માણિકરાવ (જ. 1876; અ. 1954) : ગુજરાતના વ્યાયામવીર અને વ્યાયામપ્રચારક. વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ‘માણિકરાવજી’ના નામે મશહૂર બનેલા વ્યાયામવીરનું આખું નામ ગજાનન યશવંત માણિકરાવ હતું. માણિકરાવને નાનપણથી જ વડોદરાના નામી પહેલવાન જુમ્માદાદાના અખાડાની લગની લાગી હતી અને જુમ્માદાદા ઝંખતા હતા તેવો સુયોગ્ય શિષ્ય તેમને માણિકરાવમાં મળી ગયો. શીખવાની ધગશ કેટલી તીવ્ર હતી તેની પ્રતીતિ માણિકરાવનું મકાન વડોદરામાં જુમ્માદાદાના અખાડાથી આઠ કિમી.ના અંતરે હોવા છતાં માણિકરાવ રોજ વહેલી સવારે સમયસર અખાડામાં હાજર થઈ જતા – એ ઘટનામાંથી મળી રહે છે. જુમ્માદાદાએ માણિકરાવને મલખમ શીખવાનું કહ્યું એ જ દિવસથી પોતાની રહેવાની જગાએથી તે રોજ ખભા પર મલખમ લઈને આવતા અને રોપી તેના પર કામ કરતા અને જતાં તેને પાછો ખાંધ પર લઈ જતા. શિક્ષણ મેળવવા માટેની આવી વિરલ તાલાવેલી અને ધીરજ તેમનામાં હતી.

માણિકરાવ આજીવન બ્રહ્મચારી રહ્યા હતા. તેઓ વ્યાયામપ્રવૃત્તિને જ વરેલા હતા. દંડ, બેઠક, કુસ્તી, મલખમ, ફરીગદગા, લઠ્ઠ, બનેટ, લાઠી, કાઠી, ભાલા, જમૈયા, તલવાર વગેરે દેશી વ્યાયામપ્રકારોની ઉત્તમ તાલીમ માણિકરાવે તેમના ઉસ્તાદ પાસેથી મેળવી હતી. પરિણામે માણિકરાવને શરીરવિકાસ, અંગબળ તથા સ્વરક્ષણની કળામાં દેશી વ્યાયામની ખૂબીઓ કેવી ઉપયોગી છે તે સ્પષ્ટ સમજાયું હતું. તે જમાનામાં જૂની પદ્ધતિએ ચાલતા અખાડાઓમાં મનને આનંદ આપે તથા યુવાનોને આકર્ષે તેવા કાર્યક્રમો હતા નહિ; પરિણામે માણિકરાવના દિલમાં દેશી વ્યાયામનો પ્રચાર કરવાની જોરદાર ભાવના પેદા થઈ અને તેઓ ભારતીય વ્યાયામપ્રચારના આજીવન ભેખધારી બની ગયા. તેમણે દેશી વ્યાયામને આકર્ષક બનાવવાના હેતુથી તેને કવાયત અથવા સંઘરૂપમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો; એટલું જ નહિ, તેવા સંઘવ્યાયામ માટેના આદેશોના શબ્દોની યોજના પણ કરી. આમ દેશી વ્યાયામપ્રકારોને અનુલક્ષીને સંઘવ્યાયામની યોજના કરનારાઓમાં તેઓ પ્રથમ હતા. માણિકરાવની વ્યાયામપદ્ધતિ કડક શિસ્તપાલન, સંકટ સમયે રાજ્ય અને પ્રજાની સેવા કરવાનો આદર્શ શિષ્યોમાં ર્દઢ થાય એ પ્રકારની હતી.

માણિકરાવ

વડોદરામાં શિવાજી રોડ પર શીર્કેના વાડામાં આવેલી જુમ્માદાદાની આ સાદી વ્યાયામશાળામાં માણિકરાવે 1900ની સાલ સુધી કામ કર્યું. તેઓ જુમ્માદાદાના પટ્ટશિષ્ય હતા અને વ્યાયામશાળાની સમગ્ર વ્યવસ્થા તેમના હાથમાં હતી. 1900ના અરસામાં આ વ્યાયામશાળાને નજીકની વિશાળ જગામાં ખસેડવામાં આવી. શરૂઆતમાં ‘નેટિવ જિમ્નૅસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ’ એ નામથી તે ઓળખાતી. 1904માં જુમ્માદાદાના અવસાન બાદ તેમના સ્મરણાર્થે તે ‘જુમ્માદાદા વ્યાયામશાળા’ના નામથી ઓળખાવા લાગી.

માણિકરાવે શ્રીમંત સયાજીરાવની ઇચ્છાનુસાર વિવિધ કવાયતના હિંદી આદેશો સાથેનું બોધપત્ર તૈયાર કર્યું. આ પછી 12 વર્ષ સુધી શીર્કેના વાડામાં રહ્યા બાદ વિઠ્ઠલગઢના અધિપતિ વિજયસિંહજીએ પોતાની જમીન જુમ્માદાદા વ્યાયામશાળાને ઉપયોગ માટે ભેટ આપી એટલે અહીં વિઠ્ઠલ ક્રીડામંદિર નામથી ઓળખાતી આજની વ્યાયામશાળા બાંધવામાં આવી અને જુમ્માદાદા વ્યાયામશાળાનું વિઠ્ઠલ ક્રીડામંદિરમાં સ્થાનાંતર કરવામાં આવ્યું.

આજે દેશનાં ઘણાં શહેરોમાં આ સંસ્થાએ તૈયાર કરેલા શિષ્યોના કેટલાક અખાડા ચાલે છે. માણિકરાવના જીવન દરમિયાન 40,000થી વધારે યુવાનોએ આ સંસ્થાનો લાભ લીધો હતો.

ચિનુભાઈ શાહ