તિ, 3,800 શ્લોક; સમાપન 1064; ઉપાસકદશાંગવૃત્તિ 812 શ્લોક, અન્તકૃદ્દશાવૃત્તિ 899 શ્લક; પ્રશ્નવ્યાકરણવૃત્તિ : 4,600 શ્લોક; વિપાકવૃત્તિ, 900 શ્લોક. વળી, જિનભદ્રગણિવિરચિત વિશેષાવશ્યકભાષ્ય ઉપર ટીકા, આચાર્ય હરિભદ્રસૂરિવિરચિત ષોડશક પર ટીકા, દેવેન્દ્રસૂરિવિરચિત શતારિપ્રકરણ પર ટીકા, આચાર્ય હરિભદ્રસૂરિવિરચિત પંચાસક ગ્રંથ પર ટીકા, નિગોદષટ્ત્રિંશિકા પંચગ્રંથવિચારસંગ્રહણી તથા પુદ્ગલષટ્ત્રિંશિકા ઇત્યાદિ ગ્રંથોની રચના કરીને તેમણે સાહિત્યની અભિવૃદ્ધિ કરી છે. ગુજરાતના કપડવંજ ગામમાં તેમનો સ્વર્ગવાસ થયો હતો.

અભયદેવસૂરિ (ત્રીજા) (13મી સદી) : ખરતર ગચ્છના વિદ્વાન આચાર્ય. તેઓ 13મી સદીમાં સોલંકી રાજવી ભીમદેવ બીજાના સમકાલીન હતા. તેમણે ઈ.સ. 1222માં સંસ્કૃતમાં ‘જયંતવિજય મહાકાવ્ય’ની રચના કરી છે. આ કાવ્ય 2,200 શ્લોકોપરિમાણ છે અને 19 સર્ગોમાં વિભક્ત છે. એમાં જયંત નામના રાજવીનું ચરિત્ર આલેખ્યું છે.

દેવેન્દ્ર ભટ્ટ

રૂપેન્દ્રકુમાર પગારિયા