મુનાદી, સૈયદ અઝીમુદ્દીન

February, 2002

મુનાદી, સૈયદ અઝીમુદ્દીન (જ. 1890; અ. 1972) : ગુજરાતના પ્રખ્યાત પત્રકાર, કેળવણીકાર અને લેખક. તેઓ એક પ્રતિષ્ઠિત કુટુંબના નબીરા હતા. તેમણે ‘મુસ્લિમ ગુજરાત’ નામના સાપ્તાહિકના સ્થાપક, તંત્રી, લેખક અને સંચાલક તરીકે સમાજની સેવા બજાવી હતી. તેમણે ગુજરાતી ભાષાની પોતાની આગવી શૈલી વિકસાવી હતી અને સ્વતંત્ર તથા નિષ્પક્ષ પત્રકારત્વનાં ઊંચાં મૂલ્યો સ્થાપ્યાં હતાં. તેમને કવિતા-સાહિત્યનો શોખ હતો અને તેમણે પોતાનું તખલ્લુસ ‘મુનાદી’ રાખ્યું હતું. ‘મુનાદી’નો અર્થ ‘ઘોષણા કરનાર (herald)’ થાય છે. મુનાદીએ પોતાનાં કાર્યો દ્વારા પોતાનું નામ સાર્થક કરી બતાવ્યું હતું. તેમણે કારકિર્દીની શરૂઆતમાં હીરા-મોતીના એક અરબ સોદાગર શેખ કાસમ મુહમ્મદ અલ-ઇબ્રાહીમના સેક્રેટરી તથા મૅનેજર તરીકે લાંબા સમય સુધી કામ કર્યું હતું અને વેપાર અર્થે વિદેશોનો પ્રવાસ પણ કર્યો હતો. 1928માં વેપારધંધાને તિલાંજલિ આપી પ્રથમ સૂરતમાં એક પ્રેસ શરૂ કર્યું અને પછી ‘મુસ્લિમ ગુજરાત’ નામના સાપ્તાહિકની સ્થાપના કરી. આ સાપ્તાહિકે ગુજરાતના મુસ્લિમ સમુદાયનાં સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, કેળવણીવિષયક અને રાજકીય વલણોને આધુનિક પ્રગતિશીલ તથા વ્યવહારુ બનાવવામાં ઘણો અગત્યનો ફાળો આપ્યો. તેઓ ગુજરાતી ભાષાના કવિ તથા લેખક હતા. તેઓ ઉર્દૂ કવિ મુહમ્મદ ઇકબાલના ચાહક અને તેમની કાવ્યરચનાઓ તથા તેમના વિચારોથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે અલ્લામા ઇકબાલના બે કાવ્યસંગ્રહો – ‘પયામે મશરિક’ અને ‘બાલે જિબ્રઈલ’, જર્મન કવિ ગ્યૂઇથેનાં કાવ્યો, અલ્લામા શિલ્બી નોમાની-કૃત ‘સીરત-ઉન-નબી’ના 2 ગ્રંથો; જૂના કૉંગ્રેસી અને ખિલાફત ચળવળના પ્રણેતા મૌલાના મુહમ્મદઅલીના ઉર્દૂ જીવનચરિત્ર ‘હયાતે મુહમ્મદઅલી’ તથા અલ્લામા ફરીદ વજ્દીની અરબી કૃતિ ‘અલ-મિરાત-ઉલ-મુસલ્લિમા’ના ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યા હતા. તેમને સુલેખનકળા(calligraphy)માં ઘણો રસ હતો અને આ વિષયનાં અપ્રાપ્ય પુસ્તકો પોતાના અંગત પુસ્તકાલયમાં વસાવ્યાં હતાં. તેમણે ઉર્દૂ ટાઇપ-રાઇટરનો નકશો પણ બનાવ્યો હતો. તેઓ પવિત્ર કુરાનના ખાસ અભ્યાસી હતા અને મુસલમાનોમાં દીની તથા દુન્યવી તાલીમના વિકાસમાં સતત રસ લેતા હતા. 1934માં સૂરતના આગેવાન નાગરિક સૈયદ હમીદુદ્દીન સૂરતી જમાદારની સાથે રહીને મુનાદીએ સૂરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સ્થાપી હતી. વર્ષો સુધી તેઓ આ સોસાયટીના પ્રમુખ રહ્યા હતા. આ સોસાયટીએ શરૂ કરેલી શાળાના સંચાલન ઉપર પણ જાતે દેખરેખ રાખતા હતા. મુનાદીના ભાઈ સૈયદ અબ્દુલ્લા પણ કવિ હતા. તેમનું ઉપનામ નાદી હતું.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી