યુઅન શ્વાંગ (જ. 605, હોનાન ફુ, ચીન; અ. 13 ઑક્ટોબર 664) : સાતમી સદીમાં ભારતમાં આવેલ ચીની પ્રવાસી. તે ભારતમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ પ્રવાસી હતો. તેના દાદા ચીનના જાણીતા વિદ્વાન અને બેજિંગ મહાવિદ્યાલયના આચાર્ય હતા. તે બાળપણમાં એકાંતમાં બેસી ધર્મગ્રંથો વાંચતો હતો. પોતાના ભિક્ષુક ભાઈ સાથે મઠમાં પણ જતો. મોટા ભાઈના ભિક્ષુક જીવનમાંથી પ્રેરણા લઈ ઈ. સ. 620માં બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ તે બૌદ્ધ ભિક્ષુ બન્યો. શરૂઆતમાં ચીનમાં પ્રવાસો કર્યા, પછી તેને ભગવાન બુદ્ધના જન્મસ્થાન અને બૌદ્ધ ધર્મની જન્મભૂમિ જોવાની ઇચ્છા જાગી. તેથી તેણે ચીનના સમ્રાટ ક્યુ-સુ-આની પાસે પ્રવાસની મંજૂરી આપવા અને તે અંગે સહાય કરવા વિનંતી કરી. પરંતુ સમ્રાટે તેને પ્રવાસની મંજૂરી આપી નહિ. તેથી તે વગર મંજૂરીએ છૂપી રીતે 24 વર્ષની વયે, ઈ. સ. 629માં ભારતના પ્રવાસે નીકળી પડ્યો. રસ્તામાં અનેક મુશ્કેલીઓનો તેણે સામનો કરવો પડ્યો. વચ્ચે તેનો ઘોડો મૃત્યુ પામ્યો, ગોબીના રણમાં તીરથી માંડ બચ્યો, હામીનગરના શાસકે તેને ત્યાં ધર્મપ્રચાર માટે રોકી લીધો અને જ્યારે ભૂખ હડતાલ કરી ત્યારે જ જવા દીધો. આવી બધી મુશ્કેલીઓ પાર કરી તેણે ઈ. સ. 629થી 645 સુધી પ્રવાસ કર્યો તેની તેણે નોંધ કરી હતી. તે પ્રવાસગ્રંથ મૂળ ચીની ભાષામાં લખાયેલો હતો. તેનું નામ સિ-યુ-કી (પશ્ચિમના દેશોનો અહેવાલ) છે. તેનો અનુવાદ સૅમ્યુઅલ બિલે ‘બુદ્ધિસ્ટ રેકૉર્ડ ઑવ્ ધ વેસ્ટર્ન વર્લ્ડ’ ભાગ 1-2 નામથી ઈ. સ. 1884માં લંડનથી પ્રકાશિત કર્યો હતો.

યુઅન શ્વાંગના પ્રવાસગ્રંથમાંથી હર્ષકાલીન ભારતની વિવિધ પ્રકારની વિગતો જાણવા મળે છે, જેમાં અમુક બાબતો તેણે સાંભળેલી પણ નોંધી છે. તેમાં ક્યાંક અસ્પષ્ટતા રહેવા પામી છે. તેમ છતાં સાતમી સદીના ભારત માટે યુઅન શ્વાંગનો અહેવાલ ઇતિહાસ માટેનું એક અગત્યનું સાધન બની રહે છે. તેણે ભારતના પ્રવાસ દરમિયાન ગુજરાતનો પણ પ્રવાસ કર્યો અને ગુજરાતનાં ઘણાં શહેરોની વિગતો, લોકો, આબોહવા, જમીન અને ધાર્મિક પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો છે. તેમાં તેણે ભરુકચ્છ, માલવ, વડાલી, ખેટ, વલભી, આનંદપુર, સુરઠ વગેરેની નોંધ કરી છે. તેણે ભરૂચને ખારાવાળો ઉજ્જડ પ્રદેશ કહ્યો છે. ભરૂચમાં 10 જેટલા સંઘારામોમાં 300 જેટલા ભિક્ષુ રહેતા હોવાનું તે જણાવે છે. 10 દેવમંદિરો ગણાવે છે. ભરુકચ્છના રાજ્યનો ઘેરાવો 2,400થી 2,500 લી છે. રાજધાનીનો ઘેરાવો 20 લી કહે છે. (1 લી બરાબર 2 થી 3 કિમી. અંતર થાય.) માલવની નોંધમાં મહારાજા શીલાદિત્યનું ચરિત્ર આલેખે છે. માલવદેશની જમીન ઘઉંના શિયાળુ પાક માટે ખાસ અનુકૂળ ગણી છે. યુઅન શ્વાંગે વલભીની મુલાકાત પણ લીધી હતી. તે વલભીમાં 100 જેટલા વિહારો અને તેમાં એકંદરે 6,000 જેટલા ભિક્ષુઓ હોવાનું નોંધે છે. વલભીનો રાજા ક્ષત્રિય ધ્રુવપટ્ટ (તુલુ-હો-પો-ટુ) હતો, જે મહાદાનવીર હતો. ત્યાંના 100 કરતાં વધારે વેપારીઓ પાસે 1 કરોડ કરતાં વધારે દ્રવ્ય હતું, એમ તે જણાવે છે. આનંદપુરનો ઘેરાવો લગભગ 2,000 લી અને પાટનગરનો ઘેરાવો લગભગ 20 લી હતો. ત્યાં 10 સંઘારામોમાં 1,000થી ઓછા બૌદ્ધાનુયાયી વસતા હતા. ત્યાં કોઈ સ્થાનિક રાજકર્તા નહોતો અને તે પ્રદેશનો સમાવેશ માળવા રાજ્યમાં થતો હતો. સોરઠ વિશે તે લખે છે કે તે રાજ્યનો ઘેરાવો 4,000 લી અને પાટનગરનો ઘેરાવો 30 લી છે. લોકો આળસુ અને વિદ્યા તરફની પ્રીતિ વગરના છે. અહીં 50 જેટલા સંઘારામોમાં 3,000 જેટલા ભિક્ષુઓ રહે છે. નગરથી થોડેક દૂર ઉજ્જયંત (યૂહ-જેન-તો) નામનો પર્વત છે. આ સોરઠ પ્રદેશમાં તે ઈ. સ. 640–641ની આસપાસ આવ્યો હતો. યુઅન શ્વાંગે હર્ષવર્ધનના દરબારની પણ મુલાકાત લીધી હતી અને હર્ષવર્ધન વિશે તેણે ઘણી નોંધો કરી છે. તેણે હર્ષવર્ધનનાં ખૂબ જ વખાણ કર્યાં છે. આ સિવાય હર્ષવર્ધનની વીરતા, સેના, રાજધાની, પ્રયાગ-સંમેલન, કનોજનું ધાર્મિક સંમેલન વગેરેની પણ નોંધ કરી છે, જે અગત્યની છે. આ ઉપરાંત યુઅન શ્વાંગ સાતમી સદીની ભારતની રાજકીય પરિસ્થિતિ અને હર્ષવર્ધન અને પુલકેશી બીજાની લડાઈની વાત જણાવે છે. રાજ્યતંત્ર કઈ રીતે ચાલતું તેની, કરની તેમજ તે સમયની સામાજિક સ્થિતિની વિગતો પણ તે આપે છે. ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર નામના ચાર વર્ણો હતા. વળી પડદાપ્રથા, વિધવાવિવાહ, શિષ્ટાચાર, ખોરાક, પોશાક વગેરેની નોંધો પણ તેના પ્રવાસવર્ણનમાં છે. તેને ભારતદેશ સમૃદ્ધ લાગ્યો હતો. તેણે ભારતના વેપાર-વ્યવસાય વગેરેની ખાસ નોંધ લીધી છે. તે વિદેશ-વેપાર વિશે લખતાં જણાવે છે કે ભારતના પૂર્વ અને પશ્ચિમના કિનારા ઉપર અનેક બંદરો છે. ત્યાંથી દૂર દૂરના દેશો સાથે વેપાર થાય છે. વેપાર-વિનિમય માટે સોનાચાંદીના સિક્કા છે. ભારતમાંથી કપડાં, ચંદનનું લાકડું, જડીબુટ્ટી, ગરમ મસાલા, મોતી અને હાથી-દાંતની વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે; જ્યારે સોનું, ચાંદી, હિંગ, ધૂપ અને ઘોડાની આયાત કરવામાં આવે છે. તેણે ભારતની ધાર્મિક પરિસ્થિતિ વિશે પણ નોંધ કરી છે : કાશી અને પ્રયાગ બ્રાહ્મણ-ધર્મનાં પ્રખ્યાત કેન્દ્રો છે. તેની નોંધ પ્રમાણે હર્ષવર્ધન બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો; બ્રાહ્મણોનું સમાજમાં માન હતું અને એટલે જ ચીની યાત્રીઓ ભારતને બ્રાહ્મણોનો દેશ કહેતા હતા. મોટાભાગના લોકો શૈવ અને વૈષ્ણવધર્મી હતા. કાશીના શિવમંદિર માટે તે લખે છે કે ત્યાં દરરોજ 10 હજાર શિવભક્તો દર્શને આવે છે અને મંદિરમાં 17 હાથ ઊંચી પુરુષાકાર શિવમૂર્તિ છે. યુઅન શ્વાંગે ગંગાકિનારે દુર્ગાપૂજા કરતા લોકોને દેવીને નરબલિ ચડાવતા જોયા હતા. બૌદ્ધ તીર્થસ્થાનોમાં પેશાવર, મથુરા, વીરાસન, કૌસામ્બી, કપિલવસ્તુ, લુમ્બિનીવન, કુશીનગર, સારનાથ, વૈશાલી, પાટલીપુત્ર અને નાલંદા વિદ્યાપીઠનો ઉલ્લેખ કરી તેમનું સુંદર વર્ણન કર્યું છે. નાલંદા વિદ્યાપીઠમાં તે 5 વર્ષ સુધી વિદ્યાભ્યાસ માટે રહ્યો હતો. આ વિદ્યાપીઠમાં 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને સાધુઓ રહેતા હતા. વિદ્યાપીઠના નિભાવ માટે 200 ગામડાંઓ હતાં. તેના પ્રવાસગ્રંથમાંથી એ પણ જાણવા મળે છે કે સાતમી સદીમાં બૌદ્ધ ધર્મ અવનતિના પંથે હતો. અમુક પ્રાંતમાં લોકો બૌદ્ધ ધર્મનું સન્માન કરતા નહોતા. આ સમયે બૌદ્ધ ધર્મ અને બ્રાહ્મણ ધર્મ વચ્ચે સંઘર્ષ થવા માંડ્યો હતો. યુઅન શ્વાંગ ભારતનો પ્રવાસ પૂર્ણ કરી, ઈ. સ. 644માં ભારતમાંથી 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો, થોડીક મૂર્તિઓ, બુદ્ધના અવશેષો વગેરે લઈ જમીનમાર્ગે જ પાછો વતન જવા નીકળ્યો અને અફઘાનિસ્તાન, કાસ્ગર, ખોતાન થઈ, ઈ. સ. 645માં ચીન પહોંચ્યો. ચીન પહોંચ્યા પછી ત્યાંના સમ્રાટના આગ્રહથી તેણે પોતાનો યાત્રાવૃત્તાંત પ્રગટ કર્યો.

પ્રદ્યુમ્ન ભ. ખાચર