અજમોદ, અજમોદા : દ્વિદળી વર્ગના ઍપિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Apium graveolens Linn. var. duke DC. (સં. હિં. મ. अजमोदा, ક. અજમોદ; ગુ. અજમોદ, બોડી અજમો; અં. ગાર્ડન સે’લરી) છે. આર. એન. સુતરિયા (1958) તેને Carum પ્રજાતિમાં મૂકે છે.

બીજ દવામાં અને પર્ણો કચુંબર તરીકે વપરાય છે. તે મુખ્યત્વે ઉગાડાતો પાક (cultivated crop) છે. તેની આશરે ચાલીસ જેટલી જાતો ઉગાડવામાં કે વાવવામાં આવે છે. દરેક જાતના પાનમાં નહિવત્ ફેરફારો જોવા મળે છે. ઘણી સરખી જાતોને એકઠી કરીને થોડાં જૂથમાં પણ સમાવેલી છે. હિમાલયના ઉચ્ચ પર્વતીય પ્રદેશોના ઢોળાવ ઉપર કુદરતી વનસ્પતિ રૂપે ક્વચિત્ મળે છે. તે એકથી દ્વિવર્ષાયુ છોડ છે. ઠંડા પ્રદેશોમાં એક જ વર્ષમાં બીજ ધારણ કરે છે. હિંગ, ગાજર, વરિયાળી, જીરું, ધાણા, સુવા, બાફણી, અનીસુવ, અજમો, બ્રાહ્મી વગેરે તે કુળનાં સહસભ્યો છે. તે વનસ્પતિનું દરેક અંગ સુગંધિત ગ્રંથિઓ (glands) ધરાવે છે.

અજમોદ અજમાની એક જાતિ છે. તે છોડની ઊંચાઈ આશરે એક મીટર જેટલી હોય છે. રસભરી દાંડીવાળાં તે અતિ વિભક્ત પાન ધરાવે છે. તેને ધોળા રંગનાં બારીક ફૂલો છત્રક(umbel)માં આવે છે. વજ્ર (calyx) બીજાશય(ovary)ની દીવાલ સાથે જોડાયેલું હોય છે અને તેની ઉપર બિમ્બ કે તકતી (disc) આવેલી હોય છે. બીજાશયમાં લટકતાં બે અંડકો દોરા જેવી મધ્ય ધરીની ટોચેથી ઝૂલતાં હોય છે.

Apium graveolens

અજમાનો છોડ

સૌ. "Apium graveolens var. rapaceum flowering" by Rasbak | CC BY 2.0

કોથમીર કે ધાણાની જેમ દાળશાકમાં કે રસોઈની અન્ય બનાવટોમાં લહેજત લાવવા વપરાય છે. તેનાં બીજ બોડી અજમાના નામે ગાંધીની દુકાને વેચાય છે. તેનાં પાન સેલાડ તરીકે ધોઈને તાજાં ખાઈ શકાય છે.

આયુર્વેદ અનુસાર તે વીર્યવર્ધક, બલપ્રદ, શૂલઘ્ન, વાતઘ્ન હોવા ઉપરાંત દીપન અને પાચનના ગુણો ધરાવે છે. ‘આર્યભિષક્’માં શૂળ, અતિસાર, અજીર્ણ, જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે, વાયુનો નાશ કરવા માટે અને જીર્ણ જ્વર, શરદી, ટાઢ વગેરે ઉપર તેનો દવા તરીકે ઉપયોગ વર્ણવેલો છે.

શોભન વસાણી

સરોજા કોલાપ્પન