અજયપાલ : ગુજરાતના સોલંકી વંશના રાજા કુમારપાલનો ભત્રીજો અને ઉત્તરાધિકારી (1172–1176). એ પરમ માહેશ્વર હતો. જૈન પ્રબંધોમાં એને જૈનધર્મવિરોધી નિરૂપ્યો છે. તેણે શાકંભરીના રાજા સોમેશ્વરને વશ કરીને કર આપતો કર્યો હતો, એ તેનું વિશિષ્ટ પરાક્રમ ગણાયું છે. અજયપાલને મેવાડના રાજા સામંતસિંહ સાથે સંઘર્ષ થયેલો. અજયપાલ ભીલસા તથા નર્મદાતટ પ્રદેશ પર સત્તા ધરાવતો. એના અભિલેખ 1173 અને 1175ના મળ્યા છે. એને બે પત્ની હતી – નાઇકદેવી અને કર્પૂરદેવી, અને બે પુત્ર હતા – મૂલરાજ અને ભીમદેવ.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી