અનૌરસતા અને અનૌરસ સંતાન

January, 2001

અનૌરસતા અને અનૌરસ સંતાન : લગ્નેતર સંબંધ દ્વારા સ્ત્રી-પુરુષના દેહસંબંધથી જન્મતાં સંતાન. બધા જ સમાજ/સમુદાયોમાં માન્ય ધોરણો કે કાયદા પ્રમાણે પુરુષ અને સ્ત્રી લગ્ન બાદ સંતાનોને જન્મ આપે તે સંતાનો જ ઔરસતા કે કાયદેસરતા ધરાવે છે. પુરુષ-સ્ત્રીનાં આ સિવાયનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા અને કાયદેસરતા આપતો નથી. તેઓ અનૌરસ ગણાય છે. આમ પરિણીત કે અપરિણીત પુરુષ કે સ્ત્રી લગ્ન પહેલાં, લગ્ન બાદ કે લગ્ન સિવાય જ અન્ય સ્ત્રી કે પુરુષ સાથે દેહસંબંધ ધરાવે, તો તેમાંથી જન્મતાં સંતાનો અનૌરસ ગણાય છે. બધા સમાજોમાં સંતાનોની કાયદેસરતાનાં કોઈ ને કોઈ સ્વરૂપના નિયમો, ધોરણો કે કાયદા અસ્તિત્વ ધરાવે છે એમ મેલિનોવસ્કીએ દર્શાવ્યું છે.

કુટુંબમાં જન્મતા બાળકનો સમાજમાં ઓળખ, સામાજિક સ્થાન મળે છે. તેનું નામ, વંશ, વારસો ઇત્યાદિ નિશ્ચિત થતાં હોય છે, જ્યારે અનૌરસ સંતાનોનું સમાજમાં સ્થાન નિશ્ચિત કરવામાં ગોટાળો ઊભો થાય છે. વળી તેમનું સમાજીકરણ પણ મુશ્કેલીમાં મુકાય છે. કેમ કે આવાં સંતાનોનાં માતા કે પિતા હમેશાં નક્કી કરી શકાતાં નથી. તેમને સંતાન તરીકેના અધિકાર કે હક્ક મળતા નથી. ઘણી વાર આવાં સંતાનો નિરાધાર, અનાથ બને છે, અથવા તો સમાજનો બહિષ્કાર વહોરીને લાંછન સાથે જીવન જીવતી ત્યક્તા, વિધવા કે કુંવારી માતાના સંતાન તરીકે જીવે છે ને આર્થિક તથા ઇતર મુશ્કેલીમાં ઊછરે છે. આ સંજોગો બાળકના વિકાસની દૃષ્ટિએ પ્રતિકૂળ છે. નિરાધાર અનાથ બાળકો આશ્રય વગર રઝળે છે, ઘણી વાર અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાય છે ને અપરાધી બને છે.

અનૌરસતા વિવિધ સ્વરૂપે જોવા મળે છે. સમાજમાં સમસંગમ એટલે કે માતા-પુત્ર, પિતા-પુત્રી કે ભાઈ-બહેન વચ્ચેના ત્યાજ્ય ગણાતા જાતીય સંબંધોથી જન્મતી સંતતિ સમાજના સૌથી વધુ દોષ, તિરસ્કાર અને બહિષ્કારનો ભોગ બને છે. કેમ કે આવા સંબંધોનું અસ્તિત્વ કુટુંબમાં અંધાધૂંધી સર્જે છે. (આવાં બાળકો આનુવંશિક વિકૃતિવાળાં જન્મવાની સંભાવનાઓ વધારે હોય છે એમ જીવશાસ્ત્ર પણ દર્શાવે છે.) તેમનાં ઓળખ, સ્થાન તથા સમાજીકરણમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. બીજી તરફ લગ્ન પહેલાં અને સગાઈ પછીના સમયાવધિમાં જાતીય સંબંધ ધરાવનાર સ્ત્રી-પુરુષનાં સંતાન પૂરેપૂરાં કાયદેસરનાં તો ન જ ગણાય. છતાં પાછળથી લગ્ન થતાં તેમને કાયદેસરતા મળે છે. એટલે કે તે તરફનો સમાજનો રોષવિરોધ હળવો રહે છે. પરણેલી સ્ત્રીના અન્ય પુરુષો સાથેના સંબંધથી જન્મતું બાળક તથા પરિણીત પુરુષની રખાતનાં સંતાન પણ અનૌરસ ગણાય છે. તેમનું સ્થાન અને સામાજિક સ્વીકૃતિ ઉપર જણાવેલ બે પ્રકારોની અધવચ રહે છે. સાધુસાધ્વી કે પાદરી જેવાં આજીવન બ્રહ્મચર્યનો અંગીકાર કરે એવી સમાજમાં અપેક્ષા હોય છે. તેમનાં અન્ય પુરુષ/સ્ત્રીથી થતાં સંતાન પણ અનૌરસ ગણાય છે ને સમાજના તીવ્ર તિરસ્કાર/બહિષ્કારનો ભોગ બને છે. ચુસ્ત ધર્મ અને જ્ઞાતિના વાડાવાળો સમુદાય અન્ય ધર્મ/જ્ઞાતિના સ્ત્રી કે પુરુષ સાથેના સબંધમાંથી જન્મતા બાળકનો અનૌરસ ગણે છે. ઉચ્ચવર્ગ/જ્ઞાતિની સ્ત્રીના, નિમ્નવર્ગ/જ્ઞાતિના પુરુષ સાથેના લગ્નબહારના સંબંધોમાંથી જન્મેલા સંતાન તરફ તીવ્ર રોષ અને અસ્વીકૃતિ વ્યક્ત થાય છે જ્યારે તેનાથી વિરુદ્ધ પ્રકારના સંબંધોમાંથી જન્મેલ સંતતિ અનૌરસ ગણાય છે. પરંતુ તેની પ્રત્યેનો સમાજનો રોષ કે તિરસ્કાર હળવો હોય છે. આમ, અનૌરસતાનાં વિવિધ પ્રકારો કે સ્વરૂપો તરફ સમાજની અસ્વીકૃતિ કે અસંમતિની માત્રા વત્તીઓછી હોય છે.

