અગોરા : પ્રાચીન ગ્રીસનાં શહેરોમાં જાહેર મિલનસ્થાન કે નાગરિકોની પ્રવૃત્તિઓ માટે રાખવામાં આવતી ખુલ્લી જગ્યા, ચૉક (square). આનો પ્રથમ ઉલ્લેખ ગ્રીક મહાકવિ હોમરની કૃતિઓમાં છે. ઈ. સ. પૂર્વે પાંચમી સદીમાં ગ્રીક લોકોના રોજિંદા જીવનનું તે કેન્દ્ર બની રહેલું. શહેરની વચ્ચે અથવા બંદર પાસે જ્યાં જાહેર મકાનો અને દેવળો હોય ત્યાં આ ચૉક હોય. સામાન્ય રીતે તેનો આકાર સમચોરસ રખાતો, જેનો બજાર તરીકે પણ ઉપયોગ થતો. પાછળથી ગ્રીક લોકોએ તેને ધાર્મિક કેન્દ્ર ગણી ત્યાં મંદિરો, વેદીઓ, વૃક્ષો, ફુવારા, પ્રતિમાઓ વગેરે વડે સુશોભિત કરેલું. અગોરાના ઈ. સ. પૂર્વે પાંચમીથી ચોથી સદીમાં બે પ્રકાર હતા : (1) આર્કેઇક અને (2) આયોનિક. એલિસનો અગોરા (ઈ. સ. પૂર્વે 470 પછી બંધાયેલ) પ્રથમ પ્રકારનો છે. આયોનિક અગોરાનો આકાર સમચોરસ કે લંબચોરસ રહેતો. મિલેટસ, પ્રીએન મૅગ્નેશિયા શહેરનો અગોરા-ચૉક બીજા પ્રકારનો અગોરા છે. અગોરાનો ઉપયોગ જુદા જુદા કાળમાં જુદો જુદો થતો. એથેન્સમાં એક્રોપોલિસની પશ્ચિમે ફિનીક્ષ ટેકરી પર સભાઓ ભરાતી. એથેન્સના અગોરામાં દરેક ધંધા કે વેપાર માટે અલગ જોગવાઈ રહેતી. અગોરામાં નાટ્યપ્રવૃત્તિ ચાલતી. કસરતો માટે અખાડા પણ હોય. એથેન્સમાં ભદ્ર સમાજની સ્ત્રીઓ અગોરામાં ભાગ્યે જ દેખાતી. અપવાદરૂપ સંજોગોમાં કોઈ નાગરિકના અનન્ય માનાર્થે અગોરામાં કબર પણ ચણાતી.

કૃષ્ણવદન જેટલી