અન્સારી, મોહમ્મદ હમિદ

January, 2001

અન્સારી, મોહમ્મદ હમિદ (જ. 1 એપ્રિલ 1937, કોલકાતા) : ઑગસ્ટ, 2007થી ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને ડિપ્લોમેટ, શિક્ષણકાર અને લેખક. તેમના દાદા એમ. એ. અન્સારી 1927માં કૉંગ્રેસ પ્રમુખ હતા. આમ પરાપૂર્વથી આ કુટુંબ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતું.

Mohammad Hamid Ansari

અન્સારી, મોહમ્મદ હમિદ

સૌ. "Mohammad Hamid Ansari" by MEAphotogallery | CC BY 2.0

તેમણે ઉચ્ચ શિક્ષણ સેંટ ઝેવિયર્સ કૉલેજ કોલકાતા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે મેળવ્યું. 1961માં ભારતીય વિદેશ સેવામાં જોડાઈને તેમણે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. ઓછાબોલાપણાનો ગુણ તેમના વ્યક્તિત્વનું વિશેષ પાસું છે. યુનાઇટેડ આરબ અમીરાત, અફઘાનિસ્તાન, ઈરાન અને સાઉદી અરેબિયામાં તેમણે ભારતના એલચી તરીકે કામગીરી બજાવી છે. ઑસ્ટ્રેલિયામાં તેઓ ભારતના ઉચ્ચાયુક્ત હતા. માર્ચ, 2007થી લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય પંચના અધ્યક્ષપદે તેઓ સેવાઓ આપી રહ્યા છે. તેઓ યુનો ખાતે ભારતના કાયમી પ્રતિનિધિની ફરજો બજાવે છે.

નિવૃત્તિ બાદ તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલાધિપતિ નિમાયા હતા. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વેસ્ટ એશિયન અને આફ્રિકન સ્ટડી સેન્ટરના મુલાકાતી પ્રાધ્યાપક તેમજ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં એકૅડેમી ફૉર થર્ડ વર્લ્ડ સ્ટડીઝના મુલાકાતી પ્રાધ્યાપક તરીકે તેમણે ફરજો બજાવી છે.

યુનાઇટેડ પ્રોગ્રેસિવ સંગઠનના નેતા સોનિયા ગાંધીએ ડાબેરી સામ્યવાદી પક્ષના મંતવ્યને દૃષ્ટિમાં રાખી આ બૌદ્ધિક મુસ્લિમ વ્યક્તિત્વની પસંદગી ઉપરાષ્ટ્રપ્રમુખના પદ માટે કરી છે.

રાજ્યસભાના 245 અને લોકસભાના 545 સભ્યોના બનેલા મતદારમંડળ દ્વારા તેમની ચૂંટણી કરવામાં આવી છે. એક મત પરિવર્તન પદ્ધતિની પ્રમાણસર પ્રતિનિધિત્વની પ્રથા દ્વારા તેમની ચૂંટણી થઈ છે.

1984માં તેમને ‘પદ્મશ્રી’નું સન્માન આપવામાં આવ્યું હતું.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના તેઓ નોંધપાત્ર ફેલો રહ્યા છે. ‘ઈરાન ટુ ડે  ટ્વેન્ટી યર્સ આફટર ધ ઇસ્લામિક રેવૉલ્યૂશન’ ગ્રંથનું તેમણે સંપાદન કર્યું છે. પશ્ચિમ એશિયાના રાજકારણ અંગે તેમનાં અનેક સંશોધન-પેપરો અને લેખો પ્રસિદ્ધ થયા છે. ઑઇલ ડિપ્લોમસીના ભાગ રૂપે ભારત સરકાર વિદેશોમાં તેલ અને વાયુ ક્ષેત્રે જે વિશેષ કામગીરી કરે છે તેની સલાહકાર સમિતિના તેઓ અધ્યક્ષ છે.

લઘુમતીઓના પંચના અધ્યક્ષ તરીકે તેમણે એક 3 સભ્યોની બનેલી ટીમ અમદાવાદ ખાતે મોકલી હતી; જેથી ગુજરાતના મુસ્લિમોની સાચી પરિસ્થિતિનો ક્યાસ કાઢી શકાય. આવી બીજી એક ટીમ પરિસ્થિતિની જાત-તપાસ માટે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પણ મોકલાઈ હતી.

તેઓ એક એવું વ્યક્તિત્વ ધરાવે છે, જેમાં રાજનીતિજ્ઞ અને શિક્ષણકારનો સુભગ સમન્વય થયેલો છે.

રક્ષા મ. વ્યાસ