અનૌરસતા તરફનું આધુનિક સમાજોનું વલણ ઉદાર અને સહિષ્ણુ રહ્યું છે. અનૌરસ સંતાનોનો કોઈ દોષ નથી. તેમને યોગ્ય રીતે ભરણપોષણ, રક્ષણ, શિક્ષણ ને વિકાસનો હક-અધિકાર મળવો જોઈએ એવું વલણ આધુનિકો ધરાવે છે. અનાથ, નિરાધાર સંતાનોના ઉછેર ને વિકાસ માટે અનાથાશ્રમ જેવી સંસ્થાઓ વિકાસ પામી છે.

વળી, આધુનિક સમાજમાં સંતતિનિયમન તથા ગર્ભપાત ઠીક ઠીક સ્વીકૃતિ પામતાં જાય છે તેથી અનૌરસ સંતાનોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

અનૌરસ સંતાનમાં અવેજી (surrogate) માતૃત્વ અપવાદ રૂપે ગણવામાં આવે છે. આધુનિક સમયમાં બધા દેશોમાં ઘણુંખરું તે જોવા મળે છે. તેના ઉદભવમાં નૈતિક અને આર્થિક કારણો મુખ્ય હોય છે. તે મુખ્યત્વે ગરીબોમાં તથા પશ્ચિમી સમાજોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે; જોકે કોઈ પણ સમાજ કે તેનો વર્ગ તેનાથી બાકાત હશે કે કેમ એ પ્રશ્ન છે. જ્યાં એકપત્નીત્વ નીતિમત્તાનું લક્ષણ નથી ગણાતું, ત્યાં પણ અનૌરસ સંતાનો જોવા મળે છે. સત્તા અથવા ધનને કારણે સમાજથી પોતાને પર ગણતી વ્યક્તિઓ અને પોતાને અતિ-આધુનિક ગણતી ભારતીય વ્યક્તિઓ પણ અનૌરસ સંતાન સર્જતા જૂથમાં સમાવેશ પામે.

માતાપિતાનાં પાપ સંતાને ભોગવવાં જોઈએ તેવી પુરાણી માન્યતાને લીધે કાયદો પણ આવાં બાળકોને ઔરસ બાળકોને મળતા બધા અધિકારો આપતો નથી. જોકે રશિયા જેવા દેશોને આવો સિદ્ધાંત અસ્વીકાર્ય હોઈ ત્યાં બધાં બાળકો કાયદેસર અને સમાન હકવાળાં ગણાય છે. ભારતમાં અનૌરસ બાળકને ભરણપોષણનો હક મળે છે. ઉપરાંત હિન્દુ વારસાધારાની કલમ-8 તથા કલમ-15 મુજબ તેનાં પિતા તથા માતાની મિલકતમાં વારસાહક મળે છે. પરંતુ જો વડીલોપાર્જિત મિલકત બાબતમાં સમાંશિત સમૂહ (co-parcenary) ચાલુ હોય તો અનૌરસ સંતાનને સમાંશિત ભાગીદાર તરીકેનો હક મળતો નથી. મુસ્લિમ કાયદા પ્રમાણે સુન્ની અનૌરસ બાળકનો માતાની મિલકતમાં વારસાહક મળે છે પણ પિતાની મિલકતમાં મળતો નથી. શિયા પંથના અનૌરસ બાળકનો મા કે બાપની મિલકતમાં વારસાહક મળતો નથી.

ઉષા કાન્હેરે

જતીન વૈદ્ય
છોટાલાલ છગનલાલ ત્રિવેદી