અંજારિયા, જશવંતરાય જયંતિલાલ

January, 2001

અંજારિયા, જશવંતરાય જયંતિલાલ (જ. 15 જુલાઈ 1908, કચ્છ-ભુજ; અ. 10 એપ્રિલ 197૦, દિલ્હી) : વિખ્યાત અર્થશાસ્ત્રી અને ઉચ્ચ કક્ષાના વહીવટકર્તા. મૂળ અંજાર(કચ્છ)ના. અર્થશાસ્ત્રના વિષય સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી મુંબઈ યુનિવર્સિટી તથા લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાંથી અનુસ્નાતક પદવીઓ પ્રાપ્ત કરી. લંડન સ્કૂલના અભ્યાસ દરમિયાન વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. લાયનલ રૉબિન્સ તેમની તેજસ્વિતાથી પ્રભાવિત થયા હતા.

અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે પોતાની કારકિર્દી અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં શરૂ કરી હતી. તે પછી પુણે તથા મુંબઈ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા, રીડર તથા પ્રોફેસરના પદ પર કાર્ય કર્યું. 1946માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ(IMF)ના સંશોધન વિભાગમાં સહાયક મુખ્ય અધિકારી (Assistant Division Chief) નિમાયા. 1948માં ભારતીય રિઝર્વ બૅંકમાં નાણાકીય સંશોધન વિભાગમાં નિયામક નિમાયા. ભારતના આયોજન પંચના આર્થિક બાબતોના વિભાગમાં મુખ્ય અધિકારી તરીકે થોડાક સમય દરમિયાન સેવાઓ આપ્યા બાદ 1953માં તેઓ કેન્દ્ર સરકારના નાણાખાતાના સલાહકાર બન્યા. 1961માં આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના ‘એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર’, 1967માં ભારતીય રિઝર્વ બૅંકના ડેપ્યુટી ગવર્નર અને 1968માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સના ઑનરરી ફેલો તરીકે પસંદગી પામ્યા.

ભારતની પહેલી પંચવર્ષીય યોજનાનો ઢાંચો તથા વિકાસ અંગેની સમગ્ર ફિલસૂફીમાં તેમનાં મનન તથા ચિંતનનો ફાળો મહત્વનો રહ્યો છે. અનેક પ્રકારની આર્થિક પરિસ્થિતિઓ તથા સમસ્યાઓ વિશેની તેમની નોંધો જે તે ખાતાની સરકારી ફાઇલોમાં છે. તેમના પ્રસિદ્ધિ પામેલા લેખોના જેટલી જ તેમની આ નોંધો ભારતની આર્થિક નીતિના ઘડતરના અભ્યાસમાં ઉપયોગી છે.

તેમણે અર્થશાસ્ત્ર વિષય પર સ્વતંત્ર રીતે તથા સહલેખક તરીકે પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘Grounds for Political Obligation in the Hindu State’; ‘The Indian Rural Problem’; ‘Price Control and Food Problem in India; ‘Essay on Gandhian Economics’; ‘War and Middle Class in India’ મુખ્ય છે.

1957માં તેમને ‘પદ્મશ્રી’ના ઇલકાબથી ભારત સરકારે સન્માનિત કર્યા હતા.

હૃષિકેશ પાઠક