અપચય (catabolism) : જીવંત કોષોમાં ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓનો એક પ્રકાર. તે દરમ્યાનમાં જટિલ અણુઓનું ઉત્સેચકોની મદદથી સાદા અણુઓમાં વિઘટન કે ઉપચયન થાય છે અને શક્તિ પ્રાપ્ત થાય છે. સામાન્યપણે વિમુક્ત કાર્યશક્તિનો ઉપયોગ સજીવોની જૈવ ક્રિયામાં કરવામાં આવે છે. જોકે બધી અપચયી પ્રક્રિયાઓ માત્ર કાર્યશક્તિના વિનિયોગ સાથે સંકળાયેલી નથી. અપચયી પ્રક્રિયાઓને ત્રણ મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય.

  1. પરપોષિત સજીવો (મુખ્યત્વે પ્રાણીસૃષ્ટિના સભ્યો) સંકીર્ણ સ્વરૂપના ખોરાકનું ગ્રહણ કરી, અપચયી પ્રક્રિયા દ્વારા તેને સાદા સ્વરૂપમાં ફેરવે છે. મોટાભાગના આ અણુઓ ગ્લુકોઝ જેવા એકલક કાર્બોદિતો, એમીનો ઍસિડો અને મેદ અમ્લોના બનેલા હોય છે. તદુપરાંત ન્યૂક્લીઇક ઍસિડોના વિઘટનથી પ્યુરીન, પિરિમિડીન, ફૉસ્ફૉરિક ઍસિડ, રાઇબોઝ અને ડીઑક્સિરાઇબોઝ અણુઓનું વિમોચન થાય છે.
  2. કાર્યશક્તિના વિમોચન સાથે સંકળાયેલી પ્રક્રિયામાં સૌપ્રથમ ગ્લુકોઝ જેવા કાર્બોદિત અણુનું ક્રમવાર વિઘટન અજારક પ્રક્રિયાને અધીન થતાં, પ્રત્યેક અણુદીઠ પાયરૂવિક ઍસિડના બે અણુઓ નિર્માણ પામે છે. બીજા તબક્કામાં ક્રમશ: કાર્યશક્તિના વિમોચન સાથે ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટનથી CO2 અને H2Oના અણુઓ વિમુક્ત થાય છે. કાર્યશક્તિના વિમોચનથી NADH2 જેવા ઉચ્ચ કાર્યશક્તિક અણુઓ બંધાય છે. જારક શ્વસનપ્રક્રિયાને અધીન NADH2માં રહેલ કાર્યશક્તિની મદદથી, કાર્યશક્તિનું ચલન કહી શકાય. NADH2ના ATPના અણુઓનું ઉત્પાદન થાય છે. સજીવોમાં થતી પ્રક્રિયાઓ ATPમાંથી મુક્ત થયેલી કાર્યશક્તિને અધીન થતી હોય છે.
  3. લયજનક (lysogenic) પ્રક્રિયા દ્વારા પ્રાણીકોષો મૃત કોષો, ઈજા પામેલા કોષો અને શરીરમાં પ્રવેશેલ હાનિકારક તત્ત્વોનું વિઘટન કરે છે. લાયસોઝોમ ઉત્સેચકો શરીરમાં પ્રવેશેલ બૅક્ટેરિયાની દીવાલનું ખંડન કરે છે. લયજનક પ્રક્રિયા માટે અગત્યના એવા જલાપઘટની (hydrolytic) ઉત્સેચકો કોષાંતર્ગત લયનકાયો(lysosomes)માં આવેલા છે. વનસ્પતિકોષોમાં લયનકાયો સાથે સરખાવી શકાય તેવા ગોલકાયો (spherosome) નામે ઓળખાતી અંગિકાઓ આવેલી છે. આ બંને અંગિકાઓમાં આવેલા ઘણા ઉત્સેચકો એકસરખા હોય છે. જોકે વનસ્પતિકોષોમાં થયેલ અપચયી પ્રક્રિયાને અધીન વિમુક્ત થયેલા અણુઓને કોષમાં સંઘરવામાં આવે છે અને સંગૃહીત ઘટકોના ઉપયોગ વડે વનસ્પતિ પોતાની વૃદ્ધિ સાધે છે.

મ. શિ. દૂબળે

રા. ય. ગુપ્તે
પ્રમોદ રતિલાલ શાહ