અંજાર : ગુજરાત રાજ્યનાં કચ્છ જિલ્લામાં આવેલું અગત્યનાં નગરોમાંનું એક. લગભગ 300 ઉ. અક્ષાંશ પર આવેલું આ નગર કંડલા અને ગાંધીધામની ઉત્તરે લગભગ 25 કિમી. દૂર આવેલું છે. તેની પશ્ચિમે ભૂજ અને પૂર્વમાં ભચાઉ નામના જાણીતાં નગરો આવેલાં છે.

અંજારનો ટીમ્બી કોઠો

અંજારનો ટીમ્બી કોઠો

સૌ. "અંજાર નો ટીમ્બી કોઠો" | CC BY-SA 4.0

વસ્તી : 1,48,354 (2011). અંજાર પ્રાચીન નગર છે. સ્થાનિક ઇતિહાસ અનુસાર તે ઈ.સ. 805માં અજમેરના સરદાર અજયપાલે વસાવ્યું હતું. કચ્છના રાવ દેશળજી(1718-1741)એ નગરને ફરતો કોટ કરાવ્યો હતો. 1800માં જમાદાર ફતેહમામદના તાબામાં આવ્યા પછી નગરની આબાદી વધી હતી. 1819, 1844, 1845, 1914, 1941, 1956 અને છેલ્લે 2001માં આ નગર ભૂકંપની અસર હેઠળ આવેલું; પરંતુ 1956ના ભૂકંપથી આ નગરમાં ભયંકર તારાજી થઈ હતી અને તેમાં 107 માણસો મૃત્યુ પામ્યાં હતાં તથા 3,257 મકાનો ધરાશાયી થયાં હતાં. તે પછી જૂના નગરની સમીપમાં નવું નગર વસાવવામાં આવ્યું છે. અહીં સૂડી, ચપ્પુ અને કાતર બનાવવાનો ગૃહઉદ્યોગ વિકસ્યો છે. વળી આર. સી. સી.ના બ્લૉક બનાવવાનો ઉદ્યોગ પણ ચાલે છે. શહેરનાં જોવાલાયક સ્થળોમાં ઇતિહાસ. પ્રસિદ્ધ જેસલ-તોરલની સમાધિ ઉપરાંત વૈષ્ણવમંદિરો, અંબાજીનું મંદિર, અજયશિવમંદિર અને જીંડિયા બાબાનું સ્થાનક પણ છે. અહીંનું ભડેશ્વરનું શિવમંદિર દશમી સદીનું નમૂનેદાર સ્મારક ગણાય છે. અંજાર રેલવેમાર્ગે ભૂજ. કંડલા અને ગાંધીધામ સાથે સંકળાયેલું છે.

Om Kaleshwar Mahadev

ૐ કાલેશ્વર મહાદેવ મંદિર, અંજાર

સૌ. "Om Kaleshwar Mahadev" | CC BY-SA 4.0

પ્રવીણચંદ્ર પરીખ

મહેશ મ. ત્રિવેદી