અકાલી : જેને કાળરહિત પરમાત્મા સાથે સંબંધ છે અથવા જે કાળરહિત પરમાત્માનો ઉપાસક છે તે. શીખ ધર્મમાં આ શબ્દ ખાસ કરીને ‘નિહંગ’ શીખો માટે વપરાય છે. ફારસીમાં નિહંગ શબ્દનો અર્થ થાય છે મગરમચ્છ. એનું તાત્પર્ય છે અત્યંત નિર્ભય વ્યક્તિ. સંસ્કૃત નિ:સંગનો અર્થ છે સંગરહિત, આસક્તિરહિત, વિરક્ત. આ ફિરકો મરજીવા શીખ સૈનિકોનો સંપ્રદાય છે. નિહંગ શીખ મરણની શંકા ત્યજીને અને ધન, માલ, પ્રાણનો મોહ છોડીને શહીદી પ્રાપ્ત કરવા માટે હરહંમેશ તૈયાર રહી ત્યાગી જીવન જીવે છે. શીખ ઇતિહાસમાં એનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. મહારાજા રણજિતસિંહના અનેક વિજય નિહંગોનાં સાહસ અને શૌર્યને આભારી છે. અકાલી ફુલાસિંગનાં પરાક્રમો વિખ્યાત છે. માર્ચ, 1823માં એ વીરગતિ પામ્યા. તેમના સ્મારક રૂપે અમૃતસરમાં ‘બુર્જ બાબા ફુલાસિંગ’ નામનું એક ભવ્ય સ્થાપત્ય ખડું છે. નિહંગ શીખોનું એ પ્રમુખ કેન્દ્ર છે. પશ્ચિમ દિશામાંથી થતાં અફઘાન આક્રમણો સામે લડવું અને હિંદુ કન્યા-સ્ત્રીઓને પરધર્મી આતતાયીઓના હાથમાંથી ઉગારવી એ અકાલીઓનું મહત્ત્વનું કાર્યક્ષેત્ર હતું.

અકાલીઓ નીલ વસ્ત્ર પહેરે છે. શંકુ આકારની પાઘડી બાંધે છે. ચક્ર, કિરપાણ, ભાલા આદિ શસ્ત્રોથી સજ્જ રહે છે.

ઉ. જ. સાંડેસરા