માંડવી : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 20´ પૂ. રે.. આજુબાજુનો 1,42,538 હેક્ટર વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નખત્રાણા, ઈશાનમાં ભુજ, પૂર્વમાં મુંદ્રા, પશ્ચિમે અબડાસા તાલુકાઓ તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે. તાલુકામાં માંડવી શહેર ઉપરાંત 91 ગામો આવેલાં છે. 2012 મુજબ આ તાલુકાની વસ્તી 1,70,573 જેટલી છે.

માંડવી તાલુકાનું માંડવી શહેર દરિયાકિનારાથી 1.6 કિમી. દૂર આવેલું છે. અહીંનું મે માસનું મહત્તમ અને લઘુતમ સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 32.7° સે. અને 26.2° સે. તથા જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ સરેરાશ દૈનિક તાપમાન 25.6° સે. અને 14.2° સે. રહે છે. દરિયો નજીક હોવાથી આબોહવા સમધાત રહે છે. અહીં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ 407 મિમી. જેટલો વરસાદ પડે છે. દરિયાકિનારા નજીક રેતીના ઢૂવા જોવા મળે છે. સમુદ્રનાં મોજાંને કારણે જમીનનું ધોવાણ અટકાવવા જયકૃષ્ણ ઇન્દ્રજીએ વેલનું વાવેતર કરાવ્યું હતું. દરિયાકિનારા નજીક ખાડીસરોવર (લગૂન) પ્રકારનાં દરિયાઈ પાણીનાં તળાવો અને ખાડીઓ ક્યાંક ક્યાંક જોવા મળે છે. તાલુકાની જમીનો મુખ્યત્વે સપાટ છે. ભૂમિઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો હોવાથી નાની નદીઓ અને ઝરણાં  દક્ષિણાભિમુખ વહીને અરબી સમુદ્રને મળે છે. આ તાલુકાની રુક્માવતી નદી ભુજ તાલુકાના ચાડવાની ટેકરીમાંથી નીકળે છે. ખોજાચોરા, રામપર, વેકરા, કોડાઈ અને માંડવી આ નદીને કાંઠે આવેલાં છે. આ નદી પર માંડવી નજીક વિજયસાગર બંધ બાંધવામાં આવ્યો છે.

તાલુકાની કુલ ભૂમિ પૈકી 64,130 હેક્ટર ભૂમિ ખેતીને લાયક છે. 4,534 હેક્ટર જેટલી જંગલભૂમિમાં બોરડી, બાવળ, ગાંડો બાવળ જેવાં કાંટાવાળાં વૃક્ષો આવેલાં છે. 37,360 હેક્ટર જમીન ઉજ્જડ છે. 10,900 હેક્ટર જમીનમાં ગૌચર આવેલાં છે. 5,239 હેક્ટર જમીન અન્ય ઉપયોગમાં લેવાય છે. 20,000 હેક્ટર જેટલી જમીન પડતર રહે છે, જ્યારે 46,330 જમીન વાવેતર હેઠળ લેવામાં આવેલી છે. તે પૈકી આશરે 30,000 હેક્ટર જમીનમાં ખાદ્ય પાકોનું વાવેતર કરવામાં આવે છે, જોકે વરસાદની વધઘટને કારણે વાવેતરની જમીનમાં વધઘટ થતી રહે છે. ઘઉં, જુવાર, બાજરી અને મગ અહીંના મુખ્ય ખાદ્ય પાક છે. કળથી, શેરડી, કપાસ, મગફળી, તલ, એરંડા અને ઘાસ રોકડિયા પાક તરીકે લેવાય છે. આ તાલુકામાં 117 કિમી.ની નહેરો અને 12 જેટલા પાતાળકૂવા છે. કૂવાઓથી પણ સિંચાઈ કરવામાં આવે છે. વરસાદની અનિયમિતતાને કારણે હેક્ટરદીઠ પાકના ઉત્પાદનમાં વધઘટ રહ્યા કરે છે.

આ તાલુકાનાં મુખ્ય પશુઓમાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં અને બકરાંનો સમાવેશ થાય છે. ઘોડા, ઊંટ અને ગધેડાંની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. અહીં મરઘાંઉછેર પણ થાય છે.

તાલુકાના મોટાભાગના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન છે. દરિયાકિનારે મચ્છીમારી થાય છે. તાલુકામાં તેમજ માંડવીમાં બાંધણી અને ભરતકામનો ગૃહ-ઉદ્યોગ વિકસ્યો છે. આ કામમાં ખત્રી, મોચી, રબારી તેમજ  અન્ય વર્ણના લોકો રોકાયેલા છે. અહીં વહાણો બાંધવાનો ઉદ્યોગ ઘણા જૂના વખતથી ચાલે છે. મુખ્યત્વે કોટિયા પ્રકારનાં વહાણો બાંધવામાં આવે છે. સિમેન્ટના પાઇપ તથા હાથવણાટના કાપડનો લઘુઉદ્યોગ પણ વિકસ્યો છે. ખનિજોમાં રેતી, ચિરોડી, બૉક્સાઇટ અને મીઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગમાટી, ચિનાઈ માટી અને રંગીન માટી પણ મળે છે.

તાલુકાનાં બધાં ગામડાંનું વીજળીકરણ થયું છે. માંડવી ઉપરાંત તાલુકાનાં ગામોમાં વાણિજ્ય-બૅંકોની શાખાઓ છે. આ ઉપરાંત સહકારી બૅંકો પણ છે. તાલુકામાં કુલ 653 કિમી.ના (પાકા અને કાચા) રસ્તા છે. આ તાલુકામાં રેલસુવિધા નથી. લખપતથી ઉમરગામ સુધીનો, મુંબઈને જોડતો કંઠાર-ધોરી માર્ગ માંડવી નજીકથી પસાર થાય છે. તાલુકામાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળા છે. અન્ય શિક્ષણસંસ્થાઓ માંડવી ખાતે છે.

માંડવી મધ્યમ કક્ષાનું બંદર છે. ભૂતકાળમાં પૂર્વ આફ્રિકા, ઈરાની અખાતના દેશો, મુંબઈ અને મલબાર સાથે તેનો બહોળો વેપાર હતો. જમીનમાર્ગે પણ રાજસ્થાન, માળવા અને ઉત્તર ગુજરાત સાથે તેનો વેપાર ચાલતો હતો. રેલવે થતાં તેમજ કરાંચી અને કંડલા બંદરોના ઉદયને કારણે તેમાં ઓટ આવી છે. ચોમાસા દરમિયાન અહીં સ્ટીમરો આવતી નથી.

શહેર : માંડવી તાલુકાનું મુખ્ય મથક. ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 21´ પૂ.રે. પર રુક્માવતીના કાંઠે આવેલું છે. ‘માંડવી’નો અર્થ જકાતનાકું થાય છે. જૈન પ્રબંધોમાં તેનો ‘રિયાણપત્તન’ તરીકે ઉલ્લેખ છે. તે ‘રાયપુર’ પણ કહેવાતું હતું. 1580માં રાવ ખેંગારજીના સમયમાં તેની સ્થાપના થઈ હતી. નગર ઠઠ્ઠાથી આવેલા ભાટિયા વેપારી ટોપણશાહનો તેના વિકાસમાં મહત્વનો ફાળો હતો. સ્ત્રીઓ અને પુરુષોનું પ્રમાણ સરખું છે. શહેરનું સાક્ષરતાનું પ્રમાણ લગભગ 60 % જેટલું છે.

માંડવીમાં તેલ-મિલ, કાપડ-મિલ, પ્રેસ, વિલાયતી નળિયાં અને લાદીનું કારખાનું, મીઠાનું કારખાનું તેમજ બીજાં કેટલાંક લઘુઉદ્યોગનાં કારખાનાં આવેલાં છે. અહીંના જહાજવાડામાં લાકડાનાં વહાણો બંધાય છે. શહેરમાં વાણિજ્ય-બૅંકની શાખાઓ અને સહકારી બૅંક છે. આસપાસનાં ગામો માટે તે ખરીદ-વેચાણનું મુખ્ય મથક છે. અહીં તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ છે. તે ખેડૂતોને ધિરાણ કરે છે અને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ ખેતીનાં સાધનો પૂરાં પાડે છે.

આ શહેરમાં આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, બાલમંદિરો, પુસ્તકાલયો, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો અને બહેરાં-મૂંગાં માટેની શાળા આવેલાં છે. શહેરના કાચા-પાકા રસ્તા નગરપાલિકા હસ્તક છે.

