અકાલી દળ (સંપ્રદાય) : ગુરુદ્વારાઓનો વહીવટ શીખ સમાજને હસ્તક મેળવવા માટે 1920ના ડિસેમ્બરમાં સ્થપાયો હતો. ભારતનો સૌથી જૂનો પ્રાદેશિક પક્ષ.

ઈશ્વરની આરાધના એટલે અકાલપુરુષને યાદ કરવા, તે ઉપરથી આ સંપ્રદાયનું નામ અકાલી પડ્યું છે. ગુરુ નાનકદેવના જણાવ્યા મુજબ શીખ લોકો અકાલપુરુષનો જપ કરે છે. ગુરુ નાનકના વિચારો પ્રમાણે આત્મા અમર છે, મૃત્યુ મિથ્યા છે અને સુખદુ:ખ ભાવઆધીન, કાલ્પનિક છે. અકાલી પંથનું દેવસ્થાન ગુરુદ્વારા કહેવાય છે. તેમનું મુખ્ય દેવસ્થાન અમૃતસરમાં આવેલું સુવર્ણમંદિર છે. અકાલીઓ તમાકુના સેવનથી દૂર રહે છે. તેનાથી પતિત થવાય તેમ માને છે. અંગ્રેજો સામેના જંગમાં અકાલીઓએ જલિયાનવાલા બાગમાં અસીમ વીરતા બતાવી હતી. તેઓ તેને ધર્મ માટેની શહાદત માને છે.

આ પંથનો રાજકારણમાં જે પક્ષ મારફત પ્રવેશ થયો તેનું નામ અકાલી દળ. શીખોએ ચૂંટી કાઢેલી શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ(SGPC)નો આ પક્ષની રચનામાં ફાળો છે, જોકે ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્યોમાંથી બધા જ શીખો અકાલી દળને ટેકો આપતા નથી. મજહબી શીખો મુખ્યત્વે કૉંગ્રેસના ટેકેદાર છે. 1942માં અકાલી દળમાં પહેલી વાર ભાગલા પડ્યા અને ત્યારબાદ તેમાં અવારનવાર ભંગાણ પડ્યાં છે.

આઝાદી પહેલાં 1944–45માં અકાલી નેતા માસ્તર તારાસિંગે અલગ શીખ રાજ્ય ખાલિસ્તાન માટે ચલાવેલી ચળવળમાંથી મોટા ભાગના શીખો અળગા રહ્યા હતા. ત્યારપછીનાં વર્ષોમાં આ પક્ષ નબળો રહ્યો. ધર્મ તેનો મુખ્ય પાયો રહ્યો અને ગુરુદ્વારાને તેઓએ પક્ષનું કાર્યાલય બનાવ્યું હતું. અકાલી દળને ગુરુદ્વારાના ભંડોળમાંથી અને શીખ વેપારીઓ પાસેથી નાણાકીય સહાય મળતી રહી છે.

1956માં અકાલી દળે રાજકારણનો ત્યાગ કરવાનો ઠરાવ કર્યો અને શીખોને કૉંગ્રેસમાં જોડાવાનો આદેશ આપ્યો. અકાલી નેતા માસ્તર તારાસિંગે અલગ શીખ રાજ્યની માંગણી પુન: ચાલુ કરી. 1950 અને 1960ના દાયકામાં અલગ શીખ પ્રદેશની માંગ બળવત્તર થતી ગઈ અને ઉગ્ર આંદોલનના પરિણામે 1 નવેમ્બર 1966ના દિવસે પંજાબ રાજ્યની પુન:રચના કરવામાં આવી. આ સમયે રાજ્યના પાટનગર ચંડીગઢને કેન્દ્ર-શાસિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યાં પંજાબ તથા નવા રચાયેલા હરિયાણા રાજ્યની રાજધાની જોડિયા પાટનગર તરીકે જાહેર કરવામાં આવી.

