અંબર, મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’

February, 2001

અંબર, મોહમ્મદ ઇદરીસ ‘બહરાઇચી’ (જ. 5 જુલાઈ 1949, સિકંદરપુર, બહરાઇચ, ઉત્તર પ્રદેશ; અ. 7 મે 2021 લખનૌ, ઉત્તર પ્રદેશ) : ઉર્દૂ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘સૂખી ટહની પર હરિયલ’ માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે ભૂગોળમાં એમ.એ.ની ડિગ્રી અને પત્રકારત્વમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવ્યાં હતાં. તેઓ હિંદી, અવધી, વ્રજ, ભોજપુરી, અંગ્રેજી, સંસ્કૃત અને ફારસી ભાષાઓના જાણકાર હતા. તેઓ જિલ્લા-મૅજિસ્ટ્રેટ હતા.

મોહમ્મદ ઇદરીસ અંબર ‘બહરાઇચી’

તેમણે ઉર્દૂમાં અને હિંદીમાં કાવ્યસંગ્રહ આપ્યા છે. તેમાં ‘ઇકબાલ  એક અધ્યયન’, ‘મહાભિનિષ્ક્રમણ’, ‘દૂબ’, ‘સૂખી ટહની પર હરિયલ’, ‘લામ યતિ નઝિરુકા ફી નાઝરીન’, ‘સંસ્કૃત શેરિયાત’ અને ‘ખાલી સીપિયોં કા ઇઝતીરાબ’નો સમાવેશ થાય છે. તેમને વિવેકાનંદ પુરસ્કાર, માનસ સંગમ સન્માન, કલાશ્રી, ઇમ્તિયાજ-એ-મીર પુરસ્કાર, નિરાલા સન્માન, નવા-એ-મીર પુરસ્કાર અને ઉર્દૂ અકાદમી, ઉત્તર પ્રદેશ દ્વારા લાઇફ ટાઇમ ઍચિવમેન્ટ સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.

તેમની પુરસ્કૃત કૃતિ ‘સૂખી ટહની પર હરિયલ’ 62 નઝ્મોનો સંગ્રહ છે. તેમાંનાં કાવ્યો ભારતીય જીવનશૈલી સાંસ્કૃતિક અને ભાષાગત બંને દ્વારા પોતાની ઊર્જા ગ્રહણ કરે છે. તેમાં કવિની એક સમૃદ્ધ શબ્દસંપદા જોવા મળે છે જે અવધી, વ્રજ અને ભોજપુરી જેવી બોલીઓથી નિર્મિત છે. કવિએ આ કૃતિમાં વિષમ જણાતાં ઉપાદાનો સમન્વિત કરીને એક ઉત્સવી પ્રવાહ અને લયાત્મક ચમત્કાર સર્જ્યો છે. આ કૃતિ ઉર્દૂમાં રચાયેલ ભારતીય કવિતામાં એક નોંધપાત્ર યોગદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા