અજમોદાદિ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધ. બોડી અજમો, વાવડિંગ, સિંધાલૂણ, દેવદાર, ચિત્રક, પીપરીમૂલ, સુવાદાણા, લીંડીપીપર અને મરી દરેક એક ભાગ, હરડે પાંચ ભાગ, વરધારો દસ ભાગ અને સૂંઠ દસ ભાગ લઈ એકત્ર ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરવામાં આવે છે. આ ચૂર્ણમાંથી 2થી 5 ગ્રામ જેટલું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી હાથપગના સોજા, આમવાત, સંધિવાત, રાંજણ, કમરનું શૂળ, પડખાંનું શૂળ, ગુદશૂળ, જંઘાશૂળ વગેરે રોગોમાં આરામ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા