શેવાળ (બ્રાયૉપ્સિડા)

January, 2006

શેવાળ (બ્રાયૉપ્સિડા) : દ્વિઅંગી (Bryophyta) વનસ્પતિઓનો એક સૌથી મોટો વર્ગ. તેને બ્રાયૉપ્સિડા (મુસાઈ) કહે છે અને શેવાળ(moss)ના નામથી પણ ઓળખવામાં આવે છે. શેવાળની 660 પ્રજાતિઓ અને 15,000 જાતિઓ નોંધાઈ છે; જે પૈકી સ્ફેગ્નમ, ઍન્ડ્રિયા, ફ્યુનારિયા, હિપ્નમ, બક્સબોમિયા, પૉલિટ્રાઇકમ, ટૉર્ચુલા, બ્રાયમ, નિયમ, ફિસિડેન્સ, ગ્રિમિયા, યુલોટા, નેકેરા અને ટીલિયમ જાણીતી છે. તેમાં બક્સબોમિયાની 6 જાતિ, ઍન્ડ્રિયાની 120 જાતિ, પૉલિટ્રાઇકમની 100 જાતિ, ફ્યુનારિયાની 117 જાતિઓ અને સ્ફૅગ્નમની સૌથી વધુ 336 જાતિઓ જોવા મળે છે. શેવાળ ખુલ્લા કે સપાટ મેદાનો અને સમુદ્રની સપાટીથી 1,200 મી.થી 2,400 મી.ની ઊંચાઈએ મળી આવે છે. તેની કેટલીક જાતિઓ 5400 મી.થી 6000 મી.ની ઊંચાઈએ પણ થાય છે. માત્ર દરિયાઈ વિસ્તાર સિવાય દુનિયાના દરેક પ્રદેશમાં અને દરેક પ્રકારના પર્યાવરણમાં તે મળી આવે છે. તે પાણીમાં (દા.ત., ફોન્ટિનાલિસ ઍન્ટિપાયરોટિકા), ભેજવાળી જમીન, ભેજવાળા પર્વતો, ઝાડનાં થડ (દા.ત., હિપ્નમક્યુપ્રેસીફૉર્મિસ), જૂની દીવાલો અને ખડકો (દા.ત., ટૉર્ચુલા મ્યુરાબિસ), શુષ્ક ખરાબાની જમીન (દા.ત., પૉલિટ્રાઇકમ જૂનીપેરિનમ), જમીન ઉપર (દા.ત., આર્ચિડિયમ) અને રણવિસ્તાર (દા.ત., ટોર્ચુલા ડેસ્ટ્રોરમ)માં ગાલીચાની જેમ પથરાયેલી જોવા મળે છે. જ્યારે સ્ફૅગ્નમ અને તેના સમૂહની વનસ્પતિઓ સ્થગિત પાણીથી ભરપૂર એવી જમીન કે ખાબોચિયામાં  નિમજ્જિત સ્વરૂપે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે આથી તેને ખાબોચિયાની શેવાળ (બોગ-મૉસ) તરીકે ઓળખવામાં આવે છે. શેવાળનાં વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે :

* આ વનસ્પતિઓનું શરીર પ્રકાંડ અને પર્ણો એમ બે મુખ્ય  ભાગો ધરાવે છે.

* સ્ફૅગ્નમને બાદ કરતાં શેવાળનું પર્ણ એક મધ્યશિરા ધરાવે છે.

* કોષદીવાલ સામાન્ય રીતે હેમિસેલ્યુલૉઝ અને પેન્ટાસોનેસિસની બનેલી હોય છે.

* અંત:સ્થ રચનાની દૃષ્ટિએ પ્રકાંડની પેશીના કેટલાક ભાગનું વિભેદન બાહ્યક અને વાહક પ્રદેશમાં થયું હોય છે. છતાં તેમાં સાચા વાહકપેશીતંત્રનું અસ્તિત્વ હોતું નથી.

* તેની જન્યુજનક અવસ્થા પ્રતંતુ (protonema) અને પર્ણીય જન્યુધર (gametophore) – એમ બે અવસ્થાઓ ધરાવે છે.

* જન્યુધર એકશાખી શાખાવિન્યાસ ધરાવતો હોય છે. પાર્શ્ર્વીય શાખાઓ કદી કક્ષીય હોતી નથી અને પ્રત્યેક શાખા પર્ણની નીચેના પ્રદેશમાંથી ઉત્પન્ન થતી કક્ષબાહ્ય હોય છે.

* જન્યુધારી વૃદ્ધિ અને વિકાસ હંમેશાં પિરામિડ આકારના એક અગ્રકોષમાંથી થતો હોય છે.

* આધારતલ સાથે સ્થાપનમાં મદદ કરતાં મૂલાંગો બહુકોષી, બહુશાખી અને ત્રાંસી અનુપ્રસ્થ દીવાલો ધરાવે છે.

* શેવાળમાં અન્ય દ્વિઅંગીઓની સરખામણીમાં પ્રજનન-અંગો ખૂબ લાંબો દંડ ધરાવે છે.

* પ્રજનન-અંગોના પ્રારંભિક વિકાસની શરૂઆત અગ્રકોષથી થાય છે.

* સ્ત્રીધાનીનું અંડધાનીકાય (venter) પ્રહરિતા(liver worts)ના પ્રમાણમાં વધુ જાડું હોય છે.

* બીજાણુજનકની વૃદ્ધિ મર્યાદિત હોય છે. તે સામાન્ય રીતે પાદ (foot), પ્રાવરદંડ (seta) અને પ્રાવર (capsule) એમ ત્રણ ભાગો ધરાવે છે.

* બીજાણુજનકના પ્રાવરની દીવાલ વાયુરંધ્રો ધરાવતા અધિસ્તર વડે ઢંકાયેલાં કેટલાક સ્તરોની બનેલી હોય છે.

આદ્યબીજાણુસર્જક પેશી (archesporium) પરિસ્તર (amphithecium) કે સ્ફોટી સ્તર(endothecium)માંથી ઉત્પન્ન થાય છે. આદ્યબીજાણુસર્જક પેશી માત્ર બીજાણુઓનું જ સર્જન કરે છે. વંધ્ય કોષો કે સૂતિકાઓ(elaters)નો અભાવ હોય છે. પ્રાવરનું સ્ફોટન ઢાંકણ છૂટાં પડવાથી થાય છે.

બ્રાયૉપ્સિડા (મુસાઈ) વર્ગને રીમર્સે પાંચ ઉપવર્ગોમાં વર્ગીકૃત કર્યો છે : (1) સ્ફૅગ્નિડી (Sphagnidae), (2) ઍન્ડ્રિઇડી (Andreaedae), (3) બ્રાયિડી (Bryidae), (4) બક્સબોમિડી (Buxbaumiidae) અને (5) પૉલિટ્રાઇકિડી (Polytrichidae).

શેવાળનાં વિવિધ સ્વરૂપો

ચિરપ્રતિષ્ઠિત (classical) વર્ગીકરણ પદ્ધતિ મુજબ બ્રાયૉપ્સિડાને ત્રણ ઉપવર્ગોમાં વર્ગીકૃત કરાય છે :

(1) સ્ફૅગ્નિડી, (2) ઍન્ડ્રિઇડી અને (3) બ્રાયિડી (જેમાં બક્સબોમિડી અને પૉલિટ્રાઇકિડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.) તે અનુસાર બ્રાયૉપ્સિડાનું વર્ગીકરણ આ પ્રમાણે આપવામાં આવે છે :

ઉપવર્ગ : સ્ફૅગ્નિડી

ગોત્ર : સ્ફૅગ્નેલિસ

દા.ત., સ્ફૅગ્નમ

ઉપવર્ગ : ઍન્ડ્રિઇડી

ગોત્ર : ઍન્ડ્રિએલિસ

દા.ત., ઍન્ડ્રિયા

ઉપવર્ગ : બ્રાયિડી

વિભાગ I : નિમેટોડોન્ટી

કોહોર્ટ I : ટેટ્રાફિડી

ગોત્ર : ટેટ્રાફિડેલિસ

દા.ત., ટેટ્રાફિસ

કોહાર્ટ II : બક્સબોમિડી

ગોત્ર : બક્સબોમિયેલિસ

દા.ત., બક્સબોમિયા, ડાઇફાઇસિયમ

કોહાર્ટ III : પૉલિટ્રાઇકિડી

ગોત્ર I : પૉલિટ્રાઇકેલિસ

દા.ત., પૉગોનેટમ, પોલિટ્રાઇકમ, લાયેલિયા

વિભાગ II : આર્થ્રોડૉન્ટી

કોહાર્ટ IV : યુબ્રાયિડી

ગોત્ર I : આર્ચિડિએલિસ

દા.ત., આર્ચિડિયમ

ગોત્ર II : ડાઇક્રેનેલિસ

દા.ત., ડાઇટ્રાઇકોપ્સિસ, ડાઇક્રેનેલા, લ્યુકોબ્રાયમ

ગોત્ર III : ફિસિડેન્ટેલિસ

દા.ત., ફિસિડેન્સ

ગોત્ર IV : સાયર્હોપોડોન્ટેલિસ

દા.ત., સાયર્હોપોડોન

ગોત્ર V : પોટિયેલિસ

દા.ત., બાર્બુલા

ગોત્ર VI : ગ્રીમિયેલિસ

દા.ત., ગ્રીમિયા

ગોત્ર VII : એન્કેલિપ્ટેલિસ

દા.ત., એન્કેલિપ્ટા

ગોત્ર VIII : ફ્યુનેરિયેલિસ

દા.ત., ફ્યુનારિયા

ગોત્ર IX : યુબ્રાયેલિસ

દા.ત., બ્રાયમ

ગોત્ર X : આઇસોબ્રાયેલિસ

દા.ત., પેપીલેરિયા

ગોત્ર XI : હૂકેરિયેલિસ

દા.ત., હૂકેરિયા

ગોત્ર XII : હિપ્નોબ્રાયેલિસ

દા.ત., ટેક્સોથેલિયમ

ઉપર્યુક્ત વર્ગીકરણ કેવર્સ, બધ્રરસ, ડિક્સન અને રિમર્સની વર્ગીકરણ-પદ્ધતિ પરથી નવેસરથી રૂપાંતર કરી આપવામાં આવ્યું છે.

યોગેશ ડબગર

બળદેવભાઈ પટેલ