અંબરચરખો : રેંટિયાનો એક આધુનિક પ્રકાર. ભારતની ધરતી પરથી લગભગ અદૃશ્ય થયેલ રેંટિયાને પુનર્જીવિત કરવાની કલ્પના મહાત્મા ગાંધીજીએ 1908માં ‘હિંદસ્વરાજ’માં કરી હતી. 1915માં સાબરમતી આશ્રમમાં સાળ વસાવી તે પર મિલનું સૂતર વણવાની શરૂઆત કરી. 1918માં આશ્રમનાં એક અંતેવાસી શ્રી ગંગાબહેને માળે ચડાવી દીધેલા રેંટિયાને વિજાપુર ગામમાંથી ખોળી કાઢ્યો ત્યારથી, એના જેવા એક ચક્રના મોટા ઊભા, મુખ્યત્વે લાકડાના બનાવેલ રેંટિયા પર કાંતવાનું શરૂ થયું. 1929માં એક ચક્રની જગ્યાએ બે ચક્રોવાળાં ગાંડીવ-ચક્ર અને યરવડા-ચક્રની શોધથી રેંટિયાનાં કદ અને વજન ખૂબ નાનાં અને સગવડભર્યાં બન્યાં. 1929માં અખિલ ભારતીય ચરખા સંઘ તરફથી એક ઝડપી રેંટિયાની શોધ માટે રૂ. એક લાખનું ઇનામ જાહેર થયું હતું. ગાંધીજીની હયાતીમાં આ દિશામાં ખાસ સફળતા ન મળી અને ઇનામ પાછું ખેંચાયું હતું. તામિલનાડુના એકમ્બરનાથ નામના એક મિલ-કામદાર ‘અંબર ચરખા’ નામે પછીથી જાણીતું થયેલું સૂતર કાંતવાનું ગૃહયંત્ર બનાવવામાં સને 1949માં સફળ થયા. આમાં કાંતવા-વીંટાળવાની ક્રિયાઓ એકસાથે કરવાની પ્રયુક્તિ દાખલ કરેલી છે. સૂતરનો એકધારો તાર નીકળે તેવી પ્રયુક્તિ પણ તેમાં ઉમેરેલી છે. આથી ‘અંબરચરખા’માં ઝડપ અને ગુણવત્તા બંને સધાયાં છે. શરૂઆતમાં 4, 6, 8, 10 ત્રાકો તેમાં ચાલતી. બે અને એક ત્રાકનો ચરખો પછીથી દાખલ થયેલો છે. અંબરચરખો યંત્ર અને હસ્તકૌશલના સુભગ સમન્વયરૂપ છે. તેમાં લગભગ ત્રણસો નાનામોટા ભાગો હોય છે. અંબરચરખો વપરાશમાં આવ્યા પછી કાંતનારને પોષણક્ષમ રોજી મળવી શક્ય બની છે.

Amber Charkha

અંબરચરખો

સૌ. "Amber Charkha" | CC BY-SA 4.0

જયંતિલાલ જટાશંકર ત્રિવેદી