અકાલવૃદ્ધત્વ (progeria) : બાળપણ અથવા યુવાવસ્થામાં વૃદ્ધત્વનાં ચિહ્નો પ્રગટે તે અવસ્થા. ઘણી વાર તેનાં વારસાગત સંલક્ષણો (syndromes) હોય છે, જેમાં કોષીય તેમજ શારીરિક વૃદ્ધત્વનાં ઘણાં લક્ષણો જોવા મળે છે. પરંતુ માનસિક વૃદ્ધત્વ આવતું નથી. બાલ્યાવસ્થામાં હચિન્સન-ગિલ્ફર્ડ સંલક્ષણ અને પુખ્તાવસ્થામાં વર્નરનું સંલક્ષણ અકાલવૃદ્ધત્વ લાવે છે. હચિન્સન–ગિલ્ફર્ડ સંલક્ષણમાં હૃદય અને મગજના રુધિરાભિસરણની ખામીથી થતા રોગને કારણે વહેલું મૃત્યુ થાય છે. વર્નરના સંલક્ષણવાળો દર્દી તરુણાવસ્થાથી વંચિત, ઠીંગણો, બહેરો, પાતળા હાથપગવાળો. ધોળા વાળ કે ટાલવાળો, બોખું મોં ને અવાજની રુક્ષતા ધરાવતો હોય છે. કઠિન ત્વચા, આંખે મોતિયો, વાહિનીકાઠિન્ય (atherosclerosis), સંધિશોથ (arthritis), અસ્થિ-છિદ્રતા (osteoporosis), જનનગ્રંથિની ન્યૂનતા વગેરે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો તેનામાં નાની વયે જોવા મળે છે. આ પ્રકારના દર્દીઓમાંથી લગભગ અર્ધા જેટલાને ઇન્સ્યુલિન પ્રતિરોધી (resistant) મધુપ્રમેહ થાય છે. અમુકમાં વિવિધ અંત:સ્રાવોની ઊણપ વર્તાય છે. દસ ટકા જેટલામાં કૅન્સર પણ જોવા મળે છે. અકાલવૃદ્ધત્વની કોઈ ચિકિત્સા હાલ ઉપલબ્ધ નથી.

માથે ટાલ, ચામડી નીચે મેદનો અભાવ, બહાર પડતી આંખો, આછી ભમરો અને 7થી 8 વર્ષના બાળકની પુખ્ત માણસ જેવી દેહાકૃતિ.

અકાલવૃદ્ધત્વ ભાગ્યે જ જોવા મળતી બીમારી ગણાય છે. સરેરાશ 18 લાખ બાળકોમાંથી એક બાળકમાં આ બીમારી જોવા મળે છે. આ રોગ ધરાવતાં બાળકોની સરેરાશ વય માંડ 13 વર્ષ જેટલી હોય છે. પ્રોજેરિયા રિસર્ચ ફાઉન્ડેશનના અંદાજ પ્રમાણે 2020માં અકાલવૃદ્ધત્વના કુલ 179 કેસ હતા. આનો પ્રથમ કેસ 1886માં સામે આવ્યો હતો.

આ વિષય પરથી પરદેશમાં ઘણી સંવેદનશીલ ફિલ્મો બની છે. ભારતમાં 2009માં ‘પા’ ફિલ્મ બની હતી, જેમાં અમિતાભ બચ્ચને અકાલવૃદ્ધત્વ ધરાવતા એક બાળકની ભૂમિકા ભજવી હતી અને અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને ફિલ્મમાં તેમના પિતાનો રોલ કર્યો હતો. બોલિવૂડની આ ફિલ્મ હોલિવૂડની 1996માં બનેલી ‘જેક’ પરથી પ્રેરિત હતી.

હરિત દેરાસરી

શિલીન નં. શુક્લ