મુનસર તળાવ : સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીના સ્મરણાર્થે વીરમગામ(જિલ્લો અમદાવાદ)માં બંધાયેલું તળાવ. તે ‘માનસર તળાવ’ તરીકે પણ ઓળખાય છે. સહસ્રલિંગ તળાવ બંધાયું તે જ અરસામાં આ તળાવ બંધાયું હોવાનું મનાય છે. આ તળાવ સહસ્રલિંગની પ્રતિકૃતિ સમાન છે, પરંતુ કદમાં નાનું છે. આ તળાવનો આકાર શંખાકૃતિ જેવો છે. તળાવમાં પાણીની આવજા માટેની યોગ્ય વ્યવસ્થા છે અને પાણીની સપાટી સુધી પગથિયાંવાળા ઘાટ બાંધવામાં આવેલા છે. તેમાં ઉપર જવાના તથા નીચે આવવાના માર્ગો અલગ અલગ છે. ઘાટ ઉપર તળાવની ચારે બાજુ 520 નાની દહેરીઓ

મુનસર તળાવ, વીરમગામ

આવેલી હતી. એ પૈકીની 350 હજુ જળવાઈ રહી છે. તળાવની ઉત્તરે આવેલી  દહેરીઓ વૈષ્ણવ સંપ્રદાયને લગતી છે તથા પૂર્વ તરફની શૈવ સંપ્રદાયને લગતી છે, જેમાંની ઘણી તૂટી ગયેલી છે. તળાવની પશ્ચિમે અને દક્ષિણ બાજુએ પણ શૈવ સંપ્રદાયની દહેરીઓ છે. તેની દીવાલો ઉપર વિવિધ પ્રકારનાં શિલ્પ છે. પ્રત્યેક શૈવ દહેરીને ત્રણ ગોખલા છે. તેમાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે મહાકાલ, ભૈરવ અને નટેશનાં શિલ્પ છે. આ તળાવના બાપ-દીકરાની હાટડી નામે ઓળખાતા આરા પર કેટલાંક દેવાલયોમાં વીરમદેવ તથા સૂમલાદેવીના લેખ કોતરેલા છે. તેના ઉપરથી આ જલાશયનો જીર્ણોદ્ધાર ભીમદેવ બીજાના શાસનકાલમાં રાણા વીરમદેવના સમયમાં થયો હોવાનો સંભવ છે.

જયકુમાર ર. શુક્લ