સ્વતંત્ર પક્ષ : મુક્ત અર્થતંત્રની હિમાયત કરતાં લાઇસન્સ-પરમિટરાજની નાબૂદી ચાહતો ઑગસ્ટ, 1959માં સ્થપાયેલો રાજકીય પક્ષ.

ભારતની સંસદીય લોકશાહીના પ્રારંભે કૉંગ્રેસ પક્ષે ડાબેરી વલણોને વેગ આપી દેશને સમાજવાદની દિશામાં લઈ જવાનું ધ્યેય સ્વીકાર્યું. 1955માં અવાડી અધિવેશનમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ (socialistic pattern of society) રચવાની ઘોષણા કરવામાં આવી. 1957માં ઇંદોર અધિવેશનમાં ‘સમાજવાદી સહકારી કૉમનવેલ્થ (socialistic co-operative commonwealth) સ્થાપવાની જાહેરાત કરવામાં આવી. જાન્યુઆરી, 1959માં કૉંગ્રેસના 64મા અધિવેશનમાં સહકારી ખેતી વિશે નિર્ણય લેવાયો. આ તમામ પગલાંઓએ કૉંગ્રેસનાં ડાબેરી વલણો સ્પષ્ટ કર્યાં. આથી જમણેરી વિચારસરણી ધરાવતા લોકો ડાબેરી વલણોને અંકુશિત કરવા અને પડકારવા કટિબદ્ધ બન્યા. આમ (1) ખાનગી મિલકત પર મુકાયેલાં નિયંત્રણો, (2) ખાનગી મિલકત નાબૂદીના પ્રયાસો અને (3) સામૂહિક આર્થિક પ્રવૃત્તિનો વધી રહેલો વેગ રોકવા માટે નવો રાજકીય પક્ષ સ્થાપવાના ધ્યેયને સાકાર કરવામાં સફળતા મળી.

સ્વતંત્ર પક્ષની સ્થાપના : રાજાજી(ચક્રવર્તી રાજગોપાલાચારી)ના પ્રમુખપદે ચેન્નાઈ ખાતે 4 જૂન, 1959માં સમાન વિચાર ધરાવતા લોકોની મિટિંગ બોલાવવામાં આવી. તેમાં ભારતના કેટલાક પીઢ રાજકીય નેતાઓ મીનુ મસાણી, એન.જી. રંગા, કનૈયાલાલ મુનશી, વી.પી. મેનન, લોબો પ્રભુ, પીલુ મોદી વગેરે હાજર રહ્યા હતા.

જમીનમાલિકીની ટોચમર્યાદા બાંધવાના અને સમાજવાદના માર્ગે આગળ વધવાના રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષના પ્રયાસોનો વિરોધ કરવાના મુદ્દે દેશનાં જમણેરી પરિબળોએ આ પક્ષની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. આ પક્ષને મોટા ખેડૂતવર્ગનો, મુક્ત સાહસમાં માનતા ઉદ્યોગપતિઓનો, વેપારીઓનો, રાજવીઓનો અને કેટલાક નિવૃત્ત સનદી અધિકારીઓનો સબળ ટેકો હતો. ‘મુક્ત વ્યાપાર’ અને ‘મુક્ત ખેતી’ જેવાં સૂત્રો ધરાવતો આ પક્ષ માનવસ્વાતંત્ર્ય માટે સંઘર્ષ ચલાવતો ઉદારમતવાદી પક્ષ હતો. ગુજરાત, ઓરિસા અને રાજસ્થાનમાં પક્ષ પર મોટા ખેડૂતો અને રાજવીઓનું વર્ચસ્ રહ્યું. ભૂતપૂર્વ જયપુર રિયાસતના રાણી ગાયત્રીદેવી આ પક્ષનાં એક અગત્યનાં નેતા હતાં.

રાજકીય વિચારસરણીની દૃષ્ટિએ જોઈએ તો પક્ષ સામ્યવાદનો ઉગ્ર વિરોધી હતો. ભારતમાં સહકારી ખેતી અને ઉદ્યોગોના રાષ્ટ્રીયકરણનો તેણે વિરોધ કર્યો. કૉંગ્રેસની સમાજવાદી ઢબની સમાજરચનાનો પણ તેણે વિરોધ કર્યો અને મુક્ત બજાર પર આધારિત અર્થતંત્રનું તેમણે પ્રબળ સમર્થન કર્યું. સુવર્ણધારા-નાબૂદીની અને તટસ્થ વિદેશનીતિને બદલે લશ્કરી જૂથમાં જોડાવાની આ પક્ષે હિમાયત કરી. ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતનું સમર્થન કર્યું. જમણેરી અને રૂઢિચુસ્ત વલણો ધરાવવાની જાહેરાત ગૌરવપૂર્વક કરી તેમજ ડાબેરી અને ઉદ્દામવાદી વલણો ધરાવતા રાજકીય પક્ષોથી દૂર રહેવા માટે યોગ્ય અંતર ઊભું કર્યું. આમ, પ્રજાને કૉંગ્રેસના વિકલ્પની વિચારધારા તેણે પૂરી પાડી. વળી સમાજનાં ચિરંતન મૂલ્યોનું સંરક્ષણ કરવાની ઘોષણા કરતાં સ્વતંત્રતાને પ્રાધાન્ય આપવાની સ્પષ્ટતા કરી.

તેણે અપનાવેલી નીતિમાં આ પ્રમાણેની મુખ્ય બાબતો કેન્દ્રમાં હતી : આર્થિક ક્ષેત્રે સ્થપાયેલી ઇજારાશાહીનો વિરોધ અને તેના સ્થાને યોગ્ય નિયંત્રણો ધરાવતી મુક્ત હરીફાઈની સ્થાપના, દેશમાં વ્યાપકપણે પ્રવર્તતા ‘લાઇસન્સ-પરમિટ-ક્વૉટા રાજ’ને દૂર કરી પરમિટ-લાઇસન્સની ન્યાયી વહેંચણી અને તે માટે અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોના સ્વાયત્ત મંડળોની રચના, જમીનવિહોણા ખેડૂતોને લઘુતમ વેતનની ખાતરી તથા ઉત્પાદનના વધારામાં ભાગ આપવો, વધતા જતા ભાવો પર નિયંત્રણ મૂકવું, પ્રજાની દૈનિક જરૂરિયાતો પરના જકાતવેરાને દૂર કરવો અને તેમ કરતાં પૂર્વે તેમાં ઘટાડો કરવો, ફુગાવાને લગતી તમામ નીતિઓનો ત્યાગ કરવો, ચલણની સ્થિરતા સ્થાપવી, વહીવટી ખર્ચમાં પ્રવર્તતા બેફામપણા પર કડક નિયંત્રણો મૂકવાં, બિનજરૂરી ખર્ચાઓ બંધ કરવા, બંધારણની પવિત્રતા જાળવવી, ન્યાયતંત્રની મહત્વની કામગીરીનો સ્વીકાર કરવો, મૂળભૂત હકોના અમલ અંગે બિનશરતી ખાતરી પૂરી પાડવી, લઘુમતીઓના અને પછાત વર્ગોના હકોનું રક્ષણ, નાગરિક અધિકારો માટે પંચની સ્થાપના વગેરે.

આ પક્ષે પોતાના બંધારણમાં સભ્યપદ અંગેની કલમમાં 1964માં પક્ષનું સક્રિય કાર્ય બજાવનાર અને તેનું વિશિષ્ટ ઓળખપત્ર ધરાવનાર સભ્ય જ પક્ષના આંતરિક વહીવટમાં ભાગ લઈ શકે તેવી જોગવાઈ કરી. આમ કરીને તેણે નવો ચીલો પાડ્યો અને બનાવટી તથા નકામા સભાસદોને દૂર રાખી સચોટ માર્ગ દર્શાવ્યો; પણ આથી પક્ષની  સભ્ય-સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થયો તે 1964ના જુલાઈમાં 3,19,358થી ઘટીને 22,548 રહી ગઈ !

પક્ષની સભ્યસંખ્યા ઓછી હોવા છતાં શિસ્તનું પ્રમાણ તેમાં વધ્યું નહિ. સંગઠન નબળું પડતું ગયું. પક્ષની સ્થાનિક શાખાઓના નિર્ણયો સામે મધ્યસ્થ આગેવાનોનું કંઈ ચાલતું નહોતું. પક્ષમાં કાર્યકર્તાઓ કરતાં નેતાઓ વધી પડ્યા હતા.

1968ના પક્ષના પાંચમા અધિવેશનમાં પક્ષના મહામંત્રી મીનુ મસાણીએ પક્ષની સભ્ય-સંખ્યા 47,151 થઈ હોવાનું જાહેર કર્યું; પણ સાથે સાથે સભ્યોના સ્વભાવને કારણે બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, કાશ્મીર તેમજ હરિયાણામાં પક્ષની આંતરિક ચૂંટણીઓ યોજાઈ ન હોવાનો એકરાર પણ કર્યો. તેની સ્થાપના પછી આવેલી દેશની 1962ની ત્રીજી સામાન્ય ચૂંટણીમાં પક્ષે ઝંપલાવ્યું ત્યારે તે લોકસભામાં કુલ 18 અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં કુલ 166 બેઠકો મેળવી શક્યો હતો; જેમાં બિહારમાં 50, રાજસ્થાનમાં 36 અને ગુજરાતમાં 26 બેઠકોની સિદ્ધિ હાંસલ કરી હતી. કૉંગ્રેસના એક-પક્ષપ્રભાવ-પ્રથા હેઠળનાં વર્ષોમાં આટલી સંખ્યામાં બેઠકો અંકે કરવી તે ખરેખર એક સિદ્ધિ હતી. 1967ની ચોથી સામાન્ય ચૂંટણીમાં આ પક્ષે લોકસભામાં કુલ 42 બેઠકો અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં કુલ 257 બેઠકો મેળવી રાજકીય પક્ષ તરીકે સાચે જ કાઠું કાઢ્યું. તેની લોકપ્રિયતામાં વધારો થયો. તમામ વિપક્ષો કરતાં વધુ બેઠકો મેળવી તે સહુથી મોટા વિપક્ષ તરીકે ઊપસી આવ્યો. ઓરિસામાં 49 બેઠકો સાથે મિશ્ર સરકારની રચના કરી અને રાજસ્થાનમાં 49 બેઠકો મેળવી તે વિરોધપક્ષોમાં અગ્રિમ સ્થાને રહ્યો હતો.

1969માં કૉંગ્રેસના શાસક કૉંગ્રેસ અને સંસ્થા કૉંગ્રેસ – એવા બે ભાગ પડ્યા ત્યારે જયપ્રકાશ નારાયણે સ્વતંત્ર પક્ષને આવકારતાં કહ્યું હતું કે તે રૂઢિચુસ્ત અને ઉદ્દામવાદ વચ્ચેના સમતુલન-પરિબળ તરીકે છે. 1972ની ચૂંટણીમાં આ પક્ષે સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ અને પ્રજા સમાજવાદી પક્ષ સાથે જોડાણ કર્યું. જોકે 1962ની તુલનાએ તેનો ચૂંટણી-દેખાવ નબળો રહ્યો. માત્ર 8 બેઠક અને કુલ મતદાનના 3.1 ટકા મત મેળવતાં તેની પીછેહઠ થઈ.

ભારતના મુખ્ય રાજકીય પક્ષોમાં સૌથી ઓછા ગાળામાં રાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ જ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી લેનાર આ પક્ષ મતદારોમાં વ્યાપ વિસ્તારી શક્યો નહિ. એથી જેટલી ઝડપે રાષ્ટ્રીય ફલક પર ઊંચે ચઢ્યો હતો એથીયે વધુ ઝડપે વિલય પામ્યો. આટલે સુધી કે 1977 પછી તેનું નામનિશાન પણ રાષ્ટ્રના રાજકારણમાં રહ્યું નહિ.

ગુજરાતમાં સ્વતંત્ર પક્ષ : 1 મે, 1960માં રચાયેલા ગુજરાત રાજ્યમાં તેણે અસરકારક વૈકલ્પિક પક્ષ તરીકે પ્રજામાં સારું એવું સ્થાન પક્ષે જમાવ્યું. ખેડા, પંચમહાલ અને કચ્છમાં તેના પ્રભાવે ધ્યાન ખેંચ્યું. 1956ના મહાગુજરાત આંદોલનનાં તોફાનો લાંબો સમય ચાલતાં વ્યાપાર-ધંધાને સારી એવી માઠી અસર થઈ હતી. લોકો પણ કૉંગ્રેસ પક્ષનાં પગલાંથી વાજ આવી ગયા હતા. ગુજરાતમાં કૉંગ્રેસવિરોધી જનમતને કારણે સ્વતંત્ર પક્ષે સારું કાઠું કાઢ્યું હતું. એમાં સર્વશ્રી ભાઈકાકા, એચ. એમ. પટેલ, વાડીભાઈ મહેતા, બારિયાનરેશ જયદીપસિંહજી, અર્થશાસ્ત્રી આર. કે. અમીન વગેરે નેતાઓનો મુખ્ય ફાળો હતો. પરિણામે 1962ની ચૂંટણીમાં ગુજરાતની લોકસભાની 22 બેઠકમાંથી કૉંગ્રેસે 16 અને સ્વતંત્ર પક્ષે 4 બેઠક મેળવીને ધ્યાન ખેંચે તેવો દેખાવ કર્યો. વિધાનસભાની 154 બેઠકમાંથી કૉંગ્રેસને 113, જ્યારે સ્વતંત્ર પક્ષને 26, નૂતન મહાગુજરાત જનતા પરિષદને 1, પ્રજા સમાજવાદી પક્ષને 7 અને અન્યને 7 બેઠકો મળી હતી. આમ, ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના ઉદય પછીના ટૂંકા સમયગાળામાં જ તેના તારાએ તેજસ્વિતા દાખવવાનું શરૂ કર્યું. આ પક્ષના ઉદય પછી ગુજરાતના રાજકારણે પણ નવો વળાંક લીધો. સ્વતંત્ર પક્ષે ભાઈલાલભાઈ દ્યા. પટેલ(ભાઈકાકા)ને વિપક્ષના નેતા તરીકે ચૂંટ્યા. માર્ચ 1962થી ફેબ્રુઆરી 1967 સુધી તેમણે આ પદ પર રહીને અસરકારક કામગીરી બજાવી. 1962ના પ્રારંભમાં શ્રી ઢેબરભાઈના રાજીનામાથી રાજકોટ લોકસભાની પેટાચૂંટણી યોજાઈ. તેમાં સ્વતંત્ર પક્ષના શ્રી મીનુ મસાણી કૉંગ્રેસના શ્રી જેઠાલાલ જોષીને પરાજિત કરી વિજયી બન્યા. ‘સ્થાનિક’ ઉમેદવાર વિરુદ્ધ ‘બહાર’ના ઉમેદવારના મુદ્દાને ચગાવવામાં આવ્યો, પણ વિજય સ્વતંત્ર પક્ષનો થયો. સમગ્ર ભારતમાં આ વિજયની નોંધ લેવાઈ. 1967ની ચૂંટણીમાં લોકસભાની 24 બેઠકમાંથી કૉંગ્રેસને 11 બેઠક, સ્વતંત્ર પક્ષને 10 + 2 (સભ્યોનો ટેકો) એમ 12 બેઠક અને જનતા પરિષદને 1 બેઠક મળી. પરિણામે આ પક્ષની લોકપ્રિયતામાં થયેલા ભારે વધારાનું સમર્થન કર્યું.

