શાહ, શ્રીકાંત (. 29 ડિસેમ્બર 1936, બાંટવા, સૌરાષ્ટ્ર) : ગુજરાતીમાં ઍબ્સર્ડ નાટકોના જાણીતા લેખક તથા કવિ. પિતા વલ્લભદાસ કાપડનો વ્યાપાર કરતા. માતાનું નામ વસંતબહેન. સમગ્ર શિક્ષણ સૌરાષ્ટ્રમાં. 1959માં ડી. કે. વી. કૉલેજ, જામનગરથી મનોવિજ્ઞાન મુખ્ય વિષય સાથે બી.એ. તથા 1962માં ગુજરાત યુનિવર્સિટીની એમ.એ.ની પદવી મેળવી. અનુસ્નાતક સ્તરે ઔદ્યોગિક મનોવિજ્ઞાન વિષયમાં વિશિષ્ટીકરણ કર્યું. 1962થી વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ કર્યો. 1962-63માં અમદાવાદની હ. કા. આર્ટ્સ કૉલેજમાં, 1964-65માં અલિયાબાડાની ડી. જી. એમ. કૉલેજમાં ખંડસમયના અને 1968-97ના ત્રણ દાયકા અમદાવાદની વિવેકાનંદ આર્ટ્સ કૉલેજમાં પૂર્ણ સમયના અધ્યાપક તરીકે મનોવિજ્ઞાન વિષયનું અધ્યાપન કર્યું. 1985-97 દરમિયાન ત્યાં વિભાગીય વડાનું પદ પણ શોભાવ્યું. તે પૂર્વે 1965-67ના ગાળામાં રાજકોટથી પ્રકાશિત થતા ‘જનસત્તા’ સમાચારપત્રના કાર્યાલયમાં મૅનેજર તથા 1967-68 દરમિયાન જનરલ મૅનેજર તરીકે સેવાઓ આપી. અધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન 1993-95ના ગાળામાં અનુસ્નાતક સ્તરે ગુજરાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં તથા એલ. ડી. આર્ટ્સ કૉલેજના અનુસ્નાતક વર્ગોમાં પણ અધ્યાપન કર્યું.

શ્રીકાંત શાહ

સાહિત્યસર્જનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન મુખ્યત્વે એકાંકી નાટકો અને કાવ્યરચના સાથે સંબંધિત છે. અત્યાર સુધી તેમના બે કાવ્યસંગ્રહો (‘એક શ્રીકાન્ત શાહ’ અને ‘એક માણસનું નગર’), બે નવલકથાઓ (‘ત્રીજો માણસ’ અને ‘અસ્તિ’), બે દીર્ઘ (full length) નાટકો (‘નેગેટિવ’ અને ‘તિરાડ’) તથા પાંચ એકાંકી નાટ્યસંગ્રહો (‘કૅનવાસ પરના ચહેરા’, ‘હું’ ‘તમારા નામનું મધ્યબિંદુ’, ‘એકાંત નંબર 80’ અને ‘તિરાડ તથા અન્ય નાટકો’) પ્રકાશિત થયાં છે. તેમનાં નાટકોમાં ‘ઍબ્સર્ડ’ નાટ્યશૈલીનો રંગ વિશેષ હોય છે. તેમનાં એકાંકીઓમાંથી ‘સાત હજાર સમુદ્રો’, ‘આપણે બધાં આકાશ નીચે ઊભાં છીએ’, ‘ચાર ચેહરા એક માણસ’, ‘કારણ વિનાના લોકો’, ‘વેનીશિયન બ્લાઇન્ડ્ઝ’, ‘બિલોરી કાચના માણસો’, ‘46 ક્રોમોઝોમ્સ’ તથા ‘એકાંતને અડોઅડ’ વિશેષ નોંધપાત્ર છે. નાટ્યલેખન ઉપરાંત ચલચિત્ર, સાહિત્ય, મનોવિજ્ઞાન, પ્રાચીન કલાવસ્તુઓ (antiques) જેવા વિષયો પર તેમના આશરે 200 જેટલા સ્ફુટ લેખો ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’ તથા ‘અભિયાન’(સાપ્તાહિક)માં; 50 જેટલી કાવ્યરચનાઓ ગુજરાતી સાહિત્યક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતાં ‘ક્ષિતિજ’, ‘પરબ’, ‘નવનીત-સમર્પણ’ જેવાં સામયિકોમાં તથા 30 જેટલી વાર્તાઓ અન્ય અલગ અલગ સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે.

તેમના ‘તિરાડ’ ત્રિઅંકી નાટકના અનેક પ્રયોગો થયા છે તથા તે પુરસ્કૃત પણ થયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમનાં નાટકો પુરસ્કૃત થયેલાં છે. તેમનાં નાટકોમાંથી કેટલાક ભારતની અન્ય ભાષાઓમાં અનૂદિત થયાં છે, એટલું જ નહિ, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી અને બંગાળ જેવા ગુજરાત બહારનાં રાજ્યોમાં તેમાંથી કેટલાંક ભજવાયાં પણ છે. તેમનાં વીસ જેટલાં નાટકોનું આકાશવાણી તથા દૂરદર્શન પર પ્રસારણ થયેલું છે.

પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો તેમને શોખ છે, જેનાં 15 જેટલાં પ્રદર્શનો અમદાવાદ ઉપરાંત મુંબઈ અને દિલ્હી જેવાં નગરોમાં ભૂતકાળમાં યોજાયાં છે.

હાલ તેઓ મનોવિજ્ઞાન સલાહકાર (consultant psychologist) તરીકે સેવાઓ આપી રહ્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે