સ્વત્વ : સ્વત્વ અથવા સ્વખ્યાલ વિશેની મનોવૈજ્ઞાનિક વિચારણા. કાર્લ યુંગના મંતવ્ય મુજબ, ‘સ્વ’ એ વ્યક્તિત્વનું મધ્યબિંદુ છે, જેની આસપાસ વ્યક્તિત્વનાં અન્ય તંત્રો સંગઠિત થાય છે. ‘સ્વ’ દ્વારા વ્યક્તિત્વને સ્થિરતા, સંતુલા અને એકત્વ પ્રાપ્ત થાય છે.
ગોર્ડન ઑલપોર્ટે તેના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં સ્પષ્ટ કર્યું છે કે મનુષ્ય ‘સ્વ’ કે ‘અહમ્’ શબ્દ દ્વારા જે કાંઈ વર્તનનો ઉલ્લેખ કરે છે તેમાં ‘સ્વતાદાત્મ્ય’ (self-identity), ‘સ્વ-ગૌરવ’ (self-respect), ‘સ્વ-વિસ્તરણ’ (self enhancement) અને ‘સ્વ-પ્રતિમા’ (self image) એ સ્વનાં એટલે કે વ્યક્તિત્વનાં વિશિષ્ટ કાર્યો અને લક્ષણો આવે છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી જુદી પાડતી અપૂર્વ અને અત્યંત આગવી લાક્ષણિકતાઓ તેના ‘સ્વત્વ’માં સમાયેલી હોય છે. આમ ‘સ્વત્વ’ દરેક વ્યક્તિની આંતરિક આગવી મન:સ્થિતિ છે.
કાર્લ–રૉજર્સ અનુસાર સ્વત્વ એટલે સ્વ વિશેનો ખ્યાલ. સ્વ વિશેના ખ્યાલનું ઘડતર બે પરિબળો પર આધારિત છે : (1) વ્યક્તિ પોતે પોતાને કઈ રીતે જુએ છે ? (2) અન્ય વ્યક્તિઓ તેને કઈ રીતે જુએ છે ?
જન્મથી લગભગ 2 વર્ષ સુધી વ્યક્તિ પોતાની આજુબાજુના સંદર્ભમાં એકરૂપતાનો અનુભવ કરે છે. ‘હું’ કે ‘મારું’ એવો ભેદ તે પાડી શકતો નથી; દા.ત., બાળકને ભૂખ લાગે ત્યારે તે મને ભૂખ લાગી તેમ નહિ, પણ રાધાને ભૂખ લાગી છે એમ કહે છે. તે જેમ મોટું થતું જાય તેમ તેની આસપાસની વ્યક્તિઓ તેને પોતાનાથી જુદી હોવાનો અહેસાસ થાય છે. સાથે સાથે પોતાના અનુભવો અને અન્ય દ્વારા પોતાના વર્તન વિશેની પ્રતિપુષ્ટિ દ્વારા તે પોતે પણ પોતાના વિશેનો ખ્યાલ ઘડતો જાય છે અને તેની ભાષામાં ‘હું’, ‘મારું’, ‘મને’ વગેરે સર્વનામોનો ઉપયોગ કરતો થાય છે.
બાળક માટેની મહત્વપૂર્ણ વ્યક્તિઓ તે માતા, પિતા, મિત્રો, શિક્ષકો હોય છે. તેમના વર્તન-વ્યક્તિત્વનું જેવું હોય તે તેના સ્વ-ખ્યાલના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. કુટુંબીજનો વારંવાર બાળકને ‘આળસુ’, ‘બુદ્ધુ’, ‘જિદ્દી’ જેવાં નકારાત્મક વિશેષણોથી સંબોધતાં હોય તો બાળકના સ્વ-ખ્યાલમાં પણ તે વણાઈ જાય છે અને પોતાની જાતને તે આ લક્ષણોથી મૂલવે છે. સ્વ-ખ્યાલમાં વણાયેલાં લક્ષણો દ્વારા જે અનુભવો આવકાર્ય હોય તેને તે સ્વીકારે છે અને તેનાથી જુદા અનુભવોને તે નકારે છે.
‘સ્વવિકાસ’ સાથે વ્યક્તિમાં અન્યનો ભાવાત્મક આદર પામવાની જરૂરિયાત વિકસે છે, એટલે કે બીજા પાસેથી પણ હૂંફ, સ્નેહ અને સ્વીકૃતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન તે કરે છે અને બીજાઓ દ્વારા લદાયેલી અથવા અપેક્ષિત પાત્રતા પ્રમાણે વર્તન કરવાનો પ્રયત્ન કરે છે.
વ્યક્તિનો પોતાની જાત પ્રત્યેનો ભાવાત્મક આદર અન્ય પાસેથી મળેલા આદર પર અવલંબે છે.
વ્યક્તિના સ્વત્વના બંધારણમાં અન્ય દ્વારા અપેક્ષિત પાત્રતા પ્રમાણેનાં વર્તન-ધોરણો આત્મસાત્ થઈ તેની વર્તનભાતમાં વણાઈ ચૂક્યાં હોય છે. પરિણામે તેનો સ્વ-ખ્યાલ દૃઢ બને છે. જો વ્યક્તિને તેના સ્વ-ખ્યાલ વિરુદ્ધ વર્તન કરવા ફરજ પડે તો તેને વિસંવાદિતાનો અનુભવ થાય છે અને તેનો અંતરાત્મા આ સ્વીકારતો નથી. આમ સ્વત્વને સામાન્ય ભાષામાં અંતરાત્મા કહી શકાય.
જ્યારે જ્યારે વ્યક્તિને સ્વ-ખ્યાલ વિરુદ્ધ વર્તન કરવાની ફરજ પડે છે ત્યારે તેને સમાયોજન(adjustment)ના પ્રશ્ન ઉદભવે છે.
સ્વ-ખ્યાલના વિચારબીજનું આરોપણ માનવતાવાદી અભિગમનાં પ્રણેતા મનોવૈજ્ઞાનિક કાર્લ-રૉજર્સ દ્વારા કરાયું હોય એવું માનવામાં આવે છે.
તેમના મત પ્રમાણે પ્રત્યેક વ્યક્તિને જન્મજાત વિધાયક સારું સ્વત્વ (અંતર) હોય છે, જેમાં સમય-સંજોગો અનુસાર સારુંનરસું પરિવર્તન આવે છે અને તેથી જ ખરાબમાં ખરાબ વ્યક્તિને પણ માનસોપચાર દ્વારા, તેના અંતરાત્માને સ્પર્શ કરી, સારી બનાવી શકાય છે તેવો વિશ્વાસ રૉજર્સ સેવતા હતા.
સાધના પરીખ