મહેતા, ઇલા આરબ (જ. 16 જૂન 1938, મુંબઈ) : ગુજરાતી મહિલા નવલકથાકાર અને વાર્તાકાર. પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી. એમના વ્યવસાયનું સ્થળ મુંબઈ. વતન જામનગર. 1958માં ગુજરાતી વિષય સાથે બી. એ. 1960માં એ જ વિષયમાં એમ.એ. 1960થી 1967 સુધી રુઇયા કૉલેજ અને 1970થી નિવૃત્તિ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં અધ્યાપક તરીકે કામગીરી. પિતાનો લેખનનો વારસો મેળવી ગુજરાતી સાહિત્યને સુંદર નવલકથાઓ અને વાર્તાસંગ્રહો આપ્યાં છે. ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, રમણલાલ વ. દેસાઈ જેવા સાહિત્યકારોની કૃતિઓનું આકંઠ પાન કરેલું. ભાવકને કથાપ્રવાહમાં ખેંચી રાખે તેવી સાંપ્રત સમયની વિચારધારાને સાંકળતી વાર્તાઓ અને નવલકથાઓ તેમણે આપી. નવલકથા-નવલિકાસંગ્રહ મળી તેમની પાસેથી લગભગ વીસેક કૃતિઓ મળી છે. ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’ (1966), ‘થીજેલો આકાર’ (1970), ‘રાધા’ (1972), ‘એક હતા દીવાનબહાદુર’ (1976), ‘આવતી કાલનો સૂરજ’ (1979), ‘અને મૃત્યુ’ (1982), ‘બત્રીસ પૂતળીની વેદના’ (1982), ‘દરિયાનો માણસ’ (1985), ‘વસંત છલકે’ (1987), ‘પરપોટાની પાંખ’ (1988), ‘પાંચ પગલાં પૃથ્વી પર’ (1995), ‘ધી ન્યૂ લાઈફ’ (2004), ‘ઝીલીમેં કૂંપળ હથેળીમાં’ (2007), ‘વાડ’ (2009) વગેરે તેમની નવલકથાઓ છે. એમાંની ‘રાધા’ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ‘પરપોટાની પાંખ’ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કારાયેલી કૃતિઓ છે. તેમની પાસેથી ‘એક સિગારેટ, એક ધૂપસળી’ (1981) અને ‘વિયેના વુડ્ઝ’ (1989) જેવા વાર્તાસંગ્રહો પણ મળ્યા છે. આ બંને સંગ્રહો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે.
તેમનાં નાનાં બહેન વર્ષા અડાલજા પણ ગુજરાતી સાહિત્યનાં એક ગણનાપાત્ર નવલકથાકાર અને વાર્તાકાર છે. ‘વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1991) એ તેમનું સંપાદન છે. ગુજરાતી સાહિત્યની સત્વશીલ લેખિકાઓમાં તેમનું સ્થાન-માન છે.
શ્રદ્ધા ત્રિવેદી