શીખ સમુદાયના કેટલાક અસંતુષ્ટ લોકોએ અલગ શીખ માતૃભૂમિની પોતાની વાત ચાલુ રાખી અને અકાલી દળના એક અગ્રણી ડૉ. જગજિતસિંગે વિદેશમાં રહેતા શીખોને અલગ રાષ્ટ્રની રચના માટે સમજૂતી આપવા પરદેશમાં સંપર્ક શરૂ કર્યો હતો. અલગ શીખિસ્તાનની વાત સાથે અકાલી દળના નેતા સંત ફત્તેસિંહ સંમત થયા નહિ. પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે ડૉ. જગજિતસિંગને 1971માં અકાલી દળમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. અકાલી નેતાઓને અલગ રાષ્ટ્રની અસંભવિતતા સમજાતાં તેઓએ તે માગણી પડતી મૂકી. પરંતુ સત્તાના વિકેન્દ્રીકરણ માટેની અને રાજ્યોને માટે વધુ સ્વાયત્તતાની માગણી મજબૂત બનાવી.

તા. 16 તથા 17 ઑક્ટોબર 1973ના રોજ શિરોમણિ અકાલી દળના પ્રમુખ સરદાર હરચરણસિંગ લોંગોવાલના અધ્યક્ષપદે આનંદપુર સાહેબ ખાતે મળેલી અકાલી દળની કાર્યકારી સમિતિની બેઠકમાં સ્વાયત્તતાની માગણીના ઠરાવો પસાર થયા હતા. તા. 28 અને 29 ઑગસ્ટ 1977ના રોજ લુધિયાનામાં મળેલી અકાલી દળની સામાન્ય સભાએ તે ઠરાવોને મંજૂરી આપી હતી. આ બેઠક અકાલી નેતા જથેદાર જગદેવસિંહ તલવંડીના પ્રમુખપદે મળી હતી, જેમાં અકાલી દળે આંદોલન અને લડત આપવા માટે 12 ઠરાવો પસાર કર્યા હતા. તેમની મુખ્ય માગણીઓ પૈકી કેટલીક આ પ્રમાણે હતી :

(1) અમૃતસરને પવિત્ર શહેર જાહેર કરવું. (2) સુવર્ણમંદિરમાંથી ગુરુબાની પ્રસારિત કરવા આકાશવાણીનું અલગ પ્રસારણ-કેન્દ્ર આપવું. (3) બધા જ ગુરુદ્વારાઓના નિયમન અંગે અખિલ હિંદ ગુરુદ્વારા ધારો ઘડવો. (4) લશ્કરમાં ભરતી અંગેના સરકારના નિયમમાં ફેરફાર કરવો; (5) નવા પંજાબ રાજ્ય માટે સ્વાયત્તતા અને તે માટે રાજ્યોને વધુ સત્તા આપવી. (6) કેન્દ્ર સરકાર પાસે સંરક્ષણ, વિદેશનીતિ, સંદેશાવ્યવહાર, રેલવે અને નાણાં રહે. તે સિવાય બધી સત્તાઓ રાજ્યોને આપવી. (7) સતલજ-બિયાસ નદીઓનાં પાણીની યોગ્ય વહેંચણી કરવી. (8) ચંડીગઢને એકલા પંજાબની રાજધાની જાહેર કરવી અને તે વિસ્તાર પંજાબને સોંપવો. (9) લશ્કરની ત્રણે પાંખમાં શીખોનું પ્રમાણ જળવાય તથા શીખના ગણવેશમાં કિરપાણનો સમાવેશ કરવો.

આનંદપુર સાહેબ ઠરાવમાં અકાલીઓનું મુખ્ય ધ્યેય પંજાબને શીખ ધર્મ અને શીખોનાં હિતોનું ખાસ રક્ષણ થઈ શકે તેવું એક વહીવટી એકમ બનાવવાનું છે. શીખોનું રાજકારણ ગુરુદ્વારાનું રાજકારણ છે, જેમાં ધાર્મિક અને રાજકીય બંને સત્તાઓનું ગઠબંધન છે.

1980માં અકાલી દળના એક જૂથે ‘શીખ રાષ્ટ્ર’ અને ‘ખાલિસ્તાન’ અંગે ફરીથી વિવાદ શરૂ કર્યો. 1981માં અકાલી દળે આનંદપુર સાહેબ ઠરાવના અમલ માટે કેટલાક ઠરાવો પસાર કરી, માગણીઓ રજૂ કરી અને તે માટે ઉગ્ર આંદોલનની ધમકી આપી. આ સમય દરમ્યાન સંત જર્નાલસિંગ ભીંદરાનવાલાના નેતૃત્વ નીચે યુવાન શીખ અકાલીઓએ હિંસાનો આશરો લીધો અને ‘ખાલિસ્તાન’ને વાસ્તવિક સ્વરૂપ આપવા પ્રયાસો કર્યા. તેમાં સરકારી, ખાનગી તથા જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવું, તોડફોડ કરવી, લૂંટ કરવી, બૅંકો લૂંટવી, આગ ચાંપવી, રેલવે અને બસવ્યવહાર ખોરવી નાખવો અને તેના ઉતારુઓની જાનહાનિ કરવી વગેરેનો સમાવેશ થતો હતો. છેવટે નિર્દોષ લોકોને મારી નાખવાની શરૂઆત થતાં આતંકવાદનો ઉદ્ભવ થયો.

7 જૂન 1980ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી બાદ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ દરબારાસિંગ મુખ્ય પ્રધાન થયા. 5 એપ્રિલ 1982ના રોજ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને અકાલી નેતાઓ વચ્ચે સમાધાન અંગે બેઠક મળી. પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવવાથી આંદોલન ચાલુ રહ્યું. 20 ઑગસ્ટ 1982ના રોજ મુંબઈથી દિલ્હી જતા એક વિમાનનું શીખ આંદોલનકારે અપહરણ કર્યું. અપહરણકારને લશ્કર દ્વારા ઠાર કરવામાં આવ્યો. 28 ઑક્ટોબર 1982ના રોજ વડાપ્રધાનના ખાસ દૂત સરદાર સ્વર્ણસિંગે અકાલી નેતાઓ સાથે મંત્રણાનો પ્રારંભ કર્યો, જે નિષ્ફળ નીવડી.

27 જાન્યુઆરી 1983ના રોજ આનંદપુર સાહેબ ઠરાવનો અમલ ન થયો તેના વિરુદ્ધમાં પંજાબના અકાલી દળના 37 વિધાનસભ્યો અને ચાર સંસદસભ્યોએ તેમની બેઠક પરથી રાજીનામાં આપ્યાં.

24 માર્ચ 1983ના રોજ કેન્દ્ર-રાજ્ય સંબંધો અંગે સમીક્ષા કરવા સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ આર. એસ. સરકારિયાના અધ્યક્ષપદે ત્રણ સભ્યોના પંચની કેન્દ્ર સરકારે જાહેરાત કરી. આ પંચનો અહેવાલ ફેબ્રુઆરી 1988માં કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવ્યો.

6 ઑક્ટોબર 1983ના રોજ પંજાબમાં રાષ્ટ્રપતિશાસનની જાહેરાત થતાં દરબારાસિંગની સરકારે રાજીનામું આપ્યું. 3 જૂન 1984ના રોજ અમૃતસરના સુવર્ણમંદિરમાં લશ્કરનો પ્રવેશ થયો, જેને ‘ઑપરેશન બ્લ્યૂ-સ્ટાર’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં સંત ભીંદરાનવાલા અને તેમના અનેક સાથીઓનું મૃત્યુ થયું. ભારતના બંધારણની કલમ 25(2)(બી) વિરુદ્ધ થતી પ્રવૃત્તિને રોકવા માટે આ લશ્કરી પગલું લેવામાં આવ્યું હતું. તેમાં સૈનિકો, આંદોલનકારો અને અનેક નાગરિકોનાં મૃત્યુ થયાં હતાં. આ પગલાને અનુમોદન આપતું ‘શ્ર્વેત-પત્ર’ ભારત સરકારે 10 જુલાઈ 1984ના રોજ સંસદમાં રજૂ કર્યું હતું.

