માણાવદર : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 30´ ઉ. અ. અને 70° 08´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 592 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કુતિયાણા તાલુકો અને રાજકોટ જિલ્લો, પૂર્વમાં વંથળી, દક્ષિણમાં કેશોદ અને માંગરોળ તથા પશ્ચિમમાં કુતિયાણા તાલુકાઓ આવેલા છે. આ તાલુકામાં માણાવદર અને બાંટવા નગરો ઉપરાંત 55 ગામો આવેલાં છે. તાલુકામથક માણાવદર જૂનાગઢથી પશ્ચિમે 36 કિમી. દૂર આવેલું છે.

તાલુકાની ભૂમિ લગભગ સમતળ છે. જમીન મધ્યમ કાળી અને ફળદ્રૂપ છે. ભૂમિઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. અહીંનાં ઝરણાં અને નદીઓ દક્ષિણાભિમુખી છે. જંગલો આવેલાં નથી, પરંતુ ગામડાંની ભાગોળે તથા ખેતરોને શેઢે પીપળો, પીપર, વડ, લીમડો, બાવળ, ખીજડો, બોરડી જેવાં વૃક્ષો જોવા મળે છે. આ વિસ્તાર સમુદ્ર-કિનારાથી દૂર હોઈ મે અને જાન્યુઆરીનાં સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 40° સે.થી 44° સે. અને 30°થી 32° સે. તથા રાત્રિનાં તાપમાન સ્થાનભેદે 28°થી 15° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 625 મિમી. જેટલો પડે છે.

અહીંના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. તાલુકાની 8 % જમીનમાં ઘઉં, બાજરી અને કઠોળનું તથા 92 % જમીનમાં કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. આ ઉપરાંત શાકભાજી તથા ફળ પણ થાય છે. ખેતી વરસાદ પર આધારિત છે. આશરે 16 % જમીનમાં કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે. ગાયો અને ભેંસો તેમજ બકરાં અહીંનું મુખ્ય પશુધન છે. ઘોડા, ગધેડાં અને ઊંટની સંખ્યા ઓછી છે.

તાલુકામાં જિલ્લા પંચાયત તેમજ જાહેર બાંધકામ ખાતા હસ્તકના 260.65 કિમી.ના પાકા અને 17 કિમી.ના કાચા રસ્તા છે. તાલુકામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બાલમંદિરો, ખેતીવાડીની શાળા, પુસ્તકાલયો, વાચનાલયો વગેરેની સગવડ છે. તાલુકાની કુલ વસ્તી 1,25,363 (1991) જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 70 % અને 30 % જેટલું છે. અહીંની મુખ્ય વસ્તી કડવા પાટીદારો અને સથવારાઓની છે. અહીં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 938 જેટલી છે. અહીંની વસ્તીના લોકો ખેતીકામમાં, પશુપાલનમાં, ગૃહઉદ્યોગોમાં, વેપાર-વાણિજ્યમાં, વાહન અને સંદેશાવ્યવહારમાં તથા બાંધકામ-પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. તાલુકાનાં બધાં જ ગામોનું વીજળીકરણ થયેલું છે. માણાવદર, બાંટવા તેમજ અન્ય સ્થળોએ વાણિજ્ય અને સહકારી બૅંકોની સુવિધા છે.

શહેર : માણાવદરની વસ્તી 23,397 જેટલી છે, તે પૈકી પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા લગભગ સરખી છે. અહીં કપાસ અને રૂનું મોટું કેન્દ્ર આવેલું છે. માણાવદરમાં 17 જિન, 11 તેલમિલો, સૉલવન્ટનાં 2 કારખાનાં, 6 જિન પ્રેસ, 2 વનસ્પતિ ઘીનાં કારખાનાં, બરફનું કારખાનું, લોટ દળવાની ઘંટી, છાપખાનાં, બેકરી વગેરે આવેલાં છે. અહીં પાંચ પ્રાથમિક શાળાઓ, ત્રણ હાઇસ્કૂલો, એક ખેતીવાડીની શાળા, એક પુસ્તકાલય, આરોગ્યકેન્દ્ર, હૉસ્પિટલ, પોસ્ટ અને તારઑફિસની સગવડ છે. માણાવદર જૂનાગઢ–સરાડિયા રેલવેનું સ્ટેશન છે. અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું મંદિર, વૈષ્ણવ હવેલી, ત્ર્યંબકેશ્વર મહાદેવ અને હાટકેશ્વર મહાદેવનાં મંદિરો તથા મયારામ ભટ અને રામાનંદ સ્વામીના મિલનસ્થળે આવેલું નાનું મંદિર છે.

માણાવદરનું દેશી રાજ્ય જૂનાગઢના નવાબ બહાદુરખાનના ભાઈ દિલેરખાને સ્થાપ્યું હતું. છેલ્લા રાજવી મોઇયુદ્દીનખાન હતા. તેમને ફૂટબૉલ, હૉકી વગેરે રમતોમાં ખૂબ રસ હતો. 1948માં આઝાદી બાદ તેઓ અહીંથી સ્થળાંતર કરી પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. માણાવદરનું દેશી રાજ્ય આઝાદી પૂર્વે સરકારને વાર્ષિક રૂપિયા 14,821 ખંડણી પેટે આપતું હતું. રાજવી બાબી વંશના હતા. આ દેશી રાજ્યમાં 22 ગામો હતાં.

શિવપ્રસાદ રાજગોર