શેવિન્સ્કા, ઇરિના (. 24 મે 1946, લેનિનગ્રાડ, સેંટ પિટર્સબર્ગ, રશિયા) : લાંબા કૂદકાનાં નામી મહિલા ખેલાડી અને દોડવીર. 1964ની ઑલિમ્પિક રમતોમાં લાંબા કૂદકાની સ્પર્ધામાં રજત ચંદ્રકના વિજેતા બનીને તેમણે પોતાની પ્રતિષ્ઠા જમાવી. પોલૅન્ડની રિલૅ ટુકડીમાં તેઓ સુવર્ણ ચંદ્રકનાં વિજેતા બન્યાં. 1965માં તેમણે 100 મી. તથા 200 મી. દોડમાં વિશ્વવિક્રમ સ્થાપ્યા. 1966માં યુરોપિયન ચૅમ્પિયનશિપમાં 3 સુવર્ણ ચંદ્રકનાં વિજેતા નીવડ્યાં. 1968ની ઑલિમ્પિક રમતોમાં 200 મી.ની દોડમાં વિશ્વવિક્રમરૂપ ? સમયમાં વિજેતા બની રહ્યાં. 1971ની યુરોપિયન ચૅમ્પિયનશિપમાં તથા 1972ની ઑલિમ્પિક રમતોમાં તેઓ કાંસ્ય ચંદ્રક જીત્યાં. પછી તે 400 મી. દોડ તરફ વળ્યાં અને 1976માં નવા વિશ્વવિક્રમરૂપ 49.28 સેકન્ડ જેટલો સમય નોંધાવીને ઑલિમ્પિકનાં વિજેતા બન્યાં. 1980ની મૉસ્કોની ઑલિમ્પિક રમતોમાં પણ તેમણે ભાગ લીધો હતો.

મહેશ ચોકસી