વિધાનસભાની 168 બેઠકોમાંથી કૉંગ્રેસને 93, સ્વતંત્ર પક્ષને 64 + 2 (સભ્યોનો ટેકો) એમ 66, પ્રજા સમાજવાદી પક્ષને 3, જનતા પક્ષને 2, જનસંઘને 1 અને અપક્ષોને 3 બેઠકો મળી. સ્વતંત્ર પક્ષે 1962ની ચૂંટણીમાં 26 બેઠકો મેળવી હતી જ્યારે 1967ની ચૂંટણીમાં 66 બેઠકો મેળવી હરણફાળ ભરી વિરોધપક્ષનું સ્થાન પ્રાપ્ત કર્યું. ભાઈકાકા વિપક્ષના નેતા તરીકે ચાલુ રહ્યા. તેમણે અધ્યક્ષપદનો ઉમેદવાર પક્ષ સાથે સંકળાયેલો ન હોય તેવી પ્રણાલી સ્થાપવા મુખ્ય પ્રધાન હિતેન્દ્ર દેસાઈને એવી ઑફર કરી કે જો આમ થશે તો સ્વતંત્ર પક્ષ અધ્યક્ષપદ માટે ઉમેદવાર ઊભો રાખશે નહિ; પરંતુ તેનો અસ્વીકાર થતાં એક મહત્વની પ્રણાલી સ્થાપી શકાઈ નહિ. ભાઈકાકાએ 4 માર્ચ, 1967માં વિપક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું અને બારિયાનરેશ જયદીપસિંહજી 21–4–1968ના રોજ વિપક્ષના નેતા ચૂંટાયા.

દરમિયાનમાં કૉંગ્રેસ પક્ષના વિભાજન અને આયારામ ગયારામના પક્ષપલટાના રાજકારણથી રાજકીય અસ્થિરતા સર્જાઈ. 1970ના ઑગસ્ટમાં સ્વતંત્ર પક્ષના 27 ધારાસભ્યોએ પક્ષપલટો કરી નવો પક્ષ સ્થાપ્યો. ઇંદિરા ગાંધીએ સામાન્ય ચૂંટણીની જાહેરાત કરતાં સંસ્થા કૉંગ્રેસ, જનસંઘ, સ્વતંત્ર પક્ષ અને સમાજવાદી પક્ષે જોડાણ કર્યું; જે ‘ભવ્ય જોડાણ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. 14 નવેમ્બર, 1970ના રોજ જયદીપસિંહે વિપક્ષી નેતાપદેથી રાજીનામું આપ્યું.

1971ની ચૂંટણીમાં કૉંગ્રેસ(આઇ.  ઇંદિરા ગાંધી)ને ભવ્ય વિજય મળ્યો જ્યારે ભવ્ય જોડાણનો ‘ભવ્ય પરાજય’ થયો. આ પછીના સમયમાં સ્વતંત્ર પક્ષ લુપ્ત થઈ ગયો અને ભારતીય રાજકારણના આકાશમાંથી સ્વતંત્ર પક્ષનો તારો ખરી પડ્યો, આ માટે આ પ્રમાણેનાં પરિબળોને જવાબદાર ગણાવી શકાય : (1) ક્રમશ: તેની સભ્યસંખ્યા ઘટવા લાગી. (2) પક્ષના શિસ્ત અને સંગઠનનું જે ધોરણ હતું તેમાં ધોવાણ શરૂ થયું. (3) ગેરશિસ્ત અને અવ્યવસ્થાના પ્રમાણમાં વધારો થયો. (4) આંતરિક જૂથબાજીએ કાઠું કાઢ્યું. આંતરિક ઝઘડા વધ્યા. (5) ટોચના કેટલાક નેતાઓ અવસાન પામ્યા અને સત્તાલાલસા પ્રબળ બનતાં પક્ષપલટાનું રાજકારણ શરૂ થયું, જેણે પક્ષને ભરખી લીધો. એ બાબત સૌથી મહત્વની બની રહી કે સામાન્ય પ્રજામાં આ પક્ષનાં મૂળિયાં ઊંડે સુધી પકડ જમાવી શક્યાં નહિ હોવાથી તે દીર્ઘજીવી બની શક્યો નહિ. આમ, ભારતીય રાજકારણમાંથી સ્વતંત્ર પક્ષની બાદબાકી થઈ ગઈ. આમ છતાં પણ તેના અલ્પજીવન દરમિયાન પણ તેણે જે ભૂમિકા ભજવી તેનાથી સહુનું ધ્યાન ખેંચાયા વગર રહ્યું નહિ.

હસમુખ પંડ્યા

હરબન્સ પટેલ