શાહ, સાબિત અલી (. 1740, મુલતાન, હાલ પાકિસ્તાન; . 1810) : સિંધી કવિ. તેઓ શિયા પંથના મુસ્લિમ હતા અને પોતાને જફ્ફાર સાદિકના અનુયાયી – જાફ્ફરી તરીકે ઓળખાવતા હતા. તેમણે જુદા જુદા મૌલવીઓ પાસેથી શિક્ષણ લીધું હતું. સાહિત્યિક અભ્યાસ સૈયદ ચિરાગસાહેબ પાસે કર્યો. જ્યારે મૌલવી મદારસાહેબની પ્રેરણાથી કાવ્યસર્જન કર્યું. તેઓ મૂળ મુલતાનના પણ પાછળથી તેમણે સિંધમાં સ્થળાંતર કર્યું અને સેહવાન ખાતે સ્થાયી થયા.

તેમણે કેટલીક જાણીતી વિશિષ્ટ વ્યક્તિઓની પ્રશસ્તિમાં કાવ્યો – ‘કસાઇદ’ની રચનાથી પ્રારંભ કર્યો. ત્યારબાદ શહીદોની યાદમાં તેમણે સિંધીમાં મરસિયા અને ‘સલામો’ની રચના કરી. મહઝૂન અને મિસ્કિન જેવા જાણીતા પંજાબી કવિઓના પ્રભાવ હેઠળ તેમણે મરસિયા રચ્યા, સિંધીમાં તેમણે રચેલો પ્રથમ મરસિયો કરબલાના શહીદ હજરત હુસેનને સમર્પિત કર્યો હતો. પરિણામે તેઓ મહાન મરસિયા કવિ તરીકે ખ્યાતિ પામ્યા. તેમના કાવ્યસર્જન બદલ કલ્હોડા હાકેમે તેમને પારિતોષિકથી નવાજ્યા હતા.

તેમની કૃતિઓ ફારસી પિંગળ પર રચાયેલી છે. સિંધી કાવ્યમાં અરબી છંદ દાખલ કરનારા પ્રથમ સિંધી કવિ તરીકે તેઓ ઓળખાયા. તાલ્પુરાઓએ કલ્હોડાઓને હરાવ્યા પછી તાલ્પુરાઓના હાકેમ મીર ફતેહઅલી ખાનના વિજયની પ્રશસ્તિ રૂપે, સિંધીમાં તેમણે ‘ફતેહનામા’ અને ફારસીમાં ‘ઝફરનામા’ની રચના કરી.

તેમને યાત્રાધામોની મુલાકાત લેવાનો ભારે શોખ હતો અને આશ્રયદાતા મીર કાસમ અલીખાન સાથે તેમણે છેક ઇરાક સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. તેમનાં સિંધી મરસિયાનાં સંકલનો 4 ગ્રંથમાં ઉપલબ્ધ છે. ‘ઝિરાયત નામા’ અને ‘ચિરિંગ’ તત્કાલીન કવિઓ પરના વક્રોક્તિ ગ્રંથો છે. તેમની કાવ્યરચનાઓમાં મુસાઇદ, મસવી, ફાર્દ વગેરે પ્રકારો જોવા મળે છે. તેમની સલામો અને મરસિયા હૃદયભેદક છે. સલામો તેમણે ગઝલસ્વરૂપે લખી છે.

આમ વાસ્તવમાં ફારસી છંદને સિંધી કાવ્યમાં સ્થાન આપનાર તરીકે તેમનું નામ જાણીતું છે.

જયંત રેલવાણી