અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.)

January, 2001

અન્સારી, મુખ્તાર અહમદ (ડૉ.) (જ. 25 ડિસે. 1880, યુસૂફપુર. ઉત્તરપ્રદેશ; અ. 10 મે 1936, ન્યુ દિલ્હી) : ભારતના એક રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા. પિતાનું નામ હાજી અબ્દુલ રહેમાન અને માતાનું નામ ઇલ્હાનબીબી. લગ્ન 1899માં શમ્સુન્નિસા બેગમ સાથે થયેલું. મદ્રાસ મેડિકલ કૉલેજના સ્નાતક થયા બાદ તેઓ નિઝામ સ્ટેટ શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા અને 1903માં એલ.આર.સી.પી. તથા એમ.આર.સી.પી.ની ઉપાધિ મેળવ્યા બાદ 1905માં તેમણે એમ.ડી. અને એમ.એસ.ની ઉપાધિ પ્રથમ સ્થાને રહી મેળવી. આથી લંડનની એક હૉસ્પિટલમાં રજિસ્ટ્રાર તરીકે નિમાયા. આ સ્થાન મેળવનારા તેઓ પ્રથમ હિંદી હતા. 1900-1910ના ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન તેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના મંત્રી અને પાછળથી પ્રમુખ બન્યા. લંડનમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય નેતાઓ મોતીલાલ નહેરુ, હકીમ અજમલખાન અને યુવાન જવાહરલાલ નહેરુના સંપર્કમાં આવ્યા હતા. 1910માં તેઓ ભારત પાછા ફર્યા. દિલ્હીમાં તેમણે ડૉક્ટર તરીકે સેવા આપવાનું આરંભ્યું. મુસ્લિમ લીગ અને રાષ્ટ્રીય કૉંગ્રેસ વચ્ચે 1916માં પ્રતિનિધિત્વ માટે થયેલા કરારમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમણે મુસ્લિમ લીગના પ્રમુખ તરીકે 1918 તથા 1920માં કામ કર્યું હતું અને કૉંગ્રેસના પણ તેઓ મહામંત્રી તરીકે કેટલાંક વર્ષો રહી 1927માં તેઓ મદ્રાસની કૉંગ્રેસ બેઠકના પ્રમુખપદે હતા. મહાત્મા ગાંધીજી દિલ્હીમાં અન્સારીના ‘દારુસ્સલામ’ ભવનમાં ઊતરતા. તેમણે જામિયા મિલિયા ઇસ્લામિયા (ન્યૂ દિલ્હી) અને કાશી વિદ્યાપીઠ(બનારસ)ની સ્થાપનામાં ખૂબ રસ લીધો હતો. 1928-1936 દરમિયાન તેઓ જામિયા મિલિયાના કુલપતિ તરીકે રહ્યા હતા. 1930-32માં તેમણે ભારતીય સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લેવા બદલ જેલવાસ ભોગવેલો. તેમણે ‘ધ રીજનરેશન ઑવ્ મેન’ (1935) નામનો આયુર્વિજ્ઞાનનો ગ્રંથ રચ્યો છે.

કૃષ્ણવદન જેટલી