1985માં ભારત સરકાર અને અકાલી નેતા સંત લોંગોવાલ વચ્ચે થયેલ કરારના ભાગ રૂપે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી. તેમાં વિધાનસભાની કુલ 117 બેઠકોમાંથી અકાલી દળે 73 બેઠકો મેળવીને સત્તા પ્રાપ્ત કરી. સરદાર સુરજિતસિંગ બરનાલા અકાલી દળ સરકારના મુખ્ય મંત્રી થયા. પરંતુ આંદોલન ચાલુ રહેતાં અને લોંગોવાલ કરારનો અમલ કરવામાં સફળતા નહિ મળવાથી અકાલી દળમાં ભાગલા પડ્યા. સંયુક્ત અકાલી દળ નામનો નવો પક્ષ રચવામાં આવ્યો. 11 મે 1987ના રોજ અકાલી દળની બરનાલા સરકારને કેન્દ્ર સરકાર દ્વારા બરતરફ કરવામાં આવી અને વિધાનસભા નિલંબિત કરવામાં આવી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. 6 માર્ચ 1988ના દિવસે આ નિલંબિત વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું.

આતંકવાદ બેકાબૂ રહેતાં સ્ફોટક પરિસ્થિતિને અનુલક્ષીને કેન્દ્ર સરકારે 59મો બંધારણીય સુધારો સંસદમાં પસાર કર્યો, જેનો મુખ્ય હેતુ ભારતના કોઈ પણ વિસ્તારમાં કટોકટી જાહેર કરવાનો અને તે મુજબ પંજાબમાં તે તાત્કાલિક દાખલ કરવાનો હતો.

1 નવેમ્બર 1966ના રોજ પંજાબ રાજ્યની પુન:રચના બાદ, ત્યાં જૂની વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષની બહુમતીના કારણે કૉંગ્રેસની સરકાર રચવામાં આવી હતી. ત્યારબાદ થયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો નીચે પ્રમાણે છે :

પક્ષ 1967

(104)

1969

(104)

1972

(104)

1980

(104)

1985

(104)

1992

(104)

કૉંગ્રેસ

અકાલી દળ

અન્ય પક્ષો

તથા અપક્ષ

48

24

32

38

43

23

66

25

13

16

58

43

63

37

17

32

બહિષ્કાર

12

નોંધ : 1992ની ચૂંટણીનો અકાલી દળે બહિષ્કાર કર્યો હતો.

અકાલી દળની સરકારો –

1967 થી 1969 :  અકાલી દળની અન્ય વિપક્ષોના ટેકાવાળી મિશ્ર સરકાર

1969 થી 1971 :  અકાલી દળ અને જનસંઘની મિશ્ર સરકાર

1977 થી 1980 :  અકાલી દળ અને જનતાપક્ષની મિશ્ર સરકાર

1985 થી 1987 :  અકાલી દળની સરકાર

અકાલી દળ : રાજ્ય વિધાનસભાની ફેબ્રુઆરી 1997ની ચૂંટણીઓમાં અકાલી દળે ભાજપ સાથે ચૂંટણી-જોડાણ કર્યું અને પંજાબમાં અકાલી દળની સરકાર રચવામાં આવી. પ્રકાશસિંગ બાદલ નવી સરકારના મુખ્યમંત્રી બન્યા. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ ગુરુચરણસિંગ તોહરા અને રાજ્યના મુખ્યમંત્રી પ્રકાશસિંગ બાદલ વચ્ચે મતભેદો પેદા થતાં અકાલી દળમાં તિરાડ પડી. માર્ચ 1998માં યોજાયેલી 12મી લોકસભાની ચૂંટણીમાં અકાલી દળના 8 સભ્યો પંજાબમાંથી સંસદના સભ્યો તરીકે ચૂંટાઈ આવ્યા, જેમાંના 2 સભ્યો સુરજિતસિંગ બરનાલા અને સુખવીરસિંગ બાદલ કેંદ્રીય મંત્રીમંડળમાં જોડાયા.

1999ના પ્રારંભથી અકાલી દળમાં પડેલી તિરાડ વધારે પહોળી બનતી ગઈ. આ અરસામાં ‘ખાલસા પંથ’ની 300મી વર્ષગાંઠની ઉજવણીમાં શક્તિપ્રદર્શન કરી એકબીજાને માત કરવા બંને જૂથોએ યુદ્ધના ધોરણે પ્રચાર કર્યો અને 13 એપ્રિલ 1999ના રોજ થનારી ઉજવણીના પ્રારંભ પૂર્વે આ જૂથવાદ અતિશય વકર્યો. ફેબ્રુઆરીના અંત સુધીમાં અકાલી દળમાં ભંગાણ પડ્યું અને તે તોહરા જૂથ અને બાદલ જૂથમાં વહેંચાઈ ગયું. ખાલસા પંથની 300મી ઉજવણીનો મહોત્સવ શાંતિપૂર્વક ઊજવી શકાશે કે કેમ તે અંગે શંકાઓ પેદા થઈ. શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રભુત્વ માટે સત્તાની ખેંચતાણ ચાલી. બીબી જાગીર કૌરને બાદલ જૂથે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખપદે નીમ્યાં જે તેના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ છે.

શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની ઑક્ટોબર 1999ની ફેર-ચૂંટણીમાં બાદલ જૂથનું વર્ચસ્ રહ્યું. બીબી જાગીર કૌર ફરી આ હોદ્દા માટે પસંદ થયાં છે. રાષ્ટ્રીય અકાલી દળ તરીકે ઓળખાતું તોહરા જૂથ શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિમાં પરાજિત થયું. આ બંને જૂથ 13મી લોકસભાની 1999ની ચૂંટણીમાં પરસ્પરની સામે લડ્યાં. રાષ્ટ્રીય અકાલી દળ નામ ધરાવતા તોહરા જૂથે બહુજન પક્ષ સાથે ચૂંટણી-સમજૂતી કરી અને બાદલ જૂથે ભાજપ સાથે ચૂંટણી-સમજૂતી ચાલુ રાખી. આ ચૂંટણીનાં પરિણામોએ દર્શાવ્યું તેમ શીખ મતોનું વિભાજન થતાં 12મી લોકસભામાં મેળવેલી સંસદની આઠ બેઠકોમાંથી એક પણ બેઠક અકાલી દળ જાળવી શક્યું નહિ અને બંને જૂથોનો કારમો પરાજય થયો.

2004માં 14મી લોકસભાની ચૂંટણીમાં અકાલીદળે આઠ બેઠકો મેળવી હતી, પરંતુ એ પછીની ચૂંટણીઓમાં પક્ષનો જનાધાર સતત ઘટ્યો હતો. 2009ની ચૂંટણીમાં અકાલીદળને 4 બેઠકો મળી હતી. 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ અકાલીદળે ચાર બેઠકો જાળવી રાખી હતી, પરંતુ 2019ની ચૂંટણીમાં માત્ર બે જ બેઠકો મળી હતી.

2017માં પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં અકાલીદળ અને ભાજપના ગઠબંધનને જાકારો મળ્યો હતો. એ સાથે જ પ્રકાશસિંહ બાદલના મુખ્યમંત્રી તરીકેનાં 10 વર્ષોના શાસનકાળનો અંત આવ્યો હતો.

નરેન્દ્ર અ. પુરાણી

રક્ષા મ. વ્યાસ