અગિયારી : જરથુસ્ત્ર ધર્મનું પવિત્ર સ્થળ. અગિયારીના, તેમના પવિત્ર અગ્નિ(આતશ)ના પ્રકારો મુજબ ત્રણ દરજ્જા છે : ‘આતશે દાદગાહ’, ‘આતશ-એ-આદરાન’ અને ‘આતશે બહેરામ’. આતશની સેવા માટે નિયુક્ત થયેલા દસ્તૂર (ધર્મગુરુ) સિવાય કોઈ જઈ શકતા નથી. અગિયારીની અંદર દર્શન કરવા માટે અન્ય ધર્મીઓને છૂટ હોતી નથી.

સોની, લુહાર અને કુંભારની ભઠ્ઠીઓનો અગ્નિ એકત્ર કરીને તેના ઉપર જરથોસ્ત્ર સંપ્રદાય મુજબનો ધાર્મિક વિધિ કરીને એક પ્યાલાના આકારના મૂલ્યવાન ધાતુપાત્રમાં આ સિદ્ધાગ્નિની સ્થાપના કરવામાં આવે છે. ખાસ કરીને ‘આતશે બહેરામ’ની અંદર વિદ્યુતાગ્નિ રહેલો છે. તેથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. અગિયારીની અંદરનો અગ્નિ બુઝાઈ જાય તેને અનિષ્ટસૂચક માનવામાં આવે છે.

અગિયારીનું મકાન મોટેભાગે વિશાળ ચોગાનમાં, માળ વિનાની, ધાબા કે નળિયાના વિતાનવાળી બેઠી બાંધણીની ઇમારત હોય છે. એમાં પ્રવેશતાં વરંડો હોય છે જેમાં અગિયારીને લગતો શિલાલેખ ચોડેલો હોય છે. અગિયારીની અંદરની રચનામાં એક બાજુ કેબલો (મુખ્ય અગ્નિખંડ) હોય છે જેમાં ઊંચા તખ્ત પર મુખ્યત્વે આરસના આફ્રિન્ગાન્યા ઉપર પવિત્ર આતશ પાંચે પ્રહર સત્કાર પામતો હોય છે. કેબલાની બાજુનો ખંડ મુક્તાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાં ફરોહરની આરાધના કરવામાં આવે છે. કેબલાની સામે વિશાળ પ્રાર્થનાખંડ હોય છે જેમાં જશન એટલે કે હોમહવન કરવામાં આવે છે. પુરાણા રિવાજને અનુસરીને ‘હમદીનો’ ખુદા સાથે એકતાન થઈ શકે, પવિત્ર આતશ સાહેબ સાથે દિલ લગાડી શકે અને કોઈ શોભા કે સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગિયારીમાં સાદાઈ રખાય છે. અલબત્ત, પ્રાર્થનાખંડમાં પારસી કોમમાં થયેલા પ્રેરણાદાયી પુરુષોની છબીઓ ટાંગવામાં આવે છે. અગિયારીના કંપાઉન્ડમાં જ કશ્તીગાહ (જનોઈ) માટેની જગ્યા, કાઠી ભંડાર અને દસ્તૂર, પંથકી કે મોબેદને રહેવાનું મકાન અને ક્વચિત્ પારસી પંચાયતનું મકાન પણ કરાય છે.

હેમન્તકુમાર શાહ