વલ્લભાચાર્ય મહાપ્રભુજી

January, 2005

વલ્લભાચાર્ય મહાપ્રભુજી (ઈ. 14791531) : હિંદુ ધર્મમાં શુદ્ધાદ્વૈત, પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. શ્રીમદભાગવદગીતામાં વૈદિક હિંસાત્મક દ્રવ્યયજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞો ઉત્તમ છે એ અને પછી ભક્તિની મહત્તા બતાવવામાં આવેલ છે. આ સિદ્ધાંત વ્યાપક બનતાં ઈ. પૂ. દસેક સદી પૂર્વે ભક્તિની મહત્તા સ્થાપતો અને વિષ્ણુ-નારાયણ તેમજ વાસુદેવને પરમ ઇષ્ટ માની એમના અવતારોનાં પણ મંદિરો સ્થાપતો ‘પાંચરાત્ર સંપ્રદાય’, ‘સાત્વત સંપ્રદાય’  ‘ભાગવતમાર્ગ’ – એવી ત્રણ સંજ્ઞાવાળો વૈષ્ણવમાર્ગ અસ્તિત્વમાં આવ્યો; જે સમગ્ર ભારતીય ઉપખંડમાં વ્યાપક થયો. ઈ. સ.ની પહેલી સદીમાં ‘ભાગવતમાર્ગ’, ‘બૌદ્ધ સંપ્રદાય’, ‘જૈન સંપ્રદાય’ અને ‘પાશુપત સંપ્રદાય’ એ અહિંસક સંપ્રદાયો પ્રવર્તમાન હતા; જ્યારે ‘શાક્ત સંપ્રદાય’ હિંસાપ્રધાન હતો; એટલે કે દેવીને પશુઓનો ભોગ આપવામાં આવતો હતો. મૌર્યકાલ પછી ગુજરાત પ્રદેશ પર ક્ષત્રપોની સત્તા આવી અને ગુજરાત પર, જે પછી વિશાળ ભારતવર્ષ ઉપર ગુપ્તોની સત્તા આવી; આ રાજવીઓનું મહત્વનું વિશેષણ परम भागवत હતું. અર્થાત્ ગુપ્ત સામ્રાજ્યના સમયમાં ભાગવત સંપ્રદાય વિશાળ ભારતવર્ષમાં પ્રભુત્વ ધરાવતો હતો. આઠમી સદીના અંતભાગમાં આદિ શંકરાચાર્યજીનું પ્રાકટ્ય થયું છે, જેમણે શિવ અને વિષ્ણુસહિત પાંચ દેવોની ઉપાસનાનો ‘સ્માર્ત વૈષ્ણવ માર્ગ’ સ્થાપ્યો, જ્યારે ‘ભાગવતમાર્ગ’ એ ‘શ્રૌત વૈષ્ણવમાર્ગ’ કહેવાય છે. શ્રીશંકરાચાર્યજીના આગમનથી ‘ભાગવતમાર્ગ’ને પણ બળ મળ્યું. એમના સમય પછી બે સદીમાં દક્ષિણમાં શ્રીરામાનુજાચાર્યજી થયા, એમના પછી કર્ણાટકમાં વિષ્ણુસ્વામી નામના આચાર્ય થયા, જેમણે ‘નરસિંહ’-અવતારને ઇષ્ટ તરીકે સ્વીકાર્યા, જે પરંપરામાં ‘ભાગવત’ ટીકાકાર શ્રીધર સ્વામી થયા. દક્ષિણમાં થોડા સમય પછી નિમ્બાર્કાચાર્ય થયા. એઓ ‘ગોપાલકૃષ્ણ’ના ઉપાસક હતા. થોડા સમય પછી દક્ષિણમાં શ્રીમધ્વાચાર્યજી થયા અને એમના પછી શ્રીવલ્લભાચાર્યજી થયા. એમના પણ ‘ગોપાલકૃષ્ણ’ ઇષ્ટદેવ હતા. ભાગવતમાર્ગની આ વૈષ્ણવી શાખાઓએ, દક્ષિણમાં થયા છતાં, મોટાભાગના ભારતવર્ષમાં પોતાના સંપ્રદાયોનો ફેલાવો કર્યો. આ આચાર્યોની મહત્તા એમણે બાદરાયણ વ્યાસનાં ‘બ્રહ્મસૂત્રો’ ઉપર ભાષ્યો રચ્યાં એ છે. તેથી ‘આચાર્ય’ પદવી એમને માટે પ્રચલિત છે. અપવાદ માત્ર વિષ્ણુસ્વામીનો છે કે જેમનો મહત્વનો એક પણ ગ્રંથ પ્રાપ્ય નથી. શ્રીવલ્લભાચાર્યજી વિષ્ણુસ્વામીની પરંપરામાં હતા. એમની લઘુ યાત્રામાં એઓશ્રી ઉજ્જૈન પહોંચ્યા ત્યાં એમના તીર્થ ગોરના ચોપડામાં પોતાના હસ્તાક્ષર સં. 1546ના ચૈત્ર સુદિ એકમ(સંભવત: તા. 2231490)ને દિવસે કરી આપ્યા; જેવા કે श्रीविष्णुस्वामि-मर्यादानुगामिना वल्लभेन अवन्तिकायां नरोतमशर्मा पौरोहित्येन सम्माननीयः (એમનું આ 17મું વર્ષ પૂરું થવા આવ્યું હતું) એમની પ્રાપ્ત વંશાવલિ છ પેઢીની સુલભ છે.

મહાપ્રભુજી વલ્લભાચાર્ય

આ કુટુંબ આંધ્ર પ્રદેશના કાંકર પરગણામાં આવેલા વિષ્ણુસ્વામી સંપ્રદાયના કાકરપાઢુ ગામમાં રહેતું હતું. શ્રીવલ્લભાચાર્યજીના પૂર્વજોમાં યજ્ઞયાગાદિક વૈદિક માર્ગ તરફ પૂરા આદરવાળી ગોપાલકૃષ્ણને ઇષ્ટદેવ માનતી વૈષ્ણવી પરંપરા હતી. એઓ આંધ્રના તૈલંગ બ્રાહ્મણ હતા. એમનો વેદ કૃષ્ણ યજુર્વેદ હતો. શાખા તૈત્તિરીય, ગોત્ર ભરદ્વાજ, સૂત્ર આપસ્તંબ, કુલદેવી રેણુકા, કુળ વેલ્લનાડુ અને એમની અવટંક ‘ખંભપટ્ટીવારુ’ હતી. પરંપરાથી એમને ત્યાં અગ્નિહોત્ર હતું અને ‘સોમયાગ’ જેવા યજ્ઞ પણ થતા આવતા હતા. કેટલાક પૂર્વજો સમર્થ પંડિત પણ હતા અને એમણે ગ્રંથો પણ રચ્યા હતા. જાણવામાં આવેલા પહેલા પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટે 32 સોમયાગ, ગંગાધર ભટ્ટે 28, ગણપતિ ભટ્ટે 30, વલ્લ ભટ્ટે 5 અને લક્ષ્મણ ભટ્ટ તથા જનાર્દન ભટ્ટે મળી 5 – આ પ્રમાણે 100 કર્યા હતા, આ કારણે એમની અવટંક ‘દીક્ષિત’ પ્રસિદ્ધ હતી.

લક્ષ્મણ ભટ્ટજીએ છેલ્લો ‘સોમયાગ’ પૂરો કર્યા પછી ત્રિવેણીમાં સ્નાન કરવાનો તેમજ ત્યાં પ્રયાગમાં તથા કાશીમાં જઈ બ્રહ્મભોજન કરાવવાનો ભાવ હતો. જે, સપત્નીક જઈ પૂર્ણ કર્યો. ઈ. સ. 1470ના વર્ષમાં પોતાના વતન કાંકરપાઢુમાં પરંપરાથી પોતાના માથે બિરાજતા શ્રી રામચંદ્રજીની સેવાનું કામ પુત્ર રામકૃષ્ણને સોંપી એ જ વર્ષમાં વિ. સં. 1527ના બીજા આષાઢની અમાસ અને ગુરુવારે (તા. 28-6-1470) પ્રયાગ અને પછી કાશી પહોંચી ત્યાં વિરક્ત વૈષ્ણવ માધવેંદ્ર યતિની પાઠશાળામાં જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ સાધ્યો. દિલ્હીના બહલોલ લોદી(ઈ. સ. 1450-1489)નાં લશ્કર આગળ વધતાં અને જોનપુરનો પ્રદેશ દબાવતાં કાશી નજીક આવેલાં સાંભળી કાશીવાસીઓ ત્યાંથી પોતપોતાના દેશ તરફ હિજરત કરવા લાગ્યા, ત્યારે લક્ષ્મણ ભટ્ટજી સહકુટુંબ કાશી છોડી આંધ્ર તરફ જવા નીકળ્યા અને કેટલાક દિવસો વટાવી આંધ્રના પ્રદેશની સરહદે આવી પહોંચ્યા, જ્યાં સં. 1529ના ચૈત્ર વદિ 11 ને શનિવારે (તા. 4-4-1472) ભીમરથી નદીના કિનારે આવેલા ચંપારણ્ય નામના સ્થાનકે પ્રવાસના હડદોલાને કારણે શ્રીઈલ્લમ્માગારુજી સગર્ભા હતાં એમણે રાત્રિ શરૂ થતાં 9 ઘડી અને 44 પળને સમયે બાળકને જન્મ આપ્યો. સાતમે અધૂરે મહિને પ્રસવ થવાથી ગર્ભને મૃતવત્ જોયો એટલે નજીકના ઝાડની બખોલમાં બાળક પર લૂગડું ઢાંકીને મૂક્યો અને શબને કોઈ વન્ય પશુ ઉપાડી ન જાય એ માટે ફરતે વીણી લાવેલાં લાકોટિયાં સળગાવી કુટુંબ આરામ કરવા સૂતું. સવાર થવા આવતાં અગ્નિના તાપથી પેલું બાળક ચીસ પાડવા લાગ્યું, જે સાંભળી સૌ ઊઠ્યાં અને બાળકનો ખોળામાં લઈ માતાજીએ સ્તનપાન કરાવ્યું. આ બાળક એ શ્રીવલ્લભાચાર્યજી. થોડો આરામ કરી કુટુંબ માતાજીને શ્રમ ન પડે એ રીતે પ્રવાસ કરતાં નજીકના ચૌડા નામના ગામમાં આવી પહોંચ્યું. ત્યાં કૃષ્ણદાસ ચોપડા કરીને એક પરિચિત ક્ષત્રિય હતા એમને ત્યાં મુકામ કર્યો. જ્યાં કાશીથી લક્ષ્મણ ભટ્ટજીના ગુરુ માધવેંદ્ર યતિ પણ આવી પહોંચ્યા હતા. ત્યાં છઠ્ઠી વગેરે માંગલિક પ્રસંગ પતાવી પૂરો દોઢ મહિનો વિતાવી વતન તરફ આગળ વધ્યા. વતન પહોંચ્યા પછી સમાચાર મળ્યા કે કાશીમાં શાંતિ પથરાઈ ગઈ છે એટલે આવેલાં કાશી તરફ રવાના થયાં, લક્ષ્મણ ભટ્ટજી પણ કુટુંબ સાથે કાશી પહોંચ્યા (ઈ. સ. 1476). ચૌડામાં વીતેલા ત્રણ વર્ષના ગાળામાં ત્રીજા પુત્ર રામચંદ્રનો જન્મ થયો હતો. કષ્ટ ન પડે એ ધ્યાનમાં રાખી કુટુંબને લઈ કાશી તરફ સિધાવ્યા. જ્યારે શ્રીવલ્લભને પાંચમું વર્ષ શરૂ થયું ત્યારે સં. 1534(ઈ.સ. 1447)ના ચૈત્ર વદિ 11 અને રવિવાર(તા. 23-3-1477)ના દિવસે યજ્ઞોપવીત સંસ્કાર કર્યો અને સાથોસાથ વિષ્ણુસ્વામી સંપ્રદાયની દીક્ષા પણ લક્ષ્મણ ભટ્ટજીએ આપી. દક્ષિણના દેશમાં એવો રિવાજ છે કે બાળકનો આ દ્વિજ સંસ્કાર થાય એ જન્મદિન જેટલું મહત્વ ગણાય છે. આ જ કારણે સંપ્રદાયમાં આ વર્ષ જન્મનું ગણાતું આવ્યું છે, જ્યારે શ્રીવલ્લભની જન્મકુંડલી મળી છે અને એમાં ગ્રહોની સ્થિતિ છે એ સં. 1529ની બંધ બેસે છે.

બરોબર યજ્ઞોપવીત અને દીક્ષાના મંગલ ઉત્સવને ટાંકણે ‘ગુરુ’ની શોધમાં નીકળી પડેલો કૃષ્ણદાસ મેઘન નામનો ક્ષત્રિય આવી પહોંચ્યો, જે બાળક શ્રીવલ્લભની પરિચર્યામાં ગોઠવાઈ ગયો.

કાશીમાં શ્રીમાધવેંદ્રયતિના શિષ્ય માધવાનંદજીની પાસે શ્રીવલ્લભનું તેમ રામચંદ્ર અને વિશ્વનાથનું અધ્યયન બરોબર ચાલતું હતું. શ્રીવલ્લભે સોળમા વર્ષ સુધીમાં સામાન્ય શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો હતો. દાર્શનિક વિષયોનો અભ્યાસ કરવાનો બાકી હતો. જેની વ્યવસ્થા વિજયનગરમાં શ્રીવલ્લભના મામાને ત્યાં હતી. એટલે લક્ષ્મણ ભટ્ટજી સહકુટુંબ વિજયનગર આવ્યા અને શ્રીવલ્લભનો અભ્યાસ આગળ વધ્યો. વિજયનગરમાં સારી રીતે ગોઠવાઈ ગયા પછી લક્ષ્મણ ભટ્ટજીની ઇચ્છા દક્ષિણનાં તીર્થોની યાત્રા કરવાની થઈ. કાંકરપાઢુથી મોટા પુત્ર રામકૃષ્ણને બોલાવી લઈ કૃષ્ણદાસ મેઘન અને શ્રીવલ્લભ-રામકૃષ્ણ-રામચંદ્ર એ ત્રણ પુત્રોની સાથે માતાપિતા દક્ષિણની યાત્રામાં નીકળી પડ્યાં અને શ્રી લક્ષ્મણ બાલાજીમાં આવ્યા, જ્યાં સં. 1544(ઈ. સ. 1487)ના એક દિવસે પિતાજી ભગવદધામવાસી થયા. શ્રીવલ્લભની ઉંમર ત્યારે સોળ વર્ષની થઈ હતી. બધાં મામાને ત્યાં આવી પહોંચ્યાં, જ્યાં પૂર્વવત્ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરવામાં શ્રીવલ્લભ અને ભાઈઓ લાગી ગયા.

પિતાજીની અધૂરી રહેલી યાત્રા પૂરી થાય એ ઉદ્દેશે માતાજીને સાથે લઈ સં. 1545(ઈ. સ. 1488)માં કૃષ્ણદાસ મેઘનને સાથે રાખી, પ્રથમ કાંકરપાઢુ આવ્યાં. ત્યાં માતાજીનો સોગ ઉતરાવ્યો અને ત્યાંથી નીકળી યથાસમય શ્રી જગન્નાથપુરી પહોંચ્યા, જ્યાં વિદ્વત્સભામાં પણ શ્રીવલ્લભે ભાગ લઈ ‘ગીતા એ શાસ્ત્ર અને શ્રીકૃષ્ણ એ પરમદૈવત’ એ સિદ્ધાંત સ્થાપી માન મેળવ્યું. વિજયનગર પરત આવી અભ્યાસમાં પાછા લાગી ગયા. અહીં હવે ગ્રંથલેખન શરૂ થયું. પ્રથમ ગ્રંથ કહેવાય એ ‘તત્વાર્થદીપનિબંધ’, જેની શાસ્ત્રાર્થ પ્રકરણસર્વનિર્ણય પ્રકરણ-ભાગવતાર્થ પ્રકરણની કારિકાઓ એઓશ્રીએ રચી, જેમાં અનુક્રમે બ્રહ્મમીમાંસા, ધર્મમીમાંસા અને ભાગવત મહાપુરાણનો પ્રકરણવિભાગ કરી આપવામાં આવ્યો છે.

પોતાના 20મા વર્ષે શ્રીવલ્લભે વિજયનગરમાં અધ્યયન-પરિશીલન-ગ્રંથલેખનની શક્તિ પર્યાપ્ત પ્રાપ્ત કરી લીધી હતી એટલે હવે દેશાટન અને પંડિતોનો સમાગમ કેળવવા ભારતવર્ષનાં તીર્થોની યાત્રા કરવાનો આરંભ કરી સં. 1585 (દ્વારકા) સુધીની ત્રણ પરિક્રમાઓ સિદ્ધ કરી વેદાંત વિષયે ‘અખંડ બ્રહ્મવાદ’ (અવિકૃત પરિણામવાદ) અને ભક્તિમાર્ગના પ્રચારનું કાર્ય કર્યું. તીર્થોમાં જ્યાં જ્યાં ભાગવત મહાપુરાણની વિવેચનાત્મક કથા કરી તેવાં 84 સ્થાનો છે, એ શ્રીમહાપ્રભુજીની તે તે ‘બેઠક’ એ રીતે જાણીતાં છે.

વિદ્વત્સભાઓના અને વિદ્વત્સભાઓમાંનાં માનસન્માનોના અનેક પ્રસંગ આ ત્રણ પરિક્રમામાં બનેલા છે જેમાંના ઊડીને આંખે વળગે એવા પ્રસંગ આ છે : બુંદેલખંડમાંના ઓડછા રાજ્યમાં ઓડછા નરેશ દ્વારા વિદ્વત્ચર્ચામાંના વિજયને કારણે એમનો કનકાભિષેક કરવામાં આવ્યો (સં. 1555) તથા વિજયનગરમાં કૃષ્ણદેવ રાજાની વિદ્વત્સભામાં ‘આચાર્યપદ’ અને ‘તુલાદાન’નો વિધિ થયો. (આ પણ કનકાભિષેક થયો એમ કહેવામાં આવે છે. સં. 1561, 32મું વર્ષ.)

રામેશ્વર, લક્ષ્મણ બાલાજી, પંઢરપુર, પોતાનું જન્મસ્થાન ચંપારણ્ય, નાશિક, જનકપુર વગેરેની યાત્રા કરી ગુજરાત-સૌરાષ્ટ્રનાં તીર્થોનાં દર્શન પતાવી, ત્યાં ત્યાં વૈષ્ણવોને વિષ્ણુસ્વામીની પરંપરાની ભાગવતી દીક્ષા આપતાં આપતાં મારવાડની પૂર્વ સરહદ પરના ઝારખંડમાં આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે વ્રજમાં ગિરિ ગોવર્ધન ઉપરના મંદિરમાં પોતાના વિદ્યાગુરુ માધવેંદ્રયતિ શ્રીનાથજીની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરતા હતા. એઓશ્રી કેટલાંક વર્ષો ઉપર (ઈ. સ. 1483માં જ) સ્વધામ પહોંચી જતાં ગામડિયાઓ ત્યારથી શ્રીનાથજીની સેવા કરે છે. યાત્રા થંભાવી એઓશ્રીએ પહેલો મુકામ ગોકુલમાં શ્રીયમુનાજી ઉપરના ગોવિંદ ઘાટ ઉપર કર્યો, એ દિવસ સં. 1563ના શ્રાવણ 11 અને ગુરુવાર (તા. 3071506)નો હતો. सिद्धांतरहस्यમાં બતાવ્યા પ્રમાણે એઓશ્રીના હૃદયમાં નિ:સાધન શરણમાર્ગ‘પુષ્ટિમાર્ગ’ની સ્ફુરણા થયેલી. ત્યારથી ‘પુષ્ટિમાર્ગ’ના અધિકારી વૈષ્ણવોને અને એઓનાં સંતાનોને બે દીક્ષા આપવામાં આવે છે. પહેલી દીક્ષા श्रकृष्णः शरणं मम्એ અષ્ટાક્ષરમંત્ર બોલાવી કંઠમાં તુલસીની કંઠી આપવામાં આવે છે. એ પછીની બીજી દીક્ષા એવા શરણાર્થીઓને सिद्धांतरहस्यમાં સૂચવેલી બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવે છે, જેમાં શરણાર્થી પાસે આત્મનિવેદન કરાવવામાં આવે છે, જેમાં ભાવનાથી પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણોમાં અર્પિત કરવાની પ્રતિજ્ઞા કરવામાં આવી હોય છે. આ બ્રહ્મસંબંધ મંત્રના 84 અક્ષરો છે, જેમાંના છેલ્લા શબ્દ ‘હે કૃષ્ણ ! હું તમારો દાસ છું’ એ છે.

શ્રાવણ સુદિ 12ને દિવસે ‘પુષ્ટિમાર્ગ’નો આવિષ્કાર કરી પહેલી દીક્ષા પોતાના સાથીદાર શિષ્ય દામોદરદાસ હરસાણીને આપી. આચાર્યશ્રી તાબડતોબ શ્રીગોવર્ધનગિરિ ઉપર શ્રીગોવર્ધનનાથજી શ્રીનાથજીનાં દર્શન કરવા પહોંચ્યા અને સૌથી પ્રથમ મોરપીંછનો મુગટ તથા પીતાંબર-કાછનીના શૃંગાર ધરાવી શ્રીજીને ભોગ ધર્યો. ત્યાં શ્રીજીની સેવાનો અધિકાર પોતાના એક શિષ્ય રામદાસ ચૌહાણને આપ્યો અને કીર્તન રચીને ગાવાનો અધિકાર કુંભનદાસને આપ્યો. પ્રભુને ગાયો ખૂબ વહાલી હોવાને કારણે પોતા તરફથી ગાય આપી ગૌશાળા શરૂ કરાવી. જોતજોતાંમાં અનેક ગાયો વૈષ્ણવો અર્પણ કરતા ગયા તેથી મોટી ગૌશાળા અસ્તિત્વમાં આવી. આ કાર્ય સાધી એઓશ્રીએ દ્વાદશવની પરિક્રમા પૂર્ણ કર્યા પછી ત્યાંથી નીકળી કાશી નિવાસ કરવા પહોંચ્યા, જ્યાં ‘ભાગવત મહાપુરાણ’ની સુબોધિની ટીકાનો આરંભ કરવામાં આવ્યો.

આ ટીકાની શરૂઆતમાં કરેલા શ્ર્લોકમાંના એકમાં व्यासस्या विष्णोः प्रियम् શબ્દો છે, જેમાં વ્યાસજી અને વિષ્ણુસ્વામીને ગમે એવી રીતે ‘સુબોધિની’ ટીકા રચાઈ રહી છે. ત્રીજી યાત્રા અધૂરી રહી હતી. એટલે એ પૂરી કરી કાશીમાં આવી પોતાના એક શિષ્ય પુરુષોત્તમદાસ શેઠને ત્યાં મુકામ રાખ્યો.

લગ્ન થયા પછી દ્વિરાગમન કરવાનું બાકી હતું એટલે શ્રીમહાલક્ષ્મીજીને તેડાવી લીધાં અને ‘સુબોધિની’ ટીકાનું કામ આગળ ચલાવ્યું. દરમિયાન વિદ્વાનોની સાથે વાદ-ચર્ચાઓ તો ચાલ્યા જ કરતી. એમનો पत्रावलंबन ગ્રંથ એવા પ્રસંગનો વાદગ્રંથ છે.

વચ્ચે વચ્ચે વ્રજ વગેરેની યાત્રા કરી આવતા. આ ગાળામાં નાના નાના ગ્રંથો થોડા થોડા શ્ર્લોકોના પણ રચાયે જતા હતા. સુબોધિની-લેખન તો ચાલુ જ હતું. કાશી-નિવાસ દરમિયાન વિદ્વાનોની સાથે ચર્ચા- વિચારણા અને વાદવિવાદ ચાલુ રહેતાં તેથી લેખનમાં વિક્ષેપ થયા કરતો હતો. આથી એકાંત સ્થાનની દૃષ્ટિએ પ્રયાગના ત્રિવેણી સંગમથી જરા અગ્નિકોણમાં આવેલા ‘અડેલ’ નામક સ્થળની નજીકના દેવલિયા નામના ગામમાં આવી ગયા અને પોતાનું અગ્નિહોત્ર પણ લાવ્યા. આમ છતાં વચ્ચે વચ્ચે યાત્રા અને શ્રીનાથજીનાં દર્શન પણ વ્રજમાં કરી આવતા. સં. 1568(ઈ. સ. 1433)માં બદરીનારાયણ પણ જઈ આવ્યા હતા. વૃંદાવનમાં એક વાર ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુ એમના અતિથિ થયા હતા, તો ઉચ્ચકોટિના કૃષ્ણભક્ત મધુસૂદન સરસ્વતી પણ મુલાકાતે આવ્યા હતા.

એક નોંધપાત્ર પ્રસંગ તો એવો છે કે દિલ્હીના સુલતાન સિકંદર લોદીએ આચાર્યશ્રીનું ચિત્ર ચીતરવા પોતાના ચિત્રકારને આચાર્યશ્રીના નિવાસસ્થાને મોકલ્યો હતો, જે ચિત્રમાં પોતાની સામે પાટલા પર ભાગવતપુરાણની પોથી સામે એક શિષ્ય માધવ ભટ્ટ કાશ્મીરી શ્રીમહાપ્રભુજી લખાવતા જાય છે એ ‘સુબોધિની’ ટીકા ટપકાવી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન દંડવત્પ્રણામ કરી રહ્યા છે અને દામોદર હરસાણી બેઠા છે. આ ઐતિહાસિક ચિત્ર કિશનગઢ(રાજસ્થાનમાં અજમેરથી જયપુર જવાના માર્ગમાં આવતા નગર)ના રાજવીના સંગ્રહમાં સચવાઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં આ ચિત્રની પ્રતિકૃતિઓ મંદિરો, ગ્રંથો તેમજ વૈષ્ણવોનાં મકાનોમાં સુલભ છે.

અડેલ નજીકમાં સ્થાયી નિવાસ થયા પછી સં. 1570ના ભાદ્રપદ વદિ 12ને દિવસે (કોઈ 1567 પણ કહે છે.) મોટા પુત્ર શ્રીગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. પછી બે વર્ષે કાશી ગયા અને ત્યાં સ્થિર ન થતાં નજીકના ચરણાટ ગામમાં જઈ રહ્યા. જ્યાં સં. 1572ના માગસર વદિ 9 ને શુક્રવારે (તા. 30-11-1515) બીજા પુત્ર શ્રીવિઠ્ઠલનાથ ગુસાંઈજીનું પ્રાકટ્ય થયું. એમના પછી બે પુત્રીઓ જન્મી.

ગિરિગોવર્ધન ઉપર સં. 1556ના વૈશાખ સુદિ 3, રવિવારે (તા. 14-4-1499) અંબાલાના પૂર્ણમલ્લ ઠાકુરે શ્રીનાથજીના મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું હતું અને 20 વર્ષમાં એ તૈયાર થઈ જતાં સં. 1576ના વૈશાખની સુદિ 3, અક્ષય તૃતીયાને દિવસે (તા. 2-4-1519 અને શનિવારે) નવા મંદિરમાં પ્રભુ પાટ પધાર્યા. આમ શ્રીનાથજીનો સેવાક્રમ સિદ્ધ થઈ ચૂક્યો હતો. માધવેંદ્રયતિની વિદાયે એમના શિષ્ય (શ્રીવલ્લભના બીજા વિદ્યાગુરુ) માધવાનંદજી શ્રીનાથજીની સેવા કરતા હતા. એટલે આચાર્યશ્રીને શ્રીનાથજીની સેવા વિશે કોઈ ચિંતા નહોતી. ભારતવર્ષની અંતર્ગત બધી યાત્રાઓ પણ સિદ્ધ થઈ ચૂકી હતી. (છેલ્લો સ્વતંત્ર પ્રવાસ સં. 1585નો દ્વારકા સુધીનો. બેશક ‘સુબોધિની’ ટીકા પૂર્ણ નહોતી થઈ. એનો વિચાર છોડી દઈ સં. 1587ના બીજા વૈશાખ વદિ 10ના દિવસે કાશી આવ્યા અને આતુર સંન્યસ્ત લઈ 40 દિવસ હનુમાન ઘાટ ઉપર ગાળ્યા. જ્યાં સં. 1587ના આષાઢ સુદિ 2 ઉપરાંત 3ના દિવસે (તા. 28-6-1530 અને મંગળવારે) રથયાત્રા પૂરી થયે આચાર્યશ્રીએ જલસમાધિ લીધી.

આ સમયે શ્રીગોપીનાથજીની ઉંમર 17 વર્ષની હતી, જ્યારે શ્રીવિઠ્ઠલનાથ ગુસાંઈજીની 15 વર્ષની હતી. નિકટના શિષ્ય-સેવકોમાંના કૃષ્ણદાસ મેઘનનું ભગવદઘામપ્રયાણ થયું હતું. બીજા વયોવૃદ્ધ દામોદરદાસ હરસાણી એકમાત્ર હતા. બંને પુત્રોની સંભાળ લેવાની જવાબદારી એમના ઉપર આવી અને એ જવાબદારી એમણે આબાદ રીતે બજાવી.

ગ્રંથલેખન : એઓશ્રીના નીચેના ગ્રંથો સુલભ છે :

1. તત્વાર્થદીપનિબંધ (1. શાસ્ત્રાર્થ, 2. સર્વનિર્ણય અને 3. ભાગવતાર્થ એ ત્રણ પ્રકરણ. શરૂથી ભાગવતાર્થ પ્રકરણના 4થા સ્કંધની કારિકાઓ સુધી ‘પ્રકાશ’ નામની સ્વોપજ્ઞ વૃત્તિ) 2. પૂર્વમીમાંસા-ભાષ્ય : અત્યારે ‘ભાવાર્થપાદ’ માત્ર બચ્યું છે. 3. પૂર્વમીમાંસા : આરંભની કારિકાઓ માત્ર. 4. ભાગવત મહાપુરાણની સૂક્ષ્મ ટીકા, આરંભના અઢી શ્ર્લોકોની જ બચી છે. 5. બાદરાયણ વ્યાસનાં બ્રહ્મસૂત્રોનું ‘અણુભાષ્ય’ 3-2-33મા સૂત્ર સુધીનું, શેષ ભાગ 4થા અધ્યાયના અંત સુધીનું શ્રીવિઠ્ઠલનાથ ગુસાંઈજીએ પૂરું કર્યું. 6. પત્રાવલંબન : આરંભનો અને અંતનો ભાગ બચ્યો છે. 7. ગાયત્રી વ્યાખ્યા. 8. ગાયત્રી ભાષ્ય. 9થી 23. ષોડશગ્રંથો. (પંચપદ્ય, નિરોધલક્ષણ, સંન્યાસનિર્ણય, જલભેદ, ભક્તિવર્ધિની, નવરત્ન, અંત:કરણપ્રબોધ, વિવેકધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ચતુ:શ્ર્લોકી, યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાન્તમુક્તાવલી, પુદૃષ્ટિપ્રવાહ, મર્યાદાભેદ, સિદ્ધાન્તરહસ્ય). 24. સોળમા ગ્રંથ ‘સેવાફલ’નું વિવરણ. 25. મધુરાષ્ટક. 26. પરિવૃઢાષ્ટક. 27. પુરુષોત્તમ-સહસ્રનામ. 28. પંચશ્ર્લોકી. 29. દશમ-સ્કંધમાંની ત્રિવિધ નામાવલિ. 30. દશમ-સ્કંધાનુક્રમણી-કારિકાઓ. 31. એકાદશસ્કંધાર્થ નિરૂપણ-કારિકાઓ. 32. ન્યાસાદેશ (ગીતાસારનો 1 માત્ર શ્ર્લોક). 33. ભાગવત મહાપુરાણની ‘સુબોધિની’ ટીકા, સ્કંધ 1થી 3, 10, 11મા સ્કંધના 5મા અધ્યાયની ‘ઉત્થાનિકા’ સુધીની, આમ ત્રુટક. 34. શિક્ષાશ્ર્લોક (311 શ્ર્લોક). 35. શ્રુતિ ગીતા-કારિકાઓ (વેદસ્તુતિની). 36. શ્રીભગવત્પીઠિકા.

ગોપીજનવલ્લભાષ્ટક, ‘નંદકુમારાષ્ટક ‘શ્રીગિરિરાજધાર્યષ્ટક’ અને ‘શ્રીકૃષ્ણાષ્ટક’ આચાર્યશ્રીનાં રચાયેલાં મનાય છે.

સિદ્ધાંત-દર્શન : બાદરાયણકૃત ‘બ્રહ્મસૂત્રો’ ઉપર ભાષ્ય રચનારા વિભિન્ન પાંચ આચાર્યોએ પોતાની માન્યતા પોતપોતાના ભાષ્યમાં કરી છે :

1. શ્રીશંકરાચાર્યજીનો કૈવલાદ્વૈત (માયાવાદ), 2. શ્રીરામાનુજાચાર્યજીનો વિશિષ્ટાદ્વૈત, 3. શ્રીનિમ્બાર્કાચાર્યજીનો દ્વૈતાદ્વૈત, 4. શ્રીમધ્વાચાર્યજીનો દ્વૈત અને 5. શ્રીવલ્લભાચાર્યજીનો ‘અખંડ બ્રહ્મવાદ’ (અવિકૃત પરિણામવાદ, પછીથી જેનું નામ વ્યાપક બન્યું છે તે ‘શુદ્ધાદ્વૈત’). વિષ્ણુસ્વામીનો મહત્વનો કોઈ ગ્રંથ મળ્યો નથી, પરંતુ શ્રીવલ્લભાચાર્યજીએ ‘અખંડ બ્રહ્મવાદ’ સ્થાપિત કર્યો છે એ સંભવ છે કે વિષ્ણુસ્વામીને અભીષ્ટ પ્રકારનો હોય. અહીં આ વાદ વિશે જરૂરી માહિતી પ્રસ્તુત છે.

શ્રીવલ્લભાચાર્યજીનો સંક્ષેપમાં આ વિશે જે મત છે એ ‘અખંડ બ્રહ્મવાદ’ કે ‘અવિકૃત પરિણામવાદ’ – એના વિષયમાં છ મુદ્દા વિચારવાના રહે છે; જેવા કે, (1) જગતની સત્યતા, (2) જગત અને સંસાર વચ્ચે ભેદ, (3) જીવનું સ્વરૂપ, (4) અંતર્યામીનું સ્વરૂપ, (5) અક્ષરબ્રહ્મનું સ્વરૂપ અને (6) પરબ્રહ્મનું સ્વરૂપ.

(1) નામ અને રૂપ ધરાવતું આ દેખાય છે અને જેના વિષયમાં સાંભળીએ છીએ તે પ્રપંચ = જગતનું નિમિત્ત કારણ અને સમવાયી (વાસ્તવિક જે રૂપ હોય તે ઉપાદાન કારણ અક્ષરબ્રહ્મ છે, જેનું એવું કારણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ઉ.ત., સોનું છે એને સોની હથિયારો દ્વારા તૈયાર કરે છે એ નિમિત્ત કારણ છે અને સોનાનાં ઘરેણાં નામ-રૂપ પામ્યાં છે, પણ એ સોનું જ છે; આ સમવાયી કે ઉપાદાન કારણ છે, એમ અક્ષરબ્રહ્મ પરબ્રહ્મમાંથી નામમાત્રથી જુદું છે, પણ પરબ્રહ્મ છે  એ રીતે ‘જગત’નાં ઉપાદાન કારણ બંને બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મમાંથી અંતર્યામી એ રીતે છે. અહીં આચાર્યશ્રી પૂર્વેનું નરસિંહ મહેતાનું વક્તવ્ય સરખાવવા જેવું છે. ‘કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’

જગત અક્ષરબ્રહ્મમાંથી છે, જે અલગ નથી. છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય : ‘‘ स य एषोडणिमा ऐतदात्म्यमिदं सर्व, तत् सत्यं, स आत्मा, तत त्वमसि –  જે આ ‘અણિમા’ છે તે આ બધું એ-રૂપ છે, એ સત્ય છે, એ આત્મા છે, એ તું છે’’ અને ‘‘सर्व खलु इदं ब्रह्मः; तज्जलान्  બધું જ આ સમગ્ર જગત બ્રહ્મ છે. એમાંથી એ જન્મે છે, એમાં એ વિલીન થતું હોય છે, એમાંથી પ્રાણ લેતું રહે છે.’’ આમ જગત સત્ય છે.

(3) અગ્નિમાંથી તણખા નીકળે છે એ પ્રમાણે પરબ્રહ્મમાંથી થયેલા અક્ષરબ્રહ્મમાંથી અંશાત્મક જીવોનો પ્રાદુર્ભાવ થયો છે, જે અવિદ્યા અને દેહાદિના અધ્યાસથી સંસારમાં જકડાયેલા છે. અવિદ્યા અને અધ્યાસ દૂર થતાં એ બ્રહ્મથી અનન્ય છે. ‘જગત’થી ‘સંસાર’ અલગ છે, જે અહંતા-મમતાત્મક છે. અન્ય કોઈ આચાર્યે આ ભેદ કહ્યો નથી.

(4) દેહમાં પ્રત્યેક જીવાત્મા સાથે બ્રહ્મનું એક અંતર્યામી રૂપ (સાક્ષીરૂપે) જીવની દરેક ક્રિયા જોયા કરતું હોય છે, એ અક્ષરબ્રહ્મનું જ એક રૂપ છે. આ પણ નવી વાત કહી છે.

(5) અક્ષરબ્રહ્મ એ ગણિતાનંદ છે. તૈત્તિરીય ઉપનિષદમાં આનંદ ગણાવતાં અક્ષરબ્રહ્મના આનંદ સુધી પરંપરા ગણાવી છે. અક્ષરબ્રહ્મને ગીતાજી વગેરેમાં પરબ્રહ્મનું સ્થાન કહ્યું છે. શુદ્ધાદ્વૈતી જ્ઞાનીને જે મોક્ષ મળે છે તે અક્ષરબ્રહ્મમાં છે.

(6) એનાથી પર કોટિનું અગણિતાનંદ આનંદમય કર-મુખ-આદિ સ્વરૂપ એ પરબ્રહ્મ.

વાસ્તવમાં શ્રીવલ્લભાચાર્યજીએ પોતાનાં અંગત મંતવ્યો આપ્યાં નથી. પ્રાચીન જૂનાં ઉપનિષદોમાં જીવ, જગત અને પરમાત્મા-પરબ્રહ્મ વિશે જે મંતવ્યો આપ્યાં છે તેની જ રજૂઆત કરી છે અને વિષ્ણુસ્વામીએ જે આરંભ કરેલો તેને જ એમના એક પ્રતિનિધિ તરીકે જ વેદાંત-સિદ્ધાંત પ્રજા સમક્ષ મૂક્યો છે.

‘પુષ્ટિમાર્ગ’નું સ્વરૂપ એમના હૃદયમાં ખડું થયું એ પહેલાં ભક્તિમાર્ગીય પ્રણાલી પણ વિષ્ણુસ્વામીની જ એમની પાસે હતી. ઉજ્જૈનના તીર્થગોરને જે હસ્તાક્ષર કરી આપ્યા છે તે જોવાથી આ વસ્તુ સ્વત: સ્પષ્ટ થઈ જાય છે, જેવી કે श्रीविष्णुस्वामिमर्यादागामिना वल्लभेन ઇત્યાદિ : એ ‘મર્યાદા-ભક્તિમાર્ગ’ જ હતો.

એમણે આગળ જતાં આ મર્યાદામાર્ગ ‘સસાધન ભક્તિમાર્ગ’થી સ્વતંત્ર રીતે ‘પુષ્ટિમાર્ગ’નો પાયો નાખ્યો. એની ઉપર ઇમારત તો એમની પાછળ આચાર્ય બનેલા, એમના બીજા પુત્ર શ્રીવિઠ્ઠલનાથ ગુસાંઈજીએ ઊભી કરી.

કે. કા. શાસ્ત્રી