અહીં રાવ ખેંગારજી પહેલાના સમયમાં 1574માં ટોપણશાહે બંધાવેલા સુંદરવરના વૈષ્ણવ મંદિરનો 1627માં સુંદરજી શિવજીએ જીર્ણોદ્ધાર કરાવેલો. તે મંદિર ઉપરાંત વાઘેશ્વરીની મૂર્તિ સહિતનું રાણેશ્વરનું શિવમંદિર, રણછોડજીનું બે માળનું મંદિર, સ્વામિનારાયણનું જીર્ણોદ્ધાર કરાયેલું પ્રાચીન મંદિર, પ્રસાદીનો કૂવો, 1605માં બંધાયેલી જુમા મસ્જિદ, 1608માં બંધાયેલી કાજીવાળી મસ્જિદ, 1741–60 દરમિયાન રાવ લખપતે બંધાવેલ ત્રણ મજલાનો મહેલ, કિલ્લો તથા દીવાદાંડી જોવાલાયક સ્થળો છે.

માંડવીનો વૈયક્તિક સંદર્ભ પણ ઘણો મહત્વનો છે. બે રાષ્ટ્રીય કક્ષાના ગુજરાતીઓનાં નામ આ માંડવી સ્થળ સાથે જોડાયેલાં છે. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા તેમાંનું એક નામ છે. 1930માં જિનીવા ખાતે છેલ્લા શ્વાસ લીધા તે ભારતના સપૂત અને અનોખા ક્રાંતિવીરનું આ જન્મસ્થળ છે. 73 વર્ષ પછી સપ્ટેમ્બર, 2003માં તેમનો અસ્થિકુંભ જિનીવાથી માંડવી લાવવામાં આવ્યો હતો. એથી ગુજરાતમાં સ્વાતંત્ર્યના ક્રાંતિવીરનું નવું યાત્રાધામ રચાયું. ત્યાં શ્યામજી રાષ્ટ્રીય સ્મારક રચીને ડિસેમ્બર, 2010માં તેનું લોકાર્પણ થયું. 55 એકર વિસ્તારમાં 6 કરોડના ખર્ચે તેની રચના થઈ, જેમાં તેમની પ્રતિમા ઉપરાંત લંડનના ‘ઇન્ડિયા હાઉસ’ની પ્રતિકૃતિ રચવામાં આવી છે. આ ‘ઇન્ડિયા હાઉસ’ ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી નામથી પણ આ ક્રાંતિવીરની સ્મૃતિને ચિરંજીવી બનાવવામાં આવી છે.

શ્યામજી કૃષ્ણવર્મા રાષ્ટ્રીય સ્મારક

માંડવીના બીજા એક ગુજરાતી રાષ્ટ્રીય નેતા છે અર્થશાસ્ત્રી પ્રો. કે. ટી. શાહ. તેમની પુણ્યસ્મૃતિ પણ આ સ્થળ સાથે જોડાયેલી છે. તેઓ ભારતની બંધારણ સભાના સક્રિય સભ્ય હતા. સ્વતંત્ર ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઘડવૈયાઓ પૈકીના એક હતા. પ્રથમ ગોળમેજી પરિષદમાં ભારતના રાજવીઓના મંડળ વતી આર્થિક સલાહકાર તરીકે તેઓ લંડનમાં હાજર રહ્યા હતા. તેમની પ્રતિભા પારખીને ગાંધીજીએ તેમને બીજી ગોળમેજી પરિષદ મંડળમાં સામેલ કર્યા હતા. ભારતના આર્થિક આયોજનની રૂપરેખા તેમણે એકલે હાથે તૈયાર કરી હતી. અર્થશાસ્ત્ર, રાજ્યવહીવટ, ઇતિહાસ, પત્રકારત્વ અને સાહિત્ય જેવાં વિવિધ ક્ષેત્રોમાં તેઓ ઊંડાં રસ-રુચિ ધરાવતા હતા.

આ બે રાષ્ટ્રીય પ્રતિભાઓ ઉપરાંત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી, ગુજરાતી સાહિત્યના અગ્રણી વાર્તાકાર જયંત ખત્રી અને ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યપ્રધાન સુરેશચંદ્ર મહેતા – આ સૌ માંડવીના સપૂતો હતા.

શિવપ્રસાદ રાજગોર

રક્ષા મ. વ